પુરુષલાડકી

ભારતની વીરાંગનાઓ : પ્રથમ પ્રોફેશનલ સાડી ડ્રેપર ડોલી જૈન

-ટીના દોશી

તમને સાડી પહેરતાં કેટલી વાર લાગે… કોઈ પણ સ્ત્રીને પૂછશો તો જવાબ મળશે : પાંચ સાત મિનિટથી લઈને દસેક મિનિટ તો લાગે. પરંતુ ડોલી જૈન માત્ર 18.5 સેક્ધડમાં સાડી પહેરી શકે છે અને પહેરાવી પણ શકે છે !

ડોલી જૈન ભારતની પહેલી પ્રોફેશનલ સાડી ડ્રેપર એટલે કે સાડી પહેરાવનાર છે. ડોલીએ દુનિયામાં સૌથી ઝડપથી સાડી પહેરાવનાર તરીકેનો અને સૌથી વધુ પ્રકારે સાડી પહેરાવી શકવાનો વિક્રમ સર્જ્યો છે. ડોલી 325 પ્રકારે સાડી પહેરાવી શકે છે. રાત્રે અગિયાર વાગ્યાથી સવારે ત્રણ વાગ્યા સુધી મેનીક્વીનને અલગ અલગ રીતે સાડી પહેરાવીને ડોલી ત્રણસો પચીસ પ્રકારે સાડી પહેરાવતાં શીખી ગઈ. આ કળાએ ડોલીને લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સ, એશિયા બુક ઓફ રેકોર્ડ્સ અને ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન અપાવ્યું છે. પ્રોફેશનલ સાડી ડ્રેપર તરીકે પહેલી સાડી પહેરાવવા માટે અઢીસો રૂપિયા મેળવનાર ડોલી આજના દિવસમાં સાડી પહેરાવવાના 35,000 રૂપિયાથી માંડીને બે લાખ રૂપિયા સુધીનો ચાર્જ વસૂલે છે. ડોલીના ગ્રાહકોમાં નીતા અંબાણી તથા એમની બંને પુત્રવધૂઓ શ્ર્લોકા અને રાધિકાથી લઈને બોલિવૂડની રેખા, હેમા માલિની, પ્રિયંકા ચોપરા, દીપિકા પાદુકોણ, કેટરીના કૈફ, સોનમ કપૂર અને આલિયા ભટ્ટ સહિતની અદાકારાઓ સામેલ છે.

સેલિબ્રિટીઓને સાડી પહેરાવતી ડોલી ખુદ સેલિબ્રિટી બની ગઈ. પહેલી સાડી ડ્રેપર બની ગઈ, પણ એક સમયે એને સાડી પહેરવી જરાય પસંદ નહોતું. એટલું જ નહીં, સાડી માટે એને ભારોભાર નફરત હતી. એક મુલાકાતમાં ડોલીએ કહેલું : ‘મારી મમ્મી હંમેશાં સાડી જ પહેરતી. એ માત્ર પાંચ જ મિનિટમાં સાડી પહેરી લેતી.જોકે અમારો પરિવાર બેંગલૂરુથી કોલકાતા આવીને વસ્યો ત્યારે અમારી પરિચિત મહિલાઓ સલવાર સૂટ પહેરવા લાગેલી. અને મારી મમ્મીએ પણ સલવાર કમીજ પહેરવાનું શરૂૂ કરી દીધેલું. જોકે મમ્મીને સાડી પસંદ તો હતી. પણ મને સાડી જરાય પસંદ નહોતી. હું સાડીને પણ ક્યારેક પ્રેમ કરીશ એવું મને લાગ્યું નહોતું.’

નસીબના ખેલ નિરાળા હોય છે. બેંગલૂરુમાં ઉછરેલી અને માત્ર સાતમા ધોરણ સુધી ભણી શકેલી ડોલી લગ્ન પહેલાં કાયમ જીન્સ, ટીશર્ટ ને સ્કર્ટ જેવા વેસ્ટર્ન ડ્રેસ પહેરતી. કેટલીક મુશ્કેલીઓને પગલે એણે ભણતર છોડવું પડેલું. ડોલીએ કહેલું : ‘કેટલીક પરિસ્થિતિઓ એવી હોય છે જે ભગવાન તમારે માટે બનાવે છે. ભણ્યા વિના પણ હું આજે આ મુકામ પર છું. હું ઈશ્વરની આભારી છું કે એમણે મને શરૂઆતથી જ મુશ્કેલીભર્યું જીવન આપીને મને તૈયાર કરી દીધી. કહે છે ને કે સોનાએ તપવું પડે છે. એ સમય મારા તપવાનો હતો.’

ડોલી નામના સોનાએ લગ્ન થયાં ત્યાં સુધી તપવું પડ્યું. એ પછી એના જીવનમાં નિખાર આવવાનું શરૂ થયું. પિયરમાં પશ્ચિમી પોશાક પહેરતી ડોલીનું જીવન જ બદલાઈ ગયું. ડોલીના કહેવા પ્રમાણે, ‘મારાં લગ્ન એવા પરિવારમાં થયાં જ્યાં મને માત્ર સાડી પહેરવાની છૂટ હતી. કુર્તો, ડેનિમ કે ડ્રેસ પહેરવાની જરાય છૂટ નહોતી. મારાં સાસુએ સાડી પહેરવાની શરત મૂકેલી. એથી નાછૂટકે મારે સાડી પહેરવી પડતી. જોકે મને સાડી પહેરવામાં ખૂબ સમય લાગતો. હું મારાં સાસુને મને ડ્રેસ પહેરવાની મંજૂરી આપે એ માટે ખૂબ સમજાવતી, પણ એ ન માન્યાં. સાડી પહેરતાં હું કંટાળી જતી. કારણ કે મને સાડી પહેરતાં પિસ્તાળીસ મિનિટથી એક કલાક જેટલો સમય લાગતો. એથી સાડી પહેરવા મારે સવારે વહેલા ઊઠવું પડતું. હું રોજ વિચારતી કે આજે સાસુમાને ડ્રેસ પહેરવા માટે પટાવી લઈશ, પણ એ ન જ માન્યાં. એથી મારે ફરજિયાત સાડી જ પહેરવી પડતી. જોકે ધીમે ધીમે મને સાડી પહેરવાની ફાવટ આવતી ગઈ. ત્યાર બાદ મારાં સાસુએ મને ડ્રેસ પહેરવાની મંજૂરી આપી, પણ ત્યાં સુધીમાં હું સાડીના પ્રેમમાં પડી ગયેલી. એથી સાડી જ પહેરતી..’

Read This…એકસ્ટ્રા અફેર : પાકિસ્તાનમાં બલોચ પ્રજાની આઝાદીની લડાઈ વૈશ્વિક સ્તરે ચમકી

ડોલી સાડી પહેરતી, પણ સાડી ડ્રેપર બનવાનું તો સ્વપ્નેય વિચાર્યું નહોતું. પણ નસીબમાં લખેલું તો થઈને જ રહે છે. ડોલીના સાડી ડ્રેપર બનવાનું નિમિત્ત બની અભિનેત્રી શ્રીદેવી. ડોલીએ પહેલી વાર શ્રીદેવીને સાડી પહેરાવેલી. એ અંગે વાત કરતાં સાત ધોરણ સુધી ભણેલી ડોલીએ કહેલું કે, ‘મારા મામા મુંબઈમાં રહેતા. એ જે ઈમારતમાં રહેતા, એમાં જ ફિલ્મ અભિનેત્રી શ્રીદેવી પણ રહેતાં. એક વાર હું મામાને ઘેર ગયેલી. એ જ દિવસે શ્રીદેવીને ઘેર પાર્ટી હતી. એમણે અમને પણ પાર્ટીમાં આવવાનું આમંત્રણ આપેલું. પાર્ટીમાં શ્રીદેવીની સાડી પર કાંઈક પડી ગયું. એથી એ સાડી બદલવા અંદરના કમરામાં ગયાં. હું એમની પાછળ કમરામાં પહોંચી. સાડી પહેરવામાં એમની મદદ કરવા લાગી. હું એમને સાડી પહેરાવતી હતી ત્યારે એ મને ધ્યાનથી જોઈ રહેલાં. શ્રીદેવીએ મારો હાથ પકડીને કહ્યું કે, હું આટલાં વર્ષોથી સાડી પહેરતી આવી છું, બાળપણથી જ હું સિનેજગતમાં છું અને મેં લાંબી મજલ કાપી છે, પરંતુ મેં આજ સુધી આટલી ઝડપથી અને આટલી સરસ રીતે સાડી પહેરાવતાં કોઈને જોયું નથી. તારે તો સાડી ડ્રેપિંગને જ તારો વ્યવસાય બનાવવો જોઈએ. કારણ કે સાડી તારી આંગળીઓમાં ચંચળ, રમતિયાળ અને કહ્યાગરી બની જાય છે !’ શ્રીદેવીની સલાહને પગલે ડોલી પ્રથમ પ્રોફેશનલ સાડી ડ્રેપર
બની ગઈ!

ડોલી પોતાની સફળતાનો શ્રેય શ્રીદેવીને આપે છે. એણે કહેલું કે: ‘એક કલાકાર હોય છે અને એક કલાને ઓળખનારો હોય છે. કલાની પરખ કરનાર કલાકારથી પણ ઊંચો દરજજો મેળવે છે. મારી નજરમાં એ કલાપારખુ શ્રીદેવી છે !’

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button