પ્રથમ મહિલા પદ્મવિભૂષણ: જાનકીદેવી બજાજ

ભારતની વીરાંગનાઓ -ટીના દોશી
સૂર્યપ્રકાશમાં ચાંદનીની રોશની છુપાઈ જાય એમ સમાજમાં નામના ધરાવતા પતિના નામ હેઠળ પત્ની ઢંકાઈ જતી હોય છે, પણ એવા પણ કેટલાક દંપતી જોવા મળે છે જેમાં પતિપત્ની બન્નેની આગવી ઓળખ હોય છે ને બન્ને એકસમાન ઝળહળે છે !
જમનાલાલ બજાજ અને જાનકીદેવી બજાજ….ઉદ્યોગપતિ પરિવાર, સાધનસમૃદ્ધિ, અપાર વૈભવ ને લખલૂટ ધનદોલત. ગાંધીજીથી પ્રભાવિત થઈને જમનાલાલ અને જાનકીદેવીએ આ સર્વનો ત્યાગ કરીને સાદગીભર્યું જીવન અપનાવી લીધેલું. પતિને પગલે જાનકીદેવી આઝાદીના આંદોલનમાં અને સામાજિક કાર્યોમાં સક્રિય થયેલાં. ગાંધીવાદી જીવનશૈલીનાં કટ્ટર સમર્થક અને સ્વાતંત્ર્ય સેનાની જાનકી દેવી બજાજ પ્રથમ મહિલા પદ્મવિભૂષણ હતાં. જાનકી દેવીએ કરેલા સામાજિક યોગદાનને પગલે ભારત સરકારે તેમને 1956માં દેશના બીજા સર્વોચ્ચ સન્માન પદ્મવિભૂષણથી પુરસ્કૃત કર્યાં હતાં. સવિનય કાનૂન ભંગ ચળવળમાં સહભાગી થવાને કારણે 1932માં એમણે જેલવાસ વેઠવો પડેલો. કુટિર ઉદ્યોગના માધ્યમથી તેમણે ગ્રામીણ વિકાસમાં ખાસ્સો સહયોગ કરેલો. જાનકીદેવીએ ‘મેરી જીવનયાત્રા’ નામે આત્મકથા લખેલી.
જાનકીદેવીનો જન્મ 7 જાન્યુઆરી 1893ના રોજ મધ્ય પ્રદેશના જાવરાના સાધન સંપન્ન વૈષ્ણવ મારવાડી પરિવારમાં થયેલો. મૃત્યુ 21 મે 1979. જાનકીદેવી દાની, મિતભાષી અને દયાળુ હતાં. માત્ર આઠ વર્ષની ઉંમરે જાનકીદેવીના વિવાહ સમૃદ્ધ બજાજ પરિવારના જમનાલાલ સાથે થયાં. 1902માં જાનકીદેવી જમનાલાલ બજાજ સાથે મહારાષ્ટ્ર સ્થિત વર્ધા ગયાં. જમનાલાલના કહેવાથી જાનકીદેવીએ સામાજિક વૈભવ અને કુલીનતાના પ્રતીકસમી પરદાપ્રથાનો ત્યાગ કરી દીધેલો. અન્ય મહિલાઓને પણ પરદા પ્રથાનો ત્યાગ કરવા પ્રોત્સાહિત કરી. એ અંગે જાનકીદેવીએ લખ્યું છે કે, ‘મને ઘૂંઘટ કરવાથી મુક્તિ મળી, તો તો મને બીજી બહેનોને પણ ઘૂંઘટમુક્ત કરવાની ચાનક ચડી. કેટલીયે બહેનોને સભાઓમાં હું ઘૂંઘટ ઉતરાવીને રીતસર મંચ પર ખેંચી જતી. જ્યાં જ્યાં હું જતી, આ જ મારું કામ થઈ ગયું…. હું માનું છું કે પરદાનો ત્યાગ કરવો સાહસનું કામ છે. એનાથી દિલ ને દિમાગ ખૂલી જાય છે. કામ કરવાની હિંમત વધી જાય છે.’
જાનકીદેવીના સાહસથી બહેનોમાં પણ હિંમત આવી. પરિણામે 1919ના અરસામાં ઘરની બહાર પગ ન મૂકનાર હજારો મહિલાઓએ પરદાને તિલાંજલિ આપી અને આઝાદીની હવામાં શ્વાસ લીધો.
જાનકીદેવી સ્વેચ્છાથી પતિને પગલે ચાલ્યાં અને ત્યાગનો માર્ગ અપનાવી લીધો. પતિના કહેવાથી પોતાનાં સુવર્ણનાં આભૂષણો એમણે દાન કરી દીધેલાં. એ અંગે જાનકીદેવીએ પોતાની આત્મકથામાં લખ્યું છે કે, ‘મારા પતિએ પત્રમાં મને જણાવ્યું હતું કે હું આભૂષણો પહેરવાનું છોડી દઉં. આ વાત એમણે મને રૂબરૂ કહી હોત તો કાદાચ હું દલીલ કરી બેઠી હોત. પણ તેમનો પત્ર મારા માટે વેદવાક્ય જેવો હતો. પત્રનો એક એક શબ્દ મારા માટે આદેશ હતો. પત્ર મારી સામે હતો ને હું એક એક ઘરેણું ઉતારીને મૂકતી જતી હતી… મને કહેવામાં આવેલું કે સોનું કલિનું રૂપ છે. અન્યોમાં ઈર્ષ્યા જન્માવે છે. ખોવાઈ જવાનો ભય અને ચોરી થઈ જવાનો ડર રહે છે. શરીર પર મેલ જામી જાય છે. નાક-કાનમાંથી દુર્ગંધ આવે છે…’
તમામ અલંકાર ઊતરી ગયાં. માત્ર એક ઘરેણું રહી ગયું. પગમાં પહેરતી ચાંદીની કડી. મારવાડી સમાજમાં પ્રત્યેક સ્ત્રીએ પગમાં ચાંદીની કડી પહેરવી જ પડતી. ગરીબમાં ગરીબ સ્ત્રીનાં પગમાં પણ ચાંદીની કડી જોવા મળતી. પણ જાનકીદેવીએ એ કડી પણ કાઢી નાખી.
દરમિયાન, 28 વર્ષની ઉંમરે જાનકીદેવીએ જમનાલાલના કહેવાથી સિલ્કનાં વસ્ત્રો પહેરવાનું છોડ્યું. જમનાલાલે ગાંધીજીનો હવાલો આપીને વસ્ત્રો અંગેની વાત છેડેલી. ગાંધીજીનું કહેવું હતું કે વિલાયતી વસ્ત્રો રાક્ષસના રૂપમાં આપણા દેશમાં ફેલાઈને પડ્યાં છે. આ પાપ દેશમાંથી કાઢવાનું છે. એથી જમનાલાલે જાનકીદેવીને કહેલું કે, આપણા ઘરમાં એક પણ વિલાયતી કપડું ન રહેવું જોઈએ.
જાનકીદેવીએ દલીલ કરતાં કહેલું કે, આ કામ કેવી રીતે થશે. ઘરમાં, દુકાનમાં ને મંદિરમાં, પ્રત્યેક ઠેકાણે વિલાયતી વસ્ત્રો છે. બધાંની સફાઈ કેવી રીતે થશે. એના કરતાં એવું કરીએ કે ગરીબોમાં વસ્ત્રો વહેંચી દઈએ….જમનાલાલે સમજાવટના સૂરમાં કહ્યું કે, આ રીતે તો આપણે આપણું પાપ બીજાને પહેરાવી દઈશું. એનાથી સ્વદેશી આંદોલન માત્ર નબળું જ નહીં પડે, બહિષ્કારનો મૂળ ઉદ્દેશ પણ સમાપ્ત થઈ જશે. પાપ તો સળગાવવાની ચીજ છે. એની વહેંચણી કેવી રીતે થઈ શકે.. વિદેશી વસ્ત્રોની તો હોળી જ થશે. જાનકીદેવી સમજી ગયાં. તેમણે વર્ધામાં સઘળાં વિદેશી વસ્ત્રોની હોળી કરી દીધી. ખાદી ધારણ કરવાનું શરૂ કર્યું. એ પોતે કાંતતાં અને અન્યોને કાંતણ શીખવતાં.
ભારતમાં પહેલી વાર 17 જુલાઈ 1928ના જાનકીદેવી જમનાલાલ બજાજ અને અનુસૂચિત જાતિના લોકો સાથે વર્ધાના લક્ષ્મીનારાયણ મંદિરે પહોંચેલાં. તેમણે મંદિરના દ્વાર સહુ કોઈ માટે ખુલ્લાં મૂકી દીધેલાં. તેમણે મહિલા શિક્ષણને પ્રોત્સાહન આપેલું. વિનોબા ભાવે સાથે ભૂદાન અને ગ્રામદાનનાં આંદોલનોમાં પણ તેઓ જોડાયેલાં. ગૌસેવા માટેના તેમના લગાવને પગલે જાનકી દેવી 1942થી ઘણાં વર્ષો સુધી ‘અખિલ ભારતીય ગૌસેવા સંઘ’નાં અધ્યક્ષા રહેલાં.
1979માં જાનકીદેવીનું મૃત્યુ થયા પછી તેમની સ્મૃતિમાં કેટલાંક પુરસ્કારોનો આરંભ કરાયો. 1980માં જમનાલાલ બજાજ ફાઉન્ડેશન દ્વારા મહિલાઓ અને બાળકોના વિકાસ તથા કલ્યાણ માટે નિ:સ્વાર્થભાવે યોગદાન કરનાર માટે વિશેષ પુરસ્કારની ઘોષણા કરવામાં આવી. જાનકીદેવી બજાજ ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝ, જાનકી દેવી બજાજ ગવર્મેન્ટ પીજી ગર્લ્સ કોલેજ અને બજાજ ઈલેક્ટ્રિકલ્સ દ્વારા ‘જાનકી દેવી બજાજ ગ્રામ વિકાસ સંસ્થાન’ પુરસ્કારની જાહેરાત કરવામાં આવી. 1992-‘93માં ઇન્ડિયન મર્ચન્ટસ ચેમ્બરની મહિલા પાંખ દ્વારા ગ્રામીણ ઉદ્યમીઓ માટે આઇએમસી-લેડીઝ વિંગ જાનકી દેવી બજાજ પુરસ્કારની સ્થાપના કરવામાં આવી. આ પુરસ્કારો થકી જાનકીદેવી બજાજ ભારતીયોના હૃદયમાં જીવંત છે !
આપણ વાંચો: ભારતીય જનતાને આઝાદ ભારતનું સ્વપ્ન દેખાડ્યું