ભારતની પ્રથમ મહિલા ટ્રક ડ્રાઈવર: યોગિતા રઘુવંશી
વકીલાતની ડિગ્રી હતી, પણ જીવનનો પ્રવાહ એવો પલટાયો કે….
ભારતની વીરાંગનાઓ -ટીના દોશી
કોઈ પણ વ્યક્તિ વકીલાતનો અભ્યાસ કરે તો ડિગ્રી અને સનદ મળ્યા પછી વકીલ તરીકે કાર્યરત થાય એ સ્વાભાવિક છે, પણ વકીલાતની ડિગ્રી મળ્યા પછી કોઈ ટ્રક ડ્રાઈવર બને એવું સાંભળ્યું છે?
હા, આવી વ્યક્તિ છે યોગિતા રઘુવંશી… વકીલાતનો અભ્યાસ કર્યા પછી વકીલ જ બનવા ઈચ્છુક હતી, પણ એવા સંજોગો સર્જાયા કે વકીલાત કરવાનું સ્વપ્ન એક કોરાણે મૂકીને એણે ટ્રક ડ્રાઈવર બનવું પડ્યું. યોગિતા ટ્રક ચલાવતાં શીખી અને જાણે- અજાણે એ ભારતની પ્રથમ મહિલા ટ્રક ડ્રાઈવર બની ગઈ.
આ યોગિતા મૂળ મહારાષ્ટ્રના નંદુરબારની. ચાર ભાઈ-બહેન સાથે એનો ઉછેર થયો. વાણિજ્યમાં સ્નાતક થઈ. સ્નાતક થયા પછી યોગિતા નોકરી કરીને પગભર થવા ઈચ્છ્તી હતી, પણ પરિવારની ઈચ્છા એવી હતી કે યોગિતા લગ્ન કરીને ઘર વસાવી લે અને જીવનમાં ઠરીઠામ થઈ જાય. યોગિતા પરણી જાય તો પરિવારના માથેથી ચિંતાનો પહાડ ઊતરી જાય. પોતાનો બોજ હળવો કરવા માટે પરિવારે યોગિતાને લગ્ન કરી લેવા કહ્યું. યોગિતા માની ગઈ. એણે વિરોધ ન કર્યો. આમેય ક્યારેક તો લગ્ન કરવાના જ હતા ને!
યોગિતા પરણવા તૈયાર થઈ ગઈ. પરિવારની ઈચ્છા વિરુદ્ધ યોગિતા કાંઈ જ કરવા માંગતી નહોતી. નોકરી તો બહુ દૂરની વાત હતી. પરિવારે યોગિતા માટે સારો મુરતિયો શોધવાનું શરૂ કર્યું. થોડા જ સમયમાં એક યોગ્ય ઉમેદવાર મળી ગયો. ભોપાલનો રાજબહાદુર રઘુવંશી. વકીલાતનો વ્યવસાય કરતો હતો એ. યોગિતા અને રાજબહાદુરે પરસ્પરને પસંદ કર્યા. વર્ષ ૧૯૯૧માં બન્નેએ પ્રભુતામાં પગલાં પાડ્યાં.
સદભાગ્યે રાજબહાદુર રઘુવંશી જૂનવાણી વિચારધારાનો નહોતો. એ ઈચ્છતો હતો કે પત્ની યોગિતાએ આગળ ભણવું હોય તો જરૂર ભણે. પોતે વકીલ હતો એથી એણે યોગિતાને કાયદાનો અભ્યાસ કરવાનું સૂચન કર્યું. યોગિતાએ દોડવું’તું ને ઢાળ મળ્યો. એણે કાયદાના અભ્યાસ માટે કોલેજમાં પ્રવેશ મેળવ્યો. ભણતાં ભણતાં જ પરિવારનો વિસ્તાર થયો. સંસારની ડાળી પર બે ફૂલ ખીલ્યાં. દીકરી યાશિકા અને દીકરો યશવિન. પરિવાર સંપૂર્ણ થઈ ગયો. ઈશ્ર્વરે સમગ્ર સંસારનું સુખ યોગિતાની ઝોળીમાં ઠાલવી દીધેલું જાણે!
-પણ ન જાણ્યું જાનકીનાથે કે સવારે શું થવાનું છે … કહે છે કે એકસરખા સુખના દા’ડા કોઈના જાતા નથી.. સુખ પછી દુ:ખ એ પ્રકૃતિનો વણલખ્યો નિયમ છે. આ ક્રૂર નિયમ યોગિતાના ઘરને પણ લાગુ પડ્યો. સુખ તો હળવે પગલે આવેલું, પણ દુ:ખ તો વણનોતરી આફતની જેમ ધમધમ કરતુ આવ્યું ને અચાનક માથે તૂટી પડ્યું. યોગિતાએ કાનૂનનો અભ્યાસ પૂરો કરી લીધેલો, પણ અદાલતનો ઉંબરો ચડે એ પહેલાં રાજબહાદુર રઘુવંશીનું ૨૦૦૩માં ઓચિંતું અવસાન થયું. યોગિતા સાગરની મઝધારમાં ફસાયેલી નાવડીની માફક ગોથાં ખાવા માંડી.
બે નાનાં બાળક, કમાણીનું કોઈ સાધન નહીં, સીમિત સંપત્તિ અને પહાડ જેવું જીવન…. કઈ રીતે જીવવું ? યોગિતા સામે અનેક સવાલ વિકરાળ મોઢું ફાડીને ઊભેલા. મરનારની પાછળ મરી તો શકાતું નથી. આયુષ્ય છે એટલું જીવવાનું તો છે જ તો પછી બિચારાબાપડાની જેમ જીવવું કે બહાદુરીથી જીવવું ? જવાબ યોગિતાએ જ શોધવાનો હતો. એણે જેમતેમ પોતાની જાતને સંભાળી. સ્વસ્થતા ધારણ કરી. મુશ્કેલીઓનો મુકાબલો મક્કમતાથી કરવાનો નિર્ણય કર્યો. વકીલાતના વ્યવસાય દ્વારા ઘર ચલાવવાનું વિચાર્યું, પણ વકીલ થવું જેટલું સરળ હતું, વકીલાત કરવી એટલી જ અઘરી હતી. લગાતાર એક વર્ષના પ્રયાસોને અંતે યોગિતાને એક પિટિશન માંડ મળી. નાણાં ન બરાબર જેટલાં… આટલા ઓછા પૈસામાં ઘરખર્ચ કાઢવો શક્ય નહોતું. બાળકોને ભણાવવાનું તો અશક્ય જ હતું.
બાળકોના વ્યવસ્થિત ઉછેર અને ઘરના ખર્ચને પહોંચી વળવા માટે યોગિતા એવાં કામની શોધમાં નીકળી, જેમાં તત્કાળ આવકનો સ્રોત શરૂ થાય. એણે નોકરીની શોધમાં કેટલાયે પગથિયાં ઘસી નાખ્યાં…. પણ પરિણામ શૂન્ય. ઘરની આર્થિક સ્થિતિ વણસતી ચાલી. બાળકોની શાળાની ફી ભરવાની હતી. ઘરના બીજા નાના-મોટા ખર્ચા કાઢવાના હતા, પણ યોગિતાને ક્યાંય કામ મળતું નહોતું.
ચારેબાજુથી ઘેરાયેલી યોગિતા રઘુવંશી માટે બોગદાને છેડે આશાનું એક જ કિરણ હતું. પતિ રાજબહાદુર વકીલાત કરવાની સાથે સાઈડ બિઝનેસ તરીકે ટ્રાન્સપોર્ટનો વ્યવસાય પણ કરતા. યોગિતાએ પણ વકીલાતમાં નાણાં ન મળતા હોવાને કારણે ટ્રાન્સપોર્ટના વ્યવસાયમાં ઝુકાવવાનું નક્કી કર્યું. પરિવારનો સાથ હતો, પણ કેટલાંક સંબંધીએ ટ્રક ડ્રાઈવરોની ખરાબ છબિને કારણે યોગિતાને ટ્રાન્સપોર્ટથી દૂર રહેવાની સલાહ આપી. ટ્રક ડ્રાઈવરોની આસપાસ મહિલાનું રહેવું અસુરક્ષિત ગણાય છે, પણ યોગિતા માટે ટ્રાન્સપોર્ટનો વ્યવસાય ડૂબતાને તરણું સમાન હતો!
પડશે તેવા દેવાશે એવું વિચારીને યોગિતા રઘુવંશીએ ટ્રાન્સપોર્ટના વ્યવસાયમાં ઝંપલાવ્યું. એની પાસે ત્રણ ટ્રક હતી. યોગિતા ઓફિસમાં બેસીને કામ કરતી. ડ્રાઈવરો ટ્રકમાં માલસામાનની હેરફેરનું કામ કરતા.
થોડાક દિવસ બધું સરખું ચાલ્યું. દરમિયાન એક ઘટના બની. માલ લઈને હૈદરાબાદ જઈ રહેલી એક ટ્રકનો અકસ્માત થયો. ડ્રાઈવર ઘટનાસ્થળેથી નાસી છૂટ્યો. યોગિતા રઘુવંશી ઉતાવળે ઉતાવળે હૈદરાબાદ પહોંચી. ટ્રકનું સમારકામ કરાવ્યું અને ટ્રક લઈને ભોપાલ પહોંચી.
અનુભવથી મોટી કોઈ પાઠશાળા નથી… આ ઘટનાને પગલે યોગિતાને સમજાયું કે ગળાકાપ સ્પર્ધામાં ટકી રહેવા માટે એણે પોતે ટ્રકનું સ્ટિયરિંગ સંભાળવું પડશે. યોગિતાએ ટ્રક ડ્રાઈવિંગનું શિક્ષણ લીધું. એ વખતે ઘણા ટ્રક ડ્રાઈવરો યોગિતાની ઠેકડી ઉડાડતા. એ ટ્રક ડ્રાઈવરોને એવું લાગતું કે ટ્રક હાંકવી એ તો પુરુષોનું કામ કહેવાય. યોગિતા એક મહિલા છે એથી ટ્રક ચલાવવાનું એનું કામ નહીં. પણ યોગિતાને માથે બાળકોની જવાબદારી હતી. ટ્રકની ડ્રાઈવિંગ સીટ પર યોગિતા બેસતી ત્યારે માત્ર બાળકોનાં ચહેરા જ એને દેખાતા અને બમણા જોશથી એ ડ્રાઈવિંગ શીખવા લાગતી. આખરે ડ્રાઈવિંગ આવડી ગયું ત્યારે આત્મવિશ્ર્વાસ વધારવા ડ્રાઈવરોની સાથે બેસીને ટ્રક ચલાવવાનો અનુભવ લીધો અને ગણત્રીના મહિનામાં જ યોગિતા એક કુશળ ડ્રાઈવર બની ગઈ.
એ ઘટનાને અંદાજે બાવીસ વર્ષ વીતી ગયાં છે. યોગિતા રઘુવંશી આજે પણ નિયમિત ટ્રક ચલાવીને માલસામાનની હેરફેર કરે છે. ઘણી વાર તો રાતભર જાગીને ટ્રકમાં લાંબી સફર પણ કરે છે યોગિતા. આટલાં વર્ષોમાં યોગિતાની ટ્રકનો કોઈ અકસ્માત થયો નથી. માલની ડિલિવરીમાં ક્યારેય મોડું થયું નથી. એ સફળ બિઝનેસ વુમન છે અને સફળ ટ્રક ડ્રાઈવર પણ…
પોતાની સફળતાનું યોગિતાને ગૌરવ છે પણ ગુમાન નથી. યોગિતાના કહેવા પ્રમાણે, આજે પણ લોકો એવું માને છે કે સ્ત્રીએ માત્ર ઘર અને બાળકને સંભાળવાની જવાબદારી જ નિભાવવાની હોય છે. યોગિતા એ જ તો કરી રહી છે. ઘર સંભાળે છે ને બાળકોને પણ….
એક મુલાકાતમાં યોગિતા રઘુવંશીએ કહેલું કે, હું કોઈ રૂઢિગત વિચારધારાને પડકારવા કે તોડવાના સંકલ્પથી ટ્રક ચલાવતી નથી. હું મારા સંજોગોને પહોંચી વળવા માટે અને મારા બાળકોના સારા ઉછેર માટે સ્ટિયરિંગની પાછળ બેઠી છું. એથી મહેરબાની કરીને એવું ન માનશો કે હું બીજી દુનિયામાંથી આવી છું…. વળી જો સ્ત્રી મોટરગાડી ચલાવી શકે, બસ ચલાવી શકે, રિક્ષા ચલાવી શકે, ટ્રેન ચલાવી શકે અને હવાઈ જહાજ પણ ચલાવી શકે તો હું તો માત્ર ટ્રક ચાલવું છું…. એમાં શું મોટી ધાડ મારી છે?!