લાડકી

ભારતની પ્રથમ મહિલા જાસૂસ: નીરા આર્ય

ભારતની વીરાંગનાઓ -ટીના દોશી

નીરા નામનો એક અર્થ અમૃત થાય અને બીજો અર્થ શુદ્ધ જળ થાય. એ રીતે જોઈએ તો નીરા આર્ય ભારતની આઝાદીના સંઘર્ષમાં અમૃતજળ સાબિત થયેલી… આ નીરા આર્ય નેતાજી સુભાષચંદ્ર બોઝની આઝાદ હિંદ ફોજની અને ભારતની પણ પહેલી મહિલા જાસૂસ હતી !

નીરા આર્ય મૂળ ઉત્તર પ્રદેશના બાગપત જિલ્લાના ખેકડાની. જન્મતારીખ 5 માર્ચ 1902. કહેવાય છે કે સાત વર્ષની ઉંમરે નીરાનાં માતાપિતાનું મૃત્યુ થતાં એ અને એનો ભાઈ બસંત અનાથ બની ગયેલા. એટલે શેઠ છજ્જૂમલે બન્ને ભાઈબહેનને દત્તક લીધેલાં. શેઠ છજ્જૂમલ પ્રતિષ્ઠિત વ્યાપારી હતા. આખા દેશમાં એમનો કારોબાર ફેલાયેલો. કોલકાતા એમના વ્યાપારનું મુખ્ય કેન્દ્ર હતું. પાલક પિતા છજ્જૂમલે નીરાના પ્રારંભિક શિક્ષણનો પ્રબંધ કોલકાતા નજીક ભગવાનપુર ગામમાં કર્યો. પ્રાથમિક શિક્ષક બની ઘોષે નીરાને સંસ્કૃત શીખવ્યું. પછીનું શિક્ષણ કોલકાતા શહેરમાં થયું. જોતજોતામાં નીરા સંસ્કૃત ઉપરાંત બંગાળી, હિંદી, અંગ્રેજી અને અન્ય ભાષાઓમાં પારંગત થઈ ગઈ.

શેઠ છજ્જૂમલ પાલક પિતા હતા, પણ હતા તો પિતા જ. ભણીગણીને ઉંમરલાયક થયેલી નીરાનાં એમણે લગ્ન લીધાં. એ સમયે દેશ પર અંગ્રેજોનું રાજ હતું. એટલે શેઠ છજ્જૂમલે અંગ્રેજના વફાદાર એવા બ્રિટિશ ભારતના સીઆઈડી ઇન્સ્પેક્ટર શ્રીકાંત જયરંજન દાસ સાથે નીરાને પરણાવી. શારીરિક સજોડું, પણ માનસિક કજોડું હતું એમનું. નીરા દેશભક્ત હતી અને શ્રીકાંત અંગ્રેજભક્ત. નીરા દેશને ગુલામીની સાંકળમાંથી મુક્ત કરાવવા માંગતી હતી. શ્રીકાંત દેશને ગુલામીના અજગરી ભરડામાં વધુ ભીંસવા માંગતો હતો.

શ્રીકાંત જયરંજનને એમ હતું કે લગ્ન પછી નીરા આઝાદીના ખ્યાલને મગજમાંથી ખંખેરી કાઢશે અને આદર્શ ભારતીય નારીની જેમ પતિને પગલે ચાલશે. દેશપ્રેમીનું ખોળિયું ઉતારીને બ્રિટિશભક્તિના વાઘા સજશે. પણ નીરાએ લગ્ન પછી પતિની મરજી વિદ્ધ સ્વતંત્રતાના સોહામણા સ્વપનને ખરલમાં ચંદન પીસે એમ ઘૂંટયે રાખ્યું. દરમિયાન, નેતાજી સુભાષચંદ્ર બોઝની આઝાદ હિંદ ફોજના સંપર્કમાં આવી અને રાણી ઝાંસી રેજીમેન્ટનો હિસ્સો બની ગઈ. નીરા આઝાદ હિંદ ફોજની પહેલી મહિલા જાસૂસ બની ગઈ. કહે છે કે સ્વયં નેતાજી સુભાષચંદ્ર બોઝે નીરાને જાસૂસીનું કામ સોંપેલું. નીરા આઝાદ હિંદ ફોજ માટે જાસૂસી કરવા લાગી.

જાસૂસીની શઆત નીરાએ કરી. ત્યાર પછી ત્રણ યુવતીનો જાસૂસ તરીકે ઉમેરો થયો. સરસ્વતી રાજામણિ, માનવતી આર્યા અને દુર્ગા મલ્લ ગોરખા. ચારેય જાસૂસોએ અંગ્રેજ છાવણીમાં તરખાટ મચાવ્યો. અંગ્રેજોની જાસૂસી કરતી વખતે નીરા અને તેની સાથી જાસૂસો પુરૂષોની વેશભૂષા ધારણ કરતી. અંગ્રેજ અમલદારોના ઘરમાં અને લશ્કરી છાવણીમાં કોઈક બહાને ઘૂસીને જાસૂસી કરતી. આ સંદર્ભે નીરાએ આત્મકથા મેરા જીવન સંઘર્ષ’માં નોંધેલું કે, અમે આઝાદ હિંદ ફોજ માટે ઘણી બાતમી એકઠી કરેલી. અમારૂં કામ એ હતું કે કાન ખુલ્લા રાખવા, જે બાતમી મળી હોય એની સાથીઓ સાથે આપસમાં ચર્ચા કરવી અને પછી એ બાતમી નેતાજી સુધી પહોંચાડવી. ક્યારેક ક્યારેક મહત્ત્વપૂર્ણ દસ્તાવેજો પણ અમારે હાથ આવી જતા…. જોકે અમને જયારે જાસૂસી માટે મોકલવામાં આવ્યાં ત્યારે જ સ્પષ્ટ શબ્દોમાં કહી દેવાયેલું કે જો અંગ્રેજોના હાથે પકડાઈ જાવ તો ખુદને ગોળીથી વીંધી નાખવાની તૈયારી રાખજો.’

પોતાને હાથે પોતાની જાતને ગોળીએ દેવાની તૈયારી સાથે નીડર અને નિર્ભય નીરા આર્ય જાસૂસી કરતી રહી. નેતાજીની સાચા અર્થમાં સિપાહી બની નીરા. બીજી બાજુ અંગ્રેજ સરકારે શ્રીકાંતને સુભાષચંદ્રની જાસૂસી કરવાનું અને મોકો મળ્યે એમનું કાસળ કાઢી નાખવાનું કામ સોંપ્યું. ઘણા પ્રયત્નો પછી પણ શ્રીકાંતને પોતાના મિશનમાં કામિયાબી ન મળી. એથી એણે વ્યૂહ બદલ્યો. શ્રીકાંતે નીરાની જાસૂસી આરંભી. એક વાર નીરા નેતાજી બોઝને મળવા જઈ રહેલી ત્યારે એનો પીછો પકડ્યો. નેતાજી દેખાયા કે તરત જ શ્રીકાંતે એમના પર ગોળી ચલાવી. ગોળી નિશાન ચૂકી. નેતાજીના ડ્રાઈવરને વાગી. નેતાજી બચી ગયા. પણ શ્રીકાંત ન બચ્યો. નીરાને ખબર પડી કે એનો પતિ નેતાજીના પ્રાણની પાછળ પડ્યો છે. એથી પોતે જ પતિનો કાળ બની. શ્રીકાંતના પેટમાં છરો ઘોંપીને એનો જીવ લઈ લીધો. આ રીતે દેશને બચાવવા માટે પોતાના જ પતિના પ્રાણ હરવાને કારણે નેતાજીએ એને નીરા નાગિની નામથી સંબોધી. ત્યારથી એ `નીરા નાગિની’ તરીકે પ્રખ્યાત થઈ ગઈ.

નીરા નાગિનીને પતિ શ્રીકાંતની હત્યા કરવા બદલ કાળા પાણીની સજા થઈ. કેદમાં નીરા પર અસહ્ય ત્રાસ ગુજારવામાં આવ્યા. નીરાએ લેખિકા ફરહાના તાજને જણાવેલું કે, મારી ધરપકડ કર્યા પછી લોઢાના બંધનમાં જકડીને પહેલાં મને કોલકાતા જેલમાં રાખવામાં આવી. રાતના દસ વાગ્યે મને કોટડીમાં પૂરી દીધી. ચટાઈ અને ધાબળાનું તો નામ પણ ન સંભળાયું. જેમ તેમ જમીન પર લંબાવી દીધું. ઊંઘ આવી ગઈ. લગભગ મધરાતે બાર વાગ્યે એક પહેરેદાર બે ધાબળા ફેંકીને ચાલ્યો ગયો. માત્ર લોખંડની બેડીઓનું કષ્ટ પીડતું હતું…. સૂર્ય નીકળતાંની સાથે મને ખીચડી મળી. જેલરની સાથે એક લુહાર પણ આવ્યો. હાથની સાંકળ કાપવાની સાથે થોડી ત્વચા પણ કાપી. પીડાથી ઊંહકારો નીકળી ગયો. પછી પગની બેડીઓ તોડતી વખતે હથોડી પગ પર ઠોકીને હાડકાંની મજબૂતી ચકાસી. મેં ચિત્કાર કરીને કહ્યું કે, તું પગમાં મારે છે તે દેખાતું નથી કે શું ? ત્યારે લુહારે કહ્યું કે, પગમાં તો શું, દિલમાં પણ મારીશ. તું શું કરી લઈશ ? મેં કહ્યું, `હું બંધન અવસ્થામાં છું. શું કરી લેવાની હતી ? કહીને લુહાર પર હું થૂંકી.’

એ જોઈને જેલરે ગુસ્સે ભરાઈને કહ્યું, જો તું જણાવી દે કે તારા નેતાજી સુભાષ ક્યાં છે તો તને છોડી મૂકવામાં આવશે.’ નીરાએ કહ્યું, આખી દુનિયાને ખબર છે કે નેતાજી ક્યાં છે…’ જેલર તાડૂક્યો, નેતાજી જીવિત છે. તું જૂઠું બોલે છે કે નેતાજી હવાઈ દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા છે…’ નીરા બોલી, હા, નેતાજી જીવિત છે. મારા દિલમાં જીવે છે એ.’ આ સાંભળીને
જેલરને ગુસ્સો આવી ગયો. એણે નીરાની છાતી પર જ હાથ નાખ્યો. એનું ઉપલું વસ્ત્ર ફાડી નાખ્યું અને લુહાર તરફ પિશાચી સંકેત કર્યો. લુહારે ફૂલવાડીમાં ઘાસપાન કાપવા માટે ઉપયોગમાં લેવાય છે એ પ્રકારનું બોથડ ઓજાર નીરાની છાતી પર મૂક્યું. એનું જમણું વક્ષ સાણસામાં લીધું. પણ ઓજાર બુઠું હોવાથી વક્ષ કપાયું નહીં. લુહારે વક્ષમાં ઓજાર દબાવીને યાતના આપી. પણ નીરા પીડા જીરવી ગઈ.

નીરાએ અસહ્ય યાતના વેઠવી પડી, પણ દેશ ખાતર એણે બધું સહન કર્યું. આખરે ભારતને સ્વતંત્રતા મળી ત્યારે નીરાને કેદમાંથી મુક્તિ મળી. છૂટ્યા પછી નીરા હૈદરાબાદમાં સ્થાયી થઈ. હૈદરાબાદમાં ફલકનુમા ખાતે એક ઝૂંપડીમાં રહેતી નીરા આર્ય ફૂલ અને ફૂલનો ગુલદસ્તો વેચીને પોતાનું ગુજરાન ચલાવતી. હૈદરાબાદની મહિલાઓ નીરાને પેદમ્માનું લાડકું સંબોધન કરતી. વૃદ્ધાવસ્થામાં બીમારીને કારણે ચારમિનાર પાસેની ઉસ્માનિયા હોસ્પિટલમાં 26 જુલાઈ 1998ના નીરાએ અંતિમ શ્વાસ લીધા. નીરાના અમૂલ્ય પ્રદાનને પગલે એના નામે એક રાષ્ટ્રીય પુરસ્કાર પણ આપવામાં આવે છે. ઉપરાંત નીરાના જન્મસ્થળ ખેકડામાં એક સ્મારકનું નિર્માણ થયું છે. આ સ્મારક પરના લખાણનો અર્થ તો એવો જ થતો હશે કે, અમ દેશની આર્ય રમણી અમર છે ઇતિહાસમાં… !

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button