ભારતની પ્રથમ મહિલા આઈપીએસ અધિકારી કિરણ બેદી
ભારતની વીરાંગનાઓ -ટીના દોશી
આમ તો કિરણ નામનો અર્થ તેજની રેખા કે પ્રકાશરેખા એવો થાય. કિરણ સૂર્યનું પણ હોય અને કિરણ ચંદ્રનું પણ હોય, પરંતુ અહીં આપણે જે કિરણની વાત કરીએ છીએ તે ભારતીય પોલીસ વિભાગની પ્રકાશરેખા કિરણ બેદી છે. ભારતની પ્રથમ મહિલા આઈપીએસ અધિકારી કિરણ બેદી….
કિરણ પ્રથમ આઈપીએસ તો બની ગઈ, પણ કારકિર્દીના આરંભના દિવસોમાં એણે મહિલાઓ સાથે કામ ન કરવા ટેવાયેલા પોતાના પુરુષ સહયોગીઓ તરફથી ભેદભાવ અને ઉત્પીડનનો સામનો કરવો પડેલો. જોકે કિરણ બેદીએ પ્રત્યેક પડકારનો ધૈર્યથી સામનો કર્યો. આખરે ધીરજનાં મીઠાં ફળ મળ્યાં. કિરણે અત્યંત ઝડપથી પોતાની ઈમાનદારી, અનુશાસન અને સમર્પણ માટે ખ્યાતિ મેળવી. કિરણે જુદા જુદા વિભાગમાં સરાહનીય કામ કર્યું, પણ તિહાડ જેલમાં ઇન્સ્પેક્ટર જનરલ તરીકે જેલ સુધારણા કાર્યક્રમો હાથ ધરવા બદલ એની ખૂબ પ્રશંસા થઈ. પોતાના નામને અનુરૂપ જ કિરણ બેદી પોલીસ વિભાગના આભમાં કિરણ બનીને ઝળહળી!
પ્રત્યેક પડકારનો સામનો કરીને કિરણ બેદી એટલી ઊંચાઈએ પહોંચી કે પગલે પગલે પુરસ્કૃત થતી રહી. ૧૯૮૦માં વીરતા માટેનો પોલીસચંદ્રક મળ્યો, ૧૯૯૧માં માદક દ્રવ્યોના અટકાવ માટેના ક્ષેત્રમાં કરેલી કામગીરી બદલ નોર્વેની સંસ્થા ઇન્ટરનેશનલ ઓર્ગેનાઈઝેશન ઓફ ગૂડ ટેમ્પલર્સ દ્વારા એશિયા ક્ષેત્ર પુરસ્કાર, ૧૯૯૪માં એશિયાના નોબેલ પુરસ્કાર ગણાતા રેમન મેગસેસે પુરસ્કારથી સન્માનિત, ૧૯૯૫માં મહિલા શિરોમણિ પુરસ્કાર, ૧૯૯૭માં સામાજિક ન્યાય અને માનવ અધિકારો માટે કામગીરી કરવા બદલ જોસેફ બેયૂસ એવોર્ડ, ૨૦૦૪માં સંયુક્ત રાષ્ટ્ર શાંતિ મિશનમાં યોગદાન કરવા બદલ સંયુક્ત રાષ્ટ્ર ચંદ્રક, ૨૦૦૫માં ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા વુમન ઓફ ધ યર પુરસ્કાર,૨૦૦૯માં અમેરિકી વિદેશ વિભાગ દ્વારા ઈન્ટરનેશનલ વુમન ઓફ કરેજ એવોર્ડ, ૨૦૧૨માં ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ, ૨૦૧૯માં ભારત સરકાર દ્વારા નારીશક્તિ પુરસ્કાર…દરમિયાન પુડુચેરીના ઉપરાજ્યપાલ તરીકે પણ કામગીરી કરી, પણ કિરણની ઓળખ તો ભારતની પ્રથમ મહિલા આઈપીએસ તરીકેની જ છે!
પડકારોમાંથી પાર ઊતરનાર અને પુરસ્કારોથી વિભૂષિત થનાર કિરણ બેદીનો જન્મ ૯ જૂન ૧૯૪૯ના પંજાબના અમૃતસરમાં મધ્યમવર્ગીય પરિવારમાં થયેલો. માતા પ્રેમલતા પેશાવરિયા. પિતા પ્રકાશ પેશાવરિયા. એમની ચાર દીકરીઓમાં કિરણ બીજા ક્રમાંકે. કિરણે ૧૯૫૪થી ૧૯૬૪ દરમિયાન પ્રાથમિક શિક્ષણથી માંડીને સ્નાતક થવા સુધીનો અભ્યાસ અમૃતસરમાં કરેલો. અમૃતસરની સેક્રેડ હાર્ટ કોન્વેન્ટ સ્કૂલમાંથી શાળાકીય શિક્ષણ પ્રાપ્ત કર્યું. ૧૯૬૮માં અમૃતસરની ગવર્મેન્ટ કોલેજ ફોર વિમેનમાંથી સ્નાતક થઈ. ૧૯૬૮થી ૧૯૭૦માં ચંડીગઢની પંજાબ યુનિવર્સિટીમાંથી પોલિટિકલ સાયન્સ વિષયમાં અનુસ્નાતક કર્યું. ૧૯૮૮માં દિલ્હી યુનિવર્સિટીમાંથી એલએલબી કર્યું. ૧૯૯૩માં આઈઆઈટી દિલ્હીના સોશિયલ સાયન્સ વિભાગમાંથી સોશિયલ સાયન્સમાં જ પીએચ.ડી. કર્યું. દરમિયાન, ૧૯૭૦થી ૧૯૭૨ સુધી ખાલસા કોલેજ ફોર વિમેન, અમૃતસર ખાતે રાજનીતિશાસ્ત્રનાં અધ્યાપિકા તરીકે પણ કિરણે કામ કર્યું.
કિરણ એક તેજસ્વી છાત્રા અને તેજસ્વી અધ્યાપિકા તો હતી જ, પણ ટેનિસ રમવું એનો શોખ હતો. નાની બહેન રીટા પેશાવરિયા સાથે લાગલગાટ ત્રણ વર્ષ સુધી અખિલ ભારતીય આંતર યુનિવર્સિટી ટેનિસ ખિતાબ જીત્યો. ૧૯૬૬માં જુનિયર રાષ્ટ્રીય લોન ટેનિસ ચેમ્પિયનશિપ જીતી. વર્ષ ૧૯૭૨માં કિરણે એશિયાઈ મહિલા લોન ટેનિસ ચેમ્પિયનશિપ જીતેલી. ૧૯૭૪માં અખિલ ભારતીય હાર્ડ કોર્ટ ટેનિસ ચેમ્પિયનશિપ જીતી. ૧૯૭૫માં દિલ્હી માટે અખિલ ભારતીય આંતરપ્રાંતીય મહિલા લોન ટેનિસનો ખિતાબ જીતી. ૧૯૭૬માં રાષ્ટ્રીય મહિલા લોન ટેનિસ ચેમ્પિયનશિપ વિજેતા બની. ૧૯૬૫થી ૧૯૭૮ સુધી સમગ્ર દેશની મોટા ભાગની વિભાગીય અને પ્રાંતીય લોન ટેનિસ સ્પર્ધાઓમાં કિરણ વિજેતા રહી.
ટેનિસમાં આટઆટલા પુરસ્કારો પ્રાપ્ત કરનાર કિરણ એ જ ક્ષેત્રમાં કારકિર્દી ઘડશે એવું કોઈને પણ લાગે, પણ વિધિએ કાંઈક જુદું જ નિર્ધારેલું. ટેનિસની રમત એ કિરણનો શોખ ખરો, પણ ઝનૂન તો પોલીસમાં જોડાવાનું. કિરણ પોલીસ સેવામાં જોડાવા ઈચ્છુક હતી. ૯ માર્ચ ૧૯૭૨ના બ્રિજ બેદી સાથે પ્રભુતામાં પગલાં પાડ્યા. બ્રિજ બેદી સાથે કિરણની મુલાકાત અમૃતસરની ટેનિસ કોર્ટ પર જ થઈ હતી. બેઉ એકમેક પ્રત્યે તીવ્ર આકર્ષણ ધરાવતાં હતાં.આખરે એમણે એ સંબંધોને કાયમી બનાવી દેવાનો નિર્ણય કર્યો. અમૃતસરમાં ક્યારેય ન થયાં હોય એવાં એ સાદગીભર્યા લગ્ન હતાં. ૯ માર્ચ ૧૯૭૨ના રોજ બપોરના બેના સુમારે વરક્ધયાના માતાપિતા અને ગણ્યાગાંઠ્યા મિત્રોની ઉપસ્થિતિમાં ભગવાન ભોળાનાથની સાક્ષીએ એ શિવાલય ખાતે બેઉએ એકમેકને ફૂલહાર કર્યા અને વાત પૂરી થઈ ગઈ! કિરણ અને બ્રિજ પરણી ગયાં.
ત્રણ દિવસ બાદ સ્વાગત સમારોહ નિમિત્તે કિરણે પહેલી વાર સાડી પહેરી. દિલ્હી ખાતે આઈપીએસ અધિકારી તરીકેની નિમણૂકના પ્રારંભિક તબક્કાના ત્યારના આઈ.જી. ભવાનીમલે કિરણને નોકરીના સમય દરમિયાન સાડી પહેરવાનું સૂચન કર્યું. ત્યારે લાક્ષણિક ઢબે જવાબ વાળતાં એણે કહેલું, સર, કોઈ એક જ બાબત મને નોકરીમાંથી બહાર ધકેલી શકે એમ હોય તો તે હશે સાડી પહેરવાની મજબૂરી! પણ સાડી પહેરવાની મજબૂરી નહોતી. એટલે કિરણ નોકરીમાં ટકી ગઈ. પછી ચાર મહિના બાદ ૧૬ જુલાઈ ૧૯૭૨ના રોજ ઈન્ડિયન પોલીસ એકેડેમીમાં કિરણનો પ્રવેશ થયો. સઘન તાલીમ લીધા પછી કિરણ બેદી પોલીસ અધિકારી બનીને એકેડેમીમાંથી બહાર આવી. એ સાથે જ કિરણ બેદી ભારતની પહેલી આઈપીએસ અધિકારી બની. ફરજપાલન કરતાં કરતાં શૌર્ય દર્શાવવા
બદલ કિરણ બેદીને ૧૦ ઓક્ટોબર ૧૯૮૦ના દિવસે પરાક્રમ માટેનો પોલીસચંદ્રક એનાયત કરાયો. એ પછી પણ કિરણ બેદીએ નીડરતાનો પરિચય આપેલો. ઓક્ટોબર ૧૯૮૧માં કિરણ બેદીની નિમણૂક ડી.સી.પી. ટ્રાફિક તરીકે કરાયેલી. આવી પડેલા પડકારનો સામનો કરવા કિરણે સવારના પાંચ વાગ્યે ઊઠી જવું પડતું. છથી સાત દરમિયાન ઓફિસનું કામ કરતી. આઠ વાગ્યાના સુમારે લાઉડસ્પીકરવાળી સફેદ એમ્બેસેડરમાં રાજધાનીના માર્ગો પર એનાં રાઉન્ડ શરૂ થઈ જતાં. એ સિગ્નલ-ટાઈમિંગની ખરાઈ કરતી અને જરૂરી સુધારાઓની સ્થળ ઉપર જ નોંધ કરતી. દિલ્હીના મોટરવાળાઓને કિરણ બેદીનો દરરોજ ક્યાંક ને ક્યાંક ભેટો થઈ જતો. જયારે જુઓ ત્યારે ટ્રાફિકની નાનીમોટી ભૂલ શોધીને એ સુધારવા મથતી હોય !
સુચારુ ટ્રાફિક સંચાલન માટે ખોટી જગ્યાએ પાર્ક કરાતાં વાહનો સામે કિરણ બેદીએ ઝુંબેશ ઉપાડી. એમાં વડા પ્રધાનની ગાડી પણ ઝડપાઈ. કોનોટ પ્લેસના એક ગેરેજ સામે ખોટી જગ્યાએ પાર્ક કરવા બદલ ખુદ વડાં પ્રધાન ઇન્દિરા ગાંધીની ગાડી-ડી.એચ.આઈ. ૧૮૧૭ને ચલણ પકડાવી દેવાયેલું અને ક્રેન મારફત ગાડી ઢસડી લવાયેલી. ૫ ઓગસ્ટ ૧૯૮૨ના આ બનાવ બન્યો ત્યારે શ્રીમતી ગાંધી અમેરિકાની મહેમાનગતિ માણી રહેલાં. ટ્રાફિક સબ ઇન્સ્પેક્ટર નિર્મલસિંહે ચલણ ફટકાર્યા પછી જ એને ખબર પડી કે એ ગાડી વડાં પ્રધાનની હતી. ગાડી મરામત માટે લવાઈ હતી. ગાડી સાથેના સલામતી રક્ષકે આ બાબત નિર્મલસિંહને જણાવી, પરંતુ એ પોતાની વાતને મક્કમતાપૂર્વક વળગી રહ્યો. કિરણ બેદી સુધી આ બાબત પહોંચી ત્યારે એ નિર્મલસિંહને પડખે ઊભી રહી. ગાડી સામાન્ય માણસની હોય કે વી.આઈ.પી.ની; ખોટી જગ્યાએ પાર્કિંગ કરવું તો ગેરકાયદેસર જ ગણાય ! આ હિંમત હતી કિરણ બેદીમાં!
કિરણ બેદીની આવી હિંમત જોઈને જ કદાચ અનેક સ્ત્રીઓને પોલીસ વિભાગમાં આશાનું કિરણ દેખાયું હશે. કિરણના સાહસમાંથી અનેક કિરણો રેલાયાં અને આજે તો અસંખ્ય કિરણોનું તેજોવલય ભારતીય પોલીસ વિભાગમાં આભા પ્રકટાવી રહ્યું છે!