લાડકી

ભારતની પ્રથમ ફિશર વુમન રેખા કાર્તિકેયન

ભારતની વીરાંગનાઓ -ટીના દોશી

દરિયામાં જાળ નાખીને નાનીમોટી માછલી પકડતા માછીમારોને સહુ કોઈએ જોયા હશે, પણ માછલી પકડતી મહિલાને જોઈ છે?
રેખા કાર્તિકેયન… કેરળના ત્રિશૂર ખાતે ચેટ્ટુવામાં સમુદ્રતટે રહેતી ભારતની પ્રથમ ફિશરવુમન. પહેલી માછીમારણ મહિલા. ભારત સરકાર તરફથી ૨૦૧૬માં આંતરરાષ્ટ્રીય સીમા પર દરિયાના ઊંડાણમાં જઈને માછલીઓ પકડવાનું લાઈસન્સ એને મળ્યું. રેખા કાર્તિકેયન આ પ્રકારનો પરવાનો પ્રાપ્ત કરનાર પહેલી માછીમાર મહિલા છે. સામાન્યપણે માછલી પકડતી માછીમાર મહિલાઓ જોવા મળતી નથી. પણ પિસ્તાળીસ વર્ષની ઉંમરે રેખા દરિયામાં જઈને માછલી પકડનાર અને એ માટે લાઈસન્સ પણ મેળવનાર પહેલી મહિલા બની એ ભારતીય સ્ત્રીઓના ઇતિહાસમાં અનોખી સિદ્ધિ છે !
સિદ્ધિ તો હાંસલ કરી રેખાએ, પણ એ પ્રાપ્ત કરવાનો માર્ગ કાંટાળો અને કષ્ટદાયક હતો. એનું મૂળ કારણ એ કે રેખાને દરિયાનો જ ડર લાગે. તરતાં આવડે પણ નહીં. પણ સંજોગો એવા ઊભા થયા કે રેખાએ પાણીમાં પડવું પડ્યું અને જીવ બચાવવા હાથપગનાં હલેસાં પણ મારવા પડ્યાં. સંકટોનો સામનો કરીને અને મુશ્કેલીઓનો મુકાબલો કરીને રેખા ભારતની પહેલી પરવાનાધારક માછીમારણ બની.

આ રેખા મૂળ કેરળના ત્રિશૂર સ્થિત કૂરકેનચેરીની. બારમા ધોરણ સુધી ભણેલી રેખાએ હિન્દી વિદ્વાનનો કોર્સ પણ કર્યો. હિન્દીના એક પાઠ્યક્રમ દરમિયાન રેખા અને કાર્તિકેયનની પહેલી મુલાકાત થઈ. એ પહેલો પરિચય પરિણયમાં પરિવર્તિત થયો. બન્ને લગ્નબંધનમાં બંધાવા ઉત્સુક હતાં, પણ બેય પક્ષે માતાપિતાનો ગંભીર વિરોધ હતો. રેખા અને કાર્તિકેયને માતાપિતાને મનાવવા ઘણા પ્રયાસ કર્યા. પણ બેય પક્ષ ટસના મસ ન થયા. આખરે માબાપની ઈચ્છા વિરુદ્ધ બન્ને પરણી ગયાં. કાર્તિકેયન માછીમારીનો વ્યવસાય કરતો, એથી લગ્નને પગલે રેખા પતિ સાથે સાથે ચેટ્ટુવામાં સમુદ્રકાંઠે રહેવા આવી. કાર્તિકેયન માછલી પકડતો. રેખા જાળનું સમારકામ કરી આપતી અને જાળમાંથી માછલી કાઢવામાં પતિની મદદ કરતી.

આ પ્રકારે કેટલાંક વર્ષ વીતી ગયાં પછી રેખાને દરિયાના રૌદ્ર સ્વરૂપનો પરિચય થયો. ૨૦૦૪માં સુનામી નામની ભયંકર દરિયાઈ દુર્ઘટના થઈ. સુનામીની સૌથી વધુ અસર ઈન્ડોનેશિયા, શ્રીલંકા અને દક્ષિણ ભારત પર થયેલી. રેખાના પરિવાર પર પણ સુનામીની અસર થઈ. આર્થિક સ્થિતિ એકદમ તંગ થઈ ગઈ. કાર્તિકેયનનો માછલી પકડવાનો વ્યવસાય સંપૂર્ણપણે ઠપ થઈ ગયો. નાણાકીય કટોકટીને કારણે કાર્તિકેયન એની સાથે કામ કરતા લોકોને એ પગાર પણ આપી શકે એમ નહોતો. એવા સંજોગોમાં કાર્તિકેયનના બે સાથીએ એનું
કામ છોડી દીધું. આર્થિક અભાવથી ઝઝૂમતા કાર્તિકેયનને માથે દેવું પણ થઈ ગયેલું. આવા વિષમ સંજોગોમાં કોઈને પોતાની સહાય માટે કામ પર રાખી શકવાની સ્થિતિમાં એ નહોતો. કાર્તિકેયને રેખાને પોતાની મૂંઝવણ જણાવી. પતિની મુશ્કેલી હળવી કરવા રેખા કાર્તિકેયનને માછીમારીમાં મદદ કરવા તૈયાર થઈ ગઈ.

રેખાના આ નિર્ણયથી એના જીવનને જુદો જ વળાંક મળ્યો. એનો નિર્ણય એના માટે જ એક પડકાર સમાન હતો. કારણ કે રેખાને તો સમુદ્ર કિનારે જવા માત્રથી ઉબકા આવતા. ઊલટીઓ થતી. દરિયાના ડરને કારણે પાણીથી એ દૂર રહેવાનું જ પસંદ કરતી. પણ પારિવારિક જરૂરિયાતને પગલે રેખાએ ડર પર જીત મેળવવાનું નક્કી કર્યું. એણે નૌકા પર સવાર થઈને દરિયામાં સફર ખેડી. પોતાની પહેલી સમુદ્રી યાત્રા અંગે રેખાએ કહેલું કે, ‘એ દિવસ મારા માટે કોઈ ડરામણા ખ્વાબ જેવો હતો. હું ત્રણ કલાક દરિયામાં રહી અને સંપૂર્ણ સમય ઊલટી કરતી રહી. આખરે ઉધરસમાં લોહી પડવા માંડ્યું. કેટલાંક અઠવાડિયાં સુધી આ ક્રમ ચાલતો રહ્યો. પણ પછી મને નાવમાં બેસવાનું ફાવી ગયું.’

નાવડીમાં બેસવાની ફાવટ આવી ગયા પછી રેખા કાર્તિકેયન સાથે માછીમારી માટે નીકળી પડતી. પરોઢિયે અથવા તો બપોરે ત્રણ વાગ્યે માછીમારી કરવા નીકળે. ચાળીસ સમુદ્રી માઈલ સુધીની યાત્રા કરે. દરિયામાં જાળ નાખ્યા પછી માછલી ફસાય ત્યારે ભારે વજનદાર જાળ ખેંચવામાં થતી મુશ્કેલીઓ રેખાએ અનુભવી. જાળ ખેંચવામાં થાકીને લોથપોથ થઈ જાય, પણ પતિ હિંમત બંધાવે અને રેખા લીલીછમ થઈ જાય. રેખા અને કાર્તિકેયન માટે દરિયાના ઊંડાણમાં દિવસ વિતાવવાનું સરળ નહોતું. છતાં પોતાના પરિવાર ખાતર જાનની બાજી લગાવીને બન્ને કામમાં રચ્યાંપચ્યાં રહે. ક્યારેક આખી રાત આસમાન અને તારાઓના સહારે દરિયામાં વિતાવે. એ વખતે રેખાએ દરિયાઈ જીવનના પડકારો જોયા. તરવાનું પણ શીખી. કારણ ક્યારેક ડૂબતાં બચેલી.

આ પ્રકારના અનુભવોથી રેખા ગભરાઈ નહીં, ઘડાઈ. સમુદ્રી સફર કરતી વખતે એણે માછીમારી સંબંધિત તમામ બારીકીઓ પર પણ ધ્યાન આપ્યું. એ જાણવા માંડી કે સમુદ્રનો કયો રસ્તો બરાબર છે અને કઈ મોસમમાં ફિશિંગ કરવું ઉચિત છે. પાકો અનુભવ મેળવ્યા પછી રેખાએ સરકારી માન્યતા પ્રાપ્ત માછીમારણ બનવા પરવાનો મેળવવા માટે અરજી કરી. એ સંદર્ભે રેખાએ કહેલું કે, ‘લાઈસન્સધારી માછીમાર બનવા માટે સમુદ્ર સાથે સંબંધિત ઘણીબધી માહિતી હોવી જરૂરી બની જાય છે. ઉદાહરણ તરીકે હવામાનસંબંધી માહિતી અને દરિયાઈ રસ્તાઓની જાણકારી હોવી અગત્યનું બની જાય છે. ઉપરાંત તમામ પ્રકારની પરિસ્થિતિને પહોંચી વળવાનું કૌશલ્ય હોવું પણ આવશ્યક છે. સાથે જ માછલીની જુદી જુદી પ્રજાતિઓ અંગે જ્ઞાન હોવું જોઈએ. અચાનક તોફાન આવે કે એકાએક લહેરો અસમાન થાય તો પણ સુરક્ષિતપણે કાંઠે પહોંચી શકાય એ માટે સામાન્યથી લઈને ખતરનાક પરિસ્થિતિઓમાં પણ સમુદ્રમાં નાવ ચલાવવાનો અનુભવ હોવો જોઈએ.’

રેખાએ પરવાનો પ્રાપ્ત કરવાનું સઘળું કૌશલ્ય કેળવેલું. કાર્તિકેયનના શબ્દોમાં કહીએ તો, રેખા માછલીના ઝૂંડની ઉપસ્થિતિને સૂંઘી શકે છે. પાણીના પ્રવાહથી વિપરીત દિશામાં તરી શકે છે અને ઝડપથી જાળ બિછાવી શકે છે. આ બધું એ મારા કરતાં બહેતર કરી શકે છે. રેખા સાર્ડીન, ટ્યુના, મેકરેલ અને સમુદ્રી બાસ જેવી માછલીઓ, એમની પદ્ધતિઓ અને જીવનશૈલી અંગે તો પાઠ ભણાવી શકે એટલી હોંશિયાર થઈ ગઈ છે. ‘જોકે રેખાની કુશળતા છતાં સીએમએફઆરઆઈ-કેન્દ્રીય સમુદ્રી મત્સ્ય અનુસંધાન સંસ્થાને રેખાને પરવાનો આપવાનો ઇનકાર કરતાં કહ્યું કે, માછલી પકડવી એ મહિલાઓનો વ્યવસાય નથી.’

માછલી પકડવી એ રેખાનો વ્યવસાય હતો, પણ એનો આદર્શ કરોળિયો હતો. એ પરવાનો મેળવવા કરોળિયાની માફક પ્રયત્ન કરતી રહી. આખરે ૨૦૧૬માં રેખાને પરવાનો મળ્યો. સીએમએફઆરઆઈના નિદેશક ગોપાલકૃષ્ણને જણાવ્યું કે, ‘દરિયાની ખાડી અને નદીઓમાંથી માછલી પકડનારી ઘણી મહિલાઓ છે. અમે ઘણી શોધખોળ ચલાવી, પણ દરિયામાં જઈને માછીમારી કરતી મહિલા રેખા સિવાય આપણા સમુદ્ર તટે જોવા મળી નથી. એથી અમે રેખાની ઉપલબ્ધિ પારખીને એને પરવાનો આપ્યો.’

રેખાને પરવાનો તો મળ્યો, પણ પતિનું સ્વાસ્થ્ય કથળ્યું. કાર્તિકેયન માછલી ભરેલી જાળ ખેંચવા જતાં નૌકામાં જ પડ્યો. આમ પણ મોટી દીકરી માયાનાં લગ્ન પછી હૃદયની તકલીફથી એ પીડાતો. ઓપન હાર્ટ સર્જરી કર્યા પછી કાર્તિકેયન અગાઉની માફક માછીમારી કરી શકે એની ઘટેલી સંભાવનાને કારણે રેખાએ સમુદ્ર કાંઠેથી છીપલાં વીણીને ગુજરાન ચલાવવાનું શરૂ કર્યું. જોકે છીપલાં વેચીને દિવસના ત્રણસોચારસો રૂપિયાની આવક માંડ થાય. બે છેડા મેળવવાનું મુશ્કેલ થઈ જાય. છતાં રેખા હિંમત ન હારી. રેખાને વિશ્ર્વાસ છે કે વિપરીત સંજોગોમાં માછીમારોની રક્ષા કરતી સમુદ્રની દેવી કડલમ્મા પોતાના પરિવારનું પણ રક્ષણ કરશે !

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે… સપનામાં જોવા મળતી આ છ સફેદ વસ્તુઓ દેખાવી છે શુભ, સાંભળવા મળશે Good News Orryને ટક્કર આપવા અનંત-રાધિકાના લગ્નમાં પહોંચી આ ખાસ મહેમાન, Isha Ambaniએ કર્યું સ્વાગત…