લાડકી

ભારતની પ્રથમ મહિલા દાસ્તાનગોઈ કહાણી કહેનાર: ફૌઝિયા

ભારતની વીરાંગનાઓ -ટીના દોશી

દાસ્તાનગોઈ એટલે મૌખિક ઉર્દૂ કહાણી કહેવાની તેરમી સદીની કળા. ફારસી શબ્દ દાસ્તાન અને ગોઈ મળીને બનેલા દાસ્તાનગોઈમાં દાસ્તાનનો અર્થ કહાણી અને ગોઈનો અર્થ સંભળાવવું કે કહેવું એવો થાય છે. એ રીતે દાસ્તાનગોઈનો અર્થ કહાણી કહેવી કે કહાણી સંભળાવવી એવો થાય છે. મધ્ય એશિયાના દેશોમાં અને ઈરાનમાં તેરમી સદીમાં દાસ્તાનગોઈ મનોરંજનનું લોકપ્રિય માધ્યમ હતું. સોળમી શતાબ્દીમાં દક્ષિણ ભારતના રાજાઓએ દાસ્તાનગોઈની કળાને સંરક્ષણ આપેલું. આ રીતે કહાણી કહેનારને કે કહાણી સંભળાવનારને દાસ્તાનગો કહે છે.મુઘલ કાળ દરમિયાન અકબર બાદશાહ પોતાના દરબારમાં દાસ્તાનગોઈની કળાને લોકપ્રિય બનાવવા માટે અને દાસ્તાનગોની નિયુક્તિ કરવા માટે જાણીતા થયેલા. ઓગણીસમી સદીમાં, ૧૮૫૭ના પહેલા સ્વતંત્રતા સંગ્રામના અરસામાં લખનઉની શેરીઓમાં દાસ્તાનગોઈની કળાનું ઉષ્માભર્યું સ્વાગત થયેલું. જોકે ત્યાર પછી મૌખિક કહાણી કહેવાની આ પરંપરા લુપ્ત થતી ગઈ. ૧૯૨૮માં અંતિમ દાસ્તાનગો મીર બકર અલીના નિધન પછી દાસ્તાનગોઈનો પણ મૃત્યુઘંટ વાગ્યો….

  એકવીસમી સદીના આરંભે, ૨૦૦૫માં  લેખન મહમૂદ ફારુકીએ કવિ શમ્સુર  રહેમાન ફારુકી સાથે દાસ્તાનગોઈની પરંપરાને પુન:જીવિત કરવાનો પ્રયાસ કર્યો. ત્યારથી કહાણીઓના માધ્યમથી રચાયેલી અજાયબ કથાઓ, પૌરાણિક કથાઓ અને મહાકાવ્યો અને અન્ય અદ્ભુત કથાઓ કહેતી આ મંત્રમુગ્ધ કરનારી પરંપરા પોતાની ખોવાયેલી ઓળખ પાછી મેળવવામાં કામિયાબ થઈ. સામાન્યપણે દાસ્તાનગોઈ કરતા દાસ્તાનગો પુરુષો જ હોય છે. પણ પુરુષ પ્રધાન દાસ્તાનગોઈના ક્ષેત્રમાં ૨૦૦૬માં એક નારીએ પગરણ કર્યાં  અને ધૂમ મચાવી દીધી.... નામ સાંભળ્યું છે આ મહિલા દાસ્તાનગોનું ? 

  ફૌઝિયાને મળો... ભારતની પહેલી દાસ્તાનગો. કહાણી કહેનાર...  ફૌઝિયા સફેદ ગાદીતકિયા પર લગભગ એવા જ રંગના સલવાર કમીઝમાં સજ્જ થઈને ફૌઝિયા સામાન્ય વજ્રાસનની અવસ્થામાં બેઠક લઈને ઉર્દૂ ભાષામાં વિશિષ્ટ શૈલીમાં  કહાણી સંભળાવે છે ત્યારે દર્શકો ડોલી ઊઠે છે. ફૌઝિયાની દાસ્તાનગોઈમાં રોમાંચ હોય છે, જાદુ હોય છે અને યુદ્ધનાં રોચક વર્ણનો પણ હોય છે. દાસ્તાનગોઈમાં સાધનસરંજામના ભપકાની જરૂર હોતી નથી. ફૌઝિયાનો ઘૂંટાયેલો અવાજ  અને કહાણી જ એના હથિયાર છે. ન કોઈ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમ, ન સંગીતનો સહારો. થોડું હાસ્ય, થોડું સ્મિત, એકાદ આહ, એક ગડગડાટ... માનવીય ભાવનાઓની જટિલતાઓને વ્યક્ત કરવા ફૌઝિયા બેસુમાર સંયોજનોનો પ્રયોગ કરે છે.  ફૌઝિયાએ બસ્સો જેટલી દાસ્તાનગોઈ કરી છે. ફૌઝિયા ઉર્દૂ ભાષામાં કહાણીઓ સંભળાવે છે. પોતાના અવાજના જાદુથી ફૌઝિયા દર્શકોને સંમોહિત કરીને અશરફ સુબોહી દેહલવી, ઈસ્મત ચુગતાઈ અને ઈંતિઝાર હુસૈન જેવા પ્રતિષ્ઠિત ઉર્દૂ લેખકોની કહાણીઓની દુનિયાની સેર કરાવે છે. સાથે જ રામાયણ અને મહાભારત જેવા મહાકાવ્યોની સૃષ્ટિની સહેલગાહ પણ ફૌઝિયા  કરાવે  છે. એ સંદર્ભે કહે છે, 

      ‘ભગવાન શ્રીરામ અંગે સહુ કોઈ જાણે છે. રામજી  વિશે દાસ્તાન અને શાયરીઓ જૂના જમાનામાં ઉર્દૂમાં પણ લખાઈ છે. એ જ વાંચીને અને  સાંભળીને હું રામકથાને  મારી આગવી શૈલી અને વિશિષ્ટ ઢબે દાસ્તાનગોઈના સ્વરૂપે પ્રસ્તુત કરું છું. શૈલીને બાદ કરવામાં આવે તો એમાં નવું કાંઈ નથી. શાયરીઓને નાની નાની કહાણીઓના રૂપમાં વ્યક્ત કરવી એ જ દાસ્તાનગોઈ છે. હું કોમી એકતામાં માનું છું. હું રામાયણ અને મહાભારતની કથાઓ સંભળાવવા ઉપરાંત દાસ્તાન-એ-ગાંધી અને રાધા-કૃષ્ણની કહાણી પણ ઉર્દૂમાં સંભળાવું છું. આ બધી કહાણીઓ દાનિશ ઇકબાલે લખી છે. જૂના જમાનામાં લગભગ બધું ઉર્દૂમાં  લખાતું. અમે ઘણી પુરાણી શાયરીઓ શોધી કાઢી. શાયરીઓની કડીઓ  ગૂંથી અને કહાણીઓ  તૈયાર કરી. આ શાયરીઓને એની મૂળ ભાષામાં નવી ઢબછબ સાથે હું કહાણીરૂપે સંભળાવું છું. ખોળિયું જૂનું જ છે, માત્ર વાઘા નવા છે !’ 

    આ ફૌઝિયા દિલ્હીના અસોલાની રહેવાસી. પુરાણી દિલ્હીના એક નિમ્ન મધ્યમવર્ગીય પરિવારમાં એનો જન્મ થયો. ફૌઝિયાને યાદ છે કે પોતે થોડી મોટી થઈ ત્યારે ઘરમાં હંમેશાં નાણાકીય તંગી જોયેલી. દાડિયા મજૂર જેવા સ્કૂટર મિકેનિક પિતા અને માતા વચ્ચે ઘરખર્ચને લઈને ધીમે અવાજે ગણગણાટ થયા કરતો. માતાપિતા ઘરનું ગુજરાન ચલાવવા આકરો સંઘર્ષ કરતાં. એથી ફૌઝિયા એક પૈસો પણ ખોટો ન વેડફતી. એની ઉંમરનાં બાળકો રમકડાં અને ચોકલેટ માટે માબાપ પાસે જીદ કરતાં, પણ  ફૌઝિયા નોખી  માટીની બનેલી. એને ઢીંગલીઓમાં  નહીં, પણ  કહાણીઓમાં રસ પડતો. માતાને મુખેથી ઉર્દૂ ક્લાસિક્સ સાંભળીને અને પરીકથાઓ વાંચીને એની દિલચસ્પી કહાણીઓમાં વધતી ગઈ. એથી જયારે કોઈ નાનકડી રકમ ભેગી થાય ત્યારે એ વાર્તાઓના પુસ્તકો ખરીદવાનું પસંદ કરતી. પિતા પોકેટમનીને નામે જે કાંઈ આપે એ રકમની ફૌઝિયા બચત કરતી. ઠીકઠાક રકમ ભેગી થાય એટલે પોતાના ભાઈ સાથે રવિવારની સસ્તી બજારમાં  જતી. કોમિક્સ અને  ઉર્દૂમાં  પ્રકાશિત થતી બાળપત્રિકા ‘ખિલૌના’ ખરીદતી. અને દુનિયાને મુઠ્ઠીમાં કેદ કરી લીધી હોય એવો આનંદ અનુભવતી. 

   ફૌઝિયા કહાણીઓ વાંચતી અને માતા પાસેથી કહાણીઓ સાંભળતી. ઉપરાંત નાના અને નાની ફૌઝિયાને લોકકથાઓ સંભળાવતાં. પાડોશી અપ્પા છમ્મો પણ કહાણીઓ કહેતાં. ફૌઝિયા વિસ્મય અને પ્રસન્નતાથી એ વાર્તાઓ સાંભળતી. કહાણીઓ સાંભળતી ફૌઝિયાને ખબર નહોતી કે મોટી થઈને પોતે કહાણી કહેવાની કળામાં  કુશળ થઈ જશે. હજુ તો એ શાળામાં ભણતી હતી. એવામાં એક ઘટના બની. અગિયારમા ધોરણમાં ફૌઝિયાને પહેલી વાર રંગમંચનું સૌંદર્ય નિહાળવાની તક મળી. શિક્ષિકા નતીફે પોતાના નાટક રૂસ્તમ ઔર સોહરાબ અને કવિ ફિરદૌસીના ફારસી મહાકાવ્ય શાહનામાની ઝલક  સંપૂર્ણ વર્ગને દર્શાવેલી. ફૌઝિયા એટલી અંજાઈ ગયેલી કે એ એ જ ક્ષણે એણે રંગમંચના કલાકાર બનવાનું નક્કી કરી લીધું. 

 દરમિયાન, એની જિંદગીને વળાંક મળ્યો. વર્ષ ૨૦૦૬માં ઉર્દૂ કળા સાથે ફૌઝિયાનો પરિચય થયો. બન્યું એવું કે ફૌઝિયાએ  મિત્ર પ્રભાતને કહ્યું  કે પોતે પરફોર્મિંગ આર્ટસ સાથે જોડાયેલું કાંઈક નવું અને રોમાંચક કરવા માંગે છે. પ્રભાતે તરત જ ચપટી વગાડીને પૂછ્યું, ‘શું તેં ક્યારેય દાસ્તાનગોઈ જોઈ છે ?’ પ્રભાતે આમ કહીને ભારતમાં દાસ્તાનગોઈની પરંપરા પુન:જીવિત કરી રહેલા આધુનિક દાસ્તાનગો મહમૂદ ફારુકી અને દાનિશ હુસૈન અંગે જણાવ્યું. 

ફૌઝિયાને પોતાની મંઝિલ મળી ગઈ. દાસ્તાનગોઈ સાથે પરિચય થતાં જ એ પહેલી નજરે એના પ્રેમમાં પડી ગઈ. સંપૂર્ણપણે પુરુષ પ્રધાન વ્યવસાયમાં એણે પદાર્પણ કર્યું.

    મહારથી ગણાતા દાસ્તાનગો  મહમૂદ ફારુકી અને દાનિશ હુસૈન પાસેથી ફૌઝિયાએ દાસ્તાનગોઈની તાલીમ લીધી. ૨૦૦૬માં  જ ફૌઝિયાએ  દાનિશ હુસૈન સાથે દાસ્તાનગોઈની પહેલી પ્રસ્તુતિ કરી. ગુરુ સાથે પહેલી દાસ્તાનગોઈ કરવાની તક મળ્યેથી ખુશી બમણી થઈ ગઈ. પણ પછી ફૌઝિયાએ પોતાની રીતે જ દાસ્તાનગોઈ કરવાનો નિર્ણય કર્યો.  ફૌઝિયા સંપૂર્ણપણે દાસ્તાનગોઈને સમર્પિત થઈ ગઈ. ફૌઝિયાની આ સિદ્ધિની નોંધ લેવાઈ છે. મહમૂદ ફારુકીએ પોતાના પુસ્તકમાં ફૌઝિયાનો ઉલ્લેખ દેશની પ્રથમ દાસ્તાનગો તરીકે કર્યો છે. આ સંદર્ભે ફૌઝિયાએ કહેલું કે, ‘આ એક વિરાસત છે જેને અમે જીવતી રાખીને આવનારી પેઢીઓને આપી જઈશું. મોસમી દાસ્તાનગો બનવાનો કોઈ અર્થ નથી. જયારે આ ક્ષેત્રમાં પગ મૂકો છો ત્યારે જીવનભર માટે દાસ્તાનગો બની જાવ છો.’

ફૌઝિયા પણ આજીવન દાસ્તાનગો બની ગઈ છે. એ માત્ર દાસ્તાનગોઈ કરવા માંગે છે. એવી દાસ્તાનગોઈ જેમાં ન સાજ છે, ન સંગીત છે. છે તો માત્ર સ્વરના આરોહ ને અવરોહ, થોડું હાસ્ય ને થોડું સ્મિત !

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે… સપનામાં જોવા મળતી આ છ સફેદ વસ્તુઓ દેખાવી છે શુભ, સાંભળવા મળશે Good News Orryને ટક્કર આપવા અનંત-રાધિકાના લગ્નમાં પહોંચી આ ખાસ મહેમાન, Isha Ambaniએ કર્યું સ્વાગત…