લાડકી

ભારતની પ્રથમ મહિલા કમાન્ડો ટ્રેનર: સીમા રાવ

ભારતની વીરાંગનાઓ -ટીના દોશી

એ હિમાલયન માઉન્ટેનિયરિંગ ઇન્સ્ટિટયૂટની ચંદ્રક વિજેતા છે, સ્કાય ડાઈવર છે, કોરિયાઈ તાયક્વાંડો અને ઇઝરાયલી ક્રાવ માગા માર્શલ આર્ટમાં પારંગત છે, મિલિટરી માર્શલ આર્ટમાં સાતમી ડિગ્રીની બ્લેક બેલ્ટ છે અને એણે બ્રુસ લી આર્ટનું પ્રશિક્ષણ લીધું છે…. જાણો છો એને?

એનું નામ ડૉ. સીમા રાવ. ભારતની પહેલી મહિલા કમાન્ડો ટ્રેનર. ક્લોઝ ક્વાર્ટર બેટલ એક્સપર્ટ. નિકટતાથી યુદ્ધ કરવાની કળામાં નિપુણ. છેલ્લા બે દાયકાથી કમાન્ડો પ્રશિક્ષક તરીકે સીમા પોતાના પતિ મેજર દીપક રાવ સાથે મળીને ભારતીય સેનાના વીસ હજાર જેટલા જવાનોને ક્લોઝ ક્વાર્ટર બેટલનું નિ:શુલ્ક પ્રશિક્ષણ આપી ચૂકી છે. સીમાએ ક્લોઝ કોમ્બેટ સંદર્ભે દુનિયાનો પહેલો વિશ્ર્વકોશ તૈયાર કર્યો છે. એની એક હજાર જેટલી પ્રતો ગૃહ મંત્રાલય ઉપરાંત ભારતીય સેનાને સોંપી છે. એણે કમાન્ડો મેન્યુઅલ ઑફ કોમ્બેટ પણ તૈયાર કર્યું છે. સીમાના સમર્પણને પગલે વર્ષ ૨૦૧૯માં ભારતના રાષ્ટ્રપતિને હાથે એને નારીશક્તિ પુરસ્કારથી સન્માનિત કરેલી. સીમાને વર્લ્ડ પીસ એવોર્ડથી પણ પુરસ્કૃત કરવામાં આવેલી.

સીમા રાવનો જન્મ મુંબઈ ખાતે વાંદરામાં થયો. પિતા પ્રાધ્યાપક રમાકાંત સિનારી. સ્વતંત્રતાસેનાની રહેલા રમાકાંતે ગોવાને પોર્ટુગલોથી આઝાદ કરાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવેલી. પિતા પાસેથી દેશપ્રેમ અને દેશસેવાનો વારસો મેળવનાર સીમા ભણવામાં હોંશિયાર. ભણતર અનોખા પ્રકારનું. બાળપણથી સીમાને નિશાનબાજીનો શોખ હતો. આ શોખ પૂરો કરવાની સાથે સીમા ડૉક્ટર બનવા ઇચ્છુક હતી. ડૉક્ટર બની પણ ખરી. જી.એસ. મૅડિકલ કૉલેજમાંથી એમ.ડી.ની ડિગ્રી મેળવી. માર્શલ સાયન્સમાં એણે પીએચ.ડી. કર્યું. હાર્વર્ડ મૅડિકલ સ્કૂલમાંથી ઈમ્યૂનોલોજી અને ડોએન યુનિવર્સિટીમાંથી લાઈફસ્ટાઇલ મૅડિસિનનો કોર્સ કર્યો. વેસ્ટમિન્સ્ટર બિઝનેસ સ્કૂલમાંથી લીડરશિપનો અભ્યાસ કર્યો. એ સંદર્ભે સીમાએ કહેલું કે, હું શાળામાં ભણતી ત્યારે કેટલીક એવી ઘટનાઓ બનેલી જ્યારે મેં મારી જાતને લાચાર અને નિ:સહાય અનુભવેલી. એ જ વખતે મેં નક્કી કરેલું કે હું કાયમ માટે કમજોર બનીને નહીં રહું. હું મજબૂત બનીશ.

આ અરસામાં સીમાનાં લગ્ન મેજર દીપક રાવ સાથે થયાં. પતિથી પ્રેરાઈને સીમાએ માર્શલ આર્ટમાં પ્રશિક્ષણ લીધું. અનઆર્મ્ડ કોમ્બેટમાં સેવન ડિગ્રી બ્લેક બેલ્ટ હોલ્ડર બની. એર રાઈફલ શૂટિંગમાં નિપુણ થઈ. સીમા ત્રીસ યાર્ડની ત્રિજ્યામાં કોઈ વ્યક્તિના મસ્તક પર મૂકેલા સફરજન પર સચોટ નિશાન તાકી શકે છે. વળી એ દુનિયાની દસ એવી મહિલાઓમાં સ્થાન ધરાવે છે, જેણે જેકેડી – ‘જીત કુને દો’નું પ્રશિક્ષણ લીધું છે. ‘જીત કુને દો’ એટલે કુંગ ફૂ માર્શલ આર્ટના બાદશાહ ગણાતા બ્રુસ લીએ શોધેલી અને સ્થાપેલી સ્વબચાવની કળા.

બ્રુસ લી આર્ટ ઉપરાંત તાયક્વાંડો અને ક્રવ માગા માર્શલ આર્ટનું પ્રશિક્ષણ લઈને સીમા રાવ એમાં પણ પારંગત થઈ. તાયક્વાંડો કોરિયાઈ માર્શલ આર્ટ છે અને ક્રાવ માગા ઇઝરાયલી માર્શલ આર્ટ. સીમા રાવે ક્રાવ માગાનું પણ પ્રશિક્ષણ લીધેલું. ક્રાવ માગા એટલે સંપર્ક યુદ્ધ. યુરોપીય મુક્કેબાજી, કુસ્તી અને રસ્તા પરની લડાઈની શૈલીનું મિશ્રણ. આ ક્રાવ માગાના દાવપેચમાં પણ સીમા રાવ ફર્સ્ટ ડિગ્રી બ્લેક બેલ્ટ હોલ્ડર બની.
આ પ્રકારની સિદ્ધિઓ મેળવ્યા પછી સીમા રાવને સેનાના જવાનોને પ્રશિક્ષિત કરવાનો મોકો મળ્યો. એણે જવાનોને પ્રશિક્ષિત કરવાના બદલામાં ક્યારેય મહેનતાણું લીધું નથી. શરૂઆતમાં તો એ એની જમા પૂંજી પણ પ્રશિક્ષણમાં લગાવી દેતી. પરિણામે ક્યારેક દેવાળિયાપણાની સ્થિતિ ઊભી થતી, પણ એનો કોઈ અફસોસ એને નથી. કારણ કે આ એક પ્રકારની દેશસેવા જ હતી. દેશની સેવા કરવાનો મોકો મળ્યો એ જ એના માટે ગૌરવની ક્ષણ હતી.

આ સંદર્ભે સીમાએ કહેલું કે, ‘એક મહિલા થઈને મને જવાનોને યુદ્ધ કૌશલ્યનું પ્રશિક્ષણ આપી શકીશ એવી અપેક્ષા મેં ક્યારેય કરી નહોતી, પણ મારા કૌશલ્યને પગલે કોમ્બેટ શૂટિંગ ઈન્સ્ટ્રકટર બનવામાં હું સફળ રહી… સીકયુબી-ક્લોઝ ક્વાર્ટર બેટલમાં પારંગત થવું સહેલું નથી. પુરુષ જવાનોને તાલીમ આપવાની હોવાથી હું મારી ફિઝિકલ ફિટનેસનું વધારે ધ્યાન રાખતી. સમયાંતરે મારા કૌશલ્યને અપગ્રેડ કરતી. સીકયુબી મેથોડોલોજી સંબંધી સર્ટિફિકેટો પણ મેળવ્યાં. આજે જવાનોની
આંખોમાં મારા પ્રત્યે સન્માન જોઈને એક સ્ત્રી તરીકે હું ગર્વ અનુભવું છું.’

Also Read – આવું અપમાન શાનું સહન કરાય…?

સીમા રાવ દૃઢપણે માને છે કે સ્ત્રીઓ ધારે તો કાંઈ પણ કરી શકે છે. એમણે માત્ર પોતાના સપનાનો પીછો કરવો જોઈએ. પોતાનું જ ઉદાહરણ આપતાં સીમાએ કહેલું કે, ‘મેં અહીં સુધી પહોંચવા ઘણી મહેનત કરી છે. કડકડતી ઠંડી, ધગધગતો તાપ અને ઘનઘોર જંગલોથી માંડીને દુશ્મનોના પ્રભાવવાળા વિસ્તારોમાં રહીને ખુદને દરેક પરિસ્થિતિ માટે તૈયાર કરી છે. મારા શરીરનું ભાગ્યે જ કોઈ એવું હાડકું છે જે તૂટ્યું ન હોય. પિતાનું મૃત્યુ થયું એના આઘાતમાં તાલીમ દરમિયાન ધ્યાન વિચલિત થવાને કારણે એક વાર પચાસ ફૂટની ઊંચાઈએથી હું પડી ગયેલી. કરોડરજ્જુમાં ફ્રેકચર થઈ ગયેલું. માથામાં ઊંડી ઈજા થવાથી મહિનાઓ સુધી યાદશક્તિ ગુમાવી બેઠેલી, પણ આટલું થવા છતાં હું હિંમત ન હારી. મેં મારા અનુભવો પુસ્તકો અને પ્રેરણાદાયી પ્રવચનોના માધ્યમથી અન્યોને વહેંચ્યાં. જો તમે દરેક સ્થિતિનો સામનો કરો તો તમારી જીત નિશ્ર્ચિત છે!’

આયુષ્યની અડધી સદી વટાવી ગયેલી સીમા અંતમાં કહે છે, ઉંમર તો માત્ર એક સંખ્યા છે, મારા ઈરાદા હજુ પણ ફોલાદી અને બુલંદ છે!

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button