ભારતની પ્રથમ ફાયર ફાઈટર હર્ષિની કાન્હેકર
ભારતની વીરાંગનાઓ -ટીના દોશી
પાણીનો મારો ચલાવીને, પોતાના જીવના જોખમે આગ ઓલવતા અગ્નિશામક દળના બંબાવાળાઓને તમે જોયા જ હશે, પણ કોઈ બંબાવાળીને જોઈ છે ?
હર્ષિની કાન્હેકરને મળો. મૂળ મહારાષ્ટ્રના નાગપુરની હર્ષિની ભારતના અગ્નિશામક દળની પ્રથમ બંબાવાળી છે. પ્રથમ મહિલા ફાયર ફાઈટર.. પુરુષપ્રધાન ગણાતા અગ્નિશામક ક્ષેત્રના ગઢમાં ગાબડું પાડનાર પહેલી મહિલા. ઓઈલ એન્ડ નેચરલ ગેસ કમિશન-ઓએનજીસીમાં ફાયર એન્જિનિયર હર્ષિની કાન્હેકર..!
હર્ષિનીએ પહેલી વાર શિરડીમાં ગેસ સિલિન્ડર ફાટવાને કારણે લાગેલી આગ બુઝાવવાથી માંડીને કલાકો સુધી જીવના જોખમે વિવિધ ઠેકાણે આગ બુઝાવી છે. દિલ્હી, કોલકાતા અને મુંબઈમાં હર્ષિનીએ અગ્નિશામક દળનાં ભારે ઉપકરણો ઉઠાવીને કામગીરી કરી છે. ફેક્ટરીઓમાં લાગેલી આગ બુઝાવી છે. પૂર આવ્યું હોય ત્યારે હિંસક જાનવરોએ હુમલા કર્યા હોય ત્યારે અને નદી ગાંડીતૂર થઈ હોય ત્યારે પણ હર્ષિનીએ પ્રશંસનીય કામ કર્યું છે.
નાગપુરના સાધારણ પરિવારની છે હર્ષિની. હર્ષિનીને બાળપણથી જ સાહસિક પ્રવૃત્તિઓ પહેલેથી જ પસંદ હતી. એ નાની હતી ત્યારે યુનિફોર્મધારી અધિકારીઓને જોઈને પોતે પણ યુનિફોર્મમાં, પછી ભલે એ યુનિફોર્મ કોઈ પણ હોય, એમાં સજ્જ હોય એવું સ્વપ્ન નિહાળતી. નેશનલ કેડેટ કોર્પ્સ-એનસીસીની પાર્શ્ર્વભૂ તો હતી જ એની. નાગપુરની લેડી અમૃતાબાઈ દાગા કોલેજમાંથી બી.એસસી. કર્યા પછી એમબીએમાં જોડાઈ ગઈ. પણ પહેલેથી જ હર્ષિની આર્મી કે એરફોર્સમાં જોડાવા ઈચ્છુક હતી. લક્ષ પાર પાડવા હર્ષિનીએ તૈયારીઓ પણ આરંભી. માતાપિતાનો સંપૂર્ણ સહકાર હતો દીકરીને.
હર્ષિની કાન્હેકર પ્રવેશ પરીક્ષાની તૈયારીઓ કરી રહેલી ત્યારે પોતાના શહેરની દસ શ્રેષ્ઠ બાબતો અંગેનો પણ એક પ્રશ્ર્ન પુછાયેલો. હર્ષિની નાગપુરની હતી. એટલે એ નાગપુરના નેશનલ ફાયર સર્વિસ કોલેજ-એનએફએસસી અંગે રટણ કર્યા કરતી, જે એશિયાનું એકમાત્ર ફાયર ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ હતી અને એનું સંચાલન મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ, કેન્દ્ર સરકાર દ્વારા થાય છે. હર્ષિની ફાયર કોલેજ વિશે જાણતી જ હતી, પણ એણે એ કોલેજમાં દાખલ થવા અંગે ક્યારેય વિચાર્યું નહોતું.
પરંતુ નસીબના ખેલ નિરાળા હોય છે… એક સહેલી શિલ્પાને રોજગાર પોર્ટલના માધ્યમથી ફાયર એન્જિનિયરિંગના અભ્યાસક્રમ અંગે ખબર પડી. એણે હર્ષિનીને નેશનલ ફાયર સર્વિસ કોલેજમાં પ્રવેશ લેવાનું સૂચન કર્યું. હર્ષિનીએ કહ્યું, ‘એમાં કોઈ યુનિફોર્મ છે?’ ‘શિલ્પાએ કહ્યું,’ છે જ. તું તો યુનિફોર્મ પહેરવા માગે છે ને ? અગ્નિશામક દળમાં તારા ખ્વાબનું હકીકતમાં રૂપાંતર થઈ શકે છે.’ હર્ષિનીએ સૂચન વધાવી લીધું. એણે તો યુનિફોર્મ પહેરવો હતો. ફોજી બનીને દેશનું રક્ષણ કરવાનું હોય કે ફાયર ફાઈટર બનીને દેશવાસીઓનું રક્ષણ કરવાનું હોય. તપાસ કરતાં ખબર પડી કે એનએફએસસીમાં પ્રવેશ લેવા માટેના અરજીપત્રકો-ફોર્મ બહાર પડી ચૂકેલાં. હર્ષિની અને શિલ્પાએ કોલેજમાં ફાયર એન્જિનિયરિંગમાં પ્રવેશ લેવા માટે ફોર્મ ભરી દીધું.
ફોર્મ કોલેજમાં જમા કરાવવા નીકળી ત્યારે હર્ષિની કાન્હેકર અત્યંત ઉત્સાહિત હતી. ફાયર સર્વિસ કોલેજમાં પ્રવેશ મેળવવા અને કોલેજ જોવા માટે પણ. કોલેજમાં એડમિશન મળવાની વાત અબ દિલ્હી દૂર હૈ જેવી હતી. બન્યું એવું કે હર્ષિની પિતા સાથે કોલેજ પરિસરમાં આગળ વધી ત્યારે સહુ કોઈ વિચિત્ર નજરે એની સામે તાકી રહેલું. વીંધી નાખતી એ નજરોને અવગણીને પિતા સાથે હર્ષિની ફોર્મ જમા કરાવવા કોલેજ ઓફિસમાં પહોંચી. ફોર્મ આપ્યું. ત્યારે હર્ષિની કોઈ બીજા ગ્રહ પરથી ઊતરી આવી હોય એમ એને જોઈને કોલેજ કર્મચારીએ કહ્યું કે, ‘મેડમ, અહીં તમને પ્રવેશ મળવો શક્ય નથી. કારણ કે આ માત્ર જેન્ટ્સ એટલે કે ફક્ત પુરુષો માટેની જ કોલેજ છે.’
હાજરજવાબી હર્ષિનીએ તરત જ જવાબ વાળ્યો કે, ‘તમે મને બતાડો કે છોકરીઓને ફાયર કોલેજમાં પ્રવેશ નહીં મળે એવું આ ફોર્મમાં ક્યાં લખ્યું છે ?’ એમ કહીને હર્ષિનીએ કર્મચારીના હાથમાં ફોર્મ પકડાવ્યું. એક અધ્યાપકે મશ્કરી કરવાની ઢબે ફોર્મ લીધું તો ખરું, પણ એને એક બાજુએ મૂકી દીધું. હર્ષિનીએ બાજુએ મુકાયેલું પોતાનું ફોર્મ લીધું. બીજા ફોર્મ જે પેટીમાં મુકાયેલા એમાં ભેળવીને ચાલી નીકળી.
થોડા દિવસ પછી યોજાયેલી ફાયર કોલેજની પ્રવેશ પરીક્ષામાં હર્ષિની ઉત્તીર્ણ થઈ. પણ સખી શિલ્પા નાપાસ થઈ. હર્ષિનીને કોલેજમાં પ્રવેશ મળ્યો.૧૯૫૬માં જેન્ટ્સ કોલેજનું નિર્માણ થયા પછી કોલેજમાં પ્રવેશ મેળવનાર પહેલી મહિલા હતી હર્ષિની.
સિલેકશન થયેલું, એડમિશન નહીં. પ્રવેશ પરીક્ષામાંથી પાર ઊતરીને હર્ષિનીએ હજુ તો પહેલો કોઠો જ ભેદેલો. બીજા કોઠામાં ઉમેદવારોનું મેડિકલ થવાનું હતું. મેડિકલ એટલે શારીરિક પરીક્ષણ. વરિષ્ઠ ડોક્ટરોનું બનેલું એક બોર્ડ કોલેજમાં આવ્યું. પણ મેડિકલ બોર્ડને છોકરીઓના પરીક્ષણ માટેના માપદંડ અંગે જાણકારી નહોતી, કારણ કે અગાઉ આ કોલેજમાં કોઈ છોકરીનું મેડિકલ થયું જ નહોતું. ઊંચાઈ,વજન, વ્યક્તિત્વ અને જુદા જુદા પરિપ્રેક્ષ્યમાં હર્ષિનીનું પરીક્ષણ કરાયું. હર્ષિની એમાંથી પણ પાર ઊતરી. ત્યાર બાદ પર્સનલ ઇન્ટરવ્યૂ માટે એટલે કે વ્યક્તિગત મુલાકાત માટે હર્ષિનીને બોલાવવામાં આવી. મોટી મોટી કંપનીઓના ડાયરેક્ટરો ઈન્ટરવ્યૂમાં બેઠેલા. એમણે હર્ષિની આવો કઠિન અભ્યાસક્રમ કરી શકશે કે નહીં એ નાણી જોવા એની માનસિક સ્થિતિ ચકાસી શકાય એવા પ્રશ્ર્નો પૂછ્યા. હર્ષિનીએ દરેક સવાલનો જવાબ ભરપૂર આત્મવિશ્ર્વાસથી આપ્યો.
કોલેજમાં માત્ર ત્રીસ ઉમેદવારોને પ્રવેશ મળવાનો હતો. રાત્રે સાડા નવે જેમને પ્રવેશ મળ્યો હોય એ ત્રીસ ઉમેદવારોના નામ જાહેર થયાં. એમાં એક હર્ષિની કાન્હેકર પણ હતી. જેન્ટ્સ કોલેજમાં પ્રવેશ મેળવનાર પહેલી મહિલા…વર્ષ ૨૦૦૨!
હર્ષિનીને પ્રવેશ તો મળ્યો, પણ આગળ કપરાં ચડાણ હતાં. કોલેજ માત્ર પુરુષો માટે હતી, એથી હોસ્ટેલની વ્યવસ્થા પણ પુરુષો માટે જ હતી. હર્ષિની માટે ગર્લ્સ હોસ્ટેલ નહોતી.
હર્ષિનીનું લક્ષ ઊંચું હતું. એટલે આવા નાનાં વિઘ્ન પ્રત્યે એણે આંખ આડા કાન કર્યા. ચિંતિત માતાપિતાને મનાવીને હર્ષિની અભ્યાસક્રમની શરૂઆતના ત્રણ મહિના બોય્ઝ હોસ્ટેલમાં રહી. પછી ગૃહ મંત્રાલયની વિશેષ અનુમતિ સાથે હર્ષિનીને કોલેજકાળ દરમિયાન અભ્યાસના કલાકો પૂરા થયા પછી ઘેર જવાની પરવાનગી આપવામાં આવી. માતાપિતા જાણતાં હતાં કે હર્ષિનીએ જે નક્કી કર્યું છે તે પાર પાડીને જ જંપશે. વળી કોલેજમાં પ્રવેશ તો મળી જ ગયો છે. પાણીમાં પડ્યા પછી હાથપગ હલાવ્યે જ છૂટકો !
પ્રવેશ પછીનો તબક્કો વર્ગપ્રવેશનો હતો. ખરો પડકાર શરૂ થયો. તાલીમ દરમિયાન હર્ષિની ટ્રક ચલાવવાથી માંડીને ઘોડેસવારી શીખી. એ વિશે વાત કરતાં હર્ષિનીએ કહેલું કે, તાલીમ દરમિયાન મારે ત્રણ ત્રણ વાર યુનિફોર્મ બદલવા પડતા. સવારે સાડા છ વાગ્યે ડંગરી ફાયર ફાઈટર પોશાક, નવ વાગ્યે સ્કવોડ યુનિફોર્મ અને બપોરે સાડા ત્રણ વાગ્યે ફરી ડંગરી ફાયર ફાઈટરનો પોશાક પહેરવાનો. પણ કોલેજમાં મહિલાઓને કપડાં બદલવા માટે અલાયદા કમરાની વ્યવસ્થા નહોતી. હર્ષિનીએ કપડાં બદલવા કોલેજના ખાલી કમરા શોધવા પડતા.
આ પ્રકારની મુશ્કેલીઓનો મુકાબલો કરીને હર્ષિની કાન્હેકર દેશની પહેલી ફાયર ફાઈટર બની એ બાબતની એને ખુશી પણ છે અને ગર્વ પણ. પરંતુ એ કહે છે કે, ‘કોઈ નોકરી માત્ર પુરુષો માટે કે માત્ર ીઓ માટે જ હોય છે એવું હું માનતી નથી. હું એ દિવસની પ્રતીક્ષા કરું છું જયારે ફાયરમેન શબ્દ ફાયરપર્સન શબ્દમાં પરિવર્તિત થાય!’