લાડકી

ભારતીય સિનેમાની પ્રથમ ટ્રેજેડી ક્વીન: મીનાકુમારી

ભારતની વીરાંગનાઓ -ટીના દોશી

તેના સંવાદ એટલે કાનને મિજબાની. પણ ગમ્મત એ કે તેનો અવાજ દોષયુક્ત હતો. નૂતન કે વૈજયંતીમાલા જેવા મધુર અવાજની બક્ષિસ તેને મળી નહોતી. તેનો અવાજ વહીદા રહેમાન જેવો નીચો નહોતો. નરગિસના અવાજનો દ્રઢતાભર્યો દમામ તેની પાસે નહોતો. મધુબાલાનું તોફાનીપણું, ગીતા બાલીનો લય નહોતો. તે કંઈક ઊંચા સૂરમાં, નાકમાંથી બોલતી. ઉત્કટ ભાવના પ્રસંગે તેનો અવાજ વધુ ખેંચાતો.વધુ તીણો થતો. પણ એ તો એ જ હતી… એક અને અજોડ. બેમિસાલ અને બેજોડ !’

સિનેસૃષ્ટિના નિષ્ણાત શિરીષ કણેકરે રૂપેરી સ્મૃતિ’માં આ પ્રકારનું અદભૂત વર્ણન જેના વિશે કર્યું છે એ અભિનેત્રી કોણ છે, એ જાણો છો ?

જવાબ છે : મીનાકુમારી… બેનમૂન અભિનેત્રી અને અભિનયસમ્રાજ્ઞી. ભારતીય સિનેમાની પ્રથમ ટ્રેજેડી ક્વીન…પાકીઝા તરીકે પણ મશહૂર. ચાર વાર ફિલ્મફેર સર્વશ્રેષ્ઠ અભિનેત્રી પુરસ્કારથી સન્માનિત. ભારત સરકારે મીનાકુમારીની સ્મૃતિમાં ૧૩ ફેબ્રુઆરી ૨૦૧૧ના પાંચ રૂપિયાની ટપાલ ટિકિટ બહાર પાડેલી…

આ મધુરી મીનાકુમારીનો જન્મ મુંબઈની મીઠાવાલા ચાલમાં મુસ્લિમ પરિવારમાં ૧ ઓગસ્ટ ૧૯૩૩ના મહેજબીન બાનુ તરીકે થયો. માતા પ્રભાવતી દેવી બંગાળની ખ્રિસ્તી હતી. લગ્ન બાદ એણે ધર્મ પરિવર્તન કરીને ઈકબાલ બેગમ નામ ધારણ કર્યું. એ અભિનય કરતી અને સ્ટેજ ડાન્સર તરીકેની ખ્યાતિ મેળવેલી. પિતા અલીબક્શ પણ કલાકાર હતા. ઈદ કા ચાંદ નામની ફિલ્મમાં એક નાનકડી ભૂમિકા એમણે ભજવેલી. એ હાર્મોનિયમ વગાડતા, સંગીત શીખવતા અને ઉર્દૂ કવિ પણ હતા, છતાં એક સમય એવો આવ્યો કે ખાવાના સાંસા પડ્યા. એવામાં મહેજબીનનો જન્મ થયો ત્યારે પુત્રલાલસા ધરાવતા અલીબક્શ રાત્રિના અંધકારમાં નવજાત દીકરીને એક અનાથાશ્રમને દરવાજે મૂકી આવ્યા. પણ પછી પિતૃહૃદય પીગળ્યું.. અનાથાશ્રમને દરવાજે પહોંચીને જોયું તો દીકરીના શરીરે કીડીઓ ચટકા ભરી રહેલી. અલીબક્શે તરત જ કીડીઓ ખંખેરી અને દીકરીને ગળે વળગાડી. પાછી ઘેર લઈ આવ્યા.

દીકરીને ઘર પાછું મળ્યું. પણ ઘરમાં ગરીબીએ ઘર કરી લીધેલું. મહેજબીન શાળાએ ન જઈ શકી. માત્ર છ વર્ષની કુમળી વયે બેબી મહેજબીન નામે વિજય ભટ્ટની ફિલ્મ ‘લેધરફેસ’માં અભિનય કરીને રૂપેરી પરદે પગરણ કર્યાં. એ જ વર્ષમાં પ્રદર્શિત અધૂરી કહાની’માં પણ બેબી મહેજબીનના નામે અભિનય કર્યો. પણ પછીના વર્ષે ૧૯૪૦માં એક હી ભૂલ’ ફિલ્મમાં નામ બદલીને બેબી મીના કર્યું. પાંચ છ ફિલ્મોમાં બેબી મીના નામે અભિનય કર્યા પછી ૧૯૪૬માં આવેલી બચ્ચોં કા ખેલ’ ફિલ્મથી તેર વર્ષની બેબી મીના મીનાકુમારી બની ગઈ.

મીનાકુમારીની ફિલ્મો લગાતાર પ્રદર્શિત થતી રહી. એણે આરંભમાં ઘણું કરીને પૌરાણિક ફિલ્મોમાં કામ કર્યું, પણ ઓળખ મળી ૧૯૫૨માં પ્રદર્શિત થયેલી બૈજૂ બાવરા ફિલ્મથી. આ ફિલ્મમાં મીનાકુમારીએ ભજવેલી ગૌરીની ભૂમિકાએ ઘરઘરમાં નાક કરી લીધું. જોકે આ ફિલ્મમાં એક દ્રશ્યમાં નૌકામાં સવાર મીનાકુમારી પાણીમાં પડી ગયેલી અને ડૂબતાં ડૂબતાં બચેલી. રામ રાખે એને કોણ ચાખે ! ગૌરીની ભૂમિકાએ એને સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનો પહેલો ફિલ્મફેર પુરસ્કાર અપાવ્યો. એ પછી ‘પરિણીતા’ની લલિતા થકી મીનાકુમારીએ સિનેસૃષ્ટિમાં સિક્કો જમાવી દીધો. શિરીષ કણેકરે તો એવું નોંધ્યું છે કે, પરિણીતા ફક્ત મીનાની ચાલ માટે જોવું. તેને પડદા પર જોતાં દરેક વખતે લાગ્યા કર્યું કે આ જ ભૂમિકા માટે તેનો જન્મ થયો છે.’ ત્યાર બાદ ‘દો બીઘા ઝમીન’ની ઠકુરાઇનની ભૂમિકાએ મીનાકુમારીને એક અલગ જ મુકામે પહોંચાડી.

દરમિયાન, મીનાકુમારીએ કમાલ અમરોહી સાથે લગ્ન કરી લીધેલાં. મીનાના નિકાહથી પિતા અજાણ હતા. એક દિવસ ઘરનાં નોકરે મીનાને ફોન પર વાત કરતાં સાંભળી લીધી. એણે અલીબક્શ સુધી વાત પહોંચાડી. અલીબક્શે મીના પર તલાક લેવાનું દબાણ આણ્યું. મીનાએ પિતાને બે લાખ રૂપિયા આપીને, પછી કમાલ સાથે રહેવાનો નિર્ણય લીધો. દરમિયાન, અલીબક્શે મહેબૂબ ખાનની ફિલ્મ ‘અમર’ માટે મીનાની તારીખો ફાળવી દીધી. પણ મીના કમાલની ફિલ્મ ‘દાયરા’ કરવા માંગતી હતી. પિતાએ ચેતવણી આપી કે મીના કમાલની ફિલ્મ કરશે તો ઘરના દરવાજા એના માટે કાયમ માટે બંધ થઈ જશે. મીનાએ પાંચ દિવસ અમર ફિલ્મનું શૂટિંગ કર્યું, પણ પછી ‘દાયરા’માં કામ કરવા જતી રહી. અલીબક્શે એ રાત્રે મીનાને ઘરમાં ન આવવા દીધી. મજબૂર મીના કમાલને ઘેર ચાલી ગઈ. બીજા દિવસના અખબારોમાં દોઢ વર્ષ સુધી ગુપ્ત રખાયેલાં મીના અને કમાલના લગ્નનાં સમાચાર મથાળાંમાં ચમક્યાં.

કમાલ અમરોહીએ મીનાકુમારીને ફિલ્મી કારકિર્દીમાં આગળ વધવાની અનુમતિ આપી, પણ શરત એ કે મીના પોતાના મેકઅપ રૂમમાં પોતાના મેકઅપ આર્ટિસ્ટ સિવાય કોઈ પુરુષને પ્રવેશ નહીં આપે અને રોજ સાંજે સાડા છ વાગ્યા સુધીમાં માત્ર પોતાની ગાડીમાં જ ઘેર પાછી ફરશે. મીનાકુમારીએ બધી શરત માન્ય રાખી અને શરતભંગ પણ કરતી રહી. કમાલે પોતાના જમણા હાથ સમા બાકરઅલીને મીનાના મેકઅપ રૂમમાં એની જાસૂસી કરવા તહેનાત કરી દીધો. બાકરઅલીએ કમાલે કાંઈ કહેવાપણું ન રહે એ રીતે જાસૂસી કરી. પિંજરે કે પંછી’ ફિલ્મના શૂટિંગ દરમિયાન મીનાને ખ્યાલ આવ્યો કે પોતે પણ પિંજરાનું પંખી જ છે. બન્યું એવું કે મીનાએ જાણીતા ગીતકાર ગુલઝારને પોતાના મેકઅપ રૂમમાં આવવાની પરવાનગી આપી. એથી બાકરઅલીએ મીનાને થપ્પડ જડી દીધી. એ થપ્પડ મીના અને કમાલનાં સંબંધોમાં તાબૂત પરનો આખરી ખીલો પુરવાર થયો.

મીનાએ તરત જ કમાલ સાથે વાત કરી, પણ પથ્થર પર પાણી. મીનાની સહનશક્તિ ખૂટી. ધીરજનો બંધ તૂટ્યો. એણે કમાલ સાથે ન રહેવાનો નિર્ણય કરી લીધો. એ ફિલ્મના સેટ પરથી સીધી પોતાની બહેન મધુને ઘેર ગઈ. કમાલ મીનાને લેવા મધુને ઘેર ગયા ત્યારે એણે મળવાની ધરાર ના કહી દીધી. આ ગાળામાં કમાલની ‘પાકીઝા’ ફિલ્મનું શૂટિંગ કરવાનું પણ બંધ કર્યું. દરમિયાન, ધર્મેન્દ્ર સાથેના મીનાનાં સંબંધો ચર્ચાસ્પદ રહ્યા. પણ મોડેથી મીનાને સમજાયું કે ધર્મેન્દ્રએ કારકિર્દીમાં આગળ વધવા પોતાનો ઉપયોગ માત્ર સીડી તરીકે કરેલો. મીના તૂટી ગઈ. હતાશામાં ડૂબી ગઈ. એ રાતભર જાગતી રહેતી. એને ઊંઘ ન આવતી. એથી મીનાના ડોક્ટર સઈદ મિર્ઝાએ એને રોજ ઊંઘની ગોળીઓ લેવાને બદલે એક પેગ બ્રાન્ડી લેવાની સલાહ આપી. એ એક પેગ અનેક પેગમાં બદલાઈ ગયો.મીના શરાબમાં ડૂબી અને શરાબે મીનાને ડુબાડી. સુધબુધ ન રહી. લીવર સોરાયસીસની બીમારીથી પીડાવા લાગી. મૃત્યુ દરવાજે દસ્તક દઈ રહ્યાનું લાગતાં મીનાએ પાકીઝાનું શૂટિંગ ફરી શરૂ કર્યું. ૩ ફેબ્રુઆરી ૧૯૭૨ના ફિલ્મનું પ્રીમિયર મરાઠા મંદિરમાં યોજાયું. એના એક જ મહિનામાં ૩૧ માર્ચ ૧૯૭૨ના મીનાકુમારીનું નિધન થયું.

એ સમયે નરગિસે શ્રદ્ધાંજલિ આપતાં કહ્યું કે, મીના, તને મોત મુબારક હો ! એ પછી એક ઉર્દૂ પત્રિકામાં મીનાને સંબોધીને પ્રકાશિત થયેલા પત્રના આરંભે નરગિસે કહેલું, તારા મૃત્યુની વધામણી.. આવું મેં પહેલાં ક્યારેય કહ્યું નથી. મીના, આજે તારી મોટી બહેન તને મૃત્યુની વધાઈ આપે છે અને તને આ દુનિયામાં ફરી ક્યારેય પગ ન મૂકવાનું કહે છે. આ ઠેકાણું તારા જેવા લોકો માટે નથી !’
મીનાકુમારીના જીવનની કરુણતા વિશે જાણીને કોઈ પણ કહેશે કે, ફિલ્મી પરદે તો એ ટ્રેજેડી ક્વીન હતી, પણ વાસ્તવિક જીવનના પરદે પણ એ ટ્રેજેડી ક્વીન જ હતી !

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Waterproof મેકઅપ આ રીતે કરો આજે દેવસુતી એકાદશી પર કરો આ ઉપાય અને મેળવો મા લક્ષ્મીની કૃપા… આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે?