લાડકી

અંતકાળે

ટૂંકી વાર્તા -દિલીપ રાણપુરા

સુખદેવ પુરાણી બીમાર હતા. કદાચ આ એમની છેલ્લી બીમારી હતી. છેલ્લા ત્રણ મહિનાથી તેઓ ખાટલાવશ હતા ને પ્રતિદિન શક્તિ ક્ષીણ થતી જતી હતી. તેમાંય ત્રણ દિવસથી તો તેઓ સાવ ક્ષીણ થઇ ગયા હતા. એક વખત તો બેભાન પણ બની ગયેલા. ઘીનો દીવો કરવાની તૈયારી થઇ ચૂકી હતી. ગંગાજળ અને તુલસીપર્ણની વ્યવસ્થા રાખવામાં આવી હતી. પણ કોણ જાણે કઇ જિજીવિષાને જોરે તેઓ ભાનમાં આવી ગયા તે કોઇ જાણી શક્યું નહીં.

મોડી રાત સગાં-સંબંધીઓ પોતપોતાને ઘેર ગયા. ત્યારે પુરાણીના મોટા પુત્ર બાલુએ પિતાના કપાળે હાથ મૂક્યો. કપાળ ઠંડું હતું. આંખો મીંચેલી હતી. પણ શ્ર્વાસ ચાલુ હતો એટલે આશ્ર્વાસન મળતું હતું. બાલુ પિતાના ચહેરા સામે જોઇ રહ્યો. ગોરો વાન આજે ફિક્કો લાગતો હતો. ચમકતા કપાળ પર થોડી ઝાંપક વળી ગયા જેવું લાગતું હતું. અને અણીશુદ્ધ નાક સામુદ્રિક શાસ્ત્રની દષ્ટિએ જે પ્રભાવશાળી ગણાતું તે કંઇક બિહામણું લાગતું હતું. શિખાની ગાંઠ બંધાયેલી હતી. બાલુનો હાથ કપાળ પરથી શિખા પર ગયો. શિખાની ગાંઠ પર આંગળીઓ ફેરવવા લાગ્યો. વાળ ખેંચાતા જ પુરાણીની આંખો ઉઘડી ગઇ. જોયું તો બાલુ તેમના ખાટલા પાસે બેઠો બેઠો શિખાની ગાંઠ સાથે રમત કરી રહ્યો છે. તેઓ બાલુ સામે જોતા બોાલ્યા. રમત કરે છે બેટા?
‘ના! બાપુ…’
‘તો?’ અને પુરાણી આગળ બોલી શક્યા નહીં. એમની આંખો ચકળવકળ ફરવા લાગી. બાલુના હૈયે ધાસકો પડ્યો. બાપુજીને કંઇક કહેવું છે?’ તેઓ ગોટાય છે. પણ બોલી શક્તા નથી. એમની મનની મનમાં રહી જશે તો… અને તેણે પૂછ્યું: ‘બાપુજી શું થાય છે? કાંઇક હેવું છે?’

‘હા…’ બોલીને પુરાણીએ તેની સામે નજર નોંધીને પછી ધીમેથી બોલ્યા: ‘દીકરા…’ ને વળી થોડી ક્ષણ અટકી ગયા. આગલી ક્ષણમાં જ તેમની આંખોનું તેજ વધી ગયું. ‘મને એક ચિંતા થાય છે. મારા મૃત્યુ પછી પાઠશાળા કોણ ચલાવશે.’

‘બાપુજી, વાસુદેવ શાસ્ત્રી છે ને?’
‘નહીં..’ પુરાણીના સ્વરમાં કઠોરતાની કડવાશની છાંટ આવી ગઇ. ‘નહીં, બાલુ, એ કદી નહીં ચલાવે શકે. એ પાઠ્યશાળાની આચાર્ય થશે તો મારા જીવની ગતિ નહીં થાય.’
પિતાના આ શબ્દો બાલુના હદયમાં શૂળની જેમ ખૂંપી ગયા. બાપુ વેદ-વેદાંતના આટલા ઊંડા અભ્યાસી હોવા છતાં અંતકાળે આટલું વેર… આટલો દ્વેષ શા માટે રાખે છે? આ વેળાએ તો જ્ઞાની માણસ માફામાફી કરે કે ક્ધિનાખોરી રાખે? તેને થયું. પિતાજીને સાચી વાત કહેવી. એમનું જીવ્યું સાર્થક થાય એવું એ છેવટની ઘડીએ કરી જાય… એના દુશ્મન વાસુદેવને પણ થાય કે ના, દુશ્મન મળ્યો’તો પુરાણી કે જે છેલ્લી ઘડીએ ખેલદિલી બતાવી ગયો. એવું થાય એ માટે બે શબ્દો કહેવા. અને તેણે કહ્યું: ‘બાપુજી. કોઇ અમરપટો લખાવીને નથી આવ્યું. એય બ્રાહ્મણનો દીકરો છે ને? તમારો જ શિષ્ય છેને… એ આચાર્ય બનશે તો તમારું નામ ઉજાળશે. વિદ્વતામાં એ ક્યાં તમારાથી ઊતરતા છે? અને તમારા પછી એમનું સ્થાન પણ નક્કી જ છે ને? પાઠશાળાના ટ્રસ્ટીઓ બીજા કોને આચાર્ય બનાવશે? તો બાપુજી તમે જ જશ લેતા જાવ…’

‘બાલુ, તને એ નહીં સમજાય. પંદર પંદર વર્ષ સુધી જે માણસ સામે મેં નિંદાના, ફિટકારનાં હથિયારો જ ફેંક્યે રાખ્યા છે એ માણસને હું કેમ ભેટી શકું? ટ્રસ્ટીઓ ઉપર મારો કાબૂ છે. હું ટ્રસ્ટીઓને સમજાવીશ. છેવટે પાઠશાળા બંધ કરવાની આજ્ઞા આપીશ. મારું આટલું માન તેઓ રાખવાના જ. મારા પ્રત્યે તેમને જેટલો આદર છે તેટલો જ ધિક્કાર છે વાસુદેવ પ્રત્યે, તે હું જાણું છું. તેઓ ભલે તે સ્પષ્ટપણે વ્યક્ત ન કરતા હોય. પણ હું વાસુદેવને આચાર્ય તો નહીં જ બનવા દઉં. બાલું, અમારો અંતકાળ છે એ સાચું. હું સમજું છું કે અંતકાળે માણસે ગમા-અણગમા ભૂલીને બ્રહ્મમાં જ લીન થવું જોઇએ. પણ તું જ વિચાર, એ વાસુદેવ સામાન્ય લોકવ્યવહાર પણ ભૂલી ગયો છે. ત્રણ મહિનામાં એ એક દિવસ પણ મારી ખબર કાઢવા આવ્યો નથી. શું આટલા માટે મેં એને ભણાવ્યો હતો? મારા પટ્ટશિષ્ય તરીકે સ્થાપ્યો હતો? બાલુ, એવા નગુણા માણસના હાથમાં સંસ્કૃત પાઠશાળાનું આચાર્યપદ જાય તો કેવો વિનિપાત સર્જાય એની તને ક્યાંથી જાણ હોય? આપણા પવિત્ર ગ્રંથો અપવિત્ર બની જાય. સંસ્કૃત ભાષા, જે આપણી માતા છે. દેવભાષા છે, આદિભાષા છે એમાં વર્ણસંકરતા આવે.’ પુરાણી એકધારું બોલવાથી થાકી ગયા. તેઓ અટકી ગયા. આંખો મીંચી ગયા. પણ ઉત્તેજનાના ભાવ તો એવા ને એવા જ લાગતા હતા.

બાલુ વિચારતો હતો, પિતાના મગજ ઉપર રોષ-ઉશ્કેરાટ સવાર થઇ ગયો છે. તેઓ રોષના આવેશમાં જ આમ બોલી રહ્યા છે. તેને થયું, પિતાને શાન્ત પાડવા જોઇએ. તેણે પાણી પાયું. પુરાણીએ બાલુ તરફ એક નજર કરી ને પછી પડખું ફરીને સૂઇ ગયા.

બાલુ જાગતો બેઠો હતો. તેનાં બા એક વખત ઓરડામાં આવી ગયાં. બાલુને પૂછી ગયા: ‘શું કે’તા’તા તારા બાપુજી?’
‘કંઇ નહીં.’
તો આમ જોર જોરથી કેમ બોલતા’તા?’

‘એ તો અમસ્તાં જ…’ કહીને બાલુ ચૂપ થઇને તેની બા સામે જોઇ રહ્યો. તેની બાના ચહેરા ઉપર ચિંતાની સાથે કુતૂહલના ભાવ હતા. પણ બાલુ આગળ કાંઇ ન બોલતાં તેમણે માન્યું કે બાપ-દીકરા વચ્ચે કંઇક વ્યવહારની વાત થતી હશે. તેઓ તેમના ઓરડામાં જતાં બોલ્યા: કંઇ કામ હોય તો બોલાવજે. તારા બાપુજીને કાંઇ કહેવું હોય તો મને જગાડજે. જો કે હું જાગતી જ પડી છું.’
‘સારું…’

તેની બાના ગયાં પછી બાલુએ ટ્યૂબલાઇટ બુઝાવી ઝીરો બલ્બ ચાલુ કર્યો. એ ઝાંખા આજવાળામાંય તે પિતાની કાયાને સ્પષ્ટ જોઇ શક્યો હતો. પિતાની કૃશ કાયા જોઇને તેને પહેલી વખત જ વિચાર આવ્યો કે કેવી કદાવર હતી આ કાયા! કેટલી તાકાત હતી આ દેહમાં? કેટલો પ્રભાવ હતો એમની વાણીમાં! અને કેટલી તેજસ્વિતા હતી એમની આંખોમાં!આજે એ બધુંય ગયું. હા, વાસુદેવની વાત ચાલે છે ત્યારે એ આંખોમાં તેજ ચમકી જાય છે. એવું તેજ કે જાણે વાસુદવને બાળીને ભસ્મ કરવો હોય! પણ શા માટે? આ બધું શા માટે? અને તે અતીતમાં ઊતરી ગયો. પોતે અને વાસુદેવ સરખી ઉંમરના સંસ્કૃત પાઠશાળામાં બંને સાથે અભ્યાસ કરે, પોતે આચાર્યનો પુત્ર હોવા છતાં અભ્યાસમાં પાછળ રહેતો અને વાસુદેવ આગળ નીકળી જતો. પિતા તેને ઠપકો આપતા, કહેતા: બાલુ, તું મારું નામ બોળીશ. મને નીચું જોવરાવીશ. તારા કરતાં આ વાસુદેવ આગળ વધી જશે.

અને તે હરીફાઇમાં વાસુદેવથી આગળ નીકળી જવા તનતોડ પ્રયાસ કરતો, પણ તેને આંબી શક્યો નહીં. પિતા-ધૂંધવાતા. ક્યારેક મારી પણ લેતા. ને તોય ઠોઠ જ રહ્યો. પિતાએ એક દિવસ આવેશમાં આવીને કહી દીધું: બાલુ, તું જન્મે મારો દીકરો, પણ સંસ્કારે તો વાસુદેવ જ મારો દીકરો છે. વારસો વંશનો નહીં, જ્ઞાનનો, સંસ્કારનો અપાય છે.

બાલુના હદય પર જાણે ધગધગતો તાવેથો ચંપાયો. ચામડી તડતડવા લાગી. એ પીડા તેણે અંદર ઉતારી દીધી. ને શાન્ત હોવાનો દેખાવ કરવા લાગ્યો. વાસુદેવને ને તેને સરખી રીતે રાખતા, સાચવતા છતાં વાસુદેવ માટેનું બાપુનું માન તેને દઝાડ્યા કરતું. વાસુદેવ ગુરુનો પડ્યો બોલ ઝીલી લેવામાં પોતાનું સૈાભાગ્ય સમજતો અરે, ક્યારેક તો તે ગુરુની વણબોલી ઇચ્છાઓને પામી જતો ને તે પૂૂરી કરતો. અભ્યાસ કરવા અને બે વખત ભોજન લેવા જેટલો સમય એ પોતાના અંગત કામ માટે વાપરતો. બાકીનો સમય એ સુખદેવ પુરાણીના સાંનિધ્યમાં જ ગાળતો. રોજ સવારે તે સ્નાનાદિથી પરવારી ગુરુ સુખદેવ પુરાણીના પગે લાગતો. રાત્રે તેમના પગ દબાવતો. તેમની ચીજવસ્તુઓની દેખભાળ રાખતો. ગુરુપૂર્ણિમાએ પૂજા કરતો. પોતાની શક્તિ પ્રમાણે ભેટ ધરતો. ગુરુ જે શીખવતા એ ગ્રહણ કરવાની તેની શક્તિ પણ અસામાન્ય હતી. જ્યારે પોતે પુત્ર હોવા છતાં પછાત રહેતો.
અત્યારે પણ બાલુને પોતાનું પછાતપણું ખૂંચવા લાગ્યું. હા, એ પછાતપણાને લીધે તો પિતા વાસુદેવની પાછળ ગાંડા બની ગયા હતા. વાસુદેવનો અહીંનો અભ્યાસ પૂરો થઇ ગયા પછી પિતાને થયું, આને કાશીએ મોકલ્યો હોય તો ઘણું જ્ઞાન પ્રાપ્ત કરી શકે. પ્રાપ્ત કરેલું જ્ઞાન એ પચાવી શકે એમ છે. પણ મૂઝવણ હતી પૈસાની વાસુદેવના પિતા તો યજમાનવૃત્તિ કરી ખાતા. એટલે ઝાઝી મૂડી નહોતી. પણ પિતાએ એનોય વળ ઉતારી દીધો.

પાઠશાળાને ઠાકોર સાહેબ આર્થિક મદદ કરતા હતા. એ ઉપરાંત પ્રસંગોપાત ભેટ-સોગાદ, ધરતા હતા. આજ સુધી સુખદેવ પુરાણીને કોઇને પાસે હાથ લાંબો કરવાનો વખત આવ્યો નહોતો. એમની એક અકિંચન પંડિત તરીકેની છાપ હતી. પણ વાસુદેવ માટે તેમણે હાથ લાંબો કરવાનો નિર્ણય લીધો. તેઓ વાસુદેવને ઠાકોર સાહેબ પાસે લઇ ગયા. બધી વાત કરી. ઠાકોર સાહેબે કોઇ જાતની પૂછપરછ કે દલીલ કર્યા વગર માગણીનો સ્વીકાર કર્યો અને વાસુદેવનું કાશીએ ભણવા જવાનું નક્કી થયું. એ વખતે બાલુના મનમાં ઇર્ષાની આગ ઝડઝડ સળગવા લાગી. મારા પિતા ગુરુ ને હું જ રહી જાઉં! મને તારવીને વાસુદેવને કાશી મોકલવા હાથ લંબાવે? એક અજાણ, અજ્ઞાન, ગામોટીનો દીકરો કાશીએ ભણવા જાય? હું એનું અભિમાન ઉતારી નાખીશ. એ નાલાયક છે એવું સાબિત કરી એનો ધજાગરો બાંધીશ…
બાલુનું અણુએ અણુ આ યાદથી કળવા લાગ્યું. આવું શા માટે થયું, તે વખતે? એની યોગ્યતા હતી ને એને લાભ મળ્યો હતો, અને આગળ વિચારે એ પહેલા જ સુખદેવ પુરાણીએ પડખું ફેરવ્યું બાલુ તેમના ચહેરા સામે જોઇ રહ્યો. એ ચહેરો જાણે બાલુના હૈયામાં ચાલતા વિચારોને પીને નીરક્ષીર તારવવા મથતો હોય એમ લાગતું હતું. બાલુ થોડીવાર શૂન્યમનસ્ક થઇને બેસી જ રહ્યો.
થોડી વારે વળી એની વિચારમાળા આગળ ચાલી. વાસુદેવ કાશીએ ગયો ત્યારે જે ઇર્ષાની ઓ સળગતી હતી તે બુઝાઇ નહોતી. તેણે તેની સાથે મનોમન વેર બાંધી લીધું હતું. વાસુદેવને પછાડવા પોતે કેવા કેવા પેંતરા રચેલા એય યાદ આવ્યું. પોતે દરેક પેંતરામાં કેટલો નિષ્ફળ ગયો હતો? તે પછી કેવા બમણા જોરથી વાસુદેવ વિરુદ્ધ પ્રચાર કરતો. એ યાદ આવતા તે અત્યારે પણ શોભ અનુભવવા લાગ્યો. એના આત્માને કોઇ અંદરથી કોરી ખાતું હોય એવી પીડા થવા લાગી.
વાસુદેવ ચાર વર્ષ કાશીમાં ભણી પાછો ફર્યો ત્યારે તેના સ્વાગતમાં ઠાકોર સાહેબ મોખરે હતા. બાલુ પણ સાથે જ હતો. ને વાસુદેવને ઉમળકાથી ભેટ્યો ત્યારે લોકોએ કહેલું: બાપ-દીકરો કેટલા નિરાભિમાની ને નિખાલસ છે?
પછી પાઠશાળામાં સન્માન સમારંભ રખાયો ત્યારે પિતાજીએ વાસુદેવને પટ્ટશિષ્ય તરીકે જાહેર કરી માન આપ્યું હતું, અને તે વખતે બાલુએ નિર્ધાર કર્યો કે વાસુદેવને ગમે તેમ કરીને પછાડવો પડશે. પિતાજી અને ઠાકોરસાહેબ પાસે એનું જે માન છે એ માનને સ્થાને ધિક્કાર સ્થાપિત કરવો જ પડશે, અને તે યોજના ઘડતો અને ભાંગતો. એમાં એક મોકો મળી ગયો.
પાઠશાળાનો સ્થાપના દિન આવ્યો, વસંતપંચમીનો એ દિવસ. પાઠશાળામાં વસંતોત્સવ ઉજવાય એ પ્રસંગે ધાર્મિક નાટ્યપ્રયોગ થાય. એ પ્રયોગ જોવા, ઉત્સવ માણવા ગામના સંભવિત ગૃહસ્થો ઉપરાંત ઠાકોરસાહેબ પણ પોતાના પરિવાર સાથે આવે.
આ વખતે ઉત્સવ વધુ ઠાઠથી ઉજવવાનો હતો. ઉત્સવની બધી તૈયારીની જવાબદારી બાલુની અને વાસુદેવની હતી. વાસુદેવની અભિનયશક્તિ પણ ખીલેલી હતી. ને આ વખતનું નાટક પણ તેણે જ લખેલું હતું. મુખ્ય પાત્ર પણ તેણે જ લીધું હતું. બાલુને મળ્યું હતું સહનાયકનું પાત્ર. સહનાયક કંઇક ઝાંખો હોવા છતાં બાલુએ કચવાતા મને તે સ્વીકાર્યું.
નાટક શરૂ થયું. વાસુદેવનો અભિનય ચોટદાર બનતો ગયો. એ જ્યારે સંવાદો બોલતો ત્યારે પ્રેક્ષકો એક કાન થઇ જતા. ગીત ગાતો ત્યારે ડોલી ઉઠતા. બાલુએ સ્ટેજ પરથી નોંધી લીધું કે ઠાકોર સાહેબની યુવાન કુંવરી વાસુદેવ તરફ મુગ્ધ નજરે જોઇ રહી છે. તે જ્યારે નેપથ્યમાં ચાલ્યો હતો ત્યારે પણ કુંવરી ડોક લંબાવીને તેને જોવા પ્રયત્ન કરતી. નાટક પૂરું થયું ત્યાં સુધીમાં બાલુએ યોજના ઘડી કાઢી.
નાટક પૂરું થયા પછી ઠાકોર સાહેબે ચન્દ્રકો અર્પણ કરતા વાસુદેવની પ્રશંસા કરી. વાસુદેવને આ અગાઉ પણ સદ્વર્તનનો ચન્દ્રક મળેલો કુંવરીએ પણ હાથ જોડી વાસુદેવ સાથે સસ્મિત વદને વાતો કરી. વાસુદેવે પણ એવા જ ઉમળકાથી જવાબ આપ્યો.
બીજે દિવસે વાસુદેવને દરબારમાંથી તેડું આવ્યું. વાસુદેવ ગુરુની રજા લેવા આવ્યો. એ વખતે સુખદેવ પુરાણીને કંઇક અગત્યનું કામ હોવાથી વાસુદેવ સાથે જઇ શકે તેમ નહોતા- એટલે બાલુ તેની સાથે ગયો.
ઠાકોર સાહેબે વાસુદેવ સાથે ધર્મની અધ્યાત્મની, શાસ્ત્રની, સાહિત્યની, કળાની ચર્ચા કરી. પછી એક દાસી એમને રાણીસાહેબના ઓરડામાં લઇ ગઇ. ત્યાં થોડીવાર બેઠા. કુંવરી પણ હાજર હતી. તે તેમને તેના ઓરડામાં લઇ ગઇ. પોતાના ઓરડાની સજાવટ બતાવતી હતી, દાસી તેની સાથે જ હતી. બાલુએ સિફતપૂર્વક કુંવરીના ઢોલિયા પર એક ચિઠ્ઠી મૂકી દીધી.
દાસી અને કુંવરી રાજમાતા પાસે ગયા બાલુ અને વાસુદેવ ઘેર આવ્યા. બીજી સવારે સુખદેવ પુરાણીને દરબારમાંથી તેડું આવ્યું.
સુખદેવ પુરાણીએ ઘર આવી વાસુદેવને બોલાવ્યો. તેની સાથે કશી વાત કર્યા વગર ત્રણ-ચાર તમાચા મારીને કહ્યું: ‘જા, ભાગી જા. હવે પછી તારું કાળું મોં મને બતાવીશ નહીં. તમારી વિદ્વતા પર તે પાણી ફેરવ્યું છે. બને તો આપઘાત કરીને મરી જજે.’
એકાએકના આ આક્રમણથી હતપ્રભ બનેલો વાસુદેવ કશું પૂછી શક્યો નહીં. થોડી વારે સ્વસ્થ થયો ત્યારે તેણે સંકલ્પ કરી લીધો: ગુરુ બોલાવે નહીં ત્યાં સુધી હું તેમને મારું મોં નહીં બતાવું.
બસ, એ ગયો એ ગયો. આજ સુધીમાં તે ક્યારેક સુખદેવ પુરાણીને મોં બતાવવા આવ્યો નથી રસ્તામાં ક્યારેક સામા મળી જવાનો પ્રસંગ બને તો તે આડું ફરીને ઊભો રહેતો.
આ પંદર વર્ષમાં તેણે કદી પોતાના ગુરુ માટે હીણો શબ્દ વાપર્યો નથી. કદી કોઇની પાસે અણગમાની લાગણી પણ વ્યક્ત કરી નથી. તો સુખદેવ પુરાણીએ તેના પ્રત્યે ધિક્કારની લાગણી ઘણી વખત, ઘણી જગ્યાએ વ્યક્ત કરી છે. ને કોઇએ તેનાં કારણો વિશે પૂછ્યું છે ત્યારે તે જણાવ્યા નથી. તેમ તેમણે કોઇ બીજાને પટ્ટશિષ્ય તરીકે સ્થાપ્યો પણ નથી. પુરાણીને તેના પ્રત્યે ગમે તેટલો ધિક્કાર હોય, રોષ હોય, તોય ક્યારેક તેના પ્રત્યેની વાત્સલ્યની લાગણી ઊતરી આવતી. પ્રત્યેક ગુરુપૂર્ણિમાએ તેઓ બેચેન બની જતા. બારણા સામે મીટ માંડીને બેસી રહેતા. બપોરે થતા એક નિ:સાસો નાખીને બોલતાં એ ન આવ્યો… એક વખત આવી જાય. મને મોં બતાવી જાય…’ ને પછી હતાશ થઇને પાટ પર આડા પડતા ગણગણતા: કઇ રીતે આવે? મોં નહીં બતાવવાની ગુરુની આજ્ઞા છે ને?…
આ અંગે ઘરમાંથી કોઇ એમને કંઇ કહેતું. પૂછતું ત્યારે તે દુર્વાસા બની જતા. એટલે પછી કોઇ વાસુદેવનું નામ ન લેતું.
પુરાણીને ઉધરસનું ઠસકું આવતા જાગી ગયા. તેમણે બાલુ સામે જોઇને કહ્યું: એક કામ કરીશ બાલુ?
‘બોલો બાપુજી…’
‘વાસુદેવ પાઠશાળાનો આચાર્ય ન બનવો જોઇએ.’
પિતાની આ એક રટ-રટણ, હઠ જોઇ બાલુને દુ:ખ થયું. તેણે ફરી એક વખત કહ્યું: બાપુજી, ગમે તેવો તોય એ તમારો શિષ્ય.
‘સાચી વાત… પણ પંદર વર્ષમાં એ કદી આવ્યો? મરણ પથારીએ છું. ત્યારે એ મોં દેખાડવા ન આવ્યો. બાલુ હું એનો ગુરુ છું. મેં એનામાં મારો પ્રાણ રેડ્યો છે. મેં એને જે કાંઇ કહ્યું હશે તેના જ હિત માટેને? તેની વિદ્યાના ઓજસ માટે ને… ને ગુરુની પ્રતિષ્ઠા માટેને… એણે કારણ જાણીને કંઇક ખુલાસો તો કરવો જોઇએ ને? ને- ને- હું એને જોવા કેટલો તલસી રહ્યો છું? તોય એ કદી આવ્યો જ નહીં. તેણે ક્યારેય મારા વિશે ક્યાંય ફરિયાદ ન કરી. આટલા વર્ષ મારો જીવ તેના તરફ ખેંચાયા કર્યો છે. એટલે લાગે છે મેં ક્યાં ઉતાવળ કરી છે. તેને તક નથી આપી ને તેણે શિષ્યપણું ઉજાળ્યું. પણ મને ક્યારેક થાય છે કે, બાલુ, હું ક્યાંક ગુરુ તરીકે ઊણો ઉતર્યો છું. પણ હવે તેને સામેથી મળવા કેમ જાઉં? એ નથી આવતો એટલે તો વધુ ક્રોધ આવે છે. આટલો અહંકાર એ રાખે તો હું એનો ગુરુ છું. મારો અહંકાર કેટલો હોય? એટલે જ થાય છે… નથી સમજાતું બાલુ, હું કેટલી વેદના ભોગવી રહ્યો છું. પણ એ નહીં આવે…’ પુરાણીનો સ્વર એકાએક બદલાઇ ગયો…’ તેમાં વળી કઠોરતા કડવાશ આવી ભળ્યા, ‘જેનો આત્મા ભ્રષ્ટ થયો છે તે પવિત્રતા પાસે કઇ રીતે ને ક્યા ઉજળા ઉજળા મોંએ આવે? એનેય એનું પાપ તો ડખતું હોયને…‘ બોલીને તેઓ ફરી આંખો મીંચીને શાન્ત પડ્યા રહ્યા.
બાલુ વિચારવા લાગ્યો. બાપુજી વાસુદેવને મળવા કેટલા આતુર છે? એમણે ભલે એને તરછોડ્યો, પણ હદયમાં તો એનું એ જ સ્થાન છે. ત્યાંથી તેને હડસેલી શક્યા નથી. નહીં તો આટલો ક્રોધ ન કરે. આટલો વસવસો ન કરે. પોતાનો સ્નેહ, પોતાનું વાત્સલ્ય છુપાવવા ક્ધિનો રાખે છે. પોતાની ભૂલ થઇ છે તે એ ભૂલનું પ્રાયશ્ર્ચિત્ત એમને પ્રગટ સ્વરૂપે જ્ઞાનના ગુમાનમાં ફરવું પસંદ નહીં હોય. ઇર્ષાની આગમાં બળતો ઝળતો હું… મેંજ એને હોમી દીધો. પણ એ વખતે ક્યાં ખબર હતો કે એ આગ મારા બાપુજીના અંતકાળે એમને દઝાડશે! ભૂલ મારી છે. એનો ભોગ વાસુદેવ અને બાપુજી બને છે. મારે ભૂલ કબૂલ કરવી જોઇએ…
પણ બાલુમાં એ હિંમત નહોતી. પોતે ભૂલ કબૂલ કરે તો બાપુજી પાસે પોતે કેટલો નીચો ઊતરી જાય! ને અંતકાળે એમને થાયને કે દીકરો ઇર્ષાળુ છે. એણે જ આટલા વર્ષ મને મારા પ્રિય શિષ્યથી અળગો રાખ્યો… તો તો એમનું મોત બગડે… ના… ના…. હું ભૂલ તો કબૂલ નહીં જ કરું… તો.. તો?
તે આગળ વિચારી શકયો નહીં. એક બાજુ એનું હૈયું ડંખતું હતું તો બીજી બાજુ એનું ગુમાન. પિતા પાસે એની પ્રતિષ્ઠાનો ખ્યાલ તેને રોક્તો હતા.
છેવટે તે ઉઠયો. તેની બાને બાપુજી પાસે બેસવાનું કહી તે બહાર નીકળ્યો. વાસુદેવના ઘરની સાંકળ ખખડાવી. વાસુદેવની માએ બારણું ખોલ્યું. તે અંદર ગયો. વાસુદેવ તેને જોઇ આશ્ર્ચર્ય પામ્યો. પછી આવકારી પૂછ્યું: ગુરુજીની તબિયત કેમ છે?
‘એ તને ઝંખે છે.’
‘મને?’ આશ્ર્ચર્યથી તેની આંખો પહોળી થઇ ગઇ. રૂંવાં ઊભા થઇ ગયા.
‘હા, તમે આવી જાવ. એક વખત એ તમારું મોં જોવા ઇચ્છે છે.’
‘હું નહીં આવી શકું.’ દુ:ખી સ્વરે વાસુદેવ બોલ્યો.
‘કેમ?’
‘ગુરુની આજ્ઞા છે! તેમણે કહેવરાવ્યું છે?’
‘ના. પણ એમની એવી ઇચ્છા હોય એવું લાગે છે.’ બાલુએ વિનંતિ કરતાં કહ્યું: ‘એમની અંતિમ પળો છે. એમની સદ્ગતિ માટે પણ તમારે આવવું પડશે.’
વાસુદેવ તૈયાર થયો બંને ઘેર પહોંચ્યા ત્યારે સુખદેવ પુરાણી ઘસઘસાટ ઊંઘતા હતા. વાસુદેવ અને બાલુ બેઠા બેઠા વાતો કરતા હતા. અચાનક જાગી ગયેલા પુરાણીએ વાસુદેવનો અવાજ પારખી જતા તેની સામે જોયું. વાસુદેવે તેમના પગ પકડી લીધા. આંખમાં આંસુ સાથે ગુરુને વંદન કરીને ઊભો રહ્યો. પુરાણી સજળ નેત્રે તેને જોઇ રહ્યા. બોલ્યા: ‘વાસુ, આવ્યો તું? સારું કર્યું. મારી પાસે બેસ…. મારા કપાળે હાથ મૂક…’
વાસુદેવે આજ્ઞા પ્રમાણે કર્યું. પુરાણીએ પરિતોષની લાગણી અનુભવી. ને તેમણે આંખો મીંચી. ઊંઘમાં તેઓ ક્યારેક બબડતા: વાસુ, મેં તને અન્યાય કર્યો છે. તું એક વખત આવી જા. દીકરા, એક વખત મને તારું ‘મોં બતાવી જા. સવારે નવ વાગ્યા સુધી પુરાણીએ ઊંઘ ખેંચી. છેલ્લાં એક મહિનામાં તેઓ આટલી શાન્તિથી ઊંઘ્યા નહોતા. પાઠશાળાના ટ્રસ્ટીઓ સવારે તબિયત જોવા આવ્યા ત્યારે પુરાણીએ ભલામણ કરતાં કહ્યું: આજથી પાઠશાળાના આચાર્ય તરીકે વાસુદેવની નિમણૂક કરજો.’
પુરાણીના આ નિર્ણયે ટ્રસ્ટીઓને અચંબામાં નાખી દીધા. ને તેમની આજ્ઞાને માથે ચડાવી. બપોરે પુરાણીનો વૈકુંઠવાસ થયો ત્યારે અગ્નિ વાસુદેવના હાથમાં હતો.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે… સપનામાં જોવા મળતી આ છ સફેદ વસ્તુઓ દેખાવી છે શુભ, સાંભળવા મળશે Good News Orryને ટક્કર આપવા અનંત-રાધિકાના લગ્નમાં પહોંચી આ ખાસ મહેમાન, Isha Ambaniએ કર્યું સ્વાગત…