લાડકી

જાન બચી તો…

લાફ્ટર આફ્ટર -પ્રજ્ઞા વશી

એકવાર હું માંદી પડી. ડોક્ટરે કહ્યું, કદાચ કમળા જેવું લાગે છે. હોસ્પિટલ ભેગાં કરી દઈએ તો તમારા ઘરે ટેન્શન ઓછું. નબળાઈ ઘણી લાગે છે. એટલે જરૂર પડે તો ગ્લુકોઝના બાટલા ચડાવી દઈશું. મેં ખાટલે પડ્યાં પડ્યાં પણ મારો ઓપિનિયન આપ્યો. (મને ડોક્ટર ઉપર ખીજ હતી. એ શું? જરીક થાય એટલે હોસ્પિટલ ભેગાં કરી દો! પછી હોસ્પિટલનાં મોટાં મોટાં બિલ શરૂ.) મેં કહ્યું, ‘એટલી પણ અશક્તિ હજી આવી નથી. હું દર કલાકે ગ્લુકોઝનું પાણી પીવાનું ચાલુ રાખીશ. ગ્લુકોઝ તમારા બાટલા વાટે જાય, કે પછી અમારા ગ્લાસ વડે. બંને આમ તો સરખું જ કહેવાય.’‘ડોક્ટર તમે છો?’ ડોક્ટર ગુસ્સામાં બોલ્યા, એટલે પતિદેવ પણ ડબલ ગુસ્સામાં બોલ્યા. ‘જેનું કામ જે કરે. ડોક્ટરને એનું કામ કરવા દે. તારું કામ આરામ કરવાનું છે. તે કર અને ઊંઘી જા. તારા અભિપ્રાયની જરૂર હશે, ત્યારે તને પૂછશું. સમજી?’ (કોઈને હાથે કરીને કૂવામાં પડવું હોય, તો એને તો ભગવાન હો નહીં બચાવી શકે. આપણે હું… આપણે તો અહીંયા હો હૂવાનું, ને ત્યાં હો હૂવાનું… ત્યાં અને અહીંના આંટા મારહે, ત્યારે ભાઈને ખબર પડહે કે કેટલે વીહે હો થાય!)

આખરે ડોક્ટર અમને હોસ્પિટલ ભેગાં કરીને જ રહ્યા. ડોક્ટરનો ચહેરો ખાસ્સો ખીલી ઊઠ્યો હતો. કારણ કે એમની પાંચ બેડની હોસ્પિટલમાં બધા બેડ ખાલી હતાં. એક રિસેપ્શનિસ્ટ, કમ આયા, કમ નર્સ, એની તૂટવા આવેલી ખુરશી પર બેસી ઝોકાં ખાતી હતી. અમારાં જવાથી એની ચેતનામાં પણ સંચાર થયો. (કદાચ એનો મહિનાભરનો પગાર મારાં બિલમાંથી આપવાનો કારસો ડોક્ટરે ગોઠવ્યો હશે, એમ મને લાગ્યું.)
એટલામાં પલંગ નીચેથી ચાર-પાંચ ઉંદરડાને દોડાદોડી કરતાં જોઈને મને કંપારી છૂટી. (અહીં કમળાની સાથે બીજો કોઈ રોગ ફ્રીમાં આપવાનો કારસો પણ કર્યો લાગે છે. જેથી આવેલ દર્દી ફરી ફરી આવતો જ રહે.) મેં પેલાં બેનને ઇશારો કરી બોલાવ્યાં. પેલાં બેને કહ્યું, ‘મારું નામ નિશા છે. તમને જ્યારે પણ જરૂર પડે, મને બૂમ મારજો. હું ચોવીસ કલાક અહીં જ ડ્યૂટી કરું છું. હોસ્પિટલના લગભગ તમામ કામ હું જ એકલે હાથે કરી લઉં છું.’ (મને પણ આ તમામ કરી દે એવી લાગે છે….! નિશા ખરેખર મને નિશાની ગર્તામાં લઈ જશે કે શું?)

મેં કહ્યું, ‘બહેન, મને અહીં મૂકીને (નાખીને) મારા પતિ અને ડોક્ટર બંને ક્યાં ગયા છે?’‘તમારા પતિ ડોક્ટરે લખેલ દવા અને ગ્લુકોઝ બોટલ લેવા ગયા છે.’ (બોટલ લેવા ગયા છે કે પછી ડોક્ટર સાથે બોટલ લઈને તો નથી બેઠા ને? સાંજના સાત થવા આવ્યા છે. એટલે કંઈ કહેવાય નહીં!)થોડીવારમાં અમારા મહોલ્લાના ચાર-પાંચ કપલ એકસાથે ધસી આવ્યાં. કપિલાબહેન બોલ્યાં, ‘હાય… હાય! હું થીયું તને…? મહોલ્લાવાળાને કીધાં વગર જ દાખલ થેઈ ગયાં? કીધું હતે તો એક નાની લક્ઝરી જેવું કરીને હાથે આવતે. (જાણે જાનમાં જવાનું હોય, તેમ લક્ઝરી કરવાની મોટી!) તે તને અહીંયા લાખીને રોહન ક્યાં ભટકે છે? ને આ હું? આ તે ઉંદરડાનું પાંજરું છે કે હોસ્પિટલ?’

એકસરખી ધાણી ફૂટે, એમ કપિલાની લવારી ચાલતી રહી. એની વાત પૂરી થાય એ પહેલાં એને વચમાં જ કાપીને મંજુબેન બોલ્યાં, ‘બેઉ પોયરાંને ઘરે કોના ભરોહે મૂકી આયવાં? અમને કે’તે તો અમે સાચવતે ને?’ (તું મોટી મારાં પોયરાં સાચવવાની! હોસ્પિટલમાં ખબર કાઢવા આવી, પણ બે-ચાર મોસંબી હો તો લેયને નથી આવી અને મોટી સફાઈ મારે છે!)એટલામાં બે બિલાડી અને એક બિલાડાનો લડવાનો અવાજ આવ્યો. મેં મારી બાજુમાં ઊભેલી નિશા સામે જોયું. એણે ખુલાસો કરતાં કહ્યું કે ઉંદરોને ભગાડવા આ ત્રણ બિલાડા પાળેલાં છે. (હવે બિલાડાને દૂધ પાવા માટે બે-ત્રણ ભેંસ પણ બાંધી દો. જેથી બીજા ખાલી ખાટલા ભરેલા લાગે ને બહાર ‘પશુનું દવાખાનું’ એવું બોર્ડ મારી દો.)

ત્યાં કપિલાના હસબન્ડ ગુસ્સાથી બોલ્યા, ‘નિશાબેન, આ હોસ્પિટલમાં શાંતિ જેવું કંઈ લાગતું નથી. એક બાજુ ઉંદરડાનું ચૂં ચૂં અને બીજી બાજુ બિલાડાનું મ્યાઉં મ્યાઉં… ને ક્યાં છે ડોક્ટર? ટ્રીટમેન્ટ તો કશી આપતા નથી.’મંજુબેનના હસબન્ડ કંઈ પાછા પડે? એણે ચલાવ્યું, ‘મને તો લાગે છે કે હજી બે-ચાર પેશન્ટની ભરતી થશે, પછી બધાની એકસામટી ટ્રીટમેન્ટ શ થશે.’ નિશાના મુખ ઉપર હવે ખરેખર નિશાના (રાતના) પડછાયા ઊભરી આવ્યા. એ બોલી, ‘તમે શાંતિ રાખો. પેશન્ટને આરામની જરૂૂર છે.’ ત્યાં કપિલા બરાડી. ‘પહેલાં તું બિલાડા અને ઉંદરડાને બહાર કાઢ, પછી બીજી વાત. પેશન્ટ સારો તો થતાં થશે, પણ બીજા રોગ પણ લઈને જશે. એ વાત નક્કી છે.

એટલામાં કદાચ ગભરાઈને નિશાએ મારું પ્રેશર માપવું શરૂ કર્યું. ત્યાં ડોક્ટર પ્રવેશ્યા. એની પાછળ રોહન અને બાળકો પણ આવ્યાં. ડોક્ટરે પાંચ વાર મારા હાથમાં સોય ભોંકી, ત્યારે માંડ એક સોય અંદર ગઈ… અને એ સાથે લોહી વહેવું શરૂ થયું. હવે મારી ધીરજ ખૂટી ગઈ હતી. બાળકોનું રડવાનું શરૂ થઈ ગયું. ત્યાં બાજુવાળા રમેશભાઈ દોડતાં હાફતાં ઘસી આવ્યા અને બોલ્યા, ‘રોહન, તું ભાભીને ક્યાં લઈ આવ્યો? આ તો ખરેખર પહેલાં પશુઓનું દવાખાનું હતું. અહીં પશુ ઉપર આ જ ડોક્ટર પ્રયોગો કરતા હતા. એણે કંઈ કેટલાં જીવતા પશુઓને ખોટી દવા, ઇન્જેક્શનો આપીને ઉપર પહોંચાડ્યાં છે. મને ખબર પડી કે તમે અહીં આવ્યાં છો, એટલે હું મારતે ઘોડે આવ્યો છું. આ ડોક્ટર પાસે દસ પ્રકારની ખોટી ડિગ્રીઓ છે. પશુઓ માર્યાં, હવે માણસો ઉપર પ્રયોગો કરે છે! કાલનું છાપું નથી વાંચ્યું?’

ખાટલા નીચે ‘પશુનું દવાખાનું’ એવું લખેલું બોર્ડ, કપિલાએ વાંકી વળીને ખેંચી કાઢી બધાને બતાવ્યું. નિશા તો ક્યારે પલાયન થઈ ગઈ તે ખબર જ નહીં પડી અને અમારા મહોલ્લાવાળાએ ડોક્ટરની સરસ ખબર લીધી. મેં રોહન સામે આંખ કાઢતાં કહ્યું, ‘મને ઘર ભેગી કરવી છે કે પછી તારે મને…?

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button