પ્રકાશક સાથે સહિયારો હિસ્સો ઈન્વેસ્ટ કરીને કમિશન ઉપર નવલકથા વેચનારી હું પ્રથમ લેખક હોઈશ!
કથા કોલાજ -કાજલ ઓઝા-વૈદ્ય
(ભાગ: ૩)
નામ: જેઈન ઑસ્ટિન
સ્થળ: વિન્ચેસ્ટર કેથેડ્રલ
સમય: ૧૯ જુલાઈ, ૧૮૧૭
ઉંમર: ૪૧ વર્ષ
તમને કદાચ જાણીને નવાઈ લાગે, પરંતુ ૧૮૦૦ની એ સદીમાં મારા ઘરનું વાતાવરણ પ્રમાણમાં ઘણું મુક્ત અને બુદ્ધિશાળી બાળકોને ઉછરવા માટે અનુકૂળ હતું. અમારી પાસે પૈસા નહોતા. મારા પિતા અમારે ઘરે આવતાં અનેક અમીર, સગાં વહાલાં પર આધાર રાખતા. આટલાં બધાં બાળકોને સ્ટિવેન્ટન જેવી નાનકડી જગ્યામાં ઉછેરવા સરળ નહોતું એટલે એમણે દીકરાઓને એક પછી એક એમની પિતરાઈ બહેનોને ત્યાં ભણવા મોકલી દીધા. બે બહેનોનું શિક્ષણ ઘરમાં થયું એટલે મારે કોઈ ખાસ મિત્ર જ બન્યા નહીં. કેસેન્ડ્રા અને હું એકબીજાના શ્રેષ્ઠ મિત્રો રહ્યાં. ૧૯ વર્ષની ઉંમરે કેસેન્ડ્રાના એન્ગેજમેન્ટ ટોર્મ ફોઉલ નામના એક ધનિક સજ્જન સાથે થયા. અમે સહુ ખુશ હતા, પરંતુ કરેબિયન આઈલેન્ડના એમના એક પ્રવાસ દરમિયાન કેસેન્ડ્રાના મંગેતરનું મૃત્યુ થયું. એ પછી કેસેન્ડ્રા અનેક લોકોને મળી, પરંતુ એ કોઈ સાથે જીવવાનો નિર્ણય કરી શકી નહીં. કેસેન્ડ્રા અને હું જીવનભર અપરિણીત રહ્યાં. અમે પારિવારિક ભત્રીજાઓ અને ભાંડુઓને ઉછેરવાનું અને ઘર સંભાળવાનું કામ સ્વીકારી લીધું. આમ પણ અમારા પરિવારને આર્થિક મદદ કરનારા સહુ અમારી પાસેથી કંઈક અપેક્ષા તો રાખતા જ હતા. એટલે સમયસમયાંતરે અમે અમારા અમીર સગાંઓના ઘરે જઈને એમનાં સંતાનોને ભણાવવાનું (ટ્યુશન આપવાનું), એમને રીતરસમ શીખવવાનું અને બીમાર હોય તો કાળજી લેવાનું કામ કરતાં.
કેસેન્ડ્રા મારી એક માત્ર મિત્ર રહી, અન્ય કોઈ મિત્રો બન્યા નહીં. હું ૨૦ વર્ષની હતી ત્યારે લેફ્રોયને મળી. એ લગ્ન થઈ શક્યા નહીં કારણ કે અમારી આર્થિક સ્થિતિ અને ટોમ લેફ્રોયની મહત્ત્વકાંક્ષા એકમેક સાથે ઘસાતી રહી. જોકે, લેફ્રોય માટેની લાગણી અને રસ મારા જીવનમાં ક્યારેય ઓછા ન થયા. એ પછી ટોમ લેફ્રોય જીવનમાં ઘણા આગળ વધ્યા. એ ડબ્લિન યુનિવર્સિટીની બેઠક માટે હાઉસ ઓફ કોમન્સમાં ચૂંટાયા, આયર્લેન્ડની પ્રિવી કાઉન્સિલના સભ્ય બન્યા. તેઓ આઈરિશ ન્યાયાધીશ તરીકે નિયુક્ત થયા અને પછી આયર્લેન્ડમાં કોર્ટ ઓફ ક્વિન્સ બેન્ચના મુખ્ય ન્યાયાધીશના પદ ઉપર એમની બઢતી કરવામાં આવી. ૯૦ વર્ષની ઉંમર સુધી તેઓ કામ કરતા રહ્યા. જેને વિશે ક્યારેક લોકો મજાક પણ કરતા, પરંતુ એમણે ક્યારેય રાજીનામું આપ્યું નહીં.
લેફ્રોય પછી ૧૮૦૨માં મારી એક મિત્રના ભાઈ તરફથી મને લગ્નની ઓફર મળેલી. મારી એક કઝિન એથેલિયા અને કેથેરિનની મુલાકાત દરમિયાન મને બેઝિંગસ્ટોકમાં રહેતા હેરિસ બીગ-વિધરે લગ્નનો પ્રસ્તાવ મૂકેલો. એ ઓક્સફર્ડમાં ભણ્યા હતા. એક સીધાસાદા, ઊંચા-પહોળા વ્યક્તિ હતા. મેં મારી બેનને લખેલા પત્રમાં જણાવેલું કે, ‘હેરિસ જરાક પણ આકર્ષક નથી. એનામાં કોઈ એવા લક્ષણ જ નથી જે જોઈને મને એની સાથે જીવન જીવવાની ઈચ્છા થાય. એ કુનેહ વગરનો અને આક્રમક છે.’ જો આ લગ્ન થાય તો ઑસ્ટિન પરિવારને ઘણા વ્યવહારુ ફાયદા થાય એ વાત મને સમજાઈ. એણે મારા માતા-પિતાને ઘર આપવાની ઓફર મૂકી જે પછીથી કેસેન્ડ્રાના નામે થઈ શકે. મારા ભાઈઓને કારકિર્દીમાં મદદ કરવાનું વચન આપ્યું. આ બધું સાંભળીને મારા માતા-પિતાએ મને ખૂબ જ આગ્રહ કર્યો, એટલે મેં એક સાંજે એની સાથે સગાઈ કરી, પરંતુ બીજે દિવસે મને લાગ્યું કે, હું એની સાથે લગ્ન કરીને સુખી નહીં જ થઈ શકું, એટલે મેં સવારે જઈને એ એન્ગેજમેન્ટ તોડી નાખ્યા. બસ! એ પછી મેં કે મારા માતા-પિતાએ મારા લગ્ન વિશે કશું જ વિચારવાનું છોડી દીધું.
નવાઈની વાત એ છે કે, એક તરફથી હું પ્રેક્ટિકલ અને જીવન સાથે વાસ્તવિકતાથી જોડાવાની નવલકથાઓ લખતી રહી, પરંતુ બીજી તરફ મારે માટે લગ્ન એક ભાવુક સંબંધ હતો. હું જેને પ્રેમ ન કરતી હોઉ એવી વ્યક્તિ સાથે જીવવું મારે માટે અઘરું હતું! એ વખતે કેસેન્ડ્રાને લખેલા પત્રો એણે વળી નાખ્યા, કારણ કે એને લાગ્યું કે એમાં મેં જે કંઈ લખ્યું છે એ વાંચીને મારે વિશે કોઈ જુદી જ ઈમેજ ઊભી થઈ શકે તેમ છે. એક અંગ્રેજ વિદ્વાન ડગલસ બુશે મારી નવલકથાઓ વિશે લખ્યું હતું કે, ‘ઑસ્ટિનની નવલકથાઓમાં પતિ-પત્ની મન અને વિચારોથી જોડાવા જોઈએ એવો એક ઉચ્ચ આદર્શ જોવા મળે છે. એની તમામ નાયિકાઓ પરિપક્વ છે, વાસ્તવવાદી છે. જેઈન ઑસ્ટિનની નવલકથાઓ ઝીણવટથી વાંચીએ તો એની તમામ નવલકથાઓમાં એના આત્મકથનાત્મક તત્ત્વ મળે છે.’
૧૮૦૪માં મારા પરિવારે ‘બાથ’ જઈને રહેવાનું નક્કી કર્યું. બાથ, ઈંગ્લેન્ડથી ૫૦ કિલોમીટર-૮૦ માઈલ દૂર આવેલું શહેર હતું. મારો જન્મ સ્ટિવેન્ટનમાં થયો, એ પછી અમે ક્યારેય એ ગામની બહાર જઈને લાંબું રહ્યા જ નથી માટે હું એ વિશે થોડી વિચલિત હતી કારણ કે, બાથ જેવા નાના અને રોમન પરંપરા ધરાવતા શહેરમાં મને ગમશે કે નહીં, એ વિશે હું થોડી ગૂંચવણમાં હતી. જોકે, સ્ટિવેન્ટન પણ કંઈ મોટું નહોતું, છતાં ત્યાં મારા ઓળખીતા અને એવા લોકો હતા જેમની સાથે હું સાંજ વિતાવી શકતી. ત્યાં સામાજિક મેળાવડાઓ થતા અને વાતચીત કરવા માટે માણસો મળી રહેતા. બાથ ગયા પછી મને લખવા માટે વધુ સમય મળવા લાગ્યો, પરંતુ ૧૮૦૫માં મારા પિતાનું અવસાન થયું અને હું એટલી બધી એકલવાયી થઈ ગઈ કે, મને પેન પકડવાનું મન જ નહોતું થતું. પિતાના મૃત્યુને કારણે અમે અનિશ્ર્ચિત આર્થિક પરિસ્થિતિમાં મુકાઈ ગયા. મારા લખાણમાંથી કોઈ ખાસ આવક નહોતી. મને પહેલીવાર સમજાયું કે, હવે કુટુંબને ચલાવવા અને ટકાવવા માટે મારે કમાવું પડશે. કારણ કે, હું એક માત્ર એવી વ્યક્તિ હતી જેને રસોઈ, સિવણ-ગૂંથણ અને ઘર ચલાવવા સિવાયની પણ કોઈ પ્રવૃત્તિ આવડતી હતી!
મારા ભાઈ એડવર્ડે અમને ચાઉટન જઈને રહેવાની ઓફર આપી. એની માન્યતા હતી કે, ત્યાં અમને બંને બહેનોને અમને માતાને વધુ સ્થાયી અને સગવડભર્યું જીવન મળી શકશે. અમે ૧૮૦૯માં મારા ભાઈ પાસે ચાઉટન રહેવા ગયા. અહીં જીવન વધુ શાંત હતું, જ્યારે કોઈ સગાં અમારી મુલાકાતે આવે ત્યારે જ કોઈ મનોરંજન થઈ શકતું. અહીં મને વાંચવા-લખવાનો સમય તો મળતો, પરંતુ એકલતા અને આર્થિક જરૂરિયાતને કારણે હું ચિંતામાં રહેતી.
એ દિવસોમાં મેં પ્રકાશકોનો સંપર્ક કર્યો. કેટલાકે કોપીરાઈટ સાથે પુસ્તક ખરીદવાની ઓફર આપી, જેની કિંમત માત્ર ૧૦ પાઉન્ડ લગાવી! ૧૮૧૧માં સેન્સ એન્ડ સેન્સિબિલિટી બજારમાં ફરવા લાગી. એના પ્રચારમાં મારું નામ વાપરવાને બદલે લખેલું, ‘એક મહિલા દ્વારા લખાયેલું પુસ્તક!’ એની સમીક્ષા થઈ. ઈંગ્લેન્ડ અને ફ્રાન્સના જાણીતા લેખકોએ એ પુસ્તકના વખાણ કર્યા એટલે મારાં બીજાં પુસ્તકો પણ પ્રકાશિત થયાં, પરંતુ સાચું કહું તો એવી કોઈ મહાન આર્થિક આવક પુસ્તકોએ મને આપી નહીં! એ પછી મારો ભાઈ એડવર્ડ એક નવી સ્કીમ લઈને આવ્યો જેમાં મારે પુસ્તકો કમિશન પર વેચવા એવી ઓફર હતી. મને બહુ આત્મવિશ્ર્વાસ નહોતો, પરંતુ મારા પહેલા અને બીજા પુસ્તકનું વેચાણ જોતાં એડવર્ડ અત્યંત આત્મવિશ્ર્વાસથી આ વ્યવસાયમાં ઝંપલાવવા તૈયાર થયો. છ જ મહિનામાં બધી નકલો વેચાઈ ગઈ અને મને ૮૪૫ પાઉન્ડ મળ્યા. અમે સહુ આશ્ર્ચર્યચકિત હતા અને આનંદિત પણ. હવે મને મારું નામ આપવામાં ગૌરવ થતું અને પ્રકાશકો પણ મારા નામની પૂરી રીતે જાહેરાત કરવા લાગ્યા. મારી જાણકારી વિના મારી નવલકથાઓના અનુવાદ ફ્રેન્ચ ભાષાઓમાં થયા. મને જાણવા મળ્યું કે, પ્રિન્સ રિજન્ટ મારા પ્રશંસક છે એટલું જ નહીં, એમના દરેક નિવાસ સ્થાનમાં મારાં પુસ્તકોનો એક સેટ રાખે છે. પ્રિન્સ રિજન્ટના લાયબ્રેરિયન જેમ્સ ક્લાર્કે મને એમના લંડનના નિવાસ સ્થાનની મુલાકાત લેવાનો આગ્રહ કર્યો. એમણે કહ્યું કે જો ‘એમ્મા’ નામનું મારું નવું પુસ્તક હું પ્રિન્સને સમર્પિત કરું તો એ અમુક હજાર નકલ ખરીદશે, પરંતુ પ્રિન્સ રિજન્ટ સ્ત્રીઓની સાથેના બહુચર્ચિત સંબંધોમાં શરાબ અને જુગાર પાછળ બેફામ પૈસા ખર્ચતા. ઈંગ્લેન્ડની પ્રજામાં એમની છબિ સારી નહોતી એટલે લાંબું વિચારતા મેં એ પ્રસ્તાવને નામંજૂર કર્યો. મારા સમયના કોઈપણ લેખકે આનંદથી આ પ્રસ્તાવ સ્વીકાર્યો હોત, પરંતુ મને લાગે છે કે મારે માટે મારી જીવનશૈલી અને મારા સિદ્ધાંત સૌથી અગત્યના હતા.
હેન્રી ઑસ્ટિન, મારા ભાઈએ શરૂ કરેલી બેન્ક નિષ્ફળ ગઈ. એને માથે બહુ મોટું દેવું આવી પડ્યું. મેં મારી પાસેની તમામ બચત એને આપી દીધી. હવે એડવર્ડ, જેમ્સ અને ફ્રેન્ક ઑસ્ટિન (ભાઈઓ)ને મારે ટેકો કરવો પડે એવી સ્થિતિ ઊભી થઈ ગઈ. નવલકથાઓનું પ્રકાશન મુલતવી રાખવું પડ્યું કારણ કે, હવે હું પ્રકાશક સાથે કમિશન ઉપર કામ કરવા માટે મારો હિસ્સો આપી શકું એટલી રકમ મારી પાસે રહી નહોતી!
બજારમાં મારી નવલકથાની માગ હતી, પણ પ્રકાશન નહોતું. અમે આર્થિક સંકડામણમાં હતા અને મારા ભાઈઓ દેવામાં ડૂબેલા હતા ત્યારે મારી તબિયત બગડવા લાગી.
(ક્રમશ:)