મારે આત્મહત્યા કરવી હતી

કથા કોલાજ -કાજલ ઓઝા-વૈદ્ય
(ભાગ: ૪)
નામ: ટીના ટર્નર
સ્થળ: ઝ્યુરિચ, સ્વિટ્ઝર્લેન્ડ
સમય: ૨૫ મે, ૨૦૨૩
ઉંમર: ૮૩ વર્ષ
જે ઉંમરે મોટાભાગની સ્ત્રીઓ નિવૃત્ત થઈને જીવવાનું છોડી દેતી હોય છે એ ઉંમરે મેં જીવનની મજા લીધી છે. સફળતા જોઈ છે. સાથે સાથે મારા અંગત જીવનમાં રોલર કોસ્ટર રાઈડ પણ જીવી છું હું. આઈકે ટર્નર સાથે છૂટાછેડા થયા પછી એણે પોતાનાં બે બાળકો-જે મારાં નહોતાં એને પણ મારી પાસે મોકલી આપ્યાં, એટલે મારા બે અને એના બે બાળકોની જવાબદારી મેં લીધી. મારી સંગીતની યાત્રા, વિશ્ર્વ પ્રવાસો અને સતત કામ કરવાના મારા પ્રયાસોમાં ક્યાંક હું મારાં બાળકોને અન્યાય કરી બેઠી છું એ વાત મારે સ્વીકારવી જોઈએ.
ટીનએજમાં આવેલાં મારાં બાળકો પાસે એમની મા નહોતી… આઈકે ટર્નરે એના બાળકોને મારી પાસે મોકલ્યાં તો ખરાં, પણ એ બાળકો ક્યારેય મારી સાથે સેટલ ન થઈ શક્યાં. એ મને ધિક્કારતાં. એમને એમના પિતા પાસે પાછા જવું હતું, પરંતુ આઈકે એમને સ્વીકારવા તૈયાર નહોતા… આ બધી માથાકૂટની વચ્ચે મારા એક પુત્ર રેમન્ડ ક્રેગ સિવાય બાકીનાં બાળકોથી ઈમોશનલી હું થોડી દૂર જ રહી… દુ:ખની વાત એ છે કે મારા સૌથી વહાલા દીકરા ક્રેગે ૨૦૧૮માં આત્મહત્યા કરી. એને પોતાની સફળતા પુરવાર કરવી હતી જે એ કરી શક્યો નહીં. એને લાગ્યું કે, એની માને એની પાસેથી બહુ અપેક્ષા હતી જે સત્ય નથી!
મારો નાનો દીકરો રોની ગીતકાર અને સંગીતકાર પેટ્રીક મોટેન સાથે બેઈઝ ગિટાર વગાડતો હતો. એણે ફ્રેન્ચ ગાયક અફિદા સાથે લગ્ન કર્યાં. ગયા વર્ષે કોલોન કેન્સરને કારણે એનું પણ મૃત્યુ થયું.
મારા જીવનના ઉતારચઢાવને કારણે મારી ધાર્મિક માન્યતાઓમાં પણ ફેરફાર થતા રહ્યા. સાવ નાનપણમાં હું ક્રિશ્ર્ચયન હતી, કારણ કે મારા દાદા બેક્સિટ ચર્ચમાં પ્રિસ્ટ હતા. એમની પાસેથી મને ક્રિશ્ર્યાનિટીના સંસ્કાર મળ્યા. હું ઈશ્ર્વરમાં વિશ્ર્વાસ ધરાવતી શ્રદ્ધાળુ વ્યક્તિ છું. મારી જિંદગીના ઉતારચઢાવ દરમિયાન જો કોઈ એક ચીજે મને ટકાવી રાખી હોય, તો એ મારી શ્રદ્ધા સિવાય બીજું કંઈ નથી! સમય જતાં મને લાગ્યું કે, ક્રિશ્ર્યાનિટી કરતાં બૌદ્ધ ધર્મ પાસે શાંતિ અને જીવન વિશેની ઊંડી સમજણ છે. મેં બૌદ્ધ ધર્મનો સ્વીકાર કર્યો. એક મેગેઝિન સાથેની મુલાકાતમાં ૨૦૧૬માં મેં સત્તાવાર રીતે મારી જાતને ‘બૌદ્ધ’ વ્યક્તિ તરીકે જાહેર પણ કરી હતી. મારા અધ્યાત્મિક વિચારો બદલાવવાનું એક બીજું કારણ એ હતું કે, મારે કોઈપણ રીતે શાંતિ જોઈતી હતી. સતત પ્રવાસ, રોજના રેકોર્ડિંગ અને ભાગદોડથી હું થાકી ગઈ હતી. મારી પાસે ટર્નર સાથે છૂટા પડ્યા પછી ખૂબ સારું કામ હતું અને એને કારણે હું ખૂબ સારા પૈસા કમાઈ. મારા જીવન પર ડોક્યુમેન્ટ્રી ફિલ્મો બની. મેં કોલોન, લંડન, લોસ એન્જેલિસમાં વિલા ખરીદ્યા. હવે મને આર્થિક અસુરક્ષા નહોતી, પરંતુ જીવનમાં શાંતિ અને સ્થિરતાની ઝંખના હતી. ચાર-ચાર ગ્રેમી પછી હું સંતુષ્ટ હતી. વર્લ્ડ મ્યુઝિક અવોર્ડ્સમાંથી લિઝેન્ડ અવોર્ડ મેળવ્યા પછી હવે મારે કશું મેળવવાનું રહેતું નહોતું. રોક એન્ડ રોલની સો મહાન મહિલાઓની યાદીમાં બીજા નંબરે સ્થાન મેળવ્યા પછી મને લાગ્યું કે, હવે મારે અટકી જવું જોઈએ. જો આજે નહીં, તો ક્યારેય નહીં… એવા વિચાર સાથે મેં નિવૃત્તિ સ્વીકારવાનો નિર્ણય કર્યો.
સપ્ટેમ્બર, ૧૯૯૯માં મારા ૬૦મા જન્મદિવસની પાર્ટી હતી. એ પહેલાં મેં મારા ૧૦મા અને અંતિમ સોલો આલબમ ‘ટ્વેન્ટી ફોર સેવન’ના એ ગીત પર નૃત્ય કર્યું. ‘ટ્વેન્ટી ફોર સેવન’ની ટૂર એ દસકાની સૌથી વધુ કમાણી કરનારી ટૂર હતી. સ્વિટ્ઝર્લેન્ડમાં ૨૦૦૦માં મેં અંતિમ કોન્સર્ટ કરી અને જાહેરાત કરી કે, હવે હું નિવૃત્ત થઈશ.
મારી નિવૃત્તિની જાહેરાત પછી મારા ઉપર જે ફેન મેઈલ આવ્યા એણે ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું. અંતે, સૌના આગ્રહને કારણે નવેમ્બર, ૨૦૦૪માં મેં ઓલ ધ બેસ્ટ રિલીઝ કર્યું, જ્યારે હું ૬૪ વર્ષની હતી. આલબમ રિલીઝ થયાના ત્રણ મહિનામાં યુએસમાં પ્લેટિનમ બન્યું અને સાત દેશોમાં એનું રેકોર્ડ તોડી નાખે એવું વેચાણ થયું. ડિસેમ્બર, ૨૦૦૫માં મને વોશિંગ્ટન ડીસીમાં યુનાઈટેડ સ્ટેટ સરકાર તરફથી સન્માન આપવામાં આવ્યું અને જાહેરમાં એવી વિનંતી કરવામાં આવી કે મારે સંગીત ન છોડવું જોઈએ.
અભિનેત્રી કે સંગીતકારના જીવનની અવધિ ટૂંકી હોય છે અથવા અમુક ઉંમર વિતી ગયા પછી વૃદ્ધ દેખાતી સ્ત્રીએ અમુક પ્રકારનાં વસ્ત્રો ન પહેરવા જોઈએ કે અમુક રીતે જીવવું જોઈએ એવા સમાજના નિયમોને મેં તોડી-ફોડીને ફેંકી દીધા. આજે, મારે ઘણી સ્ત્રીઓને આ વાત કહેવી છે. મહેનત અને સફળતાની કોઈ ઉંમર નથી હોતી. જ્યાં સુધી આપણા મગજમાં નવા નવા આઈડિયાઝ અને સર્જનાત્મકતા (ક્રિએટિવિટી) જીવતા હોય ત્યાં સુધી આપણે કામ કરી જ શકીએ છીએ. સહુ જાણે જ છે કે, ફેબ્રુઆરી, ૨૦૦૮માં જ્યારે હું ૬૯ વર્ષની હતી ત્યારે મેં ગ્રેમી ઍવોર્ડ્સમાં જાહેર પુનરાગમન કર્યું, ત્યાં મેં બેઓન્સ સાથે પરફોર્મ કર્યું, જે મારાથી અડધી ઉંમરનો હતો. સતત છ દાયકા સુધી કામ કરવાની મારી એનર્જી અને આવડત ઉપર અમેરિકા ફીદા હતું.
મેં ત્રીજું પુસ્તક લખ્યું, ‘હેપ્પીનેસ બીકમ યૂ અ ગાઈડ ટુ ચેન્જીંગ યોર લાઈફ ફોર ગુડ’ આ પુસ્તક ૭૯ વર્ષની ઉંમરે એક સ્ત્રીએ લખેલું એવું પુસ્તક છે જેમાં જીવનની કેટલીક સાદી વાતોને સરળ રીતે જીવવાનું શીખવવાનો મેં પ્રયાસ કર્યો છે. એવું માનવામાં આવે છે કે, આજે પણ મારી રેકોર્ડ્સ-આલબમ્સ અને મારા મ્યુઝિકલમાંથી થતી આવક અમેરિકાના અનેક કલાકારો કરતાં ઘણી વધારે છે…
મારા પુત્ર રોની ટર્નરે મને પહેલીવાર બૌદ્ધ ધર્મ સાથે ઓળખ કરાવી. ૧૯૭૩માં જ્યારે હું આઈકે સાથેના સંબંધમાં ખૂબ દુ:ખી હતી ત્યારે મને સૌથી પહેલાં ચેન્ટિંગ-મંત્રોચ્ચારથી મળતી શાંતિનો અનુભવ થયો. નમ-મ્યોહો-રેંગે-ક્યો એક એવો મંત્ર છે જે સોકા ગક્કાઈ પરંપરામાં કેવી રીતે ગાવું એ શીખવવામાં આવે છે. એ એક લય છે જે વૈજ્ઞાનિક રીતે આપણી ભીતરના આનંદને જગાડે છે અને અર્ધજાગ્રત મનમાં રહેલા વિચારોને
સ્પર્શ છે. બૌદ્ધ ધર્મના સ્વીકાર પછી મને શાંતિ ચોક્કસ મળી હતી, પરંતુ ૧૪મા દલાઈ લામાને મળ્યા પછી મને લાગ્યું કે, હવે અમેરિકામાં રહેવાનો કોઈ અર્થ નથી. મેં ઝ્યુરિચ
તળાવના કિનારે કુનાસ્કમાં રહેવાનું શરૂ કરી જ દીધું હતું, પરંતુ ૨૦૧૩માં મેં સ્વિસ નાગરિકતા માટે અરજી કરી. ૨૦૧૩માં મેં એર્વિન બાચ સાથે લગ્ન કર્યાં અને અમેરિકા છોડી દેવાનો દ્રઢ નિર્ધાર કર્યો.
અમેરિકાએ મને ખૂબ પ્રસિદ્ધિ જરૂર આપી, પરંતુ એ પ્રસિદ્ધિ સાથેની પીડા મારે અમેરિકાની ભૂમિમાં જ છોડીને નીકળી જવું હતું. ૨૨ એપ્રિલ, ૨૦૧૩ના દિવસે હું સ્વિટ્ઝર્લેન્ડની નાગરિક બની અને યુએસ એમ્બેસીમાં મારી અમેરિકન નાગરિકતા છોડી દેવાના હસ્તાક્ષર કર્યા ત્યારે મારી આંખમાં પાણી આવી ગયાં હતાં. એક બિઝનેસ મેગેઝિને એવા અહેવાલ પ્રકાશિત કર્યા કે મારી પાસે ૨૨૫ મિલિયન સ્વિસ ફ્રેંક અને લગભગ પાંચસો મિલિયન યુએસ ડોલરની સંપત્તિ છે!
મારા જીવનના ઉતારચઢાવ દરમિયાન મને અનેક બીમારીઓ લાગુ પડી. છૂટાછેડાના સમયથી મને હાઈ બ્લડપ્રેશર રહેતું હતું, જેને કારણે કિડનીને નુકસાન થયું હતું. બાચ સાથેના લગ્ન પછી તરત જ મને સ્ટ્રોક આવ્યો. હું લગભગ છ અઠવાડિયા પથારીમાં રહી અને પછી નાના બાળકની જેમ ચાલતા શીખવું પડ્યું. ૨૦૧૬માં મને આંતરડાનું કેન્સર નિદાન થયું. હવે મારે જીવવું નહોતું… મારી કિડની ફેલ હતી. આંતરડાનું કેન્સર હતું અને સ્ટ્રોકને કારણે મારું શરીર હવે સાથ આપતું નહોતું.
સ્વિટ્ઝર્લેન્ડમાં કાયદેસરની પ્રક્રિયા દ્વારા આત્મહત્યાની સહાય કરતી એક સંસ્થા સાથે મેં સાઈનઅપ કર્યું. ‘એક્ઝિટ ઈન્ટરનેશનલ’ નામની આ સંસ્થા જીવવા નહીં માગતા દર્દીઓ માટે યુથેનેશિયાની માગણી કરે છે. જોકે, મારી માગણી નકારવામાં આવી અને અંતે, ગઈકાલે ૨૪ મેના દિવસે ૮૩ વર્ષની ઉંમરે મેં મારા શરીરને છોડીને અંતિમ પ્રયાણ કર્યું.
હું યુકે ચાર્ટમાં પ્રથમ મહિલા રેકોર્ડિંગ કલાકાર બની, જેણે સતત છ દાયકામાં ટોચના ૪૦ હીટ ટચ કર્યા હતા. ૭૩ વર્ષની ઉંમરે ફેશન મેગેઝિન ‘વોગ’ના કવર પર મારી તસવીર છપાઈ અને ‘વોગ’ના કવર પર દર્શાવવામાં આવેલી સૌથી વૃદ્ધ વ્યક્તિ તરીકે પણ મેં રેકોર્ડ બનાવ્યો! મેં જાતે જ લખેલી મારી જીવનકથા ‘આઈ ટીના’ અને ‘માય લવ સ્ટોરી’ ઉપરથી એક મ્યુઝિકલ શો ડિઝાઈન કરવામાં આવ્યો. જે હજી પણ અમેરિકા સહિત સાત દેશોમાં ભજવાઈ રહ્યો છે અને સુપરહિટ છે! (સમાપ્ત)