લાડકી

મારે અભિનેત્રી નહીં, પશુ ચિકિત્સક બનવું હતું

કથા કોલાજ -કાજલ ઓઝા-વૈદ્ય

(ભાગ: ૧)
નામ: જુલિયા રોબર્ટ્સ
સ્થળ: કેલિફોર્નિયા
સમય: ૨૦૨૩
ઉંમર: ૫૬ વર્ષ
૮મી ડિસેમ્બરે મારી ફિલ્મ ‘Leave the World Behind’ નેટફ્લિક્સ પર રિલીઝ થઈ. નવેમ્બરમાં રિલીઝ થયેલી આ ફિલ્મે ટિકિટ બારી પર જોઈએ તેવો વકરો ન કર્યો. ફિલ્મ હોરર અને રહસ્યમય વિષય પર આધારિત હતી. ફિલ્મ સફળ થાય કે નિષ્ફળ, મને બહુ નિરાશા કે ગર્વ નથી થતો. હું અભિનેત્રી છું, વિષયની પસંદગી સમજી-વિચારીને કરું, મારું કામ પૂરેપૂરી નિષ્ઠાથી કરું. એ પછી ફિલ્મ ચાલે, લોકોને ગમે તો મને ખૂબ આનંદ થાય, પરંતુ કદાચ ધારેલી સફળતા ન મળે તો દુ:ખી થવાને બદલે હું એ ફિલ્મમાં શું ખૂટ્યું અથવા પ્રેક્ષકોને કેમ ન ગમ્યું એ વિશે વિચારવાનો પ્રયાસ કરું. હું પહેલેથી જ આવી છું… જિંદગી પાસેથી બહુ અપેક્ષા નથી મને. છેલ્લા થોડા સમયથી, ૨૦૧૦માં મને પહેલીવાર હિન્દુત્વ વિશે જાણ થઈ. નીમ કરૌલી બાબા એક એવી હસ્તી હતા જેમના વિશે જાણ્યા પછી મને હિન્દુત્વ અને સનાતન ધર્મમાં રસ પડ્યો મેં હિન્દુ ધર્મ વિશે વધુ જાણવાનો પ્રયાસ કર્યો અને ધીમે ધીમે મને સમજાયું કે, સનાતન ધર્મ જેટલી સહિષ્ણુતા અને સમજણ બીજા કોઈ ધર્મમાં નથી. એમની ઓળખ મને ‘ઈટ પ્રે લવ’ ફિલ્મના શુટિંગ દરમિયાન થઈ હતી. અમે નૈનિતાલની નજીક એક જગ્યાએ શુટિંગ કરતાં હતા ત્યારે કોઈકે મને આ નીમ કરૌલી આશ્રમ વિશે જણાવ્યું. અમે ત્યાં દર્શન કરવા ગયા અને મને અદ્ભૂત પ્રકારની અધ્યાત્મિક અનુભૂતિ થઈ. એ પછી મેં હિન્દુ ધર્મ સ્વીકાર્યો. આજે હું હિન્દુ ધર્મ પાળું છું, નોનવેજ નથી ખાતી, નિયમિત દીવો કરુંં છું, ધ્યાન અને પૂજા કરું છું. હિન્દુ ધર્મ, વેદ વિશે વધુને વધુ જાણવાનો પ્રયાસ કરું છું. મારી ભીતર એક સંતુષ્ટી છે, શાંતિ છે કદાચ, એટલે જ ફિલ્મ ચાલી કે ન ચાલી એનાથી મને બહુ ફેર નથી પડતો. મેં મારું કામ સારું કર્યું કે નહીં, એટલું જ મારે માટે મહત્ત્વનું છે.

ફિલ્મ એક્ટ્રેસ બનવાનું તો મને ક્યારેય સ્વપ્ન પણ નહોતું. હું તો પશુઓની ડોક્ટર બનવા માગતી હતી. મને પશુઓ માટે ખૂબ પ્રેમ છે. આજે પણ કોઈ મુંગા પશુને રીબાતું કે હેરાન થતું જોઉ તો એને માટે મારાથી જે થઈ શકે એ કરી છૂટવાનો પ્રયાસ કરું છું. જ્યારે આખા દેશમાં કોરોના પોતાનો પંજો ફેલાવી રહ્યો હતો ત્યારે મેં એક વીડિયો બનાવેલો જેમાં મેં આખા વિશ્વને અપીલ કરી હતી કે, તમારી આસપાસ રહેતાં, રખડતાં, મુંગા પશુઓ, પક્ષીઓ અને અન્ય જીવોને આ દિવસો દરમિયાન કદાચ ખાવાનું નહીં મળે, તમે તો તમારા ઘરમાં કોઈપણ રીતે તમારી વ્યવસ્થા કરી લેશો, પરંતુ આ મુંગા જીવોનો વિચાર કરીને એમને માટે તમારો મદદનો હાથ લંબાવજો… એ વીડિયો ખૂબ વાયરલ થયેલો અને એ પછી વિશ્ર્વના અનેક કલાકારો અને સેલિબ્રિટીઝે પણ એવા વીડિયો બનાવીને પોતપોતાના પાલતું પ્રાણીઓને અને રસ્તે રખડતા પ્રાણીઓને મદદ કરવાની અપીલ કરેલી. એ પછી મારે એક બેન્ડ બનાવવું હતું. સ્કૂલમાં મેં એક બેન્ડની સ્થાપના પણ કરેલી. જેમાં મેં વોકલિસ્ટ તરીકે અને બેગપાઈપર તરીકે પણ મેં મ્યુઝિકની ટ્રેનિંગ લીધી. મારી હાઈસ્કૂલમાંથી નીકળ્યા પછી હું જ્યોર્જિયા સ્ટેટ યુનિવર્સિટીમાં દાખલ તો થઈ, પણ સ્નાતક પૂરું કરી શકું એવું મારા ઘરનું વાતાવરણ નહોતું. મારી મા ખૂબ મહેનત કરતી, મારી નાની બહેન નેન્સી ટીનએજમાં જ ડ્રગ્સને રવાડે ચડી ગઈ હતી. મારો પૈતૃક ભાઈ એરિક અમારી સાથે રહેવા આવી ગયો હતો કારણ કે એની માનું મૃત્યુ થયું હતું અને મારા પિતા વોલ્ટર ગ્રેડી રોબર્ટ્સ પણ મૃત્યુ પામ્યા હતા. એરિકને કોઈ આશરો નહોતો અને મારી મા અત્યંત દયાળુ અને પ્રેમાળ હતી, એણે એરિકને કાઢી મૂકવાને બદલે અમારી સાથે રાખી લીધો. એક અજાણ્યો છોકરો, જેને હું ઓળખતી પણ નહોતી, એ અચાનક અમારા પરિવારનો સભ્ય અને મારો ભાઈ બની ગયો હતો! જોકે, એરિક સાથે મારા સંબંધ ખૂબ સારા રહ્યા. એ સારો છોકરો હતો. એણે અમારા પર બોજ બનવાને બદલે અમારા પરિવારને મદદરૂપ થવા માટે બની શકે એટલો પ્રયાસ કર્યો. હવે પાછી ફરીને જોઉ તો સમજાય કે, હું એક મધ્યમવર્ગીય પરિવારની સીધીસાદી છોકરી હતી. મારું બાળપણ બહુ સુખી કે મજાનું નહોતું કારણ કે, મારી માએ મારા પિતા સાથે મારો જન્મ થયા પછી લગ્ન કર્યાં, પરંતુ મારા પિતા એક અભિનેતા હતા અને એમની આવક નિયમિત કે બહુ સારી નહોતી. મારી મા કેથોલિક હતી અને પિતા બેપ્ટીસ્ટ. એટલાન્ટાના એક ઉપનગર જ્યોર્જિયામાં મારો જન્મ થયો. મારા પિતાનું નામ વોલ્ટર ગ્રેડી રોબર્ટ્સ. મારી મા સ્કૂલમાં ટીચર હતી અને પિતા અભિનેતા. એ લોકો એકબીજાના ખૂબ પ્રેમમાં હતા, પરંતુ થોડા સમય પછી મારી માને સમજાઈ ગયું કે, એ લગ્ન બહુ ટકી શકે એમ નહોતા. ૧૯૫૫માં એમણે લગ્ન કર્યાં અને ૧૯૭૧ સુધી એ લગ્ન નિભાવવાનો પૂરો પ્રયાસ કર્યા પછી અંતે મારી માએ છૂટાછેડા લીધા.

એ વખતે હું ગ્રિફિન મિડલ સ્કૂલમાં ભણતી હતી. મારો એક મોટો ભાઈ હતો એરિક રોબર્ટ્સ, પરંતુ એની મા અલગ હતી. મારા પિતાએ એરિકના જન્મ પછી એરિકને એની પ્રેમિકા પાસે છોડી દીધો અને મારી મા સાથે રહેવા લાગ્યા અંતે, મારી મા પણ એની સાથે રહી શકી નહીં. ૧૯૭૨માં મારી માએ માઈકલ મોટ્સ સાથે
લગ્ન કર્યાં. એ લગ્ન ઉલમાંથી નીકળીને ચૂલમાં પડવા જેવા હતા. રોબર્ટ્સ પૈસા નહોતા કમાતા એ ઓછું હોય એમ માઈકલ મોટ્સ ગાળાગાળી કરતા, મારી મા ઉપર હાથ ઉપાડતા અને કામ કરવાને બદલે એની પાસેથી પૈસા લઈ લેતા. માઈકલ મોટ્સથી મારી માને એક દીકરી થઈ જેનું નામ નેન્સી પાડવામાં આવ્યું અંતે, ૧૯૮૩માં મારી માએ મોટ્સને છૂટાછેડા આપ્યા અને રડતાં રડતાં મને કહ્યું, ‘લગ્ન કરવા એ જીવનની મોટામાં મોટી ભૂલ છે.’ આ વાત મારા મનમાં એટલી ઊંડી અંકાઈ ગઈ કે, હું જ્યારે પણ લગ્ન કરવાનો વિચાર કરતી ત્યારે દરેક વખતે મને મારી માના આ શબ્દો યાદ આવતા.
શિક્ષણ પૂરું કરવાની મારામાં ધીરજ નહોતી અને સાથે સાથે પારિવારિક જવાબદારીઓ ઘણી વધારે હતી, એટલે શિક્ષણ અધૂરું છોડીને મેં કોઈક નોકરી શોધવાનું નક્કી કર્યું. ત્રણ-ચાર જગ્યાએ અપ્લાય કર્યા પછી જ્યોર્જિયાની એક કંપનીમાં હું જ્યારે ઈન્ટરવ્યૂ આપવા ગઈ હતી ત્યારે એમણે મને મોડલિંગની ઓફર કરી. મેં સ્વપ્નેય પણ વિચાર્યું નહોતું કે, હું મોડલિંગ કરીશ, બલ્કે મને મોડલિંગનો વ્યવસાય બહુ ગમતો નહીં, પરંતુ એ લોકોએ ખૂબ સારા પૈસાની ઓફર કરી. પૈસાની જરૂરિયાત હતી, ઘરમાં એ પૈસાથી ઘણી મોટી રાહત થઈ શકે એમ હતી એટલે મેં મોડલિંગની ઓફર સ્વીકારી લીધી. નવાઈની વાત એ હતી કે, મારું પહેલું જ કેમ્પેઈન ખૂબ સફળ થયું. લોકોએ મારા દેખાવના, આત્મવિશ્વાસના અને મારા સ્મિતના ખૂબ વખાણ કર્યાં. મને ન્યૂયોર્કથી ઓફર આવવા લાગી. ક્લિક મોડલિંગ એજન્સીએ મારી સાથે કોન્ટ્રાક્ટ કર્યો જેમાં, અભિનયના ક્લાસીસ મારે કરવા જ પડે એવી શરત હતી. થોડા કંટાળા સાથે અને થોડી અનિચ્છાએ મેં ’ક્લિક’ સાથે કોન્ટ્રાક્ટ સાઈન કર્યા. આ ૧૯૮૫ની આસપાસનો સમય હતો, ત્યારે વર્ષના એક લાખ ડોલર બહુ મોટી રકમ હતી. હું સમજી શકતી હતી કે એનાથી મારા પરિવારને કેટલી મોટી મદદ મળશે!
અંતે, મારી મા, ડ્રગ એડિક્ટ બેનને સાવકા ભાઈ એરિકના ભરોસે છોડીને મેં ન્યૂયોર્કની ફ્લાઈટ પકડી.
(ક્રમશ:)

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત