મારે ખરાબ છોકરી બનવું હતું
કથા કોલાજ – કાજલ ઓઝા-વૈદ્ય
(ભાગ: ૧)
નામ: પ્રોતિમા બેદી
સ્થળ: માલ્પા (કૈલાસ માનસરોવર)
સમય: ૧૭ ઓગસ્ટ, ૧૯૯૮
ઉંમર: ૪૯ વર્ષ
સૂર્ય ઢળી રહ્યો છે. માલ્પાની નાનકડી હોટેલની બહાર હું બેઠી છું. પિથોરાગઢ જિલ્લાનું કુમાઉ વિસ્તારમાં આવેલી આ જગ્યાએ મને મોહિત કરી દીધી છે. અમે ૬૦ જણાં તિબેટ જવા નીકળ્યા છીએ. એ રસ્તે અમે કૈલાસ માનસરોવર પહોંચીશું. મનમાં કોઈ અજબ જેવો શાંતિનો અનુભવ થઈ રહ્યો છે. જિંદગી મને ક્યાં લઈ જઈ રહી છે. મને વારંવાર મારા મૃત્યુના સપનાં આવે છે. ઊંઘમાંથી જાગીને દરેક વખતે એક જ પ્રાર્થના કરું છું કે, આ જગત છોડું ત્યારે એક ચેતનવંતા સ્વસ્થ અને શાંત મન સાથે મારા ઈશ્ર્વર પાસે પહોંચી જાઉં. મારી ચારે તરફ પર્વતો છે. જાણે હિમાલયે મને પોતાના બાહુપાશમાં સમાવી લીધી હોય એવી અનુભૂતિ થાય છે.
મારી જિંદગી એક રોલર કોસ્ટર રાઈડ જેવી રહી છે. એક એવી પુત્રી જે ૧૯૭૪માં નગ્ન થઈને ભરબપોરે મુંબઈના રસ્તાઓ પર દોડી હતી એણે તિરૂપતિમાં માથાના બધા વાળ ઉતરાવીને સંન્યાસ લેવાનો નિર્ણય કર્યો એ બે પ્રસંગોની વચ્ચે જીવન જાણે કોઈ ન સમજાય તેવા અણધાર્યા વળાંકો લેતું રહ્યું. પ્રેમ થયો, દિલ તૂટ્યું, મેં પણ કોઈકના દિલ તોડ્યા, અપમાનિત થઈ, કોઈકને અપમાનિત કર્યા… પણ આ બધું સાચું! આમાં ક્યાંય દંભ, ડોળ કે બનાવટ નહોતા. કદી વિચાર્યું નહોતું કે, કોઈક દિવસ આમ હિમાલયના રસ્તા પર નીકળી પડીશ, એવું પણ નહોતું વિચાર્યું કે, નૃત્ય સાધનામાં મારું જીવન રેડી દઈશ.
જન્મી ત્યારે મારી કોઈનેય જરૂર નહોતી. ૧૯૪૯ની ૧૨મી ઓક્ટોબરે લક્ષ્મીચંદ અને રેબા ગુપ્તાને ત્યાં બીજી દીકરી તરીકે જન્મી, લક્ષ્મીચંદ ગુપ્તા પરિવારનો એકનો એક દીકરો હતો, પરંતુ એ બંગાળી છોકરી સાથે પરણવા માટે ઘર છોડીને નીકળી ગયો. એ, લક્ષ્મીચંદ મારા પિતા. મારી મા અસાધારણ સુંદર હતી અને એની સુંદરતા લક્ષ્મીચંદની સાથે સાથે એના મિત્રોને પણ આકર્ષતી. હું જ્યારે ઉછરી રહી હતી ત્યારે મેં જોયું કે, મારા પિતા જાણે-અજાણે મારી માનો ઉપયોગ એમની કારકિર્દી માટે કરતા. મારી મોટી બહેન મોનિકા ખૂબ સુંદર હતી. એના પછી હું જન્મી. મારા પિતા જેવી કાળી, જાડા હોઠવાળી ને મારા પછી મારો ભાઈ બિપીન. સૌથી મોટી દીકરી પહેલું સંતાન હતી એટલે ખૂબ લાડ મળ્યા અને બિપીન દીકરો હતો એટલે વહાલો હતો. મારી કોઈને જરૂર નહોતી. હું કુટુંબનો ટોમબોય હતી. કોઈ વસ્તુ એવી નહોતી કે, જેમાં મને ભય લાગતો હોય.
પહેલાં મારા માતા-પિતા દિલ્હીમાં રહેતા હતા. મારા પિતા આયન અને સ્ટીલની કંપનીમાં કામ કરતા હતા. ૧૯૫૩માં મારા પિતાએ પોર્ટુગીઝ સરકાર પાસેથી મેન્ગેનીઝ ધાતુની ખાણો લીઝ પર લીધી અને ગોવા શિફ્ટ થઈ ગયા.
હું સાત વર્ષની હતી ત્યારે મારી બહેન મોનિકાએ ગ્રૂકલેક્સ ટીકડીઓનું બોક્સ મને આપ્યું. એ જુલાબ માટેની ટીકડીઓ હતી. હું ચોવીસે ચોવીસ ગોળી ખાઈ ગઈ. પહેલાં ઝાડા-ઉલ્ટી થયા ને પછી લોહીની ઉલ્ટી થવા લાગી. રસોડાના દામચ્યાવાળા રૂમમાં હું કલાકો પડી રહી પણ મને કોઈએ શોધી નહીં. અંતે, જ્યારે હું મળી ત્યારે હું લગભગ મૃત્યુ પામી હતી. મારી અંતિમક્રિયાની તૈયારી થવા લાગી. ડોક્ટરે ડેથ સર્ટિફિકેટ લખી નાખ્યું, પરંતુ અચાનક મેં આંખો ઊઘાડી. મને હોસ્પિટલમાં લઈ જવામાં આવી અને મારો પુનર્જન્મ થયો!
પિતાનો ગોવાની ખીણોનો બિઝનેસ બંધ થઈ ગયો. અમને ત્રણ ભાઈ-બહેનોને જુદી જુદી જગ્યાએ મોકલવામાં આવ્યા. મારા માતા-પિતા સેટલ થઈને ક્યાંક સરખી જગ્યા કે ઘર ગોતી લે ત્યાં સુધી અમારે ક્યાંક રહેવાનું હતું. એ દરમિયાન મને હરિયાણાના કરનાલ જિલ્લાના એક ગામમાં મારા કાકાને ત્યાં મોકલવામાં આવી હતી. એ લોકો ત્રણ ભાઈઓ હતા. એમાંના એક ભાઈનો દીકરો, મારો પિતરાઈ એટલે ભાઈ જ થાય, પણ એ મને જ્યાં ત્યાં સ્પર્શ કરતો. હું દસ વર્ષની હતી. એક રાત્રે એ મારી પથારીમાં આવી ગયો. એણે મારી નીકરમાં હાથ નાખીને મારા પ્રાઈવેટ પાર્ટ પર તેલ લગાવ્યું, પછી મારા મોં ઉપર હાથ મૂકીને મારા પર બળાત્કાર કર્યો. મને ખૂબ પીડા થઈ અને ભયાનક આઘાત પણ લાગ્યો. એ પછી તો લગભગ રોજ રાત્રે એવું થતું રહ્યું. મને ચિતરી ચડતી હતી. બીક લાગતી હતી, પણ મારા મમ્મી-પપ્પા મારી પાસે નહોતા. હું કોને ફરિયાદ કરું એ મને સમજાતું નહીં. મારા માથામાં પાર વગરની લીખો હતી. મને જમણા પગમાં ખરજવું હતું. હું જ્યારે મારા કુટુંબ પાસે પાછી ગઈ ત્યારે ટોમબોયમાંથી એકદમ ચૂપ અને અતડી છોકરી બની ગઈ હતી. એ પછી મને અને મારી બહેનને પંચગીનીની કિમિન્સ હાઈસ્કૂલમાં ભણવા મોકલ્યા કારણ કે ત્યાં શિક્ષણ મફત હતું. મને રાત્રે બિહામણા સપનાં આવતા. મારા કઝીને મારી સાથે કરેલા બળાત્કારમાંથી હજી હું બહાર નીકળી શકી નહોતી. ઊંઘમાં મારી પથારી ભીની થઈ જતી. હું ખાસ્સી મોટી થઈ ત્યાં સુધી રાત્રે પથારી ભીની કરી નાખતી. કિમિન્સ હાઈસ્કૂલમાં મારી ભીની પથારી, મારા ખભે ઊંચકીને મને આખી હોસ્ટેલમાં અને વરંડામાં ફેરવવામાં આવતી. હું કંઈ જાણી જોઈને આવું નહોતી કરતી તેમ છતાં, મારી આ નબળાઈને કારણે મારે અપમાન સહન કરવું પડતું. પહેલાં બહુ રડવું આવતું, પછી મેં સ્વીકારી લીધું. નક્કી કર્યું કે હું કોઈના પણ અપમાનની અસર મારા પર નહીં થવા દઉં. એ દિવસ પછી મેં મારા પોતાના અસ્તિત્વનું આત્મગૌરવ કરવાનું શરૂ કર્યું.
હું ભણવામાં ખૂબ હોશિયાર હતી. મારા પપ્પા કહેતા, ‘તું વકીલ થઈશ’,
પરંતુ મારે તો નૃત્ય શીખવું હતું. મારા ઘરમાં આ વિચાર કહેવાય એવો પણ નહોતો. બધા મને ‘કાળી’ કહેતા. મારું નાક જાડું અને બૂચું હતું. આંખો મોટી અને હોઠ જાડા હતા. હું બહુ પાતળી હતી એટલે મારા શરીરનો વિકાસ પણ બરાબર નહોતો થયો. મારી બહેન મોનિકાનું શરીર સુડોળ હતું. એ ગોરી હતી, એટલે એના પ્રશંસકોની સંખ્યા પણ વધારે હતી.
હું ક્યારેક મારી માનું અંત:વસ્ત્ર (બ્રા) પહેરીને એમાં રૂના ડૂચા ભરીને મારું શરીર જોતી. એના કપડાં પહેરીને અરીસા આગળ કલાક સુધી નૃત્ય કરતી. મને ખબર છે કે, એ ક્ષણો મારે માટે જીવનની સૌથી ઉત્તમ ક્ષણો હતી. નૃત્ય કરતી વખતે હું ખોવાઈ જતી. એક દિવસ હું નૃત્ય કરતી હતી ત્યારે મારી મા અને બહેને મારી ખૂબ મજાક ઉડાવી. એ દિવસથી મેં નૃત્ય કરવાનું છોડી દીધું.
મેં મારો મોટાભાગનો સમય લાઈબ્રેરીમાં વિતાવવાનું શરૂ કર્યું. હું ખૂબ વાંચતી. સ્કૂલમાં ભણતી હતી ત્યારે મેં ન વાંચવાનાં પુસ્તકો પણ વાંચી નાખ્યા હતા. લલિટા, લેડી ચેટરલીસ લવર્સ જેવાં પુસ્તકો હું ચોરીછૂપી વાંચતી. એમાં આવતા રોમાન્ટિક વર્ણનોથી ઉશ્કેરાટ અનુભવતી, પણ મારા હાથ મારા જ શરીર ઉપર ફરતાં ત્યારે મારી સપાટ છાતીઓ મને નિરાશ કરી નાખતી. મારી બહેન બારમે વર્ષે બ્રા પહેરતી અને હું ૧૬મા વર્ષે પણ સપાટ હતી. મારા ક્લાસની બીજી છોકરીઓને માસિકધર્મ શરૂ થયો હતો ત્યારે હું હજી એમ જ હતી… બીજી છોકરીઓની સામે મારો અહોભાવ ટકાવી રાખવા મને માસિક નહોતું આવતું તેમ છતાં હું પેડ લાવતી અને એમને દેખાય એવી રીતે પેડ ફેંકવા જતી… હું ઈશ્ર્વરને પ્રાર્થના કરતી કે, મને સ્તન ઊગે…
૧૯૬૫ની ૧લી જાન્યુઆરીએ હું નાહવા જતી હતી ત્યારે મેં મારા નાઈટ શુટનો પાયજામો ઉતાર્યો અને જોયું કે, એમાં મોટો લાલ ડાઘો હતો. એ મારા જીવનનો સુખીમાં સુખી દિવસ હતો. મને લાગ્યું કે, હું સ્ત્રી છું. એ પછીના ૬ મહિનામાં તો મારું આખું શરીર બદલાઈ ગયું અને મને એનું ગૌરવ હતું. મને સેન્ટ ઝેવિયર્સમાં એડમિશન મળ્યું અને હું કોલેજમાં ક્યારેક બ્રા પહેર્યા વગર જતી. ખાસ એવું દેખાડવા કે મારી પાસે અદભુત શરીર છે. મને લોકો ફાસ્ટ અને ચાલુ કહેતા. હું વર્ગમાં ગાપચી મારતી. ક્લાસ ભરવામાં મને કોઈ રસ નહોતો. બસ, એ દિવાનગીના દિવસો હતા. મારે ખરાબ છોકરી બનવું હતું. મેં નક્કી કરી લીધું હતું કે, હવે હું બની શકું એટલા વધુ છોકરાઓને મારા તરફ આકર્ષી લઈશ. (ક્રમશ:)