લાડકી

આઈ, ટીના: સંઘર્ષથી સફળતા સુધીની રસપ્રદ કથા

કથા કોલાજ -કાજલ ઓઝા-વૈદ્ય

(ભાગ: ૧)
નામ: ટીના ટર્નર
સ્થળ: ઝ્યુરિચ, સ્વિટ્ઝર્લેન્ડ
સમય: ૨૫ મે, ૨૦૨૩
ઉંમર: ૮૩ વર્ષ
આજના દિવસે ટીવી ઉપર સતત મારી વાતો થઈ રહી છે. મારા અનેક સાથી કલાકારો મને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. ઘણા સાથી કલાકારોએ મારી ખોટ પર શોક વ્યક્ત કર્યો, જેમાં બેયોન્સ, મારિયા કેરી, જેનેલે મોને, ક્વેસ્ટલોવ, પીટ ટાઉનશેન્ડ, ડાયના રોસ, ડોલી પાર્ટન, ડેબી હેરી, ગ્લોરિયા ગેનોર, બ્રાયન એડમ્સ, જીમીનો સમાવેશ થાય છે. બાર્ન્સ, પીટર આન્દ્રે, કેરી કાટોના, લાયોનેલ રિચી, એલ્ટન જોન, મેડોના, રોડ સ્ટુઅર્ટ, લિઝો, બ્રિટ્ટેની હોવર્ડ, મિક જેગર, કીથ રિચાર્ડ્સ, રોની વુડ અને ચેર… આ બધા રોક એન્ડ રોલના જાણીતા કલાકારો છે. આમાંના ઘણા બધા ગ્રેની એવોર્ડ જીતી ચૂકેલા અને લોકોના હૃદય પર રાજ કરતા રોક એન્ડ રોલ સંગીતના માંધાતાઓ છે.

આ એવા લોકો છે જે મારા સંઘર્ષના સાક્ષી છે. એમાંના કેટલાકની સાથે મેં ગાયું છે તો કેટલાક મારા પછી સફળ થયા છે. ઓપ્રાહ વિનફ્રેએ પોતાના કાર્યક્રમમાં આજે ખાસ મને શ્રદ્ધાંજલિ આપી. બ્રિટિશ મોડેલ નાઓમી કેમ્પબેલ પોતાના એક કાર્યક્રમમાં મારી સાથેના એના સંબંધો અને દોસ્તી વિશે બોલી. અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખો બિલ ક્લિન્ટન અને બરાક ઓબામા પણ મારી અંતિમ યાત્રામાં જોડાયા! રોલિંગ સ્ટોન મેગેઝિનમાં એમના ૨૦૦ સર્વકાલીન મહાન ગાયકોની યાદીમાં મારું નામ ૫૫મા નંબરે આવે છે. મેમ્ફિસ મ્યુઝિક હોલ ઓફ ફેઈમમાં મને સામેલ કરવામાં આવી. રોલિંગ સ્ટોને ૨૦ મહાન ડ્યુઓઝ (કપલ અથવા સાથી કલાકારો)ની યાદીમાં આઈક અને મને સ્થાન આપ્યું છે… બ્રાઉન્સવિલે અને નટબુશ વચ્ચેના ટેનેસી સ્ટેટ રૂટ ૧૯નું નામ ‘ટીના ટર્નર હાઇવે’ રાખવામાં આવ્યું.

તમને થશે, હું કોણ છું? આટલા બધા લોકો શા માટે મારાં મૃત્યુ પર શોક વ્યક્ત કરે છે. અમેરિકાના પ્રમુખ પણ મારી અંતિમ યાત્રામાં જોડાય એવું તે મેં શું કામ કર્યું છે? તો આજે તમને કહું… મારું નામ એન્ના બુલોક છે, પણ લોકો મને ટીના ટર્નરના નામે ઓળખે છે. મારી આત્મકથાનું નામ છે ‘આઈ, ટીના’… એ પુસ્તકમાં મેં મારા વિશે બધું જ લખ્યું છે. મારા જીવનની બધી જ હકીકતો ડર્યા કે ગભરાયા વગર-લોકોની ચિંતા કર્યા વગર મેં એ પુસ્તકના પાનાંઓ પર ઉતારી છે. મારો ઈરાદો માત્ર એટલો જ હતો કે, આવનારી પેઢીની યુવતીઓ એ વાંચીને એટલું સમજી શકે કે સફળ થવા માટેનો રાજમાર્ગ સંઘર્ષની કેડી પસાર કર્યા પછી જ મળે છે! મારી પાસે કોઈ તૈયાર વિરાસત નહોતી, બલ્કે સાચું કહું તો હું જીવનમાં આવી સફળતા, આવું નામ પ્રાપ્ત કરી શકીશ એવી કલ્પના પણ મારા પરિવારમાં કોઈને નહોતી! હા, મેં સપનાં જોયાં હતા, મોટા મોટા સપનાં… એક રોકસ્ટાર બનવાના, વિશ્ર્વ પ્રવાસ કરવાનાં સપનાં! એ પૂરાં થશે એવી કોઈ ગેરંટી નહોતી તેમ છતાં, મેં મારી આત્મકથામાં લખ્યું છે એમ, સપનાં જોવા પર કોઈ પ્રતિબંધ નથી-તો પછી નાનાં સપનાં કેમ જોવાનાં?

ખૂબ સામાન્ય, ગરીબ કહી શકાય એવા પરિવારમાં, આજથી ૮૩ વર્ષ પહેલાં બ્રાઉન્સવિલે ટેનેસીમાં મારો જન્મ થયો. ફ્લોઈડ રિચર્ડ બુલોક અને ઝેલ્મા પ્રિસિલાનો પરિવાર ટેનેસીની ક્ધટ્રી સાઈડ પર રહેતો હતો. મારા દાદાજી હાઈવે ૧૮૦ પર એક ફાર્મમાં શેરક્રોપર્સના સુપરવાઈઝર તરીકે કામ કરતા. મને બે મોટી બહેનો હતી. એવિલિન જુઆનિતા, જે મારી હાફ સિસ્ટર હતી અને બીજી રૂબિ એલિન બુલોક જે મારી સગી બેન હતી. મારા પિતા બુલોક આફ્રિકન અમેરિકન હતા. છેલ્લી ત્રણ પેઢીથી બધા અમેરિકામાં જ વસ્યા હતા, પરંતુ મારો દેખાવ એક આફ્રિકન જેવો હતો.

મારા દાદાજી કડક અને ધાર્મિક હતા. અમારા ઘરમાં રોજ જમતા પહેલાં પ્રાર્થના થતી, ત્રણેય બહેનોને દિવસનો અડધો ભાગ સ્કૂલમાં અને અડધો ભાગ કપાસ ચૂંટવા માટે જવું પડતું. અમારી આર્થિક હાલત એવી નહોતી કે, મારા માતા-પિતા અમને સારી શાળામાં ભણાવી શકે. જો સારી સ્કૂલમાં ભણવું હોય તો અમારે જાતે પૈસા કમાવા પડશે એવું અમને પાંચમા ધોરણમાં કહી દેવામાં આવ્યું હતું.

બીજા વિશ્ર્વ યુદ્ધ દરમિયાન મારા માતા-પિતા સંરક્ષણ સુવિધામાં કામ કરવા માટે નોક્સ વિલે તરફ ગયાં. એ વખતે સૈન્યમાં સંરક્ષણ સુવિધા માટે ખૂબ પૈસા મળતા. મારા માતા-પિતા થોડું કમાઈને પોતાની વૃદ્ધાવસ્થા માટે થોડું બચાવવા માગતા હતા. મારી બે મોટી બહેનોને મારા ફોઈને ત્યાં મોકલવામાં આવી અને હું મારા દાદા-દાદી એલેક્સ અને રૂક્સન્ના બુલોક સાથે રહેવા ગઈ. મારા દાદા-દાદીએ મિશનરી બેપ્ટિસ્ટ ચર્ચની ધાર્મિકતા સાથે મારો ઉછેર કર્યો. એ કડક હતાં. અહીં પણ અડધો દિવસ મારે ફાર્મ પર એમની સાથે કામ કરવા જવું પડતું. મારા દાદા-દાદી ડેકોન અને ડેકોનેસ હતા.

ચર્ચમાં હાઈમ્ન ગાવા માટે હું દર રવિવારે જતી. ક્રિસમસના કેરોલ્સ ગાવા માટે હું નિયમિત પ્રેક્ટિસ કરતી. કદાચ, મારું સંગીતનું શિક્ષણ સૌથી પહેલાં ત્યાંથી શરૂ થયું. સ્કૂલમાં હું હોશિયાર હતી, પણ ટોમ્બોય અને તોફાની હતી. મારા અનેક મિત્રો હતા, જેમાંના કેટલાક બેન્ડ ધરાવતા હતા. મને એમના બેન્ડમાં જોડાવાની ખૂબ ઈચ્છા હતી, પરંતુ મારા દાદા-દાદીને એ પ્રવૃત્તિઓ પસંદ નહોતી. હું ક્યારેક દાદા-દાદીથી સંતાડીને, જુઠ્ઠું બોલીને એમના ગિગ્ઝમાં જતી, પરંતુ એ વાતની ઘેર ખબર ના પડે એનું મારે ખૂબ ધ્યાન રાખવું પડતું. દાદા-દાદીએ ક્યારેય હાથ નથી ઉપાડ્યો,
પરંતુ એ લોકો મને સતત ડરાવતા કે જો હું એમનું કહ્યું નહીં માનું તો એ મને ઘરમાંથી કાઢી મૂકશે! ૧૯૫૦ની સાલના આખરના દિવસો હતા. મારા માતા-પિતા દૂર બીજા વિશ્ર્વ યુદ્ધના સૈનિકોની સેવા કરી રહ્યાં હતાં અને બે બહેનો પણ મારાથી દૂર હતી-ઘરમાં હું એક જ બાળક અને દાદા-દાદી હતાં. કોઈને કહી શકતી નહીં, પરંતુ મને ઘરમાંથી બહાર નીકળી જવાની ધમકીનો ખૂબ ડર લાગતો. ‘એ લોકો કાઢી મૂકશે તો હું ક્યાં જઈશ?’ એ વિચાર જ્યારે પણ આવતો ત્યારે હું એકદમ ડાહી છોકરી બની જતી… પરંતુ, મારો મૂળ સ્વભાવ તોફાની, ટોમ્બોઈશ, અને રખડુ પ્રકૃતિનો હતો. મને મારા મિત્રો સાથે ધિંગામસ્તી કરવાની બહુ મજા આવતી એટલે દાદા-દાદીને ચકમો આપીને ભાગી જવાનું ધીમે ધીમે મને ફાવી ગયું હતું.

મારાં માતા-પિતા લગભગ ત્રણ વર્ષે પાછાં ફર્યાં. એ પછી અમે ફરીવાર નટબુશમાં રહેવા લાગ્યા. આઠમા ધોરણમાં મને ફ્લેગ ગ્રોવ શાળામાં મૂકવામાં આવી. હું ૧૩ વર્ષની હોઈશ ત્યારે અમારા પરિવારને પહેલો ઝટકો લાગ્યો. મારી મા ઝેલ્મા અચાનક અમને છોડીને ચાલી ગઈ. મારા પિતા સાથે એને બનતું નહોતું, પરંતુ બાળકો ખાતર એણે થોડા વર્ષ વિતાવવાનો પ્રયત્ન ચોક્કસ કરી જોયો. મારી મા ખૂબ સુંદર હતી, તેજસ્વી અને યુવાન પણ હતી. હું સમજતી થઈ ત્યારે મને એટલું સમજાયું કે, ઝેલ્મા જેવી સ્ત્રી ફ્લોઈડ જેવા પુરુષ સાથે રહી શકે એમ જ નહોતી! મારી માને પણ સપનાં હતાં. એક સારી જિંદગી જીવવાના, પ્રેમ કરવાના સપનાં! મારા પિતા થોડા જડ અને રુક્ષ વ્યક્તિ હતા. ખેતરમાં કામ કરતો માણસ હોય એવા… એ મારી માને શહેરની સગવડો અને સારાં વસ્ત્રો, મેક-અપની સામગ્રી અપાવી શકે એમ નહોતા. મારી મા ભૌતિક વસ્તુઓનો અભાવ અનુભવતી હશે એથી વધુ કદાચ, પ્રેમ અને પતિ સાથેના સંબંધમાં ઋજુતા અને લાગણીનો અભાવ એને સાલતો હશે. એણે તો લગ્ન પછી તરત જ ફ્લોઈડને છોડવાની યોજના બનાવી હતી, પરંતુ એ તરત જ ગર્ભવતી થઈ એટલે એણે રોકાઈ જવું પડ્યું. મારી બહેન એવ્લિનના જન્મ પછી તરત જ એણે મારા પિતાને છોડવાની વાત કહી હતી, પરંતુ એ ઘર છોડી શકે તે પહેલાં મારો જન્મ થઈ ગયો…

આજે, જિંદગીના આઠ કરતાં વધારે દાયકા જીવી નાખ્યા પછી મને સમજાય છે કે, અમે બંને બહેનો, એને માટે નહીં જોઈતાં સંતાનો તરીકે જન્મી હતી. મારી મા અમને છોડી ગઈ એ પછીના છ મહિના હું સ્કૂલે જવાનું ટાળતી, કોઈને મળતી નહીં. ખેતરમાં કામ કરવા જવાનું પણ મને ગમતું નહીં.

એ પછી મારા પિતાએ બીજા લગ્ન કર્યાં અને મને ફરી એકવાર મારા દાદાજી પાસે મોકલી દેવામાં આવી. બાળપણમાં મને લાગતું કે મને કોઈ પ્રેમ કરતું નથી! હું એકલવાયી, ડિપ્રેસ્ડ અને અનાથ છોકરી બની ગઈ હતી. (ક્રમશ:)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button