લાડકી

અભિનય માટે આઈએ બાબાને છોડ્યા, મારે વિવેકને અભિનય માટે છોડવો પડ્યો

કથા કોલાજ -કાજલ ઓઝા-વૈદ્ય

(૧)
નામ: રીમા લાગૂ
સ્થળ: કોકિલાબહેન ધીરૂભાઈ અંબાણી હોસ્પિટલ
સમય: રાત્રે ૧.૦૦ વાગ્યે, ૧૮ મે, ૨૦૧૭
ઉંમર: ૫૯ વર્ષ
હૉસ્પિટલના પલંગ પર સૂતા સૂતા મને જાણે મારી આખી જિંદગી ફિલ્મની જેમ દેખાય છે. આજ સુધી કોઈ દિવસ છાતીમાં દુ:ખાવાની ફરિયાદ હતી જ નહીં… મારી જીવનશૈલી પણ એવી હતી કે, હું ખાસ બીમાર નથી પડી. હા, મને ખાવાનો શોખ ખૂબ અને સ્વાદિષ્ટ ભોજન પણ ભાવે, પરંતુ સમય સમયાંતરે હેલ્થ ચેક-અપ તો હું કરાવતી હતી. આજે જ્યારે હોસ્પિટલમાં દાખલ થઇ ત્યારે ડૉક્ટરે કહ્યું કે, ‘હાર્ટ એટેક છે’ ત્યારે મને ખૂબ નવાઈ લાગી. થોડું હસવું પણ આવ્યું. ચલો, દિલ છે એવી તો ખબર પડી, બાકી અત્યાર સુધી તો આ દિલે મને દગો દેવા સિવાય કંઈ કર્યું જ નથી! મારી કારકિર્દી ખૂબ સારી ચાલતી હતી ને નવાઈની વાત એ છે કે, મારી ઉંમરની મોટાભાગની અભિનેત્રીઓ કરતાં મને સારા અને મજબૂત રોલ મળતા રહ્યા. પૈસા પણ હું સારા જ કમાઈ. કોઈના ઉપર આધારિત ન રહેવું પડે એવી જિંદગી જીવી છું હું.

બારમા ધોરણમાં સારા માર્કે પરીક્ષા પાસ કર્યા પછી મેં નોકરી લઈ લીધી. એક બૅંકમાં ટ્રેનીની જોબ મને તરત જ મળી ગઈ, કારણ કે હું ભણવામાં ખૂબ હોશિયાર હતી અને બારમાનું રિઝલ્ટ ખૂબ સારું હતું. લગભગ એ ઉંમરથી શરૂ કરીને અત્યાર સુધી આર્થિક રીતે હું કોઈના પર આધારિત નથી રહી. સ્વમાન અને સંતોષથી જીવી છું હું. આ વર્ષે મને ૬૦ વર્ષ પૂરાં થશે. મારી દીકરી અને જમાઈએ જોરદાર પાર્ટીનું પ્લાનિંગ પણ કર્યું છે, પણ નવાઈની વાત એ છે કે ફિલ્મોમાં તો હું ક્યારની ૬૦ વર્ષની મા બની ગઈ છું, જ્યારે ‘વાસ્તવ’માં સંજય દત્ત સાથે એની માનો રોલ કર્યો ત્યારે હું સંજય દત્તથી બે જ વર્ષ મોટી હતી, પણ હિન્દી સિનેમામાં હિરોઈનની ઉંમર જલદી વધી જાય છે! જ્યારે હીરો વર્ષો સુધી મોટા થતા જ નથી! બોલિવૂડ સુધીનો મારો પ્રવાસ જરાય અઘરો કે સંઘર્ષમય નથી રહ્યો એવું મારે સ્વીકારવું જોઈએ કારણ કે, અત્યારે અહીં પડ્યા પડ્યા એ જ વિચારી રહી છું કે, અભિનેત્રી બનવાનું મારું સપનું મારી આંખોમાં ત્યારે અંજાયું હશે જ્યારે હું મારા માનાં ગર્ભમાં હતી. જન્મી ત્યારે મારું નામ નયન પાડવામાં આવ્યું. હું થોડી મોટી થઈ ત્યારે મારા માતા-પિતા એકબીજાથી છૂટાં પડી ગયાં, કારણ કે મારી મા નાટકોમાં અભિનય છોડવા માગતી નહોતી અને મારા પિતાને લાગતું હતું કે, એણે અભિનય છોડી દેવો જોઈએ. એ બંને મારી સામે ખાસ કદી ઝઘડ્યાં નથી, પરંતુ એક દિવસ મારી આઈ મને લઈને નવા ઘરે રહેવા આવી ગઈ, જ્યારે બાબા જૂના ઘરે રહી ગયા. આઈ અને બાબા ક્યારેક મળતા. મારી આઈએ કદી મને બાબાને મળતા રોકી નથી, પણ સાથે જ એણે મારા શિક્ષણ અને ઉછેરની સંપૂર્ણ જવાબદારી પોતાના ખભે લઈ લીધી. એ સ્વમાની હતી, એણે બાબા પાસેથી કદી પૈસા લીધા નહીં. એનું સ્વમાન અને આત્મગૌરવ મને વારસામાં મળ્યું છે.

હું છ વર્ષની હતી ત્યારે ‘માસ્ટરજી’ નામની એક મરાઠી ફિલ્મમાં મેં કામ કર્યું. એ પછી સાતેક ફિલ્મોમાં મેં ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે કામ કર્યું. જોકે, મારા બાબાને એ વખતે પણ અભિનય કરવાનો મારો શોખ જરાય પસંદ નહોતો.

મારી મા મંદાકિની ભડભડે મરાઠી નાટકોની જાણીતી અભિનેત્રી હતી. મારી માની આંગળી પકડીને હું એના શો પર જતી. એ બહાર રંગમંચ પર અભિનય કરતી હોય ત્યારે ગ્રીન રૂમમાં મેક-અપ દાદા પાસે બેસતી. ત્યાં પડેલા મેક-અપના રંગો મને હંમેશાં આકર્ષતા, પણ મારી મા કદાચ નહોતી ઈચ્છતી કે, હું અભિનેત્રી બનું. મારા પિતા સતત મારા શિક્ષણ પર ભાર આપતા અને કહ્યા કરતા કે અભિનય શોખ હોઈ શકે, પણ આ વ્યવસાયમાં પૈસા નથી, સલામતી નથી. એમની દ્રષ્ટિએ જોવા જઈએ તો એમની વાત સાચી હતી કારણ કે, મરાઠી નાટકોમાં એવું કંઈ વેતન મળતું નહીં. કોલેજ પછી જ્યારે મેં નાટકોમાં અભિનય કરવાનું નક્કી કર્યું ત્યારે મારી માએ કમને રજા આપી. એ જાણતી હતી કે, હું જિદ્દી છું અને અંતે તો મારું ધાર્યું કરીને જ રહીશ એટલે રજા નહીં આપવાનું કે મને રોકવાનું એના હાથમાં નહોતું. મેં પૂનાની હજુરપાગા એચએચસીપી સ્કૂલમાંથી બારમું ધોરણ પાસ કર્યું. બારમા ધોરણ પછી મેં જાહેરાત કરી દીધેલી, કે મારે આગળ નથી ભણવું, પરંતુ બાબા એ ચલાવી લે એમ નહોતા. એમણે મને ગ્રેજ્યુએશન પૂરું કરી લેવાનો
આગ્રહ કર્યો. ગ્રેજ્યુએશન પૂરું કરતાં સુધીમાં તો મેં બૅંકમાં નોકરી લઈ લીધી.

યુનિયન બૅંકની એ નોકરી મારે માટે જીવનનો એક જબરજસ્ત વળાંક સાબિત થઈ.

મેં મુંબઈ બ્રાન્ચમાં બદલી માટે અરજી આપી. એ વખતે બૅંકની નોકરી બહુ સલામત માનવામાં આવતી અને રજાઓ પણ જેટલી જોઈએ તેટલી આસાનીથી મળતી બલ્કે, થિયેટર, ક્રિકેટ જેવા શોખ માટે બૅંક જેવી કોઈ નોકરી નહોતી! મેં બૅંકની નોકરીની સાથે સાથે થિયેટરમાં કામ કરવાનું શરૂ કર્યું. મારી જ બૅંકમાં વિવેક લાગૂ પણ કામ કરતા હતા. અમે બંને જણાં થિયેટરમાં રસ ધરાવતા હતા. વિવેક લાગૂ પણ મારી સાથે થિયેટર કરતાં, એટલે સાથે રિહર્સલમાં જવું, કેટલીકવાર મોડી રાત્રે ઘરે મૂકવા આવવું એવા પ્રસંગોએ અમારી દોસ્તી વધવા લાગી. મારી આઈ પણ મારી સાથે મુંબઈ શિફ્ટ થઈ ગઈ હતી. એને ખ્યાલ આવી ગયો કે, હું વિવેકની નજીક જઈ રહી છું. એણે મને ત્યારે જ એક-બે વાર સમજાવવાનો પ્રયાસ કરેલો, કદાચ એના જીવનના અનુભવો ઉપરથી એ જાણતી હતી કે, સ્ત્રી માટે લગ્ન અને અભિનય બંને સાથે ચાલી શકે એવી પરિસ્થિતિ ત્યારે નહોતી. મને લાગ્યું કે, વિવેક પણ થિયેટરમાં રસ ધરાવે છે, અભિનેતા છે એટલે જીવન અને મારા શોખ બંનેને સારી રીતે સમજી શકશે. ઘણા સમય સુધી ડેટિંગ કર્યા પછી ૧૯૭૮માં અમે લગ્ન કર્યાં. મરાઠી પરિવારોમાં લગ્ન પછી નામ બદલવાની પ્રથા છે. મેં મારું નામ રીમા લાગૂ કરી દીધું. એ વખતે વિવેકને મારા અભિનય કરવા વિશે કોઈ પ્રોબ્લેમ નહોતો. લગ્નના દસ વર્ષ પછી મેં એક દીકરીને જન્મ આપ્યો. જેનું નામ અમે મૃણમયી પાડ્યું. મૃણમયી મોટી થવા લાગી એ પછી અમારા ઝઘડા વધવા લાગ્યા. નવાઈની વાત એ હતી કે, હું દસ વર્ષ સુધી થિયેટરમાં કામ કરતી હતી ત્યારે વિવેકને કોઈ પ્રોબ્લેમ નહોતો, પણ હવે વિવેકની અપેક્ષા હતી કે, હું બધું છોડીને મૃણમયીના ઉછેર માટે ઘરે બેસી જાઉ, સાથે સાથે એની એવી પણ અપેક્ષા હતી કે, હું બૅંકની નોકરી ના છોડું. મને થિયેટરમાંથી સારી એવી આવક થવા લાગી હતી એટલું જ નહીં, મરાઠી ફિલ્મોમાંથી પણ મને ઓફર આવવા લાગી. વિવેકને મારા ફિલ્મોમાં કામ કરવા વિશે ખૂબ વિરોધ હતો. સમય સાથે અમારા મતભેદ વધવા લાગ્યા. ૧૯૭૯માં મને પહેલી ફિલ્મ મળી, ‘સિંહાસન.’

એ ફિલ્મ જોઈને મને ઈપ્ટામાંથી ફોન આવ્યો અને મેં હિન્દી નાટકો તરફ મારો પ્રવાસ શરૂ કર્યો.

અભિનય જ મારી કારકિર્દી હતી એવી મને ખબર હતી અને મારે કોઈપણ સંજોગોમાં અભિનય છોડવો નહોતો… બસ, એ પછી વિવેક અને મારા રસ્તા છુટા પડી ગયા. હું મૃણમયીને લઈને એના ઘરમાંથી નીકળી ગઈ. એ રાત્રે મને મારી આઈની વાત સમજાઈ, પણ મોડું થઈ ગયું હતું!
(ક્રમશ:)

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ