મોંઘી પ્રત્યેનો વાત્સલ્યભાવ ક્યારે ઈશ્કમાં પલટાયો એનો મને ખ્યાલ પણ ન રહ્યો

કથા કોલાજ -કાજલ ઓઝા-વૈદ્ય
(ભાગ: ૨)
નામ: રાજબા રોહાવાળા (રમા)
સ્થળ: લાઠી, અમરેલી
સમય: ૧૯૧૦
ઉંમર: ૪૪ વર્ષ
સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ, લાઠીના રાજા. અત્યારના ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્રનો એક ભાગ એ સમયે કાઠિયાવાડ કહેવાતો. અંગ્રેજોનું શાસન સ્થપાયા પછી નાનાંમોટાં ૬૦૦ જેટલાં રાજ્યોને એમણે સ્વતંત્ર કરી દીધાં. ૧૮૫૭ના સ્વાતંત્ર્ય સંગ્રામ પછી અંગ્રેજોનો પંજો સખત થવા માંડ્યો. કાઠિયાવાડનાં રાજ્યો ખૂબ નાનાં હતાં. એ સમયે લાઠી કાઠિયાવાડના હાલાર પ્રાંતનું ચોથા વર્ગનું રાજ્ય ગણાતું. રાજ્ય ભલે નાનું, પણ એનો ભૂતકાળ ગૌરવપૂર્ણ છે. ભાવનગર ગોહિલોનું મોટું સંસ્થાન હતું. તે ઉપરાંત લાઠી, પાલિતાણા, મોણપુર, લીમડા વગેરે ગોહિલોનાં સંસ્થાનો હતાં. સર્વ ગોહિલ રાજકુળના આદિપુરુષ સેજકજી હતા. તેઓ ભારતવર્ષના પ્રખ્યાત ઉદ્ધારક શાલિવાહનના વંશના હતા એમ કહેવાય છે. આજે પણ ગોહિલો પોતાને શાલિવાહનના વંશજો તરીકે ઓળખાવે છે. ગોહિલોના આદિપુરુષ ઈ. ૧૨૯૪માં મારવાડમાંથી કાઠિયાવાડમાં આવ્યા હતા. જૂનાગઢના રા’ સાથે લગ્નસંબંધે જોડાવાથી અને સૌરાષ્ટ્રના રક્ષણનું કામ ઉપાડી લેવાને લીધે રા’એ સેજકજીને ત્રણ ચોવીશીનું રાજ્ય કાઢી આપ્યું હતું. આ સેજકજીના ત્રીજા પુત્ર સારંગજીના વંશમાં તેવીસમી પેઢીએ તખ્તસિંહજીનો જન્મ થયો હતો. તખ્તસિંહજીને ત્રણ પુત્રો હતા. ભાવસિંહજી, સુરસિંહજી અને વિજયસિંહજી. પાટવીકુંવર ભાવસિંહજીને રાજકોટની રાજકુમાર કોલેજમાં અભ્યાસ કરવા મૂક્યા હતા, પરંતુ તેઓ ખૂબ નાની વયે ગુજરી ગયા, એમનું મૃત્યુ થયું એ પહેલાં જ સુરસિંહજીનો જન્મ થઈ ચૂક્યો હતો.
ખૂબ નાની વયે પિતા ગુમાવીને સુરસિંહજી એમના મા રામબાની છત્રછાયામાં ઉછર્યા. રામબા ગોંડલ ભાયાત ગણોદ દરબારના કુંવરી હતાં. સુરસિંહ માટે મા જ સર્વસ્વ હતાં. આમ પણ રામબા અપાર ધીરજવાળાં, દ્રઢ મનોબળવાળાં અને ક્ષત્રિયાણીને ઉચિત એવા સંસ્કારોથી સંપન્ન ી હતાં. મેં એમને નથી જોયાં કારણ કે, હું પરણીને આવી એના દોઢ વર્ષ પહેલાં જ એમનું અવસાન થઈ ચૂક્યું હતું.
મેં પહેલાં કહ્યું એમ, મારાં લગ્ન સમયે રાજરમત રમાઈ અને આનંદીબાને પહેલાં પોંખવામાં આવ્યાં. ૧૫ વર્ષના સુરસિંહને કંઈ ઝાઝી સમજણ પડતી નહીં, પણ જ્યારે એમની ઈચ્છા જાણ્યા પછી પણ આનંદીબાને પહેલાં પોંખવામાં આવ્યાં ત્યારે એમણે સહુને ગૃહખટપટ અને રાજખટપટથી દૂર રાખવા બંને પત્નીઓને એ વારંવાર પત્રો લખ્યા. જોકે આનંદી થોડી ભોળી ને રાજકાજના કામ ઓછાં જ જાણે, એટલે ધીમે ધીમે મેં સુરસિંહજીનું મન જીતવા માંડ્યું. મારા પ્રત્યેનું ઉત્કટ આકર્ષણ અને શરીર સંબંધનો તીવ્ર તલસાટ બરાબર સમજીને મેં એવું ગોઠવી લીધું કે, એ જ્યારે પણ લાઠી આવે ત્યારે મોટાભાગનો સમય મારી સાથે જ વીતાવે. આમ તો એ સરળ હૃદયના હતા, પણ ધીમે ધીમે મેં પત્રોથી અને પ્રેમથી એમને એવા બાંધ્યા કે નવ વર્ષ સુધી આનંદીબાના મહેલે જવા દીધા જ નહીં. જોકે એ ય એમના પત્રોમાં લખ્યા કરતા, ‘તમારે બંનેએ એક જ માની બે દીકરી માફક વર્તવું અને આનંદથી સાથે રમીજમી વખત કાઢી નાખવો.’
પરંતુ આનંદીબાને રાજખટપટ આવડતી નહીં એટલે મેં મારી રીતે બધું ગોઠવી લીધું. મારા ઉપર આવતા પત્રો લાંબા લાંબા અને પ્રેમીના પત્રો હતા, જ્યારે આનંદીબાને એ પત્રો લખતા એમાં ટૂંકા અને મુદ્દાસરના જ પત્રો રહેતા. મારી વડારણો અને માણસોને મેં એવી રીતે ગોઠવ્યા હતા કે, આનંદીના પત્રો પણ
સમયસમયાંતરે મારી પાસે આવે. એમને સલાહ આપનાર જાની માસ્તર આમ તો એમના શુભેચ્છક અને હિતેચ્છુ હતા, પરંતુ સ્ટેટના પોલિટિકલ એજન્ટને બરાબર સમજાવીને મેં એવું ગોઠવ્યું કે, જાની માસ્તરને લાઠીમાંથી વિદાય કર્યા. મારી રાજવહીવટની શક્તિ અને મારા પ્રેમ વિશે એમને એટલા તો વિશ્ર્વાસમાં લઈ લીધા કે એ સ્થિતિને મારી જ નજરે જુએ. મેનેજર આશારામભાઈ મારા માણસ હતા, એટલે જ્યારે જરૂર પડતી ત્યારે આશારામભાઈ એમને મારી જ સલાહ સાચી છે એવું મનમાં બેસાડી દેતા.
હું રાજમાતા બનવા ઉતાવળી થઈ ગઈ હતી. આનંદીબા ભલે પહેલાં પોંખાયાં અને પટરાણી બન્યાં, પરંતુ પાટવી કુંવર તો મારી કૂખે જ અવતરવો જોઈએ એ વાતની મેં ગાંઠ વાળી લીધી હતી. મારે મહેલેથી આનંદીબાના આવાસે એ ઓછામાં ઓછું જાય એ માટે હું શક્ય તે તમામ પ્રયાસ કરતી. આખરે મને સારા દિવસો રહ્યા ને ૧૮૯૦ના ઓગસ્ટમાં મેં દીકરીને જન્મ આપ્યો. એમણે એનું નામ હરિબા રાખવાનું વિચારેલું, પરંતુ મેં એનું નામ લાલબા રાખ્યું. જોકે હું બહુ રાજી નહોતી થઈ. ભલે હું આનંદી કરતાં પહેલાં માતા બની, પણ હજી પાટવી કુંવરનો જન્મ નહોતો થયો એ વાતે હું સતત બેચેન રહેતી.
દીકરીના જન્મ પછી રાજકોટમાં અમે સાથે રહેતાં. રાજકુમાર કોલેજમાં ભણતા રાજકુમારોને પત્નીને સાથે રાખવાની છૂટ નહોતી, પરંતુ ખાસ કિસ્સામાં એમણે રજા લીધેલી અને એમને રજા મળેલી. કોલેજની પાસે જ લીંબડીના ઉતારામાં એ અમને બંનેને લઈ ગયા. એજન્સીના અમલદાર ફેરિસ સાહેબની સાથે ચર્ચા કરીને કોલેજમાં છ કલાક ભણવા જવાનું, બાકીનો બધો સમય પરિવાર સાથે વિતાવવાની એમને છૂટ મળી. ૧૮૯૦ના સપ્ટેમ્બરમાં અમે બંને પત્નીઓ રાજકોટ રહેવા ગઈ જોકે અમે બંને જણ એટલું બધું ઝઘડતાં કે અંતે આનંદીબાને પાછાં લાઠી મોકલવામાં આવ્યાં. મારી કૂખે જન્મેલી એક મહિનાની પુત્રી અને રાજકોટનો અભ્યાસકાળ અમારા જીવનનો સૌથી ઉત્તમ સમય હતો.
મારી સાથે રોહાથી આવેલી મોંઘીને અમે સાથે લઈ ગયાં. મારા રસાલામાં એક ખવાસ અને ‘ત્રણ છોડિયું’નો સમાવેશ થતો હતો. આ ત્રણમાં એક મોંઘી હતી. મોંઘી વાને ગોરી ને ચહેરે સુહામણી. નવ વર્ષની નાનકડી રમતિયાળ છોકરી. એની આંખોમાં નિર્દોષ મધુરતા હતી ને કંઠ સૂરિલો. રાજકોટમાં નવરાશના સમયમાં એમણે એને ગુજરાતી વાંચતા, બોલતાં ને લખતાં શીખવાડ્યું.
એ દિવસો અમારા જીવનના અદ્ભુત દિવસો હતા. ક્યારેક શિયાળાની રાતે તેઓ મારી સાથે સગડી તાપતા બેસતાં. બે માસની દીકરીની ચેષ્ટાઓ જોઈ તેઓ આનંદ અનુભવતાં. જમીને પાન ચાવતાં ક્યારેક ઝૂલા પર ઝૂલતા, બારીમાંથી નીતરતી ચાંદની રાતનું સૌંદર્ય માણતાં. હું ક્યારેક હીંચતી હીંચતી ગાતી અને સુરસિંહ પાસે બેસી હાર્મોનિયમ વગાડતા. ક્યારેક આવેગમાં આવી પતિ-પત્ની પરસ્પરને આલિંગન-ચુંબન કરતાં ત્યારે મીઠી બાળા મોંઘી ગીતો સંભળાવતી. ક્યારેક જતાં-આવતાં ઘડીક ઊભી રહીને મોંઘી રંગીન પ્રેમચેષ્ઠાઓ કુતૂહલથી અર્ધસમજ, અર્ધ અણસમજમાં છુપાઈને નિહાળતી. એમ નિહાળવામાં તેને રસ પડતો. ક્વચિત્ સુરસિંહ કે મારી નજરથી એમ કરતી તે પકડાઈ જતી ત્યારે શરમાઈને બીજા રૂમમાં સરી જતી.
જેને હું મારી સાથે રોહાથી લાવી, દીકરીનાં વાત્સલ્યભાવથી ઉછેરી, ભણાવી, ગણાવી ને રાજપરિવારમાં ઊઠવા-બેસવાને લાયક બનાવી એ જ મોંઘી એક દિવસ મારી દુશ્મન બની ગઈ. તમે માનશો? સુરસિંહજી એને પિતાની નજરે જોતા. શરૂઆતના દિવસોમાં તો એ એને ‘મોંઘી બેટા’ કહીને બોલાવતા, પછી તેને પત્ર લખતા ત્યારે એમાં ‘તારો બાપુ સુરસિંહ’ એવું સંબોધન કરતા… એ પછી મોંઘી જુવાન થઈ, ને હું પ્રૌઢ. એનું રૂપ, એની રસિકતા, એનો અવાજ અને એનું યૌવન ક્યારે સુરસિંહના મનમાં આકર્ષણ જગાડી ગયું એની મને કલ્પના જ ન રહી.
એકવાર રમણિકકુંવરબાને તેડીને મોંઘી રાજદરબારમાં આવી. કંઈ આપવા કે કંઈ લેવા. ત્યારે ત્યાં બેઠેલા એમના પરમ મિત્ર શ્રી વાજસુરવાળાએ એમને સીધું જ પૂછી નાખ્યું, ‘બાપુ, એક સવાલ પૂછું?’ હું ત્યાં હાજર નહોતી, પણ ત્યાં જે હાજર હતો એ મારા એક ખાસ માણસે મને કહેલું, વાજસુરવાળા પ્રશ્ર્ન પૂછે એ પહેલાં જ સુરસિંહજીએ જવાબ આપેલો, ’શું પૂછવું છે એ હું જાણું છું. પૂછવાની કશી જરૂર નથી. ઢજ્ઞી ફયિ શિલવિ.ં ઈં કજ્ઞદય વયિ.’
(ક્રમશ:)