લાડકી

હોટ ફેવરિટ રેટિંગ

લાફ્ટર આફ્ટર -પ્રજ્ઞા વશી

આજકાલ અમિતાભ, શાહરૂખ અને રાજકારણમાં નરેન્દ્ર મોદી કે અન્ય… એટલે કે અલગ અલગ ક્ષેત્રના હોટ ફેવરિટ – ચહિતા કોણ એ માટે રેટિંગ સિસ્ટમ ખૂબ જાણીતી બની છે. કરીના હોટ કે દીપિકા કે પ્રિયંકા કે પછી કેટરીના કૈફ. તમારા ફેવરિટને SMS કરો, ટીક કરો… એવાં જાતજાતનાં ગતકડાં કહો કે ચેનલોને કમાવાના ધંધા કહો… જે કહો તે. પણ આમાં સેલિબ્રિટી તેમજ ચેનલોનાં તરભાણાં તો ચોક્કસ ભરાય, ભરાય ને ભરાય જ. પણ આમજનતા એટલે કે આપણે મૂર્ખ શિરોમણિઓ… મોબાઇલના રવાડે ચડેલા ફંટુશો તરત જ SMS કરવા બેસી જઈએ છીએ. જ્યાં સુધી આપણાં જેવા મૂર્ખ શિરોમણિઓ પૃથ્વી ઉપર શ્વાસ વેંઢારે છે, ત્યાં સુધી ચેનલો તેમજ સેલિબ્રિટીને ઘી કેળા છે. ઑગસ્ટ-સપ્ટેમ્બરમાં એકવાર કૃષ્ણ જેવા કૃષ્ણને પણ આપણાં સેલિબ્રિટી તેમજ ગણેશજીની ઈર્ષા થઈ આવી. એમણે આખી રાત મનોમંથન કર્યું. એક તો પૃથ્વીલોક ઉપર ગણેશજીની ઠેર ઠેર મૂર્તિઓ સ્થપાઈ હતી. ગણેશજીની ભવ્યાતિભવ્ય મૂર્તિઓ અને ઝાકમઝોળ મંડપો અને રાત રાતભર ગણેશજીનાં ભજનોથી કૃષ્ણની ઈર્ષામાં ઓર વધારો થઈ આવ્યો.

એણે પહેલાં મનમાં ને મનમાં ગણેશજી સાથે દરેક પ્રકારની તુલના શરૂ કરી. ગણેશજી કરતાં હું વધુ રૂપાળો, મનમોહક, મુરલીવાળો, છેલછબીલો, કામણગારો, નટખટ નટવર નંદનો લાલો… જેનાં સહ નિક નેમ હોય, જેને સહ સહ પટરાણી હોય તેમ જ કંઈ કેટલીય મુંહબોલી બહેન, કંઈ કેટલીય ગોપી… જેનો આટલો મોટો ચાહક વર્ગ, જેનો આટલો મોટો મોભો હોય, જે આટલો બધો કામણગારો હોય, પતિ તરીકે, પ્રેમી તરીકે, યોદ્ધા તરીકે, સેનાપતિ તરીકે, કુરુક્ષેત્રના ડિરેક્ટર, પ્રોડ્યુસર, ઍક્ટર તરીકે, સારથિ તરીકે, સખા તરીકે, રાજા તરીકે, ગોવાળિયા તરીકે… કંઈ કેટલાંય ક્ષેત્રે કાઠું કાઢ્યું હોય, એવી વ્યક્તિને સાઇડ ટ્રેક કરી ગણપતિ આગળ નીકળી જાય…! મોટા દુંદાળા, પેટુ અને જરાક અમથા મૂષક ઉપર બેસી, જેનાથી તલભાર પણ ખસાતું નથી, એના પૃથ્વીલોક ઉપર આટલા બધા ચાહકો…! આટલા બધા દિવસની સ્થાપના… અને પછી પાછા રંગે ચંગે, વાજતે ગાજતે વિસર્જન… નક્કી ગણપતિએ પૃથ્વીલોક ઉપર કોઈ એડ એજન્સી સાથે અથવા અનેક તગડા પ્રચારકોને બે નંબરના અઢળક પૈસા આપીને, ટી.વી., ફિલ્મો, નેટ, ન્યૂઝપેપર તેમ જ ગામડે ગામડે પ્રચાર કરી પોતાનું રેટિંગ વધારી દીધું છે. પણ હુંય કંઈ ગાંજ્યો જાઉં એમ નથી… હાલ તાબડતોબ ગણેશજીના ઘરે પહોંચું છું.

“ગુડ મોર્નિંગ ગણેશજી…

“હજી તો રાત ચાલે છે કૃષ્ણ. જલનને કારણે તને ભલે ઊંઘ ન આવતી હોય, પણ હું તો પૃથ્વીલોક ઉપર ચોખ્ખા ઘીના લાડુ, મેવા- મીઠાઈ ખાઈ ખાઈને આવ્યા પછી લગભગ બીજા વર્ષની ગણેશ ચતુર્થી, એટલે કે ઑગસ્ટ – સપ્ટેમ્બર મહિના સુધી નિરાંતે ઊંઘી જાઉં છું.

“તે તમે આમ ઊંઘ્યા કરો છો, તો તમારા ભક્તોનું ભલું ક્યારે કરો છો? નીચે બીચારા લોકો ભય, ભૂખ, ભ્રષ્ટાચાર અને કુદરતી હોનારતોથી હેરાન પરેશાન છે. તમે એમનું મંગળ કરશો જ, એ આસ્થાએ એ બીચારાઓ ગળું ફાડી ફાડીને ભજનો કરે, મેવા – મીઠાઈ ધરે. આખો ઑગસ્ટ – સપ્ટેમ્બર તમને ક્યાંથી લાવવા ને ક્યાં સ્થાપવા ને તમારી સુતબિયત તેમજ પેટને કારણે ગલીઓમાં કઈ સાઇઝના પંડાલ બાંધવાથી લઈને વળાવવા કે ડૂબાડવા જતાં કઈ કઈ મુશ્કેલી પડશે એ વિચારવામાં ને વિચારવામાં પૃથ્વીલોક ઉપર કેટલાક યુવાનો તો આખું વર્ષ નોકરી ધંધા જ કરતા નથી. લાઇફ ટાઇમ ગણેશ સ્થાપનાનાં કાર્યમાં જ જીવન પસાર કરી નાખે છે અને તમે અહીં ઑગસ્ટ – સપ્ટેમ્બરને બાદ કરતાં ઊંઘ્યા જ કરો છો…! અને છતાં પાછો જય જયકાર તો તમારો જ થાય. પૂજા અર્ચનાની તેમજ શુભ કાર્યની શરૂઆત પણ ગણેશપૂજાથી જ થાય. પણ હવે મારી પણ આંખ ખૂલી ગઈ છે. મારો પ્રસિદ્ધિ આંક ઓછો થાય એ હું ચલાવી નહીં લઉં. મેં પણ એડ કંપની તેમ જ ટી.વી. ચેનલો સાથે રેટિંગ કરાર ટાઇપ કર્યા છે. થોડા દિવસમાં જ પૃથ્વીલોકમાં કોણ હોટ ફેવરિટ છે તે ખબર પડી જશે.

ગણેશજીએ કહ્યું હવે લોકોને મુરલીમાં રસ નથી. હવે તો લોકો ડિસ્કો ભજન ગિટાર ઉપર વગાડે અને ડિસ્કો ડાન્સ કરે… ખુલ્લેઆમ મારા મંડપમાં જૂગટું રમે અને વિદેશી મદિરાપાન કરે. ને હવે તો, તેં જે નદીકિનારે કપડાં ચોરવાનું તિકડમ કરેલું ને, તે પણ હવે ત્યાં કારગત નહીં નીવડે. કારણ કે હવે ત્યાંના લોકોને તો કપડાં સાથે જ વેર થઈ ગયું છે. એટલે તું એક કપડું ચોરશે, તો તેઓ સામેથી બીજાં ચાર તને પકડાવી દેશે. સમજ્યો?

“અરે! એમાં ગભરાવાની શી જરૂર? ગણપતિજી, હું તો પૃથ્વીલોક પર જવાનો જ. અને ત્યાં જઈ બળાત્કાર, ગેંગરેપ જેવી વધી રહેલી દુર્ઘટના દૂર કરવાનો. અબળાઓનાં ચીર પૂરવાનો, દહીં – દૂધની નદી વહેવડાવવાનો, મુરલી વગાડવાનો, મુરલીનું ઘેલું લગાડવાનો, ફરી રાસ રમાડવાનો. નાનાં મોટાં યુદ્ધો અટકાવવાનો અને પછી નરેન્દ્ર મોદીની જેમ વિકાસ, વિકાસ અને વિકાસ…! ને પછી ગણેશ વર્સિસ કૃષ્ણનું રેટિંગ… હાહાહાહાહા…

ગણપતિએ એક હાથ કૃષ્ણને ખભે મૂક્યો. કૃષ્ણ થોડા ભોંયમાં ખૂંપી ગયા. ગણેશજી લાડુ મોંમાં મૂકતા બોલ્યા, “કયા જમાનામાં જીવે છે? તને ખબર છે, તું શું બોલી રહ્યો છે? જો, નંબર એક… તારી ચીર પૂરવાની વાત તો ત્યાં હવે સાડીનું ચલણ આઉટડેટેડ થઈ ગયું છે. અને ધાર કે તું બળાત્કાર, ગેંગરેપ ઘટના પર કામ કરવા ઇચ્છતો હોય, તો ત્યાં ગલીએ ગલીએ આ ઇવેન્ટ ડઝન બંધ બને છે. એટલે તું ત્યાં સાડી ઓઢાડવા ઇચ્છતો હોય, તો સુરતની તમામે તમામ સાડીઓ ખર્ચી નાખશે, તો પણ તારાથી નહીં પહોંચી વળાય. કારણ કે ત્યાં હવે એવું છે કે લોકોને ખબર પડશે કે કૃષ્ણ ચીર પૂરવાનું કામ કરે છે, તો લોકો ખાલી ખાલી પણ બળાત્કાર બળાત્કારવાળી રમત રમશે અને તારી પાસે મફતની સાડી પડાવી ઘરભેગાં થઈ જશે. માન કે તું ભૂખ મટાડવાનો પ્રોગ્રામ હાથ ધરશે, તો સૌથી પહેલાં તો પુષ્કળ ધરાયેલાં છે, એવા જ લોકો વાટકો લઈને ઊભાં થઈ જશે. રાસ-ગરબા ભૂલી હવે ડિસ્કો કરતાં થઈ ગયાં છે ને મુરલીની જગ્યાએ ગિટાર વગાડતાં થઈ ગયાં છે. રહી તારી કૃષ્ણલીલાની વાત. તો ત્યાં હવે એટલી યાદવાસ્થળી, એટલી બધી કૃષ્ણલીલા તેમ જ રાજકારણીઓની પ્રપંચલીલા ચાલી રહી છે, કે તારે નામે કદાચ રેટિંગ થાય તો પણ તારે ખુશ થવાની જરૂર નથી. જે કંઈ ધનપ્રાપ્તિ થશે, તે તો માત્ર ચેનલવાળા ઓહિયા કરી જશે. તારી જગ્યાએ ડુપ્લિકેટ કિશન ઊભા કરી દેશે અને તારી પાસે કૃષ્ણ હોવાનું પ્રૂફ માંગશે.

“ગણેશ, તારી વાતમાંથી દુર્ગંધ આવે છે. હું પૃથ્વીલોકમાં જઈને મુરલી વગાડું છું. પછી જો, લોકો કેવા મારા તરફ દોડે છે તે…

બિહારમાં જઈ કૃષ્ણે મોરલી વગાડવી શરૂ કરી. ત્યાંથી લોકો પસાર થયાં. પણ કોઈએ એમની સામે જોયું નહીં. પણ એટલામાં લાલુપ્રસાદ ત્યાંથી નકલી કૃષ્ણ (સિરિયલવાળા
ઍક્ટર)ને લઈને મત માગવા નીકળ્યા. એમણે સાચુકલા કૃષ્ણ તરફ જોઈને કહ્યું, “ભિખારી લોગ ભી સસુરા અચ્છા ભેષ બના લેતે હૈ. રબડી… ઓ રબડી… સસુરે કો દો ચાર પૈસા ડાલ દે. બિચારે કા ચારા પાની નિકલ જાયેગા… લોકો પેલા સિરિયલવાળા નકલી હીરોની જય જયકાર કરતાં આગળ નીકળી ગયાં. કૃષ્ણ લોકોની પાછળ પાછળ… “અરે! સાંભળો… કોઈ સાંભળો. હું જ અસલી કૃષ્ણ છું…! ત્યાં એક બિહારી બોલ્યો, “હટ, ધુતારો!

ગણપતિજી સ્વર્ગલોકમાંથી બોલ્યા, “કૃષ્ણ, રેટિંગ કરવું છે કે પછી ઉપર આવવું છે?

કૃષ્ણ ઉપર જોઈ બોલ્યા, “યાર ગણેશ! INDIA IS IMPOSSIBLE! I AM COMING..

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ… આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ 1-2 નહીં પૂરા આટલા બાળકોની માતા છે આ Bollywood Actress