લાડકી

પ્રથમ મહિલા તસવીરકારહોમાય વ્યારાવાલા

ભારતની વીરાંગનાઓ -ટીના દોશી

મસ્તક ઉઠાવીને ભારતના ત્રિરંગા રાષ્ટ્રધ્વજને સલામી આપતા લોર્ડ માઉન્ટબેટન, પાછળ ઊભેલી પત્ની એડવિના અને એની બાજુમાં ઊભેલા પંડિત જવાહરલાલ નહેરુની તસવીર, બહેન વિજયાલક્ષ્મી પંડિતને સ્નેહથી ગળે લગાડતા નહેરુજીની તસવીર, નહેરુજી, દીકરી ઇન્દિરા ગાંધી તથા દોહિત્ર રાજીવ અને સંજયની તસવીર અને દિલ્હીથી લંડન આવતી પહેલી ફ્લાઈટમાં બ્રિટિશ ઉચ્ચ આયુક્તની પત્ની મિસ સિમોનની સિગારેટ સળગાવતા નહેરુજીની તસવીર અને મૃત્યુના ખોળામાં પોઢેલા નહેરુજીને નિહાળી રહેલી ઇન્દિરા…. પાંચ ઐતિહાસિક ઘટનાની પાંચ અભૂતપૂર્વ તસવીર. આ પાંચેય તસવીરમાં એક સામ્ય હતું : પાંચેય તસવીરો એક જ તસવીરકારે પાડેલી !

એ તસવીરકાર એટલે હોમાય વ્યારાવાલા… ભારતની પ્રથમ મહિલા તસવીરકાર. પહેલી મહિલા ફોટોજર્નાલિસ્ટ ! વીસમી સદીના ચોથા દાયકામાં, ૧૯૩૮થી ફોટોગ્રાફર તરીકેની કામગીરીનો આરંભ કરનાર હોમાય વ્યારાવાલાએ પચાસ વર્ષની દીર્ઘ કારકિર્દીમાં અગણિત તસવીરો લીધી. રાજકીય અને સામાજિક જીવનનું દર્શન કરાવ્યું. કેમેરાની આંખે ઈતિહાસને નિહાળ્યો અને ઈતિહાસની કેટલીક ક્ષણોને કેમેરામાં કેદ પણ કરી લીધી. ખાસ કરીને આઝાદી આંદોલન દરમિયાન લીધેલી ઐતિહાસિક તસવીરો. આ તસવીરો આજે પણ બોલે છે. ભારતના સ્વતંત્રતા સંગ્રામની ઝાંખી કરાવે છે.

હોમાય વ્યારાવાલાએ આઝાદી આંદોલન સાથે જોડાયેલા દરેક મહત્ત્વના લડવૈયાની ઐતિહાસિક તસવીર લીધી છે. મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, ડો.રાજેન્દ્ર પ્રસાદ, ડો.બાબાસાહેબ આંબેડકર, સી. રાજગોપાલાચારી, મૌલાના આઝાદ અને ઇન્દિરા ગાંધી સહિત દરેક મહાનુભાવની દુર્લભ કહેવાય તેવી તસવીર લીધી છે. આઝાદી આંદોલનની મહત્ત્વની ક્ષણો હોમાયના કેમેરામાં કેદ થઈ ગઈ. બ્રિટિશરો ભારત છોડીને ગયા ત્યારનાં દ્રશ્યો પણ હોમાયના કેમેરાએ ઝીલ્યાં. લોર્ડ માઉન્ટબેટનથી માંડીને માર્શલ ટીટો, ક્વીન એલિઝાબેથ બીજીથી માંડીને જેક્વેલીન કેનેડી અને આઇઝન હોવરથી નિકસન સુધીના મહાનુભાવોને કેમેરામાં કંડારવાનો મોકો હોમાયને મળ્યો.

પુરુષપ્રધાન ગણાતા ફોટોગ્રાફીના વ્યવસાયમાં હોમાય વ્યારાવાલાએ એક સ્ત્રી તરીકે એક પગલું મૂક્યું. પછી પોતાની ખંત, ધગશ અને નિષ્ઠાથી તસવીરકલાના ક્ષેત્રમાં ઊભા રહેવાની અને છેવટે દોડવાની જગ્યા પણ બનાવી લીધી. ફોટોગ્રાફર તરીકે આગવી ઓળખ એણે ઊભી કરેલી. અત્યંત ગરિમાપૂર્ણ દેખાવ. ચીવટતાથી પહેરેલી સાડી, મુખ્યત્વે સફેદ રંગની. ઘાટા રંગનું બ્લાઉઝ, બોબ્ડ કટ વાળવાળી, દૂબળીપાતળી ને મધ્યમ કદ. હાથમાં રોલિફ્લેક્સ કેમેરા લઈને દોડાદોડ કરતી કે સાઈકલસવારી કરીને નીકળી પડેલી હોમાય.. ભીડની વચ્ચેથી જગ્યા કરતી હોમાય…!

આ હોમાયનો જન્મ ગુજરાતના નવસારીમાં ૯ ડિસેમ્બર ૧૯૧૩ના પારસી પરિવારમાં થયો. માતા સૂનામાઈ અને પિતા ડોસાભાઈ હાથીરામ.ડોસાભાઈ પારસી રંગમંચ સાથે સંકળાયેલા અભિનેતા હતા. તેઓ નાટકમંડળી સાથે દેશવિદેશનો પ્રવાસ કરતા. હોમાય અને તેનો ભાઈ શ્યાવક થોડાં મોટાં થયાં એટલે સૂનામાઈ તેમને લઈને મુંબઈ રહેવા આવી ગયાં. હોમાયનું શાળાકીય ભણતર મુંબઈની ગ્રાન્ટ રોડ સ્કૂલમાં થયું. પછી સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં. દરમિયાન, બે ઘટના બની. એક, ડોસાભાઈનું મૃત્યુ થયું. બે, તેર વર્ષની ઉંમરે હોમાયનો પરિચય પોતાના એક ઓળખીતાના દીકરા માણેકશા સાથે થયો. માણેકશા ફોટોગ્રાફી કરતા. એ જોઈને હોમાયને પણ ફોટોગ્રાફીમાં રસ પડ્યો. એણે જે.જે. સ્કૂલ ઓફ આર્ટસમાં પ્રવેશ મેળવ્યો.

હોમાય ફોટોગ્રાફીના કલાકરતબ ઝડપથી શીખી ગઈ. ૧૯ જાન્યુઆરી ૧૯૪૧ના માણેકશા સાથે હોમાયે લગ્ન કર્યા. માણેકશાએ હોમાયને ફોટોગ્રાફી માટે પ્રોત્સાહન આપ્યું. હોમાયે પોતાનું કહી શકાય એવું તસવીર કૌશલ્ય વિકસાવ્યું. પોતાના હસ્તાક્ષર કહી શકાય તેવી તસવીરકલા..!

એ પછી મુંબઈની વિમેન્સ કલબની પિકનિક પાર્ટી-જલસા પર આધારિત પહેલી તસવીરશ્રેણી હોમાયે તૈયાર કરી. આ શ્રેણી જોઈને માણેકશા પ્રભાવિત થયા. શ્રેણીમાંની એક તસવીર અત્યંત નજાકતથી સૂર્યસ્નાન કરતી રેહાના મોગલની હતી. ફોટોગ્રાફીની રીતે સંપૂર્ણ તસવીર કહી શકાય એવી ! માણેકશા પોતે ધ બોમ્બે ક્રોનિકલમાં ફોટોગ્રાફર તરીકે કામ કરતા. એથી એમણે હોમાયની તસવીર પ્રકાશન માટે ક્રોનિકલને જ મોકલી. તસવીરનું પ્રકાશન થયું. પણ માણેકશાના નામે. કારણ લોકોની સ્ત્રીઓ પ્રત્યેની માનસિકતા હજુ બદલાઈ નહોતી. સ્ત્રીના નામ સાથે તસવીર પ્રકાશિત થાય એના કરતાં પુરુષના નામ સાથે એનું પ્રકાશન થાય એ જરૂરી હતું. એથી હોમાયની તસવીરો તો છપાતી. વળતરપેટ એક રૂપિયો પણ મળતો, પરંતુ એ તસવીરો માણેકશાના નામ સાથે પ્રકાશિત થતી.
જોકે ઘી ઢળ્યું તો ખીચડીમાં એમ માનીને હોમાય ફોટોગ્રાફીના વ્યવસાયને વળગી રહી. ૧૯૪૨માં દિલ્હી ખાતે બ્રિટિશ ઇન્ફોર્મેશન સર્વિસમાં જોડાઈ ગઈ. આ અરસામાં આઝાદી આંદોલન વેગવંતું બની ગયેલું. તસવીર માટે દોડાદોડી પણ વધી ગયેલી. દરેક વખતે પોતાના પહેલાં માળેથી સાઈકલ ઉતારવી ને પાછી ઉપર ચડાવવી અઘરું પડતું. એથી ગાડી વસાવવાનું નક્કી કર્યું. હોમાય પાસે ડ્રાઈવિંગ લાઈસન્સ હતું જ. તરત દાન ને મહાપુણ્ય. નવોઢાની જેમ કાળા રંગની ફિયાટ રૂમઝૂમ પગલે આંગણે આવીને ઊભી. રજિસ્ટ્રેશન નંબર મળ્યો ડી.એલ.ડી. ૧૩.. આ એક યોગાનુયોગ જ હતો. હોમાયનો જન્મ ૧૯૧૩માં, માણેકશા સાથે પહેલી મુલાકાત તેર વર્ષની ઉંમરે અને ગાડીનો નંબર ડીએલડી ૧૩…. તેરના આંકડા સાથેના ઋણાનુબંધને પગલે હોમાય વ્યારાવાલાએ પોતાની ઘણી તસવીરોમાં તસવીરકાર તરીકે ડાલડા ૧૩ નામ મૂકવા માંડ્યું.

    આ ગાળામાં રાજકીય મહાનુભાવોની તસવીરો લેવાનો લ્હાવો હોમાયને મળ્યો. ગાંધીજીથી માંડીને નહેરુજી અને સરદાર પટેલ સુધીના સહુ કોઈને કેમેરાની આંખે હોમાયે ઝડપી લીધાં. નેહરુજી કેમેરાની દ્રષ્ટિએ હોમાયના અને સૌ ફોટોગ્રાફરોના લાડકવાયા હતા. નહેરુજીનો અનોખો કરિશ્મા હતો. પણ ગાંધીજી સાથે જુદો જ પ્રસંગ બન્યો. એક વાર ગાંધીજી મનુબહેન અને આભાબહેન સાથે વંચિતોની વસ્તીમાં પ્રાર્થનાસભામાં ગયેલા. સાંજ થઈ ગયેલી. હોમાયે ફ્લેશગન વડે તસવીરો લીધી. ઝબકારાને કારણે ગાંધીજી ગુસ્સે થઈને બોલી ઊઠ્યા, ‘યે લડકી મુઝે અંધા નહીં બનાયેગી, તબ તક જાયેગી નહીં..’

   તસવીરકારો માટે આવાં મહેણાંની કંઈ નવાઈ હોતી નથી. કોઈ મહત્ત્વની ક્ષણ કેમેરો ઝડપી લે તો એનું ગુમાન થાય અને ક્ષણ  ચૂકી જાય તો અફસોસ પણ થાય. ગાંધીજીએ હોમાયને મહેણું માર્યું ત્યારે સોનેરી ક્ષણો કેમેરામાં કેદ કરી લીધી હોવાથી હોમાયને ભીતરથી તો કદાચ ગૌરવ જ અનુભવાયું, પણ અફસોસ કરવાની પળો સામે જ ઊભેલી.  

૩૦ જાન્યુઆરી ૧૯૪૮ના દિવસે હોમાય બિરલા હાઉસ જવા નીકળ્યાં. ગાંધીજીની પ્રાર્થનાસભામાં જઈને એ તસવીરો લેવા માંગતાં હતાં. રંગીન કેમેરા લઈને ઓફિસની બહાર પગ મૂક્યો ત્યાં માણેકશા કહે કે તું આજે ન જઈશ. કાલે હું પણ સ્ટીલ કેમેરા સાથે આવીશ. તું મૂવી ઉતારજે… બહાર નીકળેલાં હોમાય પાછા વળ્યાં. પણ થોડી વારમાં માણેકશા દોડી આવ્યા. રંગ ઊડેલા ચહેરે તેમણે જણાવ્યું, ગાંધીજીની હત્યા થઈ ગઈ.. ભયંકર આઘાત લાગેલો એ ક્ષણે ! પછી અગ્નિસંસ્કારથી લઈને અસ્થિવિસર્જન સુધીની યાદગાર તસવીરો હોમાયે લીધી.

       વ્યાવસાયિક જીવનમાં હોમાય વ્યારાવાલાએ જ્વલંત સફળતા મેળવી. એમની તસવીરો દુર્લભ અને ઐતિહાસિક શ્રેણીમાં મુકાય છે. જોકે ૧૯૬૯માં માણેકશાના મૃત્યુ પછી હોમાયે કેમેરાની આંખે જોવાનું બંધ કરી દીધું. વડોદરામાં નોકરી કરતા પુત્ર ફારુક પાસે રહેવા ચાલી ગયાં. ૧૯૮૯માં પુત્ર ફારુકનું  કેન્સરમાં અવસાન થયા પછી એકાંતવાસમાં જીવન ગાળ્યું. ૨૦૧૧માં સર્વોચ્ચ દ્વિતીય પુરસ્કાર પદ્મભૂષણથી હોમાયને પુરસ્કૃત કરાયાં. પછીના વર્ષે ૧૫ જાન્યુઆરી ૨૦૧૨ના હોમાયના જીવન પર પરદો પડી ગયો.... ઇતિહાસને જેણે નજરોનજર નિહાળ્યો, ઇતિહાસની ક્ષણોને જેણે કેમેરામાં કેદ કરી લીધી એ હોમાય વ્યારાવાલા ખુદ એક ઈતિહાસ બની ગયાં !

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો