હાઈસ્પીડ એન્જિન છે જાણે એમનું મગજ
ઉડાન મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધી – શ્વેતા જોષી-અંતાણી
હેં મમ્મી, તું આજે જ વાત કરી લઈશને પપ્પા સાથે?’શું વાત કરવાની છે?’ વિહાની મમ્મીએ એના માટે નાસ્તાની તૈયારી કરતાં થોડા ચિડાયેલા અવાજે પૂછ્યું. અરે, ફરી પાછી ભૂલી ગઈને?’વિહાએ પણ સામે ફરિયાદના સૂર રેલાવ્યા.તારી તો કેટલીય વાતો હોય છે. એમાં તું શેનું પૂછ-પૂછ કરે છે એની મને શી ખબર…?’ વિહાની મમ્મીએ છણકો કરતાં જવાબ આપ્યો.
વાત જાણે એમ હતી કે, વિહાને હવે સ્કૂલ બસ કે રિક્ષાને બદલે જાતે જ વાહન ચલાવવું હતું. આ માટે સાઈકલને બદલે વિહાબેને સીધી સ્કૂટી પર પસંદગી ઉતારી હતી. કારણ એટલું જ કે કલાસમાં એના ઘણાખરા ફ્રેન્ડ્સ હવે સ્કૂટર લઈને આવે છે અને એમાં સ્પીડની મજા અને સ્વતંત્રતાના આનંદ જેવાં કારણ સંતોષાઈ જતાં હોય છે. વિહાના મગજમાં સ્કૂટર લેવાની વાત જડબેસલાક બેસી ગયેલી. વિહાની મમ્મી આટલી નાની ઉંમરે વાહન ચલાવવાની ગંભીરતાઓ વિશે જાણતી હતી ને એ પણ લાઈસન્સ વગર! એ તો નરી મૂર્ખતા કહેવાય એટલે એ વિહાની વાતને ધ્યાને લીધાં વગર પોતાનું કામ કરતી રહી, પણ એમ લીધી લપ મૂકે તો એ વિહા શાની?
વિહાએ મમ્મીને પડતી મૂકી અને ઘરમાં દાદાને પકડ્યા. જોકે, લાડ કરવામાં કંઈ બાકી ના રાખનાર દાદા-દાદી, પપ્પા બધાંએ વિહાની માંગણીનો સામૂહિક નકાર કર્યો, પણ વિહાની લપ લગભગ રોજ ચાલુ રહી. એટલે એક દિવસ એની મમ્મીએ થાકી-હારીને તોડ કાઢ્યો: વિહા, સ્કૂટર લેતાં પહેલાં એને ચલાવતાં પણ આવડવું જોઈએ ને. એક કામ કર તું પહેલાં શીખી લેજે પછી જોઈશું.’મમ્મીને એમ કે આવું કહેવાથી ટાઢા પાણીએ ખસ જશે, પણ વિહાને તો મજા પડી ગઈ. આમ પણ આજકાલ એને દરેક વાત ચેલેન્જ લાગતી અને એ પૂં કરવા માટે જોખમ ઉઠાવવામાં ડરતી નહી. વિહાનો આ વખતનો તોડ હતો રીવા. ભલે એ નવીસવી કોઈ હોસ્ટેલમાંથી વિહાની સ્કૂલમાં અધવચ્ચે એડમિશન લઈને આવી હોય, દેખાવ અને ફૅશન પરત્વે વધુ ચૂઝી હોય. વિહાના મિત્રવર્તુળમાં સારી એવી ભળી ગઈ હતી. વિહાએ બીજી જ ક્ષણે મમ્મીની સામે રીવાને ફોન લગાડ્યો:મને સ્કૂટર શીખવું છે, Will you help me?’ રીવા તો રેડી, પણ અહીં મમ્મીના પેટમાં ફાળ પડી.`વિહા, તને કહ્યું ને કે, હજુ તું એના માટે નાની છો. હવે રીવા કે એક્ટિવા બેમાંથી એક પણનું નામ લેવાનું નથી!’
મમ્મીએ વાપરેલા વિટો પાવર સામે વિહા સમસમી રહી, પણ બે જ દિવસ પછી એ રીવા સાથે સ્કૂટર શીખવા નીકળી પડી. ના એને પડી-આખડી જવાનો ડર હતો કે ના એને ઘરમાં પેરેન્ટ્સ ઠપકો આપશે એની કોઈ પરવા.જોકે, ઘરમાં વિહાના આ (દુ)સાહસનો ખ્યાલ આવતાં એની ખબર લેવાઈ ગઈ. વિહા, તને કોઈનો ડર જ નથી રહ્યો. કોઈ વાત, વ્યક્તિ કે વર્તનમાં તને જોખમ કેમ નથી દેખાતું?’ પપ્પાના આ પ્રશ્નનો જવાબ વિહા પાસે નહોતો, કારણ કે એનું ટીનએજ માનસ આ વાતને રિસ્ક કે જોખમ તરીકે જોવા સક્ષમ નહોતું. ગુસ્સે ભરાયેલા એના પેરેન્ટ્સ બીજા દિવસે સ્કૂલમાં એવી ફરિયાદ કરવા ગયા કે,તમે શા માટે બાળકોને વાહન લઈ આવવાની પરવાનગી આપો છો…?’
એ સમયે શાળાના એક સિનિયર શિક્ષિકાએ બહુ સરસ વાત કહી કે, `ટીનએજરના શબ્દકોષમાંથી ડર નામના શબ્દની હકાલપટ્ટી કરવામાં જોખમનો પૂરેપૂરો હાથ હોય છે. આ વાત ન તરુણો જાણે છે અને ન એમના પેરેન્ટસ. રિસ્ક હૈ તો ઈશ્ક હૈ!.. ટીનએજમાં રિસ્ક સાથે જ ઈશ્ક થઈ જવો એકદમ નૉર્મલ ગણાય છે. જે કોઈ પણ વાતમાં જોખમ કે થ્રિલિંગની ફીલિંગ આવતી હોય એ તરફ ફટાક દેતાં તરુણો વળી જતા હોય છે. વિચારીને કોઈ પગલું ભરવું – આમ કરવું ને તેમ ના કરવું આવું બધું એમના મગજમાં પ્રોસેસ થતું હોતું નથી. બહુ સ્પીડમાં વાહન ચલાવવું, ઊંચાઈનો ડર ના હોવો, કોઈ પણ પ્રકારનાં એડવેન્ચર તરફ આકર્ષાઈ જવું, નિયમો તોડવા, જે વસ્તુ કરવાની ના પાડવામાં આવી હોય એ સૌથી પહેલાં અને ધરાર કરવી. એવું બધું આ ઉંમરે એમના માટે સામાન્ય એટલા માટે છે કે રિસ્ક લઈને કંઈ શીખવું એ વિકાસનો એક અભિન્ન હિસ્સો છે…’
ટીનએજ બ્રેનમાં ડોપામાઈન હોર્મોનનો સ્રાવ સામાન્ય કરતાં વધુ થતો જોવા મળે છે. ડોપામાઈનને કારણે આપણી ન્યુરો સિસ્ટમની અંદર એક પ્રકારનો આનંદ-રોમાંચ અને મજાનું તત્ત્વ ઉમેરાતું હોય છે અને એક એવા પ્રકારનો યુફોરિયા(અતિઉલ્લાસની લાગણી) જન્માવે છે, જે નશાની માફક વારંવાર મેળવવા લલચાવતી રહે છે તો બીજી તરફ, હજુ એમનું મગજ પોતાની decision making skill એટલે કે નિર્ણય લેવાની ક્ષમતાને સંપૂર્ણપણે વિકસાવી શક્યું હોતું નથી એટલે શું સારું છે ને શું ખરાબ એ નક્કી નથી કરી શકતા. મગજને જે વાતમાં મજા આવે એ તરફ ખેંચી જાય. ટીનએજર્સને સતત એક પ્રકારનો રોમાંચ મેળવ્યા કરવાની ઝંખના ઓછી જ ના થાય એવું બનતું હોય છે એટલા માટે જ કેટલું રિસ્ક-જોખમ લેવું એની કોઈ ચોક્કસ વ્યાખ્યા એમના મગજમાં બંધબેસતી નથી.
વિહાના પેરેન્ટ્સ પેલા સિનિયર શિક્ષિકાની વાત એકચિત્તે સાંભળી રહ્યાં હતાં એટલે એમણે છેલ્લે એવું કહી વાત પૂરી કરી કે, `વિહા માફક દરેક તરુણનું મગજ એક હાઈ સ્પીડ એન્જિન જેવું હોય છે ને એ પણ ડ્રાઈવર વગરનું. તેને યોગ્ય દિશા આપવી એ આપણા દરેકની નૈતિક જવાબદારી બની રહે છે…’વિહાનાં પેરેન્ટ્સ પણ એ શિક્ષિકાએ કહેલી વાતને મમળાવતાં ઘર તરફ ચાલી નીકળ્યાં.