શૂન્ય શૂન્ય એક…. નોટ નોટ વન….!
નહીં સમજાયું હોય, પણ જો તમે કોઈક રીતે ભારતીય સેના સાથે જોડાયેલા હો અથવા સેનાના જાણકાર હશો તો સમજાઈ જશે કે નોટ નોટ વન એટલે ૨૧મી સપ્ટેમ્બર ૧૯૯૨ના ભારતીય સેનામાં એનરોલ-પંજીકૃત થયેલી સેનાની પ્રથમ મહિલા કેડેટ અને સેનાની પ્રથમ મહિલા અધિકારી પ્રિયા ઝિંગન!
પ્રિયા ઝિંગનનો જન્મ હિમાચલ પ્રદેશના સિમલામાં થયેલો. એના પિતા પોલીસ અફસર હતા. પ્રિયાએ ક્યારેક પિતાને પગલે ચાલીને પોલીસમાં જવાનું વિચારેલું, પણ નવમા ધોરણમાં એક ઘટના બની અને પ્રિયા ઝિંગનના જીવનને દિશા મળી. શાળાના એક કાર્યક્રમમાં રાજ્યના રાજ્યપાલ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેલાં.
રાજ્યપાલની સાથે એમનો એડીસી-ઍર ડિફેન્સ કમાન્ડર પણ તહેનાત હતો. શાળાએથી ઘેર પાછા ફરતી વખતે છોકરીઓ પરસ્પર વાતચીતમાં કહી રહેલી કે તેઓ ફોજી સાથે લગ્ન કરશે, પણ પ્રિયાએ કહ્યું કે, ‘હું ખુદ એક ફોજી અફસર બનીશ…!’
આ શબ્દો બાળસહજ તુક્કો નહોતો. એ જ એનું ભવિષ્ય હતું. એથી આસમાનમાં બેઠેલા ઈશ્ર્વરે તરત જ પ્રિયાને તથાસ્તુ કહી દીધું.. કૉલેજનો અભ્યાસ સમાપ્ત થયા પછી પ્રિયાએ લૉમાં પ્રવેશ મેળવ્યો. આગળ શું કરવું એવા વિચારોથી ઘેરાઈ વળી. ફોજી બનવાનું ખ્વાબ અવારનવાર અકળાવી મૂકતું, પણ એ જમાનામાં મહિલાઓ માટે સેનામાં પ્રવેશબંધી હતી. શું કરવું એ પ્રિયાને સમજાતું નહોતું.
દરમિયાન, એક દિવસ પ્રિયાએ અખબારમાં પ્રકાશિત ભારતીય સેનાની એક જાહેરખબર જોઈ. આ જાહેરાતમાં માત્ર પુરુષોની ભરતીનો ઉલ્લેખ કરાયેલો.
સ્ત્રીપુરુષ સમાનતામાં અને પુરુષો સાથે ખભાથી ખભો મિલાવીને ચાલવામાં માનતી પ્રિયા હંમેશાં એવું વિચારતી કે જો પુરુષો દેશની સેવા કરી શકતા હોય તો મહિલાઓ દેશસેવા કેમ ન કરી શકે? એ સમયમાં માત્ર મહિલા ડૉકટરોને સેનામાં પ્રવેશ મળતો. અન્યથા સ્ત્રીઓ આર્મી ઑફિસર બની ન શકતી.
કારણ સેનામાં સ્ત્રીઓનો પ્રવેશ નિષેધ હતો.
એથી પ્રિયાએ ચીફ ઑફ આર્મી સ્ટાફ ફ્રાંસિસ રોડ્રિગ્સને પત્ર લખ્યો. મહિલાઓને સેનામાં સામેલ ન કરવા સંબંધી અનેક પ્રશ્ર્નો પત્રમાં પૂછ્યા. પ્રિયા ઝિંગનને સેના અધ્યક્ષ તરફથી જવાબ મળવાની કોઈ અપેક્ષા નહોતી. પણ પ્રિયાના આશ્ર્ચર્ય વચ્ચે ત્રણ અઠવાડિયાં પછી સેનાપ્રમુખ રોડ્રિગ્સ તરફથી પ્રત્યુત્તર આવ્યો કે, ‘એક મહિલા ભારતીય સેનામાં જોડાવા ઉત્સુક છે એ જાણીને હું બેહદ ખુશ છું.
ભારતીય સેનામાં થોડા જ સમયમાં મહિલાઓની નિયુક્તિની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે….’ જવાબી પત્ર વાંચીને પ્રિયા ઝિંગન ખુશીથી ઝૂમી ઊઠી.
પ્રિયાનું સપનું સાકાર થવામાં હતું. ભારતીય સેનામાં પ્રવેશ મેળવવા એ આતુરતાથી પ્રતીક્ષા કરવા લાગી, પણ વધુ એક વર્ષ પસાર થઈ ગયું. સેનામાં મહિલાઓની ભરતી અંગે કોઈ સમાચાર ન આવ્યા.
આ ગાળામાં વકીલાતમાં જરાય રસ ન હોવા છતાં પ્રિયા પોતાના પિતાની સલાહથી હાઈકોર્ટમાં તાલીમી તરીકે જોડાઈ ગઈ. આ અરસામાં પ્રિયાની નજર અખબારમાં છપાયેલી એક જાહેરાત પર પડી.
જાહેરાતમાં સેનામાં મહિલાઓની ભરતી અંગેની વિગતો પ્રકાશિત થયેલી. પ્રિયાને પોતાની આવડત અને કુશળતા પર ભરોસો હતો. એણે સેનામાં પ્રવેશ માટે અરજી કરી. આખરે ધીરજનું મીઠું ફળ મળ્યું.
પ્રિયાની પ્રતીક્ષાનો અંત આવ્યો. ૨૧મી સપ્ટેમ્બર ૧૯૯૨ના ચેન્નઈમાં ઑફિસર્સ ટ્રેનિંગ એકેડેમીમાં જનારી કેડેટ ઝીરો ઝીરો વન પ્રિયા પહેલી મહિલા બની ગઈ. એ સાથે જ પ્રિયા ભારતીય સેનામાં ભરતી થનારી પહેલી મહિલા બની ગઈ. અન્ય ચોવીસ મહિલાઓ સાથે પ્રિયાનું પ્રશિક્ષણ શરૂ થયું.
પણ પ્રિયાનું પંજીકરણ સૌથી પહેલું થયેલું. એથી નોટ નોટ વન પ્રિયાને જ સેનાની પહેલી મહિલા અધિકારી હોવાનું સન્માન મળ્યું.
પ્રિયા ઝિંગન સેનાની પહેલી મહિલા અફસર તો બની ગઈ, પણ એ કારણસર જ એણે કેટલીય મુશ્કેલીઓ વેઠવી પડી. પ્રિયા ઝિંગન સેનાના પાયદળમાં-ઇન્ફન્ટ્રી ડિવિઝનમાં જોડાવા ઉત્સુક હતી, પણ સ્ત્રી હોવાને કારણે એના અનુરોધનો અસ્વીકાર કરવામાં આવ્યો.
પ્રિયા કાયદાની સ્નાતક હોવાથી ૬ઠ્ઠી માર્ચ ૧૯૯૩ના કોર ઑફ જજ એડ્વૉકેટ જનરલની કચેરીમાં પ્રિયાને નિયુક્ત કરવામાં આવી. પ્રિયાની સાથે લશ્કરમાં ક્યારેય પક્ષપાત કરાયો નહોતો, એક અપવાદ સિવાય.
એ પ્રસંગ અંગે વાત કરતાં પ્રિયાએ જણાવેલું કે, એ દિવસોમાં મારું પોસ્ટિંગ લખનઊ સેન્ટ્રલ કમાન્ડ હેડક્વાટર્સમાં થયેલું. ત્યાં સેનાના જવાન પુરુષ અફસરોને તો સલામ કરતા, પણ પ્રિયાને નહીં. કારણ એક મહિલા અફસરને પોતાની વરિષ્ઠ અને ઉપરી ગણવામાં જવાનોને સંકોચ થતો.
પ્રિયાએ એક કીમિયો અજમાવ્યો. એ ખુદ જવાનોને સેલ્યુટ કરવા લાગી. કેટલાક દિવસો બાદ જવાનો પ્રિયાને સલામ કરવા લાગ્યા.
૨૦૦૨માં પ્રિયા એક મેજર તરીકે સેવાનિવૃત્ત થઈ. નિવૃત્તિ પછી પ્રિયા ઝિંગને પત્રકારત્વ અને જનસંચારમાં સ્નાતક કર્યું. પછી ગેંગટોકના સાપ્તાહિક સિક્કિમ એક્સપ્રેસનું સંચાલન કરવા લાગી. વર્ષ ૨૦૧૩માં ટીવી ચેનલ પરથી પ્રસારિત થતા ‘ખતરોં કે ખિલાડી’ નામના કાર્યક્રમના પહેલા ભાગમાં પ્રિયા પ્રતિભાગી હતી.
Also Read – મુખ્બિરે ઈસ્લામ ઃ ધર્મ અને શ્રદ્ધાની ભાવના માનવ-માનવ વચ્ચેના ભેદભાવો ભૂંસી નાખે છે
આ જ વર્ષમાં લોરેન્સ સ્કૂલ, સનાવરમાં અંગ્રેજી શિક્ષક તરીકે સામેલ થઈ. હાલમાં પ્રિયા ભારતીય સેનામાંથી લેફ્ટનન્ટ કર્નલ તરીકે નિવૃત્ત થયેલા અને પેપ ટર્ફ નામની એડ્વેન્ચર સ્પોર્ટ્સ કંપની ચલાવતા પતિ મનોજ મલ્હોત્રા અને પુત્ર સાથે હિમાચલ પ્રદેશમાં રહે છે. પ્રિયા અત્યારે પણ પ્રવૃત્ત છે, પણ સેનાના દિવસો સૌથી ખુશનુમા અને ખુશાલીના હોવાનું જણાવે છે.
જોકે સૌથી વધુ ગર્વ પ્રિયાને એ બાબતનો છે કે પોતે ભારતીય સેનાની પહેલી મહિલા કેડેટ અને પહેલી મહિલા અધિકારી હતી. પ્રિયાને પોતાની એક જ ઓળખ પસંદ છે. કેડેટ નોટ નોટ વન!