ઘરમાં ગરજતો ધીંગો વરસાદ
લાફ્ટર આફ્ટર -પ્રજ્ઞા વશી
‘અલ્યા, ધીંગા વરસાદ! મોજીલા વરસાદ! સાવ આવો મેં નહોતો તને ધાર્યો!’
મારાં આ વરસાદી ગીતમાં વરસાદને પ્રેમ પણ કર્યો છે અને એને પ્રેમથી થોડો ઠપકાર્યો પણ છે. વરસાદ સાથે તો પ્રેમ પણ થાય અને નફરત પણ થાય. એની સાથે કિટ્ટા પણ થાય અને એનાં નામનાં પ્રેમગીતો પણ લખાય- વંચાય-ગવાય. સાથે સાથે વરસાદી ગીતો ઉપર નાચવાની-કૂદવાની-પલળવાની અને બીજાને પણ મન ભરીને પલાળવાની મજા જ કંઈ ઓર છે.
કાળઝાળ ઉનાળામાં મે મહિનો ત્રાહિમામ્ પોકારાવે. શરીર ઉપરનાં મલમલ સુતરાઉનાં કપડાં પણ વેરી જેવાં લાગે. બાથટબમાં કે પછી ફુવારામાં ઠંડા ઠંડા પાણીએ માથાબોળ નાહવાનું મળે તો જાણે સ્વર્ગની ફીલિંગ મળી જાય. જેમ ઉનાળામાં અમારાં ગામની ભેંસોને ઘર પાસેના તળાવમાં પડી રહેતી જોઈને, આળસુઓને ખાટલે પડી રહેવાનું ઉત્તમ ઉદાહરણ મળી રહેતું અને ગામનાં ટાબરિયાંઓને સવાર- સાંજ-બપોરે, જ્યારે પણ તક મળે ત્યારે ફળિયામાં ઠંડક કરવાને બહાને પાણીની પાઇપ વડે એકબીજાને આખા પલાળી નાખવાની ખૂબ મજા લૂંટતાં. કૃત્રિમ વરસાદની શોધ પણ કદાચ પહેલી વહેલી આ જ ટાબરિયાંએ જ કરેલી.
વેકેશનમાં આવેલાં, પોતાનાં કર્મોનાં ફળ સમા છોકરાંઓ અને આવા ટપોરિયાઓની ટોળકી, પાછા ફરફર કરતાં દાદા-દાદી પાસે વાર્તા કરવાની જીદ પકડે, પણ ગરમીમાં ત્રાહિમામ્ અને ખાધાં પછી નસકોરાં બોલાવવાની ટેવવાળા ધુરંધરો ગલીનાં રડતાં કૂતરાંને જેમ હડે હડે કરે, તેમ ભર બપોરે એની પોતીકી વંશવેલને હડે હડે કરે અને જીદે ચડેલાં એમનાં સવાયા કુળદીપકો ઓર જોર જોરથી બરાડે. આનાથી ત્રાસેલા દાદા-દાદી બીજે ઓરડેથી બૂમ પાડે.:
‘વહુહુહુ… આ તમારાં તોફાનીઓને ભર બપોરે હુવડાવી દેતાં હોય તો? અમને હો થોડો આરામ મળે.’ એટલે વહુ ધોધમાર વરસે દાદા-દાદીના સુપુત્ર ઉપર. આખો દહાડો બેઠાં બેઠ ને ખાટલે સૂતાં સૂત હોય.
બે-ચાર વાર્તા પોયરાઓને હંભળાવે તો હું ઘસાઈ જવાનું હતું? વેકેશનમાં અહીં આવવાને બદલે કોઈ હિલ સ્ટેશન પર ગયાં હોત તો સારું થાત. મેં તો તમને લાખ વાર કીધું હતું કે ચાલો, પેલાં મીના ને રાજેશ દાર્જિલિંગ ફરવા જાય છે. આખો ઉનાળો ગામમાં ઊકળવા જવું, એના કરતાં ઠંડકમાં આરામ કરી તાજા માજા થઈને આવીએ.પણ ના, મારું તો હાંભળે જ કોણ છે? કંજૂસના કાકા એટલે સસ્તી સિદ્ધપુરની જાત્રા કરવા ગામની ટિકિટ લઈને આવી ગયાં. અહીં મારે હવાર-હાંજ ડોહીમાના શ્ર્લોક સાંભળવાના: ‘આમ કેમ કર્યું વહુ? તેમ કેમ ના કર્યું? ભીંડામાં મેથીનો તડકો કેમ ના કર્યો? આ વખતે તો આવી છો તો તારી જેઠાણી ને નણંદો હારુ વીસ કિલોના પાપડ અને વીસ કિલોનાં અથાણા, ને જોડે થોડી થોડી ચારે ઘરની ચકરી અને પાપડી હો કરતી જ જજે!’ ‘વહુ જાણે કે નવરીધૂપ! હું તો જાણે રોબોટ હોઉં તેમ હુકમ પર હુકમ. જાણે કે અમને થાક જ ન લાગતો હોય!’
હવે આવી વિસ્ફોટક પરિસ્થિતિમાં પતિ બિચારો માથે બરફ મૂકીને જાગતો જ ઊંઘતો હોય છે. પત્નીનું અષાઢી વાદળ ફાટે ને વરસાદની હેલી જળબંબાકાર કરી મૂકે એમ પત્ની આગલા-પાછલા એને થયેલા અન્યાયના ચોપડાઓ ખોલીને બેઠી હતી. એક તો વર્ષોથી દાર્જિલિંગ જવાનું એનું સપનું પૂરું કરી શકાયું નથી. પત્નીના દરેક મિત્રો કોઈને કોઈ હિલ સ્ટેશને ઊપડી ગયાં છે અને એણે અહીં અધમણના પાપડ પાપડી, અથાણા કરવાનાં. ઉપરથી રોજની સાસુ-વહુની રકઝક! હવે આવી ઊભી થયેલી અતિ ગંભીર પરિસ્થિતિમાં પતિ જો જરાક પણ બોલે, તો પત્ની ઠૂઠવો મૂકે-બારે મેઘ ખાંગા થાય એમ ડૂમાઓનાં વાદળ ફાટે અને એ જળબંબાકારમાં નહીં ધારેલું પરિણામ પતિએ જ ભોગવવું પડે. પત્ની તરફ રહે તો બા-બાપુ એમનાં ડૂમાઓનાં વાદળોને વહેતાં મૂકે: ‘ઇધર કૂવા, ઉધર ખાઈ’ બંને બાજુ એણે જ મૌન ધારણ કરવું પડે. કારણ કે ‘બોલે તે બે ખાય’ એ કહેવત એને બાએ જ ગોખાવેલી. (કદાચ બા પણ દીકરા જેવી પરિસ્થિતિમાં આવી હશે.)
એટલામાં ટપોરી પલટન વાર્તાના પ્લાનમાં નિષ્ફળ જતાં જ દાદા-દાદી પાસે બીજો પ્લાન રજૂ કરે: ‘દાદા, દાદા, પેલા માળિયે તમે સંતાડેલી કેરીઓ પાકી ગઈ છે તે આપોને. અમારે પણ ખાવી છે’ દાદા કહે, ‘હજી બરાબર પાકી નથી, એટલે એને ખોલાય નહીં. વારેવારે ખોલવાથી એ જલદી પાકે નહીં. એ તો ગરમાટામાં જ પાકે. સમજ્યાં?’ એક બાળ ગોપાળ બોલી પડ્યો : ‘તે દાદા, તમે અને દાદી કાલે બપોરે ઉપર જઈને ખાતાં હતાં તે મેં જોયું હતું!’ અને એ સાથે જ દાદી, નાટકનો હજી વધારે પર્દાફાશ થાય તે પહેલાં જ વાત બદલતાં બોલ્યાં: ‘જુઓ, એ તો બધી બગડેલી હોય. અડધી પડધી કામ આવે અને બાકીની ફેંકવી પડે’
‘તેં દાદી, અમને પણ સારું સારું ખાઈને ખરાબ ખરાબ ફેંકતાં આવડે છે. કાલે તમે ખાઈને ગયાં, તે પછી અમે બધાં ચપ્પુ લઈને ઉપર ગયાં હતાં અને કેરીની પાર્ટી કરી હતી!’ અને ત્યાં જ દાદીની ધીરજ ખૂટી ગઈ અને બરાડ્યાં: ‘વહુ…. હવે કેટલું ઊંઘવાનું બાકી છે? ભર બપોરે તે વળી કંઈ હૂવાનું હોય? આ વાનરસેનાને ઠેકાણે પાડવાનું કામ કંઈ આ ઉંમરે મારાથી થોડું થવાનું છે? ’
‘દાદી, પ્લીઝ, ભૂખ લાગી છે. અમે તો ઉપર જઈને કેરી જ ખાવાનાં. એક તો દાદી, તમારે ત્યાં પંખા નથી ચાલતા ને ઉપરથી ભગવાન વરસાદ પણ મોકલતો નથી. કમ સે કમ અમને કેરીની પાર્ટી તો કરવા દો. કેરી ન ખાવા દેવી હોય, તો અમને સામેની દુકાનેથી આઈસક્રીમ અપાવો.’
દાદી હવે દાદા ઉપર પ્રકોપ ઠાલવતાં બોલ્યાં: ‘બે ચાર વાર્તા આ ટપોરીઓને કહી દીધી હોત તો વાર્તા હાંભરીને બધા ઊંઘી ગયાં હોત, પણ તમે તો જાણે હવે બધી જ રીતે રિટાયર્ડ હોય, એમ ખાઈ પીને ઊંઘવા સિવાય જો કંઈ કરતા હોય.’
એક ઓરડે દાદા અને બીજા ઓરડે પપ્પા (બાપ અને દીકરો) આમ જાગતા, પણ ઊંઘતા પડી રહ્યા, કારણ કે આ બંને કોઈપણ પ્રકારનું જોખમ સામેથી વહોરવા તૈયાર નથી.કારણ કે આ ઘરવાળીઓના વરસાદને કોણ પહોંચી શકે?