મા તુઝે સલામ…મા જ્યારે ઘરડી થઈ છે ત્યારે સંતાને નથી સાચવવાની માને?

નીલા સંઘવી
હમણાં ભારત સહિત મે મહિનાના બીજા રવિવારે દુનિયાના મોટાભાગના દેશમાં મધર્સ – ડે ઉજવાઈ ગયો. આ અવસરે ચારેકોર માતૃપ્રેમ છલકાયો. માતાઓના હરખનો પાર ન રહ્યો. આજે કોઈ ઘટના કે બીજી વાત લખવાને બદલે મધર્સ ડે તાજેતરમાં જ ઉજવાયો હોવાથી તેના વિશે વાત કરીએ.
આપણે જે વાતો કરીશું તે પિતાને પણ એટલાં જ પ્રમાણમાં લાગુ પડશે, પરંતુ હમણાં મધર્સ-ડે તાજો છે તેથી માતાને કેન્દ્રમાં રાખીને કાંઈક લખવું એવું નક્કી કર્યું. હા, તો આઅ દિવસની ઉજવણી વખતે માતાઓ વિશેષ હરખાઈ, કારણ કે વર્ષભર તો માતાને ફરિયાદો જ સાંભળવા મળે છે જે કાંઈ ભૂલ થાય, કે કાંઈ ખટું થાય તો તે મમ્મીને કારણે જ થતું હોય છે તેવું સંતાનો તેમજ સંતાનોના પપ્પા પણ માનતા હોય છે. એ જ કારણ છે કે વર્ષમાં એક દિવસ વ્યક્ત થતો આવો ભાવ બાને-મમ્મીને ગમે છે. ઓ એ જ મા છે જે કદી પોતાને માટે જીવી નથી. એ આખી જિંદગી બીજા માટે જ જીવે છે, ત્યાગ કરે છે. માતા બધું આપ્યાં જ કરે, સંતાનો લીધાં જ કરે અને મા આમને આમ ઘરડી થઈ જાય. આ એ જ માતા છે જેણે આખી જિંદગી બાળકની ચિંતા કરી, સાચવ્યા, તેના સુખ-ખુશી માટે ઈશ્ર્વરને પ્રાર્થના કરી, તે બાળકની બીમારી વખતે રાતોની રાતો જાગી. હવે મા જ્યારે ઘરડી થઈ છે. ત્યારે સંતાને નથી સાચવવાની માને? અલબત્ત, પિતાને પણ.
કાળચક્ર ફેરવાય. ‘વારા પછી વારો અને તારા પછી મારો’. માતાનો- પિતાનો વારો પૂરો થયો હવે સંતાનનો વારો છે એમને સાચવવાનો. ઘણાં સંતાન પોતાની આ જવાબદારી- ફરજમાંથી છટકી જાય છે. ઘણીવાર અપમાન કરે, ધુત્કારે, માને સાચવવાના વારા કાઢે. એ માને સાચવવાના વારા કાઢે જે માએ એકલાં હાથે ચાર-પાંચ સંતાનોને ઉછેર્યાં છે – સાચવ્યા છે.
મા આ બધું સમજે છે, છતાં નહીં સમજવાનો અભિનય કરે છે. બધી વાત હસીને ભૂલી જવાનો પ્રયત્ન કરે છે. મા તો અભણ છે ને? એને ક્યાં કંઈ સમજ પડે છે? કારણ કે એ આબાદ અભિનય કરી જાણે છે. બધું જાણવા છતાં કાંઈ નહીં જાણતી હોવાનો, કાંઈ નહીં સમજતી હોવાનો અભિનય. માતા હંમેશાં પોતાનાં સંતાનોના વખાણ કરે, ગમે એવો દીકરો હોય માને વહાલો જ હોય.
માતાને વૃદ્ધામમાં મૂકી હોય છતાં મા પોતાના દીકરા માટે ઘસાતું બોલવા તૈયાર નથી એનો મને જાત અનુભવ છે. આ ‘સંધ્યા- છાયા’ કોલમ માટે વૃદ્ધાશ્રમમાં રહેતા માતા-પિતાને મળીને એમની પાસેથી વાત જાણવાનો પ્રયત્ન કરતી ત્યારે મોટાભાગના માતા-પિતા એમ જ કહેતા કે, ‘મારા પુત્ર-પુત્રવધૂ તો બહુ સારા છે. પણ અમે જ અહીં આવી ગયા છીએ. અહીં સમવયસ્કોની કંપની મળેને એટલા માટે અમારે જ આવવાનું હતું.’
બિટવીન ધ લાઈન્સનો-મોઘમ રાખવામાં આવીલી વાતનો અર્થ ના સમજાય એટલા મૂર્ખ આપણે નથી. દીકરો – વહુ સારા જ હોય તો વૃદ્ધાશ્રમમાં આવવાની જરૂર જ ન પડેને? પણ આ માતા-પિતા છે. આ મા છે. એ માને એટલે જ તો એક દિવસ તો એક દિવસ મળવા આવતો, ભેટ-ફૂલ આપતા સંતાન ગમે છે અને તેથી જ એ મધર્સ- ડેની પ્રતીક્ષા કરે છે.
મધર્સ- ડેના દિવસે (ખાસ કરીને વિદેશમાં) માતાને ફૂલ કે ક્યારેક કિંમતી ભેટ કે પછી લંચ – ડિનર પર લઈ જવાનો કાર્યક્રમ સંતાનો કરતા હોય છે, પણ એટલું સમજી લેજો તમારી માતાને ફૂલોની, કિંમતી ચીજવસ્તુઓની, લંચ – ડિનરની અપેક્ષા નથી. મા તો ઈચ્છે છે સંતાનનો સાથ, સંતાનની નિકટતા. પોતાનો દીકરો-દીકરી અડધો કલાક પોતાની પાસે બેસે, અંતરમનની વાતો કરે, પોતાના ખોળામાં નાનપણમાં જેમ સૂતો હતો તેમ સુએ,
મા તેના વાળમાં હાથ ફેરવે, એના ગાલે-એના કપાળે ચુંબન કરે અને પ્રતિભાવમાં પુત્ર- પુત્રી પણ માને એવી જ લાગણી દર્શાવે એવી અપેક્ષા માને હોય છે. મા ચીજવસ્તુનું શું કરવાની છે? આખી જિંદગી તો ચીજવસ્તુ વિના કાઢી નાખી. આજે હવે જ્યારે બોનસનાં વર્ષો બાકી છે ત્યારે એ બધાની જરાય જરૂર પણ નથી. તેથી માતા/પિતા સાથે સમય વીતાવવો.
જો તમે માતા- પિતા સાથે રહેતા હો તો કામ પરથી આવીને પોતાના રૂમમાં જતા પહેલાં માતા- પિતાને મળજો. દસ મિનિટ એમની સાથે વાત કરજો. તબિયત અને દવા વિશે પૂછજો. માતા-પિતાના એટલાં આશીર્વાદ મળશે કે તમે ન્યાલ થઈ જશો. મા-બાપની દુઆ લેજો. એમની સેવા- ચાકરી કરજો, કારણ કે કરેલું ક્યાંય એળે નથી જતું.
માતા- પિતા જીવંત છે ત્યાં સુધી તમે નસીબદાર છો. એકવાર એમની વિદાય પછી એમની સાથે કરેલ અન્યાય તમને ગિલ્ટી ફિલ કરાવશે. પછી મા ઘડીએ ઘડીએ યાદ આવશે. કવિ અતુલ દવે લખે છે:
‘પાલવ હતો તૈયાર એનો અશ્રુ આવે જો જરા
આજે હવે ચોધાર આંખો એટલે કે મા નથી…’
મા ન રહે ત્યારે માનો પાલવ યાદ આવે, માનો સ્પર્શ યાદ આવે. કવિયત્રી ભારતી વોરા ‘સ્વરા’ લખે છે :
‘તસવીર એની સાચવીને પર્સમાં રાખી દીધી
મેં એમ માને સાવ પાસે સ્પર્શમાં રાખી દીધી…’
કવિ દુલાભાયા કાગ લખે છે :
‘ભગવંત તો ભજતા માહેશ્ર્વર આવી મળે
મળે ન એક જ મા કોઈ ઉપાયે કાગડા.’
બસ, અંતમાં એટલું જ ઉમેરવાનું છ કે જે સંતાનના માતા- પિતા હયાત છે તેવાં સંતાન નસીબદાર છે. આખી જિંદગી મહેનત કરીને સંતાનોને પ્રેમથી ઉછેરનાર માતા-પિતા વૃદ્ધાવસ્થામાં સંતાનોના પ્રેમના હકદાર છે. એમની પાસેથી એ હકક છીનવી ના લેતા.
‘લોગ ચલે હૈં જન્નતો પાને કી ખાતિર,
બેખબરોં કો ઈત્તલા કર દો કિ માં ઘર પર હી હૈ.’