છુટની દેવી: ડાકણના લાંછનથી પદ્મશ્રી સુધીની જીવન સફર
કવર સ્ટોરી -કવિતા યાજ્ઞિક
આપણા સમાજમાં સ્ત્રીને એક બાજુ દેવી કહીને પૂજનીય ગણી છે, તો બીજી બાજુ સમાજમાં એક વર્ગ એવો પણ છે જે સ્ત્રીને આજે પણ સતત પ્રતાડિત કરતો રહે છે. પણ સ્ત્રી પોતાની આંતરિક શક્તિથી દરેક પડકારનો સામનો કરીને પોતાનું અસ્તિત્વ તો ઉજ્જવળ બનાવે જ છે સાથે પોતાની આસપાસની અન્ય સ્ત્રીઓના જીવનમાર્ગમાં પણ પ્રકાશ પાથરે છે. સદ્નસીબે સરકારે આવી સ્ત્રીઓના સમાજમાં પ્રદાનની કદર કરીને તેમને પદ્મશ્રીથી સન્માનિત કરી છે. આવી જ એક સશક્ત સ્ત્રીનું સશક્ત દ્રષ્ટાંત એટલે ઝારખંડના છુટની દેવી. એક સમયે ગામના લોકોએ જેને ડાકણ કહીને ધુત્કારી કાઢ્યા હતા, એ છુટની દેવીની પદ્મશ્રી સુધીની રોચક સફર જાણવા જેવી છે. લોકો ઈન્ટરનેટ પર પદ્મશ્રી છુટની દેવીને છુટની મહતો તરીકે ઓળખે છે. પણ આ ભૂલથી થયું છે. છુટની દેવી ઝારખંડના સરાઈકેલા-ખારસાવાન જિલ્લાના ગમહરિયાના બીરબન્સ વિસ્તારની રહેવાસી મહિલા છે. ઝારખંડ રાજ્ય સિવાયના એક પણ વિસ્તારનું તમે નામ સુધ્ધાં નહીં સાંભળ્યું હોય, ખરું ને?
૧૨ વર્ષની કુમળી વયે ૧૯૭૯માં તેના લગ્ન ગમહરિયા પોલીસ સ્ટેશનના મહતંડ દિહ ગામના ધનંજય મહતો સાથે થયા હતા. તેમને ૩ બાળકો છે. પણ ૧૯૯૫માં બનેલી એક ઘટનાએ તેમની જિંદગી નરક બનાવી દીધી. બન્યું એવું કે તેમની પાડોશમાં રહેતા ભોજહરીની દીકરી બીમાર પડી. છુટની દેવી કહે છે, લોકોને શંકા હતી કે મેં તેના પર જાદુ કર્યો છે. ગામમાં પંચાયતની બેઠક મળી. જેમાં મને ડાકણ જાહેર કરવામાં આવી હતી.લોકોએ ઘરમાં ઘુસીને મારી સાથે બળાત્કાર કરવાનો પ્રયાસ કર્યો હતો. તેઓ દરવાજો તોડી અંદર આવ્યા હતા. અમે કોઈક રીતે બચી ગયા. સુંદર હોવું મારા માટે અભિશાપ બની ગયું. જેમ હંમેશા બને છે તેમ, સ્ત્રી હોવું જ જાણે અભિશાપ હોય તેવી તેમની દશા થઇ ગઈ. પાડોશીની દીકરી બીમાર પડી ગઈ હતી અને આ વાતનો દોષ તેના પર ઢોળવામાં આવ્યો હતો કે તે ડાકણ છે. તે મેલીવિદ્યાનો ઉપયોગ કરીને છોકરીનો જીવ લેવા માંગે છે. જેને પોતાને ત્રણ ત્રણ સંતાનો હોય તે બીજાના સંતાનનો જીવ શા માટે લેવા માંગે? એવો સાધારણ વિચાર પણ કોઈને નહીં આવ્યો હોય?
પંચાયતે તેના પર ૫૦૦ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો. બદમાશોના ડરથી, છુટની દેવીએ દંડ ભર્યો પરંતુ બીમાર છોકરી બીજા દિવસે પણ સારી ન થઈ, તેથી ૨૦-૩૦ લોકોએ એક સાથે તેના ઘર પર હુમલો કર્યો. તેઓને ખેંચીને બહાર કાઢવામાં આવ્યા, તેના શરીર પરથી તેમના કપડા ઉતારી દેવામાં આવ્યા અને તેમને નિર્દયતાથી મારવામાં આવ્યા.
આટલો અત્યાચાર જાણે ઓછો હોય તેમ, પેલી બીમાર છોકરીને સાજી કરવા ભૂવાઓ બોલાવવામાં આવ્યા. ભૂવાઓએ છુટનીના શરીરમાંથી ચુડેલનો પ્રકોપ દૂર કરવા તેને માનવ મૂત્ર પીવડાવવાનું કહ્યું. જયારે તેણે એમ ન કર્યું તો તેના પર મળ અને પેશાબ પણ ફેંકવામાં આવ્યો. ત્યાર બાદ તેને
સંતાનોની સાથે ગામની બહાર ફેંકી દેવામાં આવ્યા. આવા કપરા સમયે તેના પતિ કે સાસરિયાંઓએ પણ તેમનો સાથ આપવાને બદલે મૂક દર્શક બની રહેવાનું પસંદ કર્યું.
ત્રણેય સંતાનોને પોતાની સાથે લઈને મધરાતે ગામથી નીકળી જવું પડયું. તે એક સંબંધીના ઘરે રોકાઈ હતી, પરંતુ અહીં પણ તેને ડાકણ કહેતા લોકોથી ખતરો હતો. તે કોઈક રીતે ફૂલેલી ખરકાઈ નદી પાર કરીને આદિત્યપુરમાં તેના ભાઈના ઘરે પહોંચી, પરંતુ દુર્ભાગ્યે તેનો પીછો અહીં પણ છોડ્યો નહીં. થોડા દિવસો પછી તેમની માતાનું અવસાન થયું અને છુટની દેવીએ માતાનું ઘર છોડવું પડ્યું.
પછી, તેણે ગામની બહાર એક ઝાડ નીચે ઝૂંપડું બાંધીને માથું છુપાવવાની વ્યવસ્થા કરી. ૮-૧૦ મહિના સુધી સખત મહેનત કરીને, તે કોઈક રીતે પોતાનું અને તેના બાળકોનું ભરણપોષણ કરી શકતી હતી. ત્યાર બાદ તેમના જીવનમાં એક વળાંક આવ્યો.
વર્ષ હતું ૧૯૯૬-૯૭, છુટની દેવી ફ્રી લીગલ એઇડ કમિટી (એફએલએસી ) ના કેટલાક સભ્યોને મળ્યા. પછી જ્યારે તેની સ્ટોરી મીડિયામાં આવી તો સમાચાર વાયુની જેમ ફેલાઈ ગયા. તેમની કહાણી ઠેઠ નેશનલ જિયોગ્રાફિક ચેનલ સુધી પહોંચી, ત્યારે તેમના જીવન અને સંઘર્ષ પર એક ડોક્યુમેન્ટ્રી બનાવવામાં આવી.
૨૦૦૦માં એનજીઓ એસોસિએશન ફોર સોશિયલ એન્ડ હ્યુમન અવેરનેસ (આશા) એ તેમને સામાજિક પરિવર્તન અને અંધશ્રદ્ધા વિરુદ્ધ અભિયાન સાથે જોડ્યા. અહીં રહીને તેમને સમજાયું કે કાયદાના સહારે અંધશ્રદ્ધા સામે કેવી રીતે લડી શકાય છે, અને એ પણ કે ભારતમાં તેમના જેવી હજારો મહિલાઓ છે જેમને કોઈના સહારાની અત્યંત આવશ્યકતા છે. તેમણે પણ નિશ્ર્ચય કરી લીધો કે પોતે જે સહન કર્યું તે બીજી સ્ત્રીઓને સહન ન કરવું પડે તે માટે પોતાનાથી જે બની શકે તે અવશ્ય કરશે. સામાજિક સંસ્થા સાથે જોડાયા પછી, તેઓ જે ગામમાં જતા ત્યાં કોઈને ચૂડેલ અથવા મેલીવિદ્યા કરનાર કહીને સંતપ્ત કરવામાં આવેલ કોઈને કોઈ સ્ત્રીની કહાણી સાંભળવા મળતી હતી. તેઓએ ગ્રામજનોને સમજાવવાનો પ્રયાસ કર્યો અને લોકોની વિચારધારા બદલી. તેમણે જુલમનો ભોગ બનેલી ૧૫૦ થી વધુ મહિલાઓને પોતાના અભિયાનમાં જોડી. તેમને મહિલાઓના સશક્તિકરણનું આ કાર્ય કરવા બદ્દલ ધમકીઓ પણ મળી હતી, પરંતુ જેમણે પોતાના જીવનમાં ઘાતક હુમલાઓ પહેલા જ સહન કર્યા હોય તેમને હવે કોઈ ધમકીની પરવા નહોતી. બચાવેલી મહિલાઓને એનજીઓ દ્વારા સ્વરોજગારના માધ્યમો સાથે જોડીને તેમને પગભર કરવામાં આવી.સીવણ-વણાટ, હસ્તકલા, કારીગરી અને અન્ય કામની તાલીમ આપવામાં આવી. આશાના પુનર્વસન કમ કાઉન્સેલિંગ સેન્ટરની સ્થાપના બીરબન્સમાં જ કરવામાં આવી હતી, જે આજે પીડિત મહિલાઓ માટે આશ્રય ગૃહની ગરજ સારે છે. છુટની દેવીની મદદથી અત્યાર સુધીમાં ૫૦૦ થી વધુ મહિલાઓના જીવનમાં નવો પ્રકાશ આવ્યો છે..અને આ અભિયાન હજુ પણ અવિરત ચાલુ છે.
વાચકોને અહીં એ પણ જણાવવું જરૂરી છે કે શામાટે છુટની દેવીનું આ કાર્ય આટલું મહત્વપૂર્ણ છે. કારણકે એકલા ઝારખંડમાં છેલ્લા ૨૦ વર્ષમાં ડાકણના નામે લગભગ ૧૬૦૦ મહિલાઓની હત્યા કરવામાં આવી છે. એસોસિએશન ફોર સોશિયલ એન્ડ હ્યુમન અવેરનેસ (આશા)ના અજય કુમાર જયસ્વાલના જણાવ્યા અનુસાર, ૨૦૧૬માં ઝારખંડમાં ડાકણ હોવાના આક્ષેપ સાથે ૧૮ મહિલાઓની હત્યા કરવામાં આવી હતી. આ માત્ર અંધશ્રદ્ધાની સમસ્યા નથી, પણ અપૂરતા શિક્ષણની પણ ગંભીર નિશાની છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યુરોના ૨૦૧૪ના ડેટા અનુસાર, ઝારખંડમાં ૨૦૧૨ થી ૨૦૧૪ વચ્ચે ૧૨૭ મહિલાઓને ડાકણ કહીને તેમની હત્યા કરવામાં આવી હતી. આ આંકડા તત્કાલીન ગૃહ રાજ્ય મંત્રી એચપી ચૌધરીએ રાજ્યસભામાં એક પ્રશ્ર્નના જવાબમાં આપ્યા હતા. તેમણે કહ્યું હતું કે ઝારખંડમાં ૨૦૧૪માં જ ૪૭ મહિલાઓને ડાકણ કહીને હત્યા કરવામાં આવી હતી. તે વર્ષે દેશભરમાં ડાકણોના નામે થયેલી હત્યાઓમાં આ ૩૦ ટકા હતી.
ઝારખંડને ડાકણ નામના નામના કલંકમાંથી મુક્ત કરવા માટે જે કેટલીક સંસ્થાઓ અને લોકોએ કામ કર્યું છે તેમાં છુટની દેવીનું નામ ટોચ પર છે. આ એ જ છુટની છે, જેને સમાજના લોકોએ ડાકણ કહીને અનેક અત્યાચાર ગુજાર્યા. મુશ્કેલ સમયમાં ન તો ગામ કે સમાજે તેને સાથ આપ્યો. એટલું જ નહીં, તેના પતિ, જેમણે તેને સાત જન્મ સુધી સાથ આપવાનું વચન આપ્યું હતું, તેણે પણ તેને છોડી દીધી. એક સમય એવો આવ્યો કે જ્યારે પોતાનો અને તેના ત્રણ બાળકોનો જીવ બચાવવા માટે છુટની દેવીએ અડધી રાતે સરાઈકેલામાં વહેતી ખરકાઈ (પર્વત નદી) પાર કરવી પડી. આઠ મહિના સુધી તેને ઝાડની નીચે બાંધેલી ઘાંસની ઝૂંપડીમાં દિવસો પસાર કરવા પડ્યા. તેને ન તો પોલીસનો સાથ મળ્યો કે ન તો જનપ્રતિનિધિઓનો.
સમાજ તરફથી મળેલી આ પીડાએ છુટની દેવીને એટલી શક્તિશાળી બનાવી દીધી કે તે હજારો મહિલાઓનો અવાજ બની ગઈ. આજે, છત્તીસગઢ, બિહાર, બંગાળ અને ઓડિશાના સરહદી વિસ્તારોમાં ચૂડેલ કહીને પરેશાન કરવામાં આવતી દરેક મહિલાના હોઠ પર ઝારખંડના સરાયકેલા વિધાનસભા ક્ષેત્રના બિરબન્સ ગામની રહેવાસી છુટની દેવીનું નામ છે. આવી મહિલાઓનો સહારો બનેલી છુટની દેવી ગામ, સમાજ, પોલીસ સ્ટેશનથી લઈને કોર્ટ સુધી ડાકણ જાહેર થયેલી મહિલાઓ માટે ન્યાય માટે લડત ચલાવી રહી છે. તે દરેકને ન્યાય અપાવવા માંગે છે.
તેમને નવેમ્બર ૨૦૨૧માં પદ્મશ્રી આપીને તેમના કાર્ય અને સમાજમાં તેમના પ્રદાનની એ કદર કરવામાં આવી જેના તેઓ સંપૂર્ણ હકદાર છે.