ટેઢી આંગળીનું ઘી
લાફ્ટર આફ્ટર -પ્રજ્ઞા વશી
આમ પણ અમે સ્ત્રીઓ ક્યારેય ખોટું કરતાં જ નથી. પણ ક્યારેક ભાઈઓ અમને અવરોધે ત્યારે અમારે રસ્તો બદલવો પડે. સીધી આંગળીએથી ઘી ના નીકળે, તો આંગળી ટેઢી કરવી પડે. અને એમાં અમે કંઈ ખોટું કરીએ છીએ એમ તમને લાગે (ભાઈઓને), તો એ તમારી પોકળ માન્યતા છે. ક્યારેક અમારી કઠણાઈઓ ખૂબ વધી જાય છે ત્યારે અમારે અમારી આંગળી ટેઢી કરવી પડે છે. બહેનોનાં માથે કેટલી જવાબદારી હોય છે! કેટલાય પ્રશ્ર્નો અને કેટલીય અડચણો, રોજ રસ્તો રોકીને ઊભાં હોય છે.
અમે કહીએ કે આજે શું બનાવું? પતિદેવ કહેશે, ‘રોજેરોજ મારું માથું ખાવાનું બંધ કર. તારે જે કરવું હોય તે કર.’ પછી અમે તો બનાવીએ અમારી રીતે. પણ જેવા જમવા બેસે, એટલે એમના વાક્ પ્રહારો શરૂ. (જો કે અમે બહેનો એને અમૃતધારા સમજીને પી જઈએ છીએ.) તમને રાંધતાં કેટલાં વર્ષ થયાં? (અમે મૌન) તમને કોઈએ રાંધતાં શીખવાડેલું કે નહીં? દાળ-ભાત સાથે ભીંડા સારા નહીં જ લાગે. દાળ-ભાત સાથે વેંગણ બટાકાનું શાક જ સારું લાગે. એટલું સાદું ગણિત પણ આવડતું નથી. અરે! બાજુમાં રહેતાં રમીલાબેનની રસોઈની સોડમ, એમની તડકો મારવાની રીત, એમની રસોઈનું વૈવિધ્ય, એમનું રોજેરોજનું મેનુ પણ કેટલું ઉત્તમ! અરે! ન આવડતું હોય તો માણસે ત્યાં જઈને એમની પાસે શીખવું જોઈએ. એમાં આપણે નાનાં થોડાં થઈ જવાનાં? (બોલવાનું બંધ કરે પછી હું સિક્સર મારું છું.)
આખરે મૌન છવાયું, એટલે અમે બોલ્યાં, “કાલે તમે નહોતાં ત્યારે રમીલાબેનના પતિ હસુભાઈ રડતા રડતા આવેલા અને મને ખાલી વાડકો આપતા બોલ્યા, ‘આ અમારી રમલીને રસોઈ કરતાં શીખવાડો. આજે એણે ભીંડા કાપ્યા અને ચાર પાણીએ ધોયા. પછી પાણી છાંટી બાફવા મૂક્યા. ભીંડા એવા તો ચીકણા લાટ થઈ ગયા કે તવેથાની સાથે તમામ ભીંડાનો પિંડ રેસા બની ઊંચકાયો! ગેસનો અડધો બાટલો પૂરો થયો, પણ ભીંડો છૂટો પડ્યો નહીં. આજે તમે જે રાંધ્યું હોય, તે આપો. મારે તો રોજનો જ ભૂખમરો છે. બીનાબેન, તમે તો સાક્ષાત અન્નપૂર્ણા છો! મારો મિત્ર કેટલો નસીબદાર છે!’ પારકાં બૈરાં અને એની રસોઈ સૌને બહુ ગમે. સમજ્યા? અને હા, હું પણ રમલીની જેમ કાલે પાણીવાળા ભીંડા બનાવીને ખવડાવું છું. તમને એની રસોઈ બહુ ભાવે છે ને?
એક દિવસ અમે અમારું સુંદર મુખ અરીસામાં જોઈને મલકી રહ્યાં હતાં. ત્યાં પાછળથી ડાયલોગ સંભળાયો: “હવે તો ગામડાની ચાર ચોપડી ભણેલી જમની, ભાણકી, મંગી હો સુધરી ગયેલી. અપ ટુ ડેટ કપડાં, લાલી બાલીનો મેકઅપ અને કરીના સ્ટાઇલનાં કપડાંઓ પહેરે છે. અને આ એક… શહેરમાં રહેવા છતાં…
હું તો હજી પૂરી મલકવાની મજા લઉં, મારો સુંદર ચહેરો જોઈને કોઈ ગીત લલકારું અને પતિદેવને પ્રેમથી પૂછું કે હું કેવી લાગું છું? ત્યાં તો અંતર્યામીએ પાછળથી આવી અમારા મેકઅપ અને અમારા ડ્રેસિંગ ઉપર એટલો નિમ્ન કક્ષાનો માર માર્યો. અરે! અમને સરખાવી સરખાવીને પેલી મારા ગામની જમની, ભાણકી ને મંગી હારે (સાથે) હરખાવી? કેટલી નિમ્ન કક્ષાની વિચારસરણી! અરે! આખી જિંદગી મેકઅપના થપેડા કરી કરીને અપ્સરા જેવો ગેટઅપ કરતાં રહ્યાં, તે કોને માટે? ના, ના, તમે જ કહો. કોઈ પત્ની સજે ધજે, તો એ કોના માટે? મને તો એમ હતું કે પાછળથી આવીને કહેશે કે, હાય મારી મેનકા…! મેરી પરીઓં કી રાની…! મારી રૂપસુંદરી…!ચૌદવી કા ચાંદ…! અરે! મારા બાપાએ કોઈ મોટો જમીનદાર કે બિઝનેસમેન શોધ્યો હોત, તો અમારાં રૂપ ઉપર વારી જઈને તાજમહેલથી પણ અદ્ભુત એવો શીશમહેલ બનાવતે અને ફૂલોના હીંચકે બેસાડીને પ્રણય ગઝલો પેશ કરતે. (ગઝલ ન આવડતે, તો પેલું ‘ચૌદવી કા ચાંદ હો તુમ…’ વાળા ફિલ્મી ગીતની કેસેટ તો વગાડતે જ.)
હવે તમે જ કહો, અમારે ચૂપચાપ સાંભળી લેવાનું કે પછી આંગળી ટેઢી કરવાની? પણ અમે હો આવા પથ્થર દિલ સાથે રહીને, ‘જેવા સાથે તેવા’ કહેવતને સાચી પાડતાં બોલ્યાં, “હા, તો હવે તમે સાંભળો. આજે જ બ્રાન્ડેડ દુકાનોમાં જઈને સુપર સ્ટાર કરીના, મલાઈકા, પ્રિયંકા જેવાં જ કપડાં લઈ આવું છું. મને લાગે છે કે એ પછી તમારું સ્ટેટસ પણ વધશે અને ખિસ્સા પણ ખાલી થશે. આ સાડી પહેરતાં એક કલાક લાગે છે. તો એમાંથી પણ છુટકારો મળે, એવા મલાઈકા સ્ટાઇલ ડ્રેસ જ સારા. ભલે એક ડ્રેસ ચાલીસ હજારનો હોય! પણ બે મિનિટમાં પહેરી તો શકાય. એ ડ્રેસ પહેર્યા પછી બહાર નીકળીશું, તો ફોટા પાડનારાઓની પણ લાઇન લાગશે. દસ હજારનાં સેન્ડલ, વીસ હજારનો મેકઅપનો સામાન, વીસ હજારનું પરફ્યુમ, વીસ હજારનું પર્સ, વીસ હજારનો નાઇટ ડ્રેસ, દસ હજારનો સ્વિમિંગ સૂટ અને ટોવેલ, નેપ્કિન વગેરે… અને પાર્લરના મહિને ઓછામાં ઓછા પચાસેક પકડીને ચાલજો.
અને હા, રોજ રોજ પૈસા માગવા એના કરતાં બેંકના કાર્ડ જ આપી રાખો. મલાઈકા સ્ટાઇલમાં જ કાર્ડ ઘસીને શોપિંગ કરું, તો વટ તો તમારો જ પડશે ને?
ભાણકી, જમની કે મંગીની જેમ કંઈ સેલમાં લેવા થોડું જવાશે? આખરે તમારે મલાઈકા સ્ટાઇલની પત્ની જોઈએ છે ને? અને હા, કૂક પણ રાખી જ લઈશું. તમારી અને મારી પસંદગીની રસોઈ બનાવશે, તો તમારે પણ કોઈ ફરિયાદ નહીં અને મારે પણ નહીં… ખરું ને?
આખરે પથ્થર પીગળ્યો. અને ઉવાચ, “મને તો ભાણકી અને મંગીની સ્ટાઇલની પત્ની જ ખૂબ ગમે છે. બે ટાઇમ રોટલા ઘડીને ખવડાવે, તો ભયો ભયો.
“હા, તો હવે તમે તમારા શબ્દો પાછા ખેંચશો કે પછી ફરી આંગળી ટેઢી કરું? (આમાં અમે કચડાયેલી, દબાયેલી પત્નીઓ કંઈ ખોટું કરીએ છીએ? ના, ના, ખોટું હોય તો જરૂર કહેજો…)