ગાંધીનું આગમન: મારા વિરોધની શરૂઆત
કથા કોલાજ -કાજલ ઓઝા-વૈદ્ય
(ભાગ: 4)
નામ: ડૉ. એની બેસેન્ટ
સમય: 20 સપ્ટેમ્બર, 1933
સ્થળ: વારાણસી
ઉંમર: 86 વર્ષ
1857માં મંગલ પાંડેએ પહેલી વાર અંગ્રેજ સત્તાનો વિરોધ કર્યો. એ પછી ભારતમાં પહેલી વાર સ્વતંત્રતા માટે બળવો થયો. અનેક લોકોનાં મૃત્યુ થયાં અને ક્રૂર શાસકોએ આખાં ગામો સળગાવી દીધાં. લોકો પર અત્યાચાર કર્યા, બળવો દબાવી દેવામાં આવ્યો, એ પછી પેશ્વા નાનાસાહેબ, ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ, તાત્યા ટોપે, કુંવરસિંઘ, બહાદુર શાહ ઝફર, જનરલ બખ્ત ખાન જેવા લોકોએ સશસ્ત્ર બળવો કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ અંતે નિષ્ફળતા અને પીડામાં ખોવાઈ ગયા. ઘણું વિચાર્યા પછી 1885માં મુંબઈમાં ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસની સ્થાપના કરવામાં આવી.
એ વખતે લોર્ડ કર્ઝન જે એક સરમુખત્યાર હતા, એમણે ભારતીય જનમાનસમાં એવું ઠસાવી દીધું કે શાસન કરવાનો ગુણ કેવળ પશ્ર્ચિમી જાતિઓમાં છે. ગોપાલકૃષ્ણ ગોખલેએ કર્ઝનને ‘ઔરંગઝેબ’ કહ્યો… ’85થી 1905 સુધી નેશનલ કૉંગ્રેસ ખાસ કશું કરી શકી નહીં. ખુદીરામ બોઝ, મદનરામ ઢીંગરા, ચાફેકર ભાઈઓ જેવા અનેક લોકોએ પોતાનું જીવન ન્યોછાવર કર્યું. આ એવા લોકો હતા જે આયોજનપૂર્વક બળવો કરી શક્યા નહીં. ભારતની વિશાળતા અને શિક્ષણના અભાવને કારણે લોકો એકમેકના સંપર્કમાં રહી શકતા નહીં, જેને જ્યાં ફાવે ત્યાં પોતાની રીતે અંગ્રેજી શાસનનો વિરોધ કરતા, પરંતુ એમાંથી કોઈ નિર્ણયાત્મક પરિસ્થિતિ તરફ જઈ શકાય એમ નહોતું.
એ જ વખતે, 1905માં બંગાળનું વિભાજન થયું. આખો દેશ જાણતો હતો કે, આઝાદીની લડાઈને નિર્બળ બનાવવા માટે આ એક અંગ્રેજી કૂટનીતિ હતી. કૉંગ્રેસના મંચ પરથી દેશના પ્રતિનિધિઓએ આ વિશે પોતાની ચિંતા અને વિરોધ વ્યક્ત કર્યો. ભારતમાં સ્વદેશી ઉપયોગ અને વિદેશી વસ્તુઓનો બહિષ્કાર કરવાની એક નવી શરૂઆત થઈ. અંગ્રેજ તરીકે હું આ ‘વિદેશી’ વસ્તુનો બહિષ્કાર ન કરું તોપણ ચાલે, પરંતુ મને સમજાયું કે ભારતની આર્થિક વ્યવસ્થા સુધારવી હોય તો ‘સ્વદેશી’ બનાવટની વસ્તુઓ વાપરવાનો આગ્રહ જનમાનસને સમજાવવો પડશે. લોકમાન્ય ટિળકે સાર્વજનિક ગણેશ ઉત્સવની શરૂઆત કરી-1893, ત્યારથી વિદ્યાર્થીઓ રાજનીતિ તરફ આકર્ષાયા. અનેક યુવા વિદ્યાર્થીઓએ શિક્ષણ છોડીને સ્વાતંત્ર્ય સંગ્રામમાં ઝંપલાવ્યું. મેં આ વાતનો વિરોધ કર્યો – મારા લેખો અને પેમ્ફલેટ દ્વારા વિદ્યાર્થીઓ અને માતા-પિતાને ચેતવણી આપી કે, વિદ્યાર્થીઓએ રાજનીતિ તરફ જતાં પહેલાં પોતાનું શિક્ષણ પૂરું કરવું જોઈએ. આ વાત પર સ્વાતંત્ર્ય સેનાનીઓ ઉશ્કેરાયા. સૌએ મારા પર ‘ભારત વિરોધી’ હોવાનો આક્ષેપ લગાવ્યો, મને અંગ્રેજી સામ્રાજ્યની પ્રતિનિધિ કહીને અપમાનિત કરવામાં આવી. જોકે, મેં કોઈ દિવસ આવી વાતો મન પર લીધી નથી. મારે મારું સત્ય સાબિત કરવાની જરૂર નહોતી.
1905થી 1910નો કાળ ભયાનક રાજનીતિ અશાંતિનો કાળ હતો. છાત્ર શક્તિ જ્યારે રાજનીતિમાં ઝંપલાવે ત્યારે એમને સાચી દિશા બતાવવી જરૂરી છે, એવું મને લાગ્યું એટલે મેં એક સંગઠનની સ્થાપના કરી જેનું નામ, ‘સન્સ ઑફ ઈન્ડિયા’ હતું. ભારતમાના પુત્રો, જેની ઉંમર કોઈ પણ હોઈ શકે. અહીં અનુશાસન એ એક જ શરત હતી. સ્વાભિમાન અને અનુશાસન સાથે લોકો સ્વાતંત્ર્ય સંગ્રામની લડતને વધુ આયોજનપૂર્વક આગળ લઈ જઈ શકે એવો પ્રયાસ હું કરતી રહી. એક તરફથી અંગ્રેજી શાસકો મારો વિરોધ કરતા હતા ને બીજી તરફ, ભારતના નેતાઓને લાગતું હતું કે, હું અંગ્રેજી સરકારની તરફેણ કરું છું… આમ જોવા જઈએ તો નવાઈ લાગે, પરંતુ સત્ય અને સ્વતંત્રતાની મશાલ ઉઠાવનાર દરેક વ્યક્તિ માટે આગળનો રસ્તો સંઘર્ષ અને મુશ્કેલીઓથી ભરેલો જ હોય છે.
1910 સુધીમાં કૉંગ્રેસ બે ભાગમાં વહેંચાઈ ગઈ હતી. તિલક અને ગોખલે 1914માં કૉંગ્રેસના અધિવેશનમાં એક મંચ પર એકઠા થઈ શક્યા નહીં. મેં પૂરો પ્રયાસ કર્યો છતાં બંને એકબીજાનો એટલો બધો વિરોધ કરતા હતા કે, બંનેને ભેગા કરવા શક્ય નહોતા. 1915માં મોહનદાસ કરમચંદ ગાંધી સાઉથ આફ્રિકાનો સત્યાગ્રહ પૂરો કરીને ભારત આવ્યા. એમના આવવાથી ભારતીય સ્વતંત્રતા સંગ્રામમાં એક જુદા જ પ્રકારની લહેર ઊઠી.
1895માં બાલગંગાધર તિલકે હોમરૂલ લીગની વાત ઉઠાવી હતી. હોમરૂલ આંદોલન એ હિંદુરાષ્ટ્રવાદથી પ્રભાવિત થયેલું એક બંધારણીય અને શાંત આંદોલન હતું, કે જેનો મુખ્ય ઉદ્દેશ બ્રિટિશ સામ્રાજ્યમાં રહીને ભારત માટે સ્વરાજ મેળવવાનો હતો. આ આંદોલન ઈ.સ. 1916માં કરવામાં આવ્યું હતું. તેની સાથે સંકળાયેલા મુખ્ય નેતાઓમાં લોકમાન્ય ટિળકનો સમાવેશ થતો હતો. અંગ્રેજોને ‘સ્વરાજ’ શબ્દના પ્રયોગ પ્રત્યે અણગમો હતો અને એ શબ્દને તેઓ ‘રાજદ્રોહી’ અને ‘જોખમકારક’ ગણતા હતા તેથી લોકમાન્ય ટિળકે સ્વરાજ શબ્દના વિકલ્પ તરીકે હોમરૂલ (ઇંજ્ઞળય િીહય) શબ્દ પ્રયોજ્યો હતો. 1914માં મેં એક અખબાર શરૂ કર્યું, જેનું નામ ‘ન્યૂ ઈન્ડિયા’ હતું. એ અખબારમાં ભારતીય જનસમાજને જગાડવાનો પ્રયાસ મેં ગંભીરતાથી શરૂ કર્યો એટલું જ નહીં, એ અખબારમાં દરરોજ બે પાનાં ભરીને ‘હોમરૂલ’ અને એની સાથે જોડાયેલા અભિપ્રાય, લેખો પ્રકાશિત કરવાનું શરૂ કર્યું. લોકોના પત્રો આવવાના શરૂ થયા. અમે એક આખું પાનું ભરીને વાચકોના પત્રો પ્રકાશિત કરતા. અંગ્રેજ સરકાર ભયભીત થઈ ગઈ. એમને લાગ્યું કે, જાગૃતિ બહુ તેજીથી ફેલાઈ રહી છે.
મે, 1916માં ન્યૂ ઈન્ડિયાની સિક્યોરિટી જપ્ત કરી લેવામાં આવી અને 20 હજાર રૂપિયાનો દંડ જમા કરવાનો આદેશ આપ્યો. 1916માં પહેલી વાર જવાહરલાલ નહેરુએ મારો બચાવ કર્યો. એમણે જાહેર ભાષણમાં કહ્યું કે, ‘એની બેસેન્ટ ભલે ઈંગ્લૅન્ડમાં જન્મ્યાં હોય, પરંતુ એમનું હૃદય પૂર્ણપણે ભારતીય છે.’ 29 ઓક્ટોબર, 1916ના દિવસે સત્તાવાર રીતે મને ભારતમાંથી નિષ્કાસિત કરવાનો આદેશ જારી કરવામાં આવ્યો. મોતીલાલ નહેરુ અને ડૉ. તેજબહાદુર સપ્રુએ એક સભા આયોજિત કરી લોકોને એ નિષ્કાસિતનો વિરોધ કરવાની વિનંતી કરી. લોકોને સમજાયું કે, અંગ્રેજ સરકાર એવી કોઈ પણ વ્યક્તિનો વિરોધ કરી રહી હતી જે એમની સત્તા અને અત્યાચારોનો વિરોધ કરે… મારા અંગ્રેજ હોવા કરતાં વધુ, એમને મારા ભારત પ્રત્યેના પક્ષપાતનો વાંધો હતો. એ પછી લોકોના મનમાં મારું સ્થાન બદલાયું.
1917માં મને કલકત્તા કૉંગ્રેસ સંમેલનની અધ્યક્ષ બનાવી મારું સન્માન કરવામાં આવ્યું. એ સંમેલનમાં ચાર હજાર સદસ્યો ઉપસ્થિત હતા જેમાં 400 મહિલાઓ હતી. મેં એ સભામાં મારા ભાષણમાં બે મુદ્દા ઉપર ભાર આપ્યો. એક, સ્વતંત્રતા પ્રત્યેક દેશનો જન્મસિદ્ધ અધિકાર છે. બીજું, ભારતના પ્રત્યેક મહત્ત્વપૂર્ણ અધિકાર અત્યારે અંગ્રેજ સામ્રાજ્યને આધિન છે. ભારતની ધન સંપત્તિ અને કલાવારસાને જનસામાન્યની આવશ્યકતાઓને પૂરી કરવા માટે નહીં વાપરીને અંગ્રેજ સરકાર અન્યાય કરે છે. અત્યારે અંગ્રેજ સરકાર ભારતનું જે ધન સેનાના બળને વધારવા માટે વાપરી રહી છે એ સેના ભારતના જનસામાન્યની વિરુદ્ધ કામ કરે છે, આ અન્યાય છે. ભારતના જ લોકોને સેનામાં ભરતી કરીને એમને ભારતના જ લોકો ઉપર અત્યાચાર કરવા, મજબૂર કરવા એનાથી મોટો અપરાધ બીજો કોઈ નથી.
લોકોએ મારા ભાષણને વધાવ્યું, એટલું જ નહીં સૌને સમજાયું કે હું જે કહી રહી છું એ મહત્ત્વનો મુદ્દો છે. જોકે, 1918માં મહાત્મા ગાંધીના વિચારો અને મારા વિચારો એકમેક સાથે સહમત ન થયા અને કૉંગ્રેસના અનેક નેતાઓ નારાજ થયા. 1919 સુધીમાં મને કૉંગ્રેસમાંથી લગભગ બહાર કાઢી નાખવામાં આવી કારણ કે, મેં એક જાહેર ભાષણમાં કહ્યું, કે ‘ગાંધીજી અત્યારે જે અસહકારનાં આંદોલન અને હડતાળ, સત્યાગ્રહને નામે કાયદો તોડવાની માનસિકતા ભારતીય માનસમાં રોપી રહ્યા છે એ આગળ જતાં સ્વતંત્ર ભારત માટે બહુ મોટું નુકસાન કરશે. હડતાળ, આંદોલનો અને વાતવાતમાં અસહકારની આદતથી ભારતીય પ્રજા ટેવાઈ જશે, જેને કારણે સ્વતંત્ર ભારતનો વિકાસ અટકી જશે.’
આ વાત ગાંધીજીને અનુકૂળ નહોતી જેને કારણે 1924 અને ’28માં પણ હું કૉંગ્રેસના મંચ પર હતી, પરંતુ એમણે મને બહુ સહજતાથી નિર્ણયો અને કૉંગ્રેસના મુખ્ય વર્તુળમાંથી બહાર કાઢી નાખી. 1927માં હું 80 વર્ષની થઈ ત્યારે મને સમજાયું કે, મેં મારી આખી જિંદગી ભારતના ઉત્થાન અને સ્વતંત્રતા માટે આપી દીધી, પરંતુ ભારતની સ્વતંત્રતા પછી કોઈએ મને યાદ રાખવાની તસદી લીધી નહીં… મેં મારાં અંતિમ વર્ષો વારાણસીમાં, કાશીમાં વિતાવ્યા. હું સતત એવું માનતી રહી કે, હું મનથી ભારતવાસી છું અને મારું મૃત્યુ પણ એક ભારતવાસીની જેમ, આ દેશમાં થવું જોઈએ.(સમાપ્ત)