લાડકી

મોરચો

ટોળાએ પક્યાને ઊંચકી લીધો ‘હમ સે જો ટકરાએગા મી્ટ્ટીમેં મિલ જાયેગા.’ પક્યાએ ગળું ફાડી નાખતો નારો લગાવ્યો અને અચાનક સનનનનન કરતી એક ગોળી વછૂટી ને પક્યાની છાતી સોંસરવી નીકળી ગઇ

ટૂંકી વાર્તા -અનિલ રાવલ

(ગતાંકથી ચાલુ)
આગળ બેનરો લગાડેલાં ખટારાઓ ઝૂંપડપટ્ટીની બહાર આવીને ઊભા રહી ગયા. થોડીવારમાં જ આખી ઝૂંપડપટ્ટી ટ્રકોમાં ખડકાઇ ગઇ. હાથોમાં ઝંડાઓ અને સૂત્રો લખેલા પાટિયાં લહેરાવા લાગ્યા. ભાડૂતી ગરીબો ગરીબી અને મોંઘવારી હટાવવા જંગે મેદાનમાં ઊતરવા સજ્જ થઇ ગયા નારાઓ પોકારવાની શરૂઆત સાથે જ પૈસાનું જોર હવામાં ગૂંજવા લાગ્યું. વિરાટ મોરચો જ વિપક્ષોનો મહાવિજય હોય છે. જેટલો વિરાટ મોરચો એટલો જ વિરાટ વિજય.

ઝૂંપડપટ્ટીમાં ઝાંબાઝ તરીકે પંકાયેલો પક્યો સૌથી પહેલો ટ્રકમાં ચડી ગયો. મોટાભાગના ઓળખીતા નેતાઓ અને કાર્યકરોને જોઇને એનો જુસ્સો ઓર વધ્યો. વિધાનસભાના સત્ર વખતે આવા મોરચાથી ટેવાઇ ગયેલા શાસક પક્ષે વિપક્ષી મોરચાને નિષ્ફળ બનાવવા રાબેતા મુજબ જડબેસલાખ બંદોબસ્ત ગોઠવી દીધો
હતો.

વિધાનભવનથી ઘણે દૂર આડશો ઊભી કરી દેવાઇ હતી. આ આડશોથી આગળ ટોળાને વધવા નહીં દેવાના હુકમનું પાલન કરવા પોલીસ તૈનાત હતી. અને સરકાર વિધાનભવનમાં મોરચાનું એક ચકલુંય ઘૂસી ન શકે એવા પોતે કરેલા સજ્જડ બંદોબસ્ત પર મુસ્તાક હતી.

‘મહેંગાઇ હટાઓ, મહેંગાઇ હટાઓ,’ ‘હમ સે જો ટકરાએગા મીટ્ટીમેં મિલ જાયેગા,’ ‘ભ્રષ્ટ સરકાર નહીં ચલેગી…નહીં ચલેગી’…નેતાઓના નારાઓને આક્રોશપૂર્વક ઝીલતા અને દોહરાવતા લોકોનાં ટોળાં કૂદી કૂદીને ટ્રકોમાંથી ઊતરવા લાગ્યા. એમાંય પક્યો સૌથી મોખરે હતો. એકલે હાથે સરકાર પાડી દેવા માગતો હોય એમ નારા લગાવતો હતો.

લગભગ એકાદ લાખ લોકોનું જુલુસ બાબુલાલની આજની સફળતાનું બ્યૂગલ ફૂંકતું હતું. મોંઘવારી સામેનો આ જનઆક્રોશ હતો કે પૈસાની તાકાત હતી એ કળવું મશ્કેલ હતું. કદાચ આ વખતે લોકોનો આક્રોશ ભાડૂતી નહોતો. એમાં સચ્ચાઇ હતી. મોંઘવારી હટાઓના નારા ગરીબોની ભૂખબળતરાની આગ ઓકી રહ્યા હતા. જેમ દરિયાના ઝંઝાવાતી મોજાઓને પાછાં ઠેલી ન શકાય, એમ વીફરેલા આ તોફાની ટોળાના સમંદરને પાછળ ધકેલવાનું પોલીસ માટે કપરું બની રહ્યું હતું. લાઠીચાર્જ ટોળાને ભગાડી ન શક્યો. ટીયરગેસના ટોટા તેમને આગળ વધતા રોકી ન શક્યા ને પોલીસની વોર્નિંગ મોંઘવારી વિરુદ્ધના નારાઓમાં ક્યાંય ઊડી ગઇ.

લોકોનું એક પ્રચંડ મોજું પોલીસે ઊભી કરેલી આડશો તોડવા ધસી ગયું. ટોળાએ પક્યાને ઊંચકી લીધો ‘હમ સે જો ટકરાએગા મી્ટ્ટીમેં મિલ જાયેગા.’ પક્યાએ ગળું ફાડી નાખતો નારો લગાવ્યો અને અચાનક સનનનનન કરતી એક ગોળી વછૂટી ને પક્યાની છાતી સોંસરવી નીકળી ગઇ. એક કારમી ચીસ સાથે લોહી નીતરતો પક્યો નીચે પટકાયો.

અંધાધૂંધ ગોળીઓ છુટવા લાગી. લાશો ઢળવા લાગી. લોકો એકબીજાને કચડીને ભાગવા લાગ્યા. નાસભાગમાં સેંકડો લોકો ઇજા પામ્યા. ગરીબી નહીં, ગરીબો હટવા લાગ્યા. હવામાં સુત્રોચ્ચારને બદલે ઘવાયેલાઓની ચિચિયારીઓ સંભળાવા લાગી. લોકોના રોષ અને આક્રોશની જગ્યાએ આક્રંદ છવાઇ ગયો.

જીવ બચાવીને ભાગેલા રામુદાદાના પાડોશી અસલમે ઝૂંપડપટ્ટીના નાકા પરથી જ રાડ પાડી: ‘રામુદાદા પક્યા કો પુલીસને ગોલી મારી.’ સમીસાંજે માટીના છેલ્લા પીંડને ચાકડે ચડાવીને આકાર આપી
રહેલા રામુદાદાના હાથ થંભી ગયા. ભીની માટીનો પીંડ આકાર પામે એ પહેલાં જ છિન્નભિન્ન થઇ ગયો. એણે પાણી ભરેલા તગારામાં જોરથી હાથ પછાડ્યા. ‘પક્યાયાયાયાયા’……એમણે અવાજની દિશામાં આંધળી દોટ મૂકી. અસલમે એમને ઝાલી લીધા. અવાજ સાંભળીને બહાર ધસી આવેલી કમુ દાદાજીને વળગીને રડતી રહી. ખાલીખમ ઝૂંપડપટ્ટીમાં સૂનકાર છવાયેલો હતો. અસલમ ક્યાં છે પક્યો? ‘મને એની પાહેં લઇ જા.’ અંધ રામુદાદાની આંખો પક્યાને સ્પર્શવા વલખાં મારતી હતી કમુના હિબકાં ભાઇ સુધી પહોંચવા તડપતા હતા.

સરકારી હોસ્પિટલની બહાર જામેલી ભીડની વચ્ચે અસલમ રામુદાદા અને કમુને લઇને પહોંચ્યો ત્યારે બાબુલાલ પણ હાજર હતો. એને જોઇને કમુ એની પાસે દોડી ગઇ. બાબુકાકા ભાઇ ક્યાં છે.?’ કમુની આંખમાં સવાલ ધ્રૂજતો હતો. ‘લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલાઇ છે’ એવું સાંભળતા જ રામુદાદા બાંકડા પર ફસડાઇ પડ્યા.

‘અરે આના કરતા તો એ લશ્કરમાં ભરતી થ્યો હોત તો સારું થાત.. દેશ માટે લડતા લડતા દુશ્મનની ગોળીએ વિંધાયો હોત તો શહીદ થ્યો તો કહેવાત…’ રામુદાદાનો રોષ શમવાનું નામ નહોતો લેતો. બાબુલાલે સાંત્વન આપવા રામુદાદાનો હાથ પોતાના હાથમાં લેતા કહ્યું: ‘દાદા હું સરકાર તરફથી વળતર અપાવવાની પૂરી કોશિષ કરીશ’

‘જીવતા માણસોના દલાલ, તું હવે મરેલાઓની પણ સોદાબાજી કરવા આયવો છો!’ કેટલા પૈસા અપાવવાનો, બોલ.? તું મારા પક્યાને પાછો લાવીશ.? એમણે બાબુલાલનો કાંઠલો પકડી લીધો. અસલમે બાબુલાલનો કોલર છોડાવીને દાદાજીને બેસાડ્યા. હોસ્પિટલની નર્સે આવીને બાબુલાલને કહ્યું: ‘કાલ બારહ બજે તક લાશ કા કબજા મિલ જાયેગા.’

‘હોસ્પિટલમાં મૂકેલા ટેલિવિઝન પર ગોળીબારના સમાચાર ધણધણી રહ્યા હતા. કુલ ૨૪ લાશ પડી.’ સેંકડો લોકો ઘવાયા. ‘સરકારે ઉચ્ચસ્તરીય તપાસનો આદેશ જારી કરી દીધો છે. સરકાર પૂરી તપાસ કરશે.’ બેજવાબદાર પોલીસ અધિકારીને સજા થશે.

બીજે દિવસે ટેલિવિઝન પર શાસક અને વિપક્ષના નેતાઓએ ગોળીબારની અભૂતપૂર્વ ઘટના વિશે ગળાફાડ ચર્ચા કરી. એક તરફ ગરીબોના લોહીથી ખરડાયેલી આ કરુણાંતિકા અખબારોના લોહીયાળ મથાળા બની રહી હતી ત્યારે બીજી બાજુ જીવ ગૂમાવનારા બેકસૂર લોકોના સામુહિક અંતિમસંસ્કાર થઇ રહ્યા હતા. જોતજોતામાં એ અબુધ અને નિર્દોષ મૃતદેહો ધૂમાડો થઇને હવામાં ઉડી ગયા ને વાત વિસરાઇ ગઇ.

એક વર્ષ બાદ અચાનક સફેદ રંગની એક કાર ઝૂંપડપટ્ટીની બહાર ઊભી રહી. બાબુલાલ બહાર આવ્યો. લોકોનું ટોળું એને વીંટળાઇ વળ્યું, પૈસા વેરાવા લાગ્યા. બાબુલાલના કદમ ઝૂંપડપટ્ટીને છેવાડે પહોંચ્યા. ચાકડો ઘૂમાવી રહેલા રામુદાદાના હાથ અટક્યા. ‘માણસોના દલાલ બાબુલાલ, મોરચાની મોસમ આવી ગઇ…’ બાબુલાલ ચૂપચાપ ત્યાંથી નીકળવા ગયો. ત્યાં કમુ પાણીનો ગ્લાસ લઇને બહાર આવી. છોભીલો પડી ગયેલો બાબુલાલ પાણી પીધા વિના જ જવા લાગ્યો. ‘બાબુકાકા, હું મોરચામાં આવીશ’. કમુએ મક્કમ સ્વરે કહ્યું. (સમાપ્ત)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button