ઉડાન મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધી : પ્રેમ – રોમાન્સથી પણ પર છે એક મૈત્રીભર્યો સંબંધ

શ્વેતા જોષી અંતાણી
છઠ્ઠા ધોરણના પ્રથમ દિવસે બનેલાં બે મિત્ર એટલે માન્યા અને તરુણ. માન્યના પગમાં ફ્રેક્ચર થયેલું એટલે એની મમ્મીએ ક્લાસ ટીચરને વિનંતી કરી કે આને આગળની હરોળ પર બેસાડો, જેથી કરીને એને થોડી તકલીફ ઓછી પડે.
બીજી તરફ, તરુણ થોડો મજાકિયો ખરો એટલે ક્લાસમાં એને પાછલી હરોળમાં બેસાડવાનું રિસ્ક ટીચર ક્યારેય લેતા નહીં. એ રીતે માન્યા-તરુણે એકબીજાની બાજુમાં બેસવાનું શરૂ કરેલું પછી એમને દોસ્ત બનતા બહુ વાર લાગી નહીં.
સામાન્ય રીતે તરુણાવસ્થાની શરૂઆતમાં પોતાની જેન્ડરના વ્યક્તિ સાથે મિત્રતા બંધાતી હોય એ નેચરલ છે, પણ અહીં આ બંને એકબીજાની કંપનીમાં ખુશખુશાલ રહેવા લાગ્યા. હાઈસ્કૂલ પહોંચતા સુધીમાં તો એમની મિત્રતાના દાખલા દેવાની શરુઆત થઈ ગઈ. હંમેશાં સ્કૂલ સાથે જવું, રિસેસમાં સાથે જમવું, ઘેર કે ટ્યૂશન પણ સાથે અને બાકી રહી ગયું હોય તો રાત્રે મોબાઇલમાં પણ એમની ચીટચેટ ને ચોવટ ચાલુ રહેતી. બંને એકબીજાની સાથે એવી રીતે જોડાઈ ગયેલા કે અમુક વાંકદેખાઓ ઈર્ષાથી સળગી મરતા એટલે સાચી-ખોટી અફવાઓ પણ ફેલાવતા રહેતા: ‘આપણને શી ખબર, ફ્રેન્ડના બહાને શું હશે બંન્ને વચ્ચે?’ એમ કહી અમુક મોં પણ મચકોડતા તો ક્યારેક કોઈ ખીજવી લેતા,
‘એલા, સાચું બોલજો તમે ખરેખર માત્ર મિત્રો જ છોને ?!’
આવી વાતના પ્રહારોની એમના પર લગીરે અસર થતી નહીં , કારણ બંને સત્ય જાણતા હતા. બંને વચ્ચે જે છે એ રોમાન્સ બિલકુલ નથી. નથી કોઈ ફલર્ટિંગ જેવું જે બીજા ધારી રહ્યા હતા. એમની મિત્રતા સમજદારી અને સહજતા પર ટકેલી હતી. માન્યાને સૌથી ગમતી વાત એ હતી કે તરુણ સામે પોતે જેવી છે એવી રહી શકતી. એને કોઈ ખોટી ગર્લીશ ચાંપલાશ સહન નહોતી કરવી પડતી. એ પોતાને ગમતાં કોઈપણ વિષય પર તરુણ સાથે વાત કરી શકતી. માન્યાને ખબર છે સામેથી ક્યારેય કોઈ જજમેન્ટ આવવાનું નથી. સામા પક્ષે તરુણને માન્યાના નોલેજની કદર હતી. એનો સતત બોલકો સ્વભાવ તરુણના બોરિંગ જીવનને અપલિફ્ટ કરવા પૂરતો હતો. માન્યા એને હંમેશાં ફીલ કરાવતી કે પોતાના જીવનમાં તરુણનું હોવું કેટલું અગત્યનું છે. એ સાંભળતી, સલાહો દેતી, દલીલો કરતી અને તરુણને સાચવી પણ લેતી, જેમકે એક દિવસ ઘેર પાછા ફરતા તરુણે કહેલું, ‘યાર, મમ્મી- પપ્પા ફરી ઝઘડી પડ્યા…’ માન્યાએ આત્મીયતાપૂર્વક સામે જોયું:
‘કેમ? બહુ મોટો ઝઘડો થયો?’
‘હા, પહેલાંથી પણ વધુ….’ તરુણ આટલું બોલે ત્યાં માન્યાએ એને ખભ્ભો પકડી સધિયારો આપ્યો. આવી વાતો તરુણ પોતાના બોયઝ મિત્રો સાથે ક્યારેય ના કરતો. એને ડર લાગતો કે એ બધા ભેગા મળી એના મમ્મી-પપ્પાની મજાક ઉડાવશે, પણ માન્યા અલગ હતી. એને બધું જ કહી શકાય. એ વાતે તરુણને રાહત હતી કે માન્યા પાસેથી વાત બીજે ક્યાંય જશે નહી. આમ બંને એકબીજા સાથે પેટ છૂટી વાત કરી શકતા.
આપણો સમાજ દરેકને એક લાકડીએ હાંકવા ટેવાયેલો છે એટલે માન્યાની મમ્મી આ બાબતે ચિંતાતુર રહેતી. એકાદ વાર એને પૂછી પણ લીધું હતું, ‘તને નથી લાગતું આગળ જતાં આ બધું થોડું પેચીદુ થઈ જશે. તું શ્યોર છો ને તને કોઈ વિશેષ લાગણી નથી તરુણ માટે?’
માન્યા હસીને મા ને વળગી પડતી : ‘હા, મમ્મી મને જેના માટે ફીલિંગ થશે એનું નામ તને પહેલા આવીને કહી દઈશ…. બિચારા તરુણને બક્ષી દે. એ મારો પરમ મિત્ર છે.’
જવાબમાં મમ્મીએ એની સામે એવી રીતે જોયું કે માન્યાથી ફરી હસ્યા વગર રહેવાયું નહીં.
અરે, માત્ર માન્યા શું કામ, તરુણના ભાગે પણ આવા પ્રશ્નોનો સામનો કરવાનો આવતો. તરુણના મિત્રો હસી-મજાકમાં પૂછી બેસતા: ‘તરુણ, તારે હવે માન્યાને ડેટ કરવી છે કે નહીં? તને આવી સરસ છોકરી જોઈને એવું થતું નથી કે એ તારી ફ્રેન્ડને બદલે ગર્લફ્રેન્ડ હોવી જોઈએ? તારી જગ્યાએ અમે હોઈએ તો આવી ભૂલ ના કરીએ….’
‘તરુણ વાતને ટાળી દેતો : ‘અરે યાર, એ મારી બ્રો ગર્લ છે. મારી પાકી દોસ્તાર. મારે એને આ ડેટિંગ સેટિંગ કે ગર્લફ્રેન્ડના ચક્કરમાં ગુમાવવી નથી..’
એની અકળામણ જોઈ કોઈક બોલી ઊઠતું, ‘એમાં ખીજાય છે શાનો? ક્યારેક આવા બેસ્ટ ફ્રેન્ડ હોય એજ લાઈફ પાર્ટનર બની જતા હોય છે…!’ એ સાંભળીને ગ્રૂપમાં હાસ્ય ફરી વળતું.
આમને આમ સમય સરતો રહ્યો. તરુણાવસ્થા ક્યારે યુવાવસ્થામાં પલટાય ગઈ એ ખ્યાલ ના રહ્યો. તરુણ આર્કિટેકનું ભણવા ગયો તો માન્યા ડેટા એનાલિસ્ટ બની. કોલેજમાં એમનાં ક્રશ પણ થયા અને ડેટિંગ પણ. લોકો એમના સંબંધને અલગ અલગ દ્રષ્ટિકોણથી જોતાં રહ્યા, પરંતુ તરુણ માટે માન્યા આજે પણ મિત્રતાની મિસાલ સમી હતી તો માન્યા માટે તરુણ એના સુખદુ:ખનું તરણું.
આપણ વાંચો: ભારતની વીરાંગનાઓ : અભિનય ને સંગીતનો સંગમ કાનનદેવી
બંને વચ્ચે ક્યારેક મીઠી તકરાર પણ થતી :
‘તને ખબર છે આ લોકોને હજુ એવું લાગે છે કે આપણે પ્રેમમાં છીએ.‘ તરુણ કહેતો.
‘લાગવા દે ને, ભલે રાજી થાય…’ જવાબમાં માન્યા આદતવશ ખડખડાટ હસી પડતી.
‘હું તને ક્યારેય નહીં છોડું…’ છાશવારે બોલાતું આ વાક્ય બંનેએ હંમેશાં નિભાવ્યું.
ટીનએજમાં પ્રેમ- રોમાન્સ કે ફ્લર્ટિંગથી પરનો સંબંધ પાંગરી શકતો હોય છે, જે આજીવન એકબીજાને સધિયારો આપી શકવા સક્ષમ હોય. જરૂર હોય છે, માન્યા અને તરુણ માફક આસપાસની ઞોસિપ- બદબોઈ કે પછી વેધક સવાલોથી બચી સંબંધના સાતત્યને જાળવવાની.