ઉડાન મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધી: આવેશભર્યા અહમનાં અર્થ – અનર્થ
-શ્વેતા જોષી-અંતાણી
બારમા ધોરણના બોર્ડની પરીક્ષાઓ માથે ગાજી રહી હતી. વિહાના ઘરની બિલકુલ સામે ગીરા અને ગરિમાનું ઘર આવેલું હતું. બન્ને ટ્વીન બહેન હાલ બોર્ડની તૈયારીઓ કરી રહી હતી. એમની સાથોસાથ ઘર આખું પરીક્ષાના ચક્રવ્યૂહમાં ચકરાવે ચડ્યું હતું. ઘરમાં બધાને જાણે ગીરા-ગરિમા સાથે પરીક્ષા આપવા જવાનું હોય એવું ટેન્શન ઘરના દરેકે દરેકના ચહેરા પર વર્તાતું રહેતું.
નાની હતી ત્યારથી ગીરા-ગરિમા સાથે સારો એવો ઘરોબો ધરાવતી વાતોડી વિહાને હમણાથી એમના ઘેર આવવાની સારી ભાષામાં પણ, ચોખ્ખી ના પાડી દેવામાં આવેલી એટલે નવીસવી ટીનએજર બનેલી વિહાના અણસમજુ મનમાં ‘ઈગો’ નામના રાક્ષસે પહેલીવાર પ્રવેશ કર્યો.
આમ પણ, ટીનએજમાં જે કરવાની ના પાડવામાં આવી હોય એને સૌથી પહેલા કરવાનું મન થતું હોય છે. એમાં ‘મને કેમ ના પાડી?’નો છૂપો અહમ ભળ્યો એટલે વિહાએ ગીરા-ગરિમાના ઘેર નહીં જવાની કે એમને ના મળવાની વાતને એ રીતે લીધી કે હવે તો હું એમને મળીને જ રહીશ, પણ એમ મળવું કેમ? વિહાએ એમના ઘર પર વોચ રાખવાનું શરૂ કર્યું. મતલબ તો એટલો જ કે કોઈ ઘરમાં ના હોય એવા સમયે પોતે જલ્દી-જલ્દી ગીરા-ગરિમાને મળી પાછી આવી જાય. જોકે, પંદરેક દિવસ જેવું થવા આવ્યું તોય એવું તો બન્યું જ નહી કે એ બંન્ને ઘરમાં એકલા પડે ને વિહાબેન લપાતાં -છુપાતાં પોતાનું મિશન પૂરું કરી આવે.
જોકે, સામેના ઘર પર સતત જાસૂસી નજર રાખતી વિહાના ધ્યાને જે ચડ્યું એ એને થોડું વિસ્મયકારક લાગ્યું. રોજ સતત વાંચવાના બહાને અલગ રૂમમાં ભરાય રહેતી એ બન્ને બહેન ભણતી હોય એવું વિહાને લાગતું નહીં. એ લોકો દિવસ આખો ભણવા સિવાયનું બધું જ કરતા જોવા મળતા, જેમકે, ફોન પર કલાકો સુધી વાતો કરવી, બારીમાંથી બહારની અવર-જવર જોયા રાખવી, એકબીજા સાથે ભણવાના બહાને મજાક-મસ્તી કરતા રહેવી… આવું કરતા વિહાએ એ બન્ને ટ્વીનને સ્ટડીરૂમની બાલ્કની વાટે અનેકવાર જોયા હતા.
વિહાને થયું પોતે તો આટલી હિંમત નથી કરી શકતી કે ઘરમાં મમ્મી હાજર હોય તો પણ ભણે નહીં અને આ ગીરા-ગરિમાને તો જાણે કોઈની પડી જ નહોતી. એમને મારી જેમ ડર કેમ નહીં લાગતો હોય? વળી પાછાં ઘરમાં કોઈને ખબર પણ નથી પડવા દેતા કે એ ચોવીસ કલાક તો નથી જ ભણી રહ્યા?
વિહાના મનમાં ચચરાટ ઊપડ્યો. એને કોઈપણ ભોગે ગીરા-ગરિમાને મળવું હતું. ઘરમાં ખ્યાલના રહે એ રીતે ભણવાનું કઈ રીતે જીવનમાંથી બાકાત કરી શકાય એનું રહસ્ય જાણવું જ રહ્યું એટલે હિંમત કરી પોતે આજે સામેના ઘેર પહોંચી ગઈ. ડોરબેલ વગાડતાં ગીરા-ગરિમાના દાદીએ દરવાજો ઉઘાડ્યો. સામે વિહાને ભાળી લગભગ વડચકુંભર્યા સ્વરે પૂછ્યું, ‘કેમ, શું છે તારે ?’ આવા તોછડા શબ્દો સાંભળી વિહાના પગ ત્યાંજ જડાય ગયા, છતાં પણ એણે હિંમત કરી પૂછી નાખ્યું, કંઈ નહીં.
‘ગીરા-ગરિમા છે?’ સામે હકારમાં જવાબ આવ્યો એટલે એણે ફરી હિંમત કરી: ‘મળી શકું?’ એટલું પૂછતાં તો અંદરથી એમની મમ્મીએ ઊંચા સ્વરે કહ્યું, ‘એ ના, તને કહ્યું તો છે કે હમણાં નહીં મળે. તો કેમ પૂછે છે? અને હું જોઉં છું તું સતત એમેને ડિસ્ટર્બ કરતી રહે છે. તારી મમ્મીને હું આમપણ આજે કહેવા આવવાની જ હતી. તારી જેમ મારી દીકરીઓ કંઈ નવરી નથી. !’ આ સાંભળી વિહાના મનમાં તરુણાવસ્થાના કારણે ધીમે-ધીમે મોટો આકાર લઈ રહેલો અહમનો બાટલો ફાટ્યો. પછી તો શું બાકી રહે. પોતે આટલા દિવસથી કરેલા એકોએક ઓબ્ઝર્વેશનનો ખજાનો એણે એકીશ્ર્વાસે ખોલી નાખ્યો. તદ્દન ઉધ્ધતાઈભરી ભાષામાં વિહાબેને વાણી વિલાસ કર્યો:
‘તમે મને શું નવરી કહો છો. તમે ક્યારેય ઉપર જઈ જોયું છે, તમારી દીકરીઓ શું કરે છે? આખો દિવસ ફોનમાં પડી હોય છે…. કંઈ વાંચતી નથી. તમે શું મને સલાહ દેવા આવ્યા છો?!’ વિહાએ ઊંચા સ્વરે રાડો પાડી એટલે એની મમ્મી સહિત આસપાસના લોકો ત્યાં ભેગા થઈ ગયા.
Also Read – વાત એક મનોવિકૃત વૃદ્ધની…
એ જોઈ ગીરા-ગરિમાના દાદી-મમ્મીએ રીતસર વિહાનો ઉધડો લઈ નાખ્યો. એટલું જ નહીં, વિહાની મમ્મીને પણ સંભળાવ્યું: ‘આવડી નાનકડી ટીંડોરા જેવડી છોકરીને ભાન નથી પડતી શું બોલવું જોઈએ…?’
જોકે, આ બધી બબાલમાં ગીરા-ગરિમાને એવું લાગ્યું કે વિહાએ એમની પોલ ખોલી નાખી. એણે મિત્રદ્રોહ કર્યો છે. હમણા સુધી બાલ્કનીમાંથી તમાશો જોઈ રહેલા એ બન્ને ફટાફટ નીચે ઊતરી આવ્યા અને ગીરા તો વિહાને લગભગ તમાચો મારવાની અણી સુધી પહોંચી ગઈ: તું અમારી ફ્રેન્ડ છો કે શું છો? અમારી આખો દિવસ જાસૂસી કરે છે? આજ પછી અમારા ઘેર આવતી નહીં. તારી અને અમારી ફ્રેન્ડશિપ ખત્મ…!’
વિહા તો રડું-રડું થઈ ગઈ. એને ખ્યાલ નહોતો કે અહમના આવેશમાં એનાથી બહુ મોટી ભૂલ થઈ ગયેલી. પોતે વિચાર્યું હતું એના કરતાં તદ્દન જુદું પરિણામ એની સામે આવી ઊભું રહ્યું. અહમના કારણે, સમજણના અભાવે,આત્મ-સમ્માનને લાગેલી ઠેસને પંપાળવા એનાથી પોતાના જ મિત્રોની બદબોઈ થઈ ગયેલી. એ પગ પછાડી ત્યાંથી ચાલી નીકળી તો ગીરા-ગરિમાએ પણ એને રોકી નહીં.
ઘેર આવતાવેંત સૌથી પહેલું કામ એણે ગીરા-ગરિમાના રૂમની બાલ્કની સામે પડતી પોતાના સ્ટડી રૂમની બારી સજ્જ બંધ કરવાનું કર્યું. સામે ઊભેલી મમ્મીને પકડી એ ચોધાર આંસુએ રોવા લાગી. તરુણાવસ્થાએ ઊગી રહેલા અહમની આડમાં ઘણા સંબંધ હોમાય જતાં હોય છે, જેનો પ્રથમ પરચો વિહાને આજે મળી ગયો હતો.