લાડકી

ઉડાન મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધીઃ તીખાશનો તરખાટ

શ્વેતા જોષી અંતાણી

સવારના પાંચ વાગ્યા હતા. અલાર્મ વાગતાં પહેલાંજ અનુની આંખ ખુલી ગઈ. બારી બહાર ચોતરફ અંધારું છવાયેલું હતું. એના મનમાં ચાલી રહેલી ચીસ એ અંધારાને ચીરતી સોંસરવી નીકળી. અગિયારમા ધોરણમાં ભણતી અનુ આમ બધી રીતે સામાન્ય હતી, પરંતુ સ્કૂલમાં એનું નામ હંમેશાં એક વાતે ચગેલું રહેતું. એ બહુ ઝગડા કરતી. તેજ જબાન, ગુસ્સૈલ ચહેરો, તીખો અવાજ એનાં ઘરેણાં હતાં. જબરી, રાડકી કે વાયડી જેવા ઉપનામથી અનુને લોકો નવાજતા રહેતા.

અનુનો પરિવાર મધ્યમવર્ગીય. ખાનારા સાતને કમાનાર એક. પપ્પા દિવસ-રાત બે પાળીમાં નોકરી કરતાં, મમ્મી ઘરના બે છેડાં ભેગાં કરવામાં વ્યસ્ત રહેતી. ઘરનું ગાડું હંકારવામાં સહુ વ્યસ્ત. કોઈને એ જાણવામાં ક્યારેય રસ નહોતો પડ્યો કે, અનુની અંદર કંઈક એવું હતું જે સામાન્ય નહોતું. એ સતત આવેશમાં જીવતી. એનો સ્વભાવ એવો હતો કે દરેક ક્ષણ બેચેની રહ્યાં કરતી.

અનુને કોઈની વાત ખોટી લાગે એટલે એ તુરંત તીખી પ્રતિક્રિયા આપે. સામેવાળાને સણસણતો જવાબ અને એ પણ તીવ્ર અવાજે મળે. એકાદ વખત તો એ મારામારી પર ઊતરી આવેલી. સ્કૂલમાંથી સતત એની ફરિયાદો આવ્યા કરે: ‘આવું તે કંઈ છોકરીઓને શોભે?’ મોટા અવાજે ચર્ચાઓ, ઉગ્ર દલીલો, શિક્ષકો સામે ગેર વર્તૂણૂકના આરોપ લાગવાના દિન-પ્રતિદિન વધવાં લાગ્યાં.

દરેક વખતે પપ્પાએ સ્કૂલે મળવા જવું પડતું. હજી તો બે-પાંચ દિવસ થયા નથી કે અનુબેનની સ્કૂલથી તેડાં આવ્યા નથી. છાશવારે પ્રિન્સિપાલનો ઠપકો સાંભળી શાંત રહેતાં પપ્પાને જોઈ અનુ વધારે ગિન્નાતી. પપ્પા આ લોકોને સામે કંઈ કહેતા કેમ નહીં હોય? આ ખોટાડાઓને મોંઢામોંઢ ચોપડાવી દીધી હોય ને તો ખબર પડે.

જોકે આ કંઈ આજકાલની વાત થોડી હતી? અનુ જયારે પ્રાથમિક સ્કૂલમાંથી માધ્યમિકમાં આવી. ટીનએજ માથે ચડવા લાગી ત્યારથી એની હાલત બગડેલી. ઘરમાં નાની-નાની વાતોમાં જુઠ્ઠું બોલવું, સામે જવાબો આપવા, રોષ કરવો એ અનુના વ્યક્તિત્વનો ભાગ બનવા લાગેલા. એને ખુદને ખ્યાલ નહોતો આવતો કે, આવું પોતે શા માટે કરી રહી છે. બસ, એ માત્ર એટલું જાણતી હતી કે પોતાની અંદર કંઈક બદલાય રહ્યું છે, જેના લીધે એ વારંવાર ખીજાય જાય છે, ચીડાય ઊઠે છે.

અનુના આ ટીનએજ તરખાટે એના પપ્પાને ગજબ થકવી દીધેલા. અનેકવાર એ કહેતાં : ‘તું જો છોકરો હોત ને તો બે અડબોથ ઠોકી દેત બધાંની સામે જ. છોકરીની જાતને આવો સ્વભાવ! આ બધું શોભા નથી દેતું. તું થોડું સમજ તો સારી વાત છે.’

અનુને પપ્પાનાં વાક્યો તીર માફક ચૂભતાં. થોડો સમય અનુમાં થોડો સુધાર આવ્યો. એ હવે ઓછું ખોટું બોલતી. ઘરમાં બધાએ રાહતનો શ્વાસ લીધો. ત્યાંતો ફરી પાછું તરુણાવસ્થાનું ભૂત ધણધણ્યું, જેવું અનુ પર દબાણ વધ્યું. ભણતરનું, ભવિષ્યનું, અપેક્ષાઓનું ભારણનું એ ફરી પાછી જૂની અનુ બનવા તરફ આગળ વધી.

એક દિવસ સ્કૂલથી ફરી ફોન આવ્યો. એની નજર પપ્પા પર પડી. હાથમાં ફોન, આંખોમાં થાક. ‘આજે મારે તને કશું જ નથી કહેવું’. બસ, પપ્પાએ આટલું જ કહ્યું. આ શબ્દો અનુને વધારે ખૂંચ્યા, કેમકે મૌન કરતાં ચીસો એને વધુ વ્હાલી હતી ને! જોકે રાત્રે જમ્યા પછી પપ્પા એના રૂમમાં આવ્યા. અનુને હતું કે હવે તો ગુસ્સો કરશે, પણ એવું ના થયું. એ શાંતિ પકડી બોલ્યાં,

‘અનુ, હું દર વખતે તું ખોટી છે કે તારો વાંક છે એમ માની લઈ તને ખીજાઉ છું. મેં તને ક્યારેય એમ નથી પૂછ્યું કે, તને શા માટે આવું થાય છે. તું કેમ હંમેશાં ગુસ્સામાં રહે છે.’
અનુની આંખો ભરાય આવી. આટલાં વર્ષોમાં કદાચ પહેલીવાર કોઈએ પૂછ્યું કે તને શું થાય છે, તું કેમ આમ કરે છે…? એણે ડૂમો બાઝેલા અવાજે કહ્યું :

‘પપ્પા, બધાં મને સતત ટોણાં મારે છે. મને પણ નથી ગમતું આમ શોર્ટ ટેમ્પર્ડ રહેવું. છોકરીઓએ હંમેશાં શાંત અને સહનશીલ હોવું જોઈએ. આવું નક્કી કોણ કરે છે? બીજી છોકરીઓને પણ ગુસ્સો આવે છે. ફર્ક માત્ર એટલોજ કે હું એમની જેમ છુપાવી નથી શકતી.’ અને એ ધાણીફૂટ રોવાં લાગી.

અંતે અનુ માટે એના મામાએ એક કાઉન્સેલરની મદદ માગી. એની સાથેના સેશન્સ દરમિયાન અનુને ખ્યાલ આવ્યો કે, ગુસ્સો એની નબળાઈ નહોતી, પણ એક દિશાહીન તાકાત હતી, જેને કાબૂ કરવાં તાક્વાંડોના ક્લાસ કરાવવા એવું નક્કી થયું. ટીનએજમાં હોર્મોન્સના ઘોડાપૂરને નાથવા ક્યારેક સ્પોર્ટ્સ બહુ ઉપયોગી સાબિત થાય છે. અનુના કિસ્સામાં પણ થયું.

તાક્વાંડોથી એને શીખવા મળ્યું કે, તાકાતનો સાચો મતલબ મારવું નથી, પણ નિયંત્રણ છે. હવે એના દરેક પંચ સાથે ગુસ્સો પરસેવો બની વહેવા લાગ્યો. ધીરે-ધીરે અનુમાં બદલાવ દેખાયો. એની સામે ફરિયાદો ઓછી થઇ. ઘરમાં પણ એને સહકાર મળ્યો ને સ્કૂલમાં પણ. આ સ્વીકૃતિ અનુ માટે ચાલકબળનું કામ કરી ગઈ.

એક દિવસ સ્કૂલમાં કોઈએ એને ઉશ્કેરવા પ્રયત્ન કર્યો. પહેલાની અનુ હોત તો એક ફેંટ મારી દેતા અચકાત નહીં, પણ આજે એણે સંયમ રાખ્યો. ટીચરને ફરિયાદ કરી. આ જોઈ સહુ અચંબિત થયાં. અનુને વખાણી. એના સંયમને દાદ આપી. ટીચરે કહ્યું પણ ખરાં, ‘તું બહુ બદલાય ગઈ છો. સરસ, આવી જ રહેજે. એણે આખો બનાવ પપ્પાને વર્ણવ્યો.

‘જોયું, બેટા ગુસ્સો રોકવાના ઘણાં ફાયદા છે. એમાં પ્રશ્નોનું નિરાકરણ જલ્દીથી મળે અને આપણી છાપ પણ સુધરે.’ એ રાત્રે અનુ બારી પાસે ઊભી હતી. બહાર અંધકાર છવાયેલો હતો, પણ આજે એની અંદર રોશની ઉગેલી. ટીનએજ તરખાટને આજે નાથવાની શરૂઆત જો થઈ હતી.!

આપણ વાંચો:  લાફ્ટર આફ્ટરઃ ઘોડા જેવું થવામાં મજા પડે ખરી?

સંબંધિત લેખો

Back to top button