લાડકી

બે મહાસાગર ઉપરથી ઉડ્ડયન કરનાર પ્રથમ મહિલા: આરોહી પંડિત

ભારતની વીરાંગનાઓ -ટીના દોશી

લાઈટ સ્પોર્ટ્સ એરક્રાફ્ટમાં સોલો ઉડ્ડયન કરીને વિશ્ર્વના પહેલા ક્રમના સૌથી વિશાળ પ્રશાંત મહાસાગરને પાર કરનારી પ્રથમ મહિલા પાઈલટ, લાઈટ સ્પોર્ટ્સ એરક્રાફ્ટમાં સોલો ઉડ્ડયન કરીને વિશ્ર્વનો બીજા ક્રમનો સૌથી વિશાળ એટલાંટિક મહાસાગર પાર કરનાર પ્રથમ મહિલા પાઈલટ, લાઈટ સ્પોર્ટ્સ એરક્રાફ્ટમાં ગ્રીનલેન્ડ આઈસ કેપ્સમાં સોલો ઉડ્ડયન કરનાર પ્રથમ મહિલા પાઈલટ અને લાઈટ સ્પોર્ટ્સ એરક્રાફ્ટમાં સંપૂર્ણ કેનેડામાં ક્રોસ ક્ધટ્રી ઉડ્ડયન કરનાર પ્રથમ મહિલા પાઈલટ….. આ ચારેય ઘટના વિશ્ર્વવિક્રમ બની ગઈ છે, પણ એ સર્જનાર મહિલા પાઈલટ એક જ છે: આરોહી પંડિત… લાઈટ સ્પોર્ટ્સ એરક્રાફ્ટ પર મે ૨૦૧૯માં એટલાંટિક મહાસાગર અને ઓગસ્ટ ૨૦૧૯માં પ્રશાંત મહાસાગર પર સોલો ઉડ્ડયન કરનાર વિશ્ર્વની પ્રથમ અને માત્ર ત્રેવીસ વર્ષની સૌથી નાની ઉંમરની પાઈલટ… આરોહી અત્યાર સુધી પોતાના લાઈટ સ્પોર્ટ્સ એરક્રાફ્ટમાં વીસ દેશ અને ૨૯,૫૦૦ કિલોમીટરનું ઉડ્ડયન કરી ચૂકી છે!

આરોહી પંડિતનો જન્મ ગુજરાતમાં ૧૦ ફેબ્રુઆરી ૧૯૯૬ના થયેલો. રહેવાસી એ મુંબઈના બોરીવલીની. ચાર વર્ષની હતી ત્યારે આરોહીએ એક વિમાનમાં સફર કરેલી. એ વિમાનની પાઈલટ એક મહિલા હતી. એને જોઈને આરોહીએ સંકલ્પ કર્યો કે, પોતે પણ આગળ જતાં પાયલટ બનશે. ત્યારથી એ આકાશમાં ઊડવાનું સ્વપ્ન જોતી. આરોહી શાળામાં ભણતી ત્યારે એને ખેલકૂદ અને ઘોડેસવારીનો પણ શોખ હતો. પણ લક્ષ્ય તો પાંખ પસારીને આભમાં ઊડવાનું જ હતું!

આસમાનમાં ઉડાન ભરવાનું આરોહીનું સ્વપ્ન સાકાર પણ થયું. સત્તર વર્ષની ઉંમરે શાળાકીય શિક્ષણ પૂરું કર્યા પછી આરોહીએ મહારાષ્ટ્રની ફ્લાઈંગ સ્કૂલ ધ બોમ્બે ફ્લાઈંગ કોલેજ ઓફ એવિયેશનમાં પ્રવેશ મેળવ્યો. પોતાનું ખ્વાબ પૂરું કરવા આરોહીએ વ્યાવસાયિક વિમાનચાલક બનવાની સાથે લાઈટ સ્પોર્ટ્સ એરક્રાફ્ટ ઉડાડવાનું લાઈસન્સ પણ મેળવ્યું. કેપ્ટન આરોહી પંડિત ભારતના પહેલા નાગરિક હવાઈમથક જુહૂમાં પોતાના વિમાન વીટી એનબીએફ, પિપિસ્ટ્રેલ સાઈનસ ૯૧૨માંથી ઊતરી, જેનું વજન કેવળ ત્રણસો કિલોગ્રામ હતું… એકવીસ વર્ષની ઉંમરે આરોહીને લાઈટ સ્પોર્ટ્સ એરક્રાફ્ટ પર મહિલા અધિકારિતા અભિયાનના દોર ધ વર્લ્ડ પાર્ટ માટે પસંદ કરવામાં આવી. એ સાથે આરોહીની કારકિર્દીનો આરંભ થયો. એણે એક અલ્ટ્રાસાઈટ પિપિસ્ટ્રેલ સાઈનસ ૯૧૨માં યાત્રા કરી. પિપિસ્ટ્રેલ સાઈનસ એટલે પિપિસ્ટ્રેલ કંપની દ્વારા સ્લોવેનિયા અને ઇટલીમાં નિર્મિત એક એન્જિનવાળું બે જણ બેસી શકે એવું બુલેટ બાઈક કરતાં પણ ઓછું વજન ધરાવતું નાનકડું વિમાન.

૩૦ જુલાઈ ૨૦૧૮…. ધ વર્લ્ડ પાર્ટ મિશન અંતર્ગત આરોહીએ પોતાની મિત્ર કિથિયર મિસક્વેટા સાથે સો દિવસમાં દુનિયાની સફર કરવાનું બીડું ઝડપેલું. ત્રણ મહાદ્વીપના ત્રેવીસ દેશોની સફર ખેડવાની. બન્નેની ઈચ્છા આસમાનની ઊંચાઈથી ધરતીને સમજવાની હતી. બન્ને પાઈલટ લાઈટ સ્પોર્ટ્સ એરક્રાફ્ટમાં ઉડ્ડયન શરૂ કરેલું. પંજાબના પટિયાળા એરબેઝથી બન્નેએ સફરનો આરંભ કરેલો. દક્ષિણ-પૂર્વ એશિયા, જાપાન, રશિયા, કેનેડા, અમેરિકા, ગ્રીનલેન્ડ, આઇસલેન્ડ, યુરોપ અને અન્ય સ્થળો. યાત્રા દરમિયાન આરોહી અને કિથિયરનું વિમાન પંજાબ, રાજસ્થાન અને ગુજરાત ઉપરથી ઊડીને પાકિસ્તાન પહોંચ્યું અને ત્યાં ઉતરાણ કર્યું. એ સાથે જ ૧૯૪૭ પછી પાડોશી દેશમાં લાઈટ સ્પોર્ટ્સ એરક્રાફ્ટ ઉતારનાર એ પહેલી ભારતીય વ્યક્તિ બની. વિરામ પછી ઈરાન, તુર્કી, સર્બિયા, સ્લોવેનિયા, જર્મની, ફ્રાન્સ અને ગ્રેટ બ્રિટન પહોંચ્યાં. યાત્રા દરમિયાન સમુદ્રની ઉપરથી, બરફની ઉપરથી
અને પ્રતિકૂળ હવામાનમાં વિમાન ઉડાડવાનો અનુભવ મેળવ્યો.

આરોહી પંડિત અને કિથિયર મિસક્વેટાએ પોતાના વિમાનને માહી નામ આપ્યું. મહી નામ રાખવા પાછળ એક કારણ છે. તે એ કે સંસ્કૃતમાં મહી શબ્દનો અર્થ પૃથ્વી થાય છે. આરોહી અને કિથિયર, બન્ને આકાશમાંથી ધરતી નિહાળવા ઈચ્છતી હોવાથી એમણે વિમાનને મહી નામ આપેલું. એરક્રાફ્ટ માહી ભારતનું પહેલું રજીસ્ટર્ડ લાઈટ સ્પોર્ટ્સ એરક્રાફ્ટ છે. તેનું વજન ચારસો કિલોગ્રામથી થોડુંક જ વધારે છે. માહીનું એન્જિન મારુતિની બલેનો ગાડી જેટલું શક્તિશાળી છે. તે પ્રતિ કલાક ૨૧૫ કિલોમીટરની ઝડપે ઊડવાની ક્ષમતા ધરાવે છે. વિમાનના કોકપિટમાં બે વ્યક્તિ બેસી શકે છે, અર્થાત એ માત્ર ઓટોરિક્ષા જેટલું જ મોટું છે. એવડા અમથા વિમાનમાં આરોહી વિશ્ર્વભ્રમણ કરી આવી.

સો દિવસની સફર પછી આરોહીનો રોમાંચ વધતો ગયેલો. એ આસમાનને મુઠ્ઠીમાં ભરી લેવા ઉત્સુક હતી. સાત મહિનાના પ્રશિક્ષણ પછી લાઈટ સ્પોર્ટ્સ એરક્રાફ્ટમાં એટલાંટિક મહાસાગર પરથી એકલાં જ ઉડાન ભરવાનું સાહસ એણે કરેલું. એટલાંટિક મહાસાગરને અંધ મહાસાગર પણ કહેવાય છે. દુનિયાના પાંચ મહાસાગરોમાં બીજો સૌથી મોટો મહાસાગર છે એટલાંટિક. એનું નામ ગ્રીક સંસ્કૃતિમાંથી લેવાયું છે, જેમાં એને નકશાનો સમુદ્ર પણ કહે છે.

આ એટલાંટિક મહાસાગર ઉપરથી મે ૨૦૧૯માં પોતાના નાનકડા વિમાનમાં ત્રણ હજાર કિલોમીટરનું ઉડ્ડયન કરીને આરોહી કેનેડાના ઇકાલુઈટ હવાઈમથકે પોતાના ટચૂકડા વિમાનમાંથી ઊતરી. કેનેડા હવાઈમથકે પહોંચ્યા પછી આરોહીએ ત્રિરંગો ફરકાવ્યો. ત્રિરંગો લહેરાવ્યા પછી આરોહીએ કહેલું કે, ‘એટલાંટિક મહાસાગરની ઉપરથી ઉડ્ડયન કરવાનો મારો અનુભવ ખૂબ શાનદાર રહ્યો. ત્યાં માત્ર હું હતી, નાનકડું વિમાન હતું, નીલુ આસમાન હતું અને નીચે નીલો સમુદ્ર….!’

આ દુર્ગમ આકાશી સફર ખેડીને આરોહીએ એક નવો વિક્રમ સર્જેલો. આ સફર દરમિયાન જ કડકડતી ઠંડીના મોસમમાં દુનિયાની બીજી સૌથી મોટી બરફની ચાદર ગણાતા ગ્રીનલેન્ડના આઈસકેપ પરથી સોલો ઉડ્ડયન કરનાર આરોહી વિશ્ર્વની પ્રથમ મહિલા વિમાનચાલક બની ગઈ.

ત્રણ મહિના પછી ઓગસ્ટ ૨૦૧૯માં આરોહીએ પ્રશાંત મહાસાગર ઉપરથી સોલો ઉડ્ડયન કર્યું. વિશ્વનો સૌથી વિશાળ અને સૌથી ઊંડો મહાસાગર એટલે પ્રશાંત મહાસાગર. આ પ્રશાંત મહાસાગર ઉપરથી આરોહીએ ઉડ્ડયન કરેલું. અલાસ્કાથી ઉડાન ભરીને રશિયામાં ઊતરેલી આરોહીએ ત્રિરંગો ફરકાવ્યો અને દેશનું ગૌરવ વધાર્યું.

હવાઈ પ્રવાસ દરમિયાન આરોહીએ ઇન્ટરનેશનલ ડેટ લાઈન પણ ઓળંગી. ઇન્ટરનેશનલ ડેટ લાઈન એટલે આંતરરાષ્ટ્રીય તિથિ રેખા. આ રેખા બે કેલેન્ડર તિથિઓ વચ્ચે ‘સીમાંકનની રેખા’ તરીકે કામ કરે છે. આ એક કાલ્પનિક રેખા છે, જે પ્રશાંત મહાસાગરની મધ્યમાં ઉત્તર ધ્રુવથી દક્ષિણ ધ્રુવ સુધી જાય છે. જયારે આ રેખા પાર કરવામાં આવે છે ત્યારે તમે કઈ દિશામાં યાત્રા કરો છો એના આધારે એક દિવસ મેળવો છો અથવા એક દિવસ ગુમાવી દો છો. પશ્ચિમ ભણી યાત્રા કરતી વખતે તમે એક દિવસ પ્રાપ્ત કરો છો અને પૂર્વ ભણી યાત્રા કરતી વખતે તમે એક દિવસ ખોઈ બેસો છો. એને લાઈન ઓફ ક્ધફયુઝન પણ કહે છે, કારણ કે અહીં તારીખ બદલાઈ જાય છે અને સઘળાં ઉપકરણો કેટલીક મિનિટો સુધી યોગ્ય રીતે કામ કરી શકતાં નથી. આ સંદર્ભે આરોહીએ કહેલું કે, ‘લાઈન ઓફ ક્ધફયુઝન ક્રોસ કરતાં સમયે મેં મારી જિંદગીનો એક દિવસ ગુમાવી દીધો, જે મને ક્યારેય પાછો મળવાનો નથી. છતાં એટલાંટિક મહાસાગરના ઉડ્ડયન કરતાં પ્રશાંત મહાસાગરની ઉડાન વધુ ખૂબસૂરત રહી એવું મને લાગે છે. મને આ પ્રવાસમાં અનેરો આનંદ મળ્યો છે. ભારતની અને વિશ્ર્વની મહિલાઓ માટે અનોખા વિક્રમની સર્જક તરીકે હું બેહદ સન્માનિત હોવાનું અનુભવી રહી છું.’

આરોહી પંડિતના ઉડ્ડયન અને એના વિશ્ર્વ વિક્રમો વિશે જાણીને કહેવાનું મન થાય કે,
મંઝિલ એને જ મળે છે જેનાં સપનામાં જાન હોય છે
પાંખોથી કાંઈ નથી થતું ઉડાન ઈરાદાથી થાય છે…

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
જવાન દેખાવું છે? તો ઘરે જ કરો આ ઉપાય અનંત-રાધિકાના સંગીતમાં પહોંચેલી આ એક્ટ્રેસે કેમ ફાડ્યો પોતાનો જ લહેંગો? WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો?