સ્વતંત્ર ભારતનાં પ્રથમ મહિલા મંત્રી: રાજકુમારી અમૃતકૌર

ભારતની વીરાંગનાઓ – ટીના દોશી
ઑલ ઇન્ડિયા ઇન્સ્ટિટયૂટ ઑફ મેડિકલ સાયન્સીસ… એઈમ્સ તરીકે જાણીતી આ સંસ્થાની સ્થાપના કોણે કરેલી એ જાણો છો?
એમનું નામ રાજકુમારી અમૃતકૌર… આઝાદી પહેલાં મહાત્મા ગાંધીનાં સચિવ રહ્યાં અને આઝાદી પછી સ્વતંત્ર ભારતનાં પ્રથમ મહિલા મંત્રી અને પ્રથમ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી બન્યાં. આજીવન અપરિણીત રહીને દેશસેવા કરતાં રહ્યાં. 16 ઑગસ્ટ 1947થી 16 એપ્રિલ 1957 સુધી તેઓ મંત્રીપદે કાર્યરત રહ્યાં. સ્વાસ્થ્ય મંત્રી તરીકે રાજકુમારી કૌરનું સૌથી મહત્ત્વનું યોગદાન એટલે 1956માં એઈમ્સની સ્થાપના. એ એઈમ્સના પાયાના પથ્થર હતાં. રાજકુમારીએ એઈમ્સની સ્થાપના માટે નાણાકીય ભંડોળ ઊભું કરવામાં પણ મુખ્ય ભૂમિકા ભજવેલી. તેમણે ન્યૂ ઝીલૅન્ડ, ઑસ્ટે્રલિયા, પશ્ચિમ જર્મની, સ્વિડન અને અમેરિકાથી નાણાકીય સહાય પ્રાપ્ત કરીને એઈમ્સનું નિર્માણ કરેલું. એઈમ્સના પહેલા અધ્યક્ષ પણ રાજકુમારી કૌર જ હતાં.
એઈમ્સ ઉપરાંત પણ કેટલીક સંસ્થાઓનું અધ્યક્ષપદ રાજકુમારી કૌરે શોભાવ્યું હતું. ટ્યુબરક્લોસીસ ઍસોસિયેશન ઑફ ઇન્ડિયા અને હિંદ કુષ્ઠરોગ નિવારણ સંઘનાં આરંભથી અધ્યક્ષા રહ્યાં. ઇન્ડિયન કાઉન્સિલ ફોર ચાઈલ્ડ વેલફેરનાં સંસ્થાપક-અધ્યક્ષા રહ્યાં. ઑલ ઇન્ડિયા વિમેન્સ કૉન્ફરન્સનાં અધ્યક્ષા રહ્યાં. નેશનલ સ્પોર્ટ્સ ક્લબ ઑફ ઇન્ડિયાનાં સંસ્થાપકોમાંનાં એક અને પ્રથમ અધ્યક્ષ બન્યાં. વર્લ્ડ હેલ્થ એસેમ્બલીનાં અધ્યક્ષા રહ્યાં. દિલ્હી મ્યુઝિક સોસાયટીનાં અધ્યક્ષા પણ રહ્યાં. ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીનાં ઉપાધ્યક્ષ રહ્યાં. ગાંધી સ્મારક નિધિ અને જલિયાંવાલા બાગ નેશનલ મેમોરિયલ ટ્રસ્ટનાં ટ્રસ્ટી રહ્યાં. બંધારણસભાનાં સભ્ય અને કાઉન્સિલ ઑફ સાયન્ટિફિક તથા ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચની ગવર્નિંગ બોડીનાં સભ્ય પણ રહ્યાં…
ભારતીય ટપાલ ખાતાએ 13 એપ્રિલ 1989ના રોજ રાજકુમારી અમૃતકૌરની સ્મૃતિમાં સાઠ પૈસાની ટપાલ ટિકિટ બહાર પાડેલી.
આ રાજકુમારી કૌરનો જન્મ 2 ફેબ્રુઆરી 1889ના રોજ ઉત્તર પ્રદેશના લખનઊમાં બાદશાહ બાગમાં થયેલો. માતા પ્રિસિલા ગોકલનાથ. પિતા હરનામ સિંહ આહલુવાલિયા. પ્રિસિલા અને હરનામ સિંહના સંસારની ડાળી પર ઊગેલું ફૂલ એટલે રાજકુમારી અમૃતકૌર. અમૃતકૌરનું પ્રાથમિક શિક્ષણ ઇંગ્લૅન્ડના ડોરસેટમાં શેરબોર્ન સ્કૂલ ફોર ગર્લ્સમાં થયું. કૉલેજનું શિક્ષણ ઓક્સફર્ડ વિશ્વવિદ્યાલયમાં થયું.
ભારત પાછાં ફરેલાં રાજકુમારીએ ગાંધીજીનું કપ્તાનપદ સ્વીકાર્યું. વર્ષ 1915. દક્ષિણ આફ્રિકાથી ભારત પાછા ફરેલા ગાંધીજીનું કૉંગ્રેસના મુંબઈના અધિવેશનનું ભાષણ સાંભળીને રાજકુમારી પ્રભાવિત થયાં. 1919માં ગાંધીજી સાથે વ્યક્તિગત સંપર્ક થયો. ગાંધીજીના વ્યક્તિત્વે રાજકુમારી પર જાદુઈ પ્રભાવ પાથર્યો. અમૃત કૌરને ભારતની આઝાદીમાં રસ હતો. કૌર ગાંધીજીના સચિવ તરીકે કામગીરી કરવા લાગ્યાં.
દરમિયાન એક દુર્ઘટના બની. જલિયાંવાલા બાગ હત્યાકાંડ પછી બ્રિટિશ સેનાએ અમૃતસર, પંજાબમાં ચારસોથી વધુ પ્રદર્શનકારીઓને ગોળીઓથી વીંધી નાખ્યા. આ ઘટનાથી હચમચી ઊઠેલાં અમૃતકૌર બ્રિટિશ સરકારનાં કટ્ટર આલોચક બન્યાં. તે ઔપચારિકપણે કૉંગ્રેસમાં જોડાઈ ગયાં. સામાજિક સુધારા પર ધ્યાન કેન્દ્રિત કર્યું. કૌર પરદા પ્રથાનો અને બાળવિવાહનો ઘોર વિરોધ કરતાં. ભારતમાં દેવદાસી પ્રથા નાબૂદ કરવા માટે તેમણે અભિયાન ચલાવેલું. સામાજિક સુધારણા કરવાની સાથે અમૃત કૌર આઝાદીના આંદોલનમાં સક્રિય થયાં. આંદોલનમાં મહિલાઓની સહભાગિતા વધુ થાય એ માટે 1927માં સ્થપાયેલા અખિલ ભારતીય મહિલા સંમેલનનાં સહસ્થાપક થયાં. 1930માં આ સંસ્થાનાં સચિવ અને 1933માં અધ્યક્ષા બન્યાં.
આ ગાળામાં રાજકુમારી અમૃતકૌરે જેલવાસ પણ વેઠવો પડ્યો. 1930માં મહાત્મા ગાંધીના નેતૃત્વમાં દાંડીકૂચમાં ભાગ લેવા બદલ બ્રિટિશ સરકારે એમની ધરપકડ કરી. જેલમાંથી બહાર આવ્યા બાદ 1936માં એક અંગત સેવકને સાથે લઈને ગાંધીજીના સેવાગ્રામ આશ્રમ જઈ પહોંચ્યાં. મહેલમાંથી મઢુલીમાં. આ સંદર્ભમાં સુશીલા નૈયરે નોંધ્યું છે કે, `જ્યારે બાપુ સેવાગ્રામમાં મીરાંબહેનની કુટિરમાં રહેવા ગયા ત્યારે તેમના ઓરડા અને સ્નાનાગાર વચ્ચેના નાનકડા કમરાને સજાવવામાં આવ્યો. તેમાં સિમેન્ટની ફરસ બેસાડવામાં આવી. ચૂનાથી ઘોળવામાં આવ્યો. એમાં એક કબાટ મૂકીને એ કક્ષ રાજકુમારી અમૃતકૌરને આપવામાં આવ્યો. રાજકુમારી કૌર એટલે સુંદર સિલ્કની સાડી પહેરેલી દૂબળીપાતળી મહિલા. કાનમાં લટકતી લાંબી વાળીઓ અને અન્ય આભૂષણો ધારણ કરેલાં હોય..
રાજકુમારી કૌર ઉત્તમ આતિથ્ય કરી જાણતાં. એમના પરિવારનો શિમલામાં બંગલો હતો. નામ મેનરવિલા. ઉનાળાની ગરમીમાં ઠંડક મેળવવા સહુ ત્યાં જતાં. પાછળથી આ મેનરવિલા બંગલો અમૃતકૌરે રાષ્ટ્રને સમર્પિત કરી દીધેલો. પરિચારિકાઓ અને મહિલા ચિકિત્સકો માટેના આરામગૃહમાં એનું રૂપાંતર કરી દીધેલું. કોઈ બેઠકમાં ભાગ લેવા ગાંધીજી શિમલા જાય તો એ પણ મેનરવિલામાં જ રોકાતા. રાજકુમારી આતિથ્યમાં જરાય ઊંણાં ન ઊતરતાં. મહેમાનોની સગવડ સચવાય એનું ઝીણવટપૂર્વક ધ્યાન રાખતાં. જૂન 1945ના અંતિમ સપ્તાહમાં ગાંધીજી શિમલા ગયેલા ત્યારે વાઈસરોયે એમની રહેવાની વ્યવસ્થા પોતાના તરફથી કરવાનો આગ્રહ રાખેલો, પણ ગાંધીજીએ એમના પ્રસ્તાવનો અસ્વીકાર કરતાં કહેલું કે, પોતે રાજકુમારી અમૃતકૌરને ત્યાં રહેવાના છે…
ગાંધીજી સાથે રાજકુમારીનો સંબંધ આત્મીય થઈ ગયેલો. ગાંધીજીએ પોતાના શરૂઆતના પત્રોમાં અમૃતકૌરને પ્રિય બહેન'નું સંબોધન કરેલું. એ પછી ખરલમાં પીસાતા સુખડની પેઠે સંબંધ સુવાસિત થતો ગયો. સંબોધન બદલાવા લાગ્યાં.
મેરી પ્રિય અમૃત’, મેરી પ્રિય વિદ્રોહી' અને અંતે
મેરી પ્રિય મૂર્ખા’ સંબોધન ગાંધીજી કરતા. એમાંથી અમૃતકૌરને મેરી પ્રિય મૂર્ખા' સંબોધન અત્યંત પ્રિય હતું. ગાંધીજી અને રાજકુમારી વચ્ચેનો પત્રવ્યવહાર પાછળથી
રાજકુમારી અમૃત કૌર કો પત્ર’ શીર્ષક સાથે પ્રકાશિત કરવામાં આવેલો.
ગાંધીજી કુશળ ઝવેરી હતા. રાજકુમારીનું હીર એમણે પારખી લીધેલું. એથી જ ભારત દેશ આઝાદ થયો ત્યારે પ્રથમ કેન્દ્રીય મંત્રીમંડળમાં રાજકુમારીને સ્વાસ્થ્ય મંત્રી બનાવવાની ભલામણ કરેલી. રાજકુમારી સ્વાસ્થ્ય ક્ષેત્રે કામ કરવામાં સો ટચનું સોનું સાબિત થયાં. સ્વાસ્થ્ય ક્ષેત્રે અત્યંત મહત્ત્વનાં કાર્યો કર્યાં. 6 ફેબ્રુઆરી 1964ના એમનું મૃત્યુ થયું. રાજકુમારી ઈસાઈ હોવા છતાં એમની ઇચ્છા અનુસાર એમને દફન ન કરાયાં, પણ શીખ પરંપરા પ્રમાણે એમને અગ્નિદાહ દેવાયો. રાજકુમારીનો દેહવિલય થયો, પરંતુ એઈમ્સના સ્વરૂપમાં કાયમ જીવંત રહેશે!