પ્રથમ મહિલા ભારતીય ફોરેન સર્વિસ અધિકારી: ચોનીરા બેલિયપ્પા મુતમ્મા
ભારતની વીરાંગનાઓ -ટીના દોશી
ભારતની પ્રથમ મહિલા આઈએએસ અધિકારી અન્ના રાજમ મલ્હોત્રા હતી અને પ્રથમ આઈપીએસ અધિકારી કિરણ બેદી હતી, પણ પહેલી આઇએફએસ અધિકારી કોણ હતી એ જાણો છો ?
એનું નામ ચોનીરા બેલિયપ્પા મુતમ્મા..
સી.બી. મુતમ્માના ટૂંકા નામે જાણીતી આ મહિલા આઈએફએસ-ઇન્ડિયન ફોરેન સર્વિસ કે
ભારતીય વિદેશ સેવામાં જોડાનાર પ્રથમ ભારતીય મહિલા અધિકારી હતી. એ ભારતની પહેલી મહિલા ડિપ્લોમેટ હતી અને ભારતની રાજદૂત પણ રહેલી. સિવિલ સેવાઓમાં લૈંગિક સમાનતા માટે લાંબી લડત આપવા બદલ સી. બી. મુતમ્માનું સ્મરણ કરવામાં આવે છે.
ૉચોનીરા બેલિયપ્પા મુતમ્માનો જન્મ ૨૪ જાન્યુઆરી ૧૯૨૪ના કર્ણાટકના તત્કાલીન કૂર્ગ અને આજના કોડાગુ જિલ્લાના વિરાજપેટમાં થયેલો. એના પિતા વન અધિકારી હતા. ચોનીરા માત્ર નવ વર્ષની હતી ત્યારે એ પિતાને ખોઈ બેઠી. મા-દીકરી એકલાં પડી ગયાં, પણ માતાએ હાર ન માની. જીવનનું બીજું નામ જ સંઘર્ષ છે. સંઘર્ષને સીડી બનાવીને માતાએ એકલે હાથે દીકરીનો ઉછેર કર્યો. ચોનીરા મુતમ્માએ શાળાકીય શિક્ષણ મદિકેરીની સેન્ટ જોસેફ ગર્લ્સ સ્કૂલમાંથી પૂરું કર્યું. ત્યાર બાદ તત્કાલીન મદ્રાસ અને અત્યારના ચેન્નાઈની મહિલા ક્રિશ્ર્ચિયન કૉલેજમાં સુવર્ણ ચંદ્રક સાથે સ્નાતક થઈ.
ચોનીરા મુતમ્માએ ગરીબી જોયેલી. જીવન- સાગરમાં હાથ-પગનાં હલેસાં મારીને આગળ વધવા માટે સંઘર્ષ કરેલો. ચોનીરા જીવનમાં કાંઈક કરી બતાડવા માગતી હતી. એથી માત્ર ભણતર પર એણે ધ્યાન કેન્દ્રિત કરેલું. અભ્યાસ, અભ્યાસ અને અભ્યાસ… બીજી કોઈ વાત નહીં. સ્નાતક થયા પછી ચોનીરા મુતમ્માએ ચેન્નાઈની પ્રેસિડેન્સી કોલેજમાંથી અંગ્રેજી સાહિત્યમાં અનુસ્નાતક કર્યું. જો કે, એનું લક્ષ્ય સ્પર્ધાત્મક
પરીક્ષામાં ઉત્તીર્ણ થવાનું હતું. ચોનીરાએ સિવિલ સર્વિસમાં જોડાવા માટેનો વિચાર કર્યો, ત્યાં સુધી ભારતની અન્ય કોઈ મહિલાએ આ ક્ષેત્રમાં પદાર્પણ કર્યું નહોતું, પણ ચોનીરાનું તો એ સ્વપ્ન હતું. એ સપનું સાકાર કરવા માટે કોનીરાએ રાત-દિવસ મહેનત, ખંત અને ધગશથી તૈયારીઓ કરી. ૧૯૪૮માં યુપીએસસીની પરીક્ષામાં બેઠી. એનું પ્રદર્શન શાનદાર રહ્યું. એ વર્ષે, ૧૯૪૮માં સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરનાર ચોનીરા બેલિયપ્પા મુતમ્મા પહેલી ભારતીય મહિલા બની. એ સાથે એણે સ્પર્ધાત્મક પરીક્ષાઓના ક્ષેત્રે ડંકો વગાડીને ઈતિહાસ રચ્યો.
સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉત્તીર્ણ થયા પછી ચોનીરા ભારતીય વિદેશ સેવામાં જોડાવા અત્યંત ઉત્સુક હતી. એ માટે ઇન્ટરવ્યૂ લેવાયો, પણ ઇન્ટરવ્યૂ લેનાર બોર્ડે આ કાર્ય મહિલાઓ માટે ઉપયુક્ત નથી કહીને એ સેવા માટે. ચોનીરાની પસંદગી ન કરી. બીજા શબ્દોમાં કહીએ તો એને બહારનો દરવાજો દેખાડી દેવામાં આવ્યો, છતાં ચોનીરા અડગ રહી. પોતાની પસંદગીના ક્ષેત્રમાં જવા માટે મહેનત કરેલી એણે. એમને એમ કાંઈ હથિયાર હેઠાં મૂકી દે એવી એ નહોતી. ચોનીરાએ શાબ્દિક લડત આપી. પોતાના મામલે પોતાની જ વકીલ બનીને જોરદાર દલીલો કરી. અંતે બોર્ડે નમતું જોખવું પડ્યું. ચોનીરાની વાત સ્વીકારવી પડી. ચોનીરાને વિદેશ સેવામાં સામેલ કરવામાં આવી…! આમ ચોનીરા ભારતની પહેલી આઈએફએસ- ઇન્ડિયન ફોરેન સર્વિસની અધિકારી બની ગઈ.
ચોનીરા વિદેશ સેવામાં જોડાઈ તો ખરી, પણ નોકરીમાં જોડાતી વખતે ચોનીરા મુતમ્માએ એક સોગંદનામા પર હસ્તાક્ષર કરવા પડેલાં. એમાં લખેલું કે, જો ચોનીરા લગ્ન કરશે તો એ રાજીનામું આપી દેશે. જો કે, કેટલાંક વર્ષો પછી આ નિયમ બદલવામાં આવેલો, પણ એ વખતે તો ચોનીરાએ એ શરત સ્વીકારવી પડેલી. એ સંદર્ભે ચોનીરાએ કહેલું કે, આવી શરત સ્પષ્ટપણે બંધારણનો ભંગ કરતી હતી. બંધારણની વિરુદ્ધ હતી, પણ એ પ્રારંભિક દિવસોમાં મને એ નિયમને પડકારવાનું સૂઝ્યું નહીં. પુરુષોએ બનાવેલો આ નિયમ જાણે બદલાની ભાવના
સ્વરૂપે લેવાયેલો હતો. એમાં સ્ત્રીઓને એમનું સ્થાન બતાડવાની અને નોકરીમાંથી બહાર કાઢીને ઘરભેગાં કરવાની વૃત્તિ ઝલકતી હતી. જો કે એ સમયે હું આવી વાતને અવગણીને વિદેશ સેવામાં જોડાઈ ગઈ. ભારતીય વિદેશ સેવામાં સામેલ થયા પછી સી. બી. મુતમ્મા તરીકે જાણીતી થયેલી ચોનીરાનું પહેલું પોસ્ટિંગ પેરિસ ખાતે ઇન્ડિયન એમ્બેસીમાં થયેલું. એ વખતે ચોનીરાને સમજાયું કે ભારતના ડિપ્લોમેટ્સ ઉપરાંત વિદેશના ડિપ્લોમેટ્સ અને અન્ય કર્મચારીઓને પણ સ્ત્રી અધિકારીની ઉપસ્થિતિ પસંદ નહોતી. કેટલાક લોકો સ્ત્રીઓએ વિદેશ સેવામાં કામ શા માટે ન કરવું જોઈએ એનાં કારણો ગણાવતાં. અન્ય લોકોની આવી વિચારધારાને લીધે ચોનીરાએ પગલે પગલે પક્ષપાતનો સામનો કરવો પડેલો, છતાં એ મક્કમતાથી પોતાનું કામ કરતી રહી. પછીના દસકાઓમાં યુરોપ, એશિયા અને આફ્રિકામાં વિવિધ હોદ્દાઓ પર વિશિષ્ટ કામગીરી કરી. જો કે એણે પોતાની સંપૂર્ણ કારકિર્દી દરમિયાન લૈંગિક ભેદભાવ વિરુદ્ધ લડત આપવી પડેલી. લાંબા સમય સુધી વિદેશ સેવામાં કામ કરવા છતાં, જયારે ચોનીરા મુતમ્માને રાજદૂત તરીકે નિયુક્ત કરવાની ચર્ચા થઈ, ત્યારે એની અવગણના કરવામાં આવતી, પરંતુ કોઈ પણ અન્યાયને ચૂપચાપ સાંખી લે એ કોઈ બીજું, ચોનીરા મુતમ્મા નહીં ! પદોન્નતિ માટે પોતાની સાથે પક્ષપાત અને અન્યાય થઈ રહ્યો છે, એ મુદ્દે ચોનીરા મુતમ્માએ સર્વોચ્ચ અદાલતનાં બારણાં ખટખટાવ્યાં. દૃઢ નિશ્ર્ચયી અને હઠિલી ઈમાનદાર ચોનીરાએ દલીલ કરી કે, સેવામાં મહિલાઓના રોજગારને નિયંત્રિત કરનારા નિયમ ભેદભાવપૂર્ણ હતાં. સોલિસિટર જનરલ સોલી સોરાબજીએ વળતી દલીલ કરેલી કે, મહિલા રાજદૂતો લગ્ન કરે તો રણનીતિક કે રાજનૈતિક મહત્ત્વ ધરાવતી ગુપ્ત જાણકારી બહાર પડવાનું જોખમ ખતરનાક કહી શકાય એ હદે વધી જાય છે. જો કે, આ વાતને મહિલાઓ પ્રત્યેનો પૂર્વગ્રહ ગણાવીને અદાલતે સોલિસિટર જનરલને પ્રશ્ર્ન કરેલો કે, ‘સ્ત્રી રાજદૂત પરણે તો જાણકારી બહાર પડવાનું જોખમ, પણ જો કોઈ પુરુષ રાજદૂત વિવાહ કરે તો ગુપ્ત જાણકારી બહાર પડવાનું જોખમ નથી એવું કઈ રીતે કહી શકાય ?!’
આ પ્રકારની દલીલો અને પ્રતિદલીલો વચ્ચે, ૧૯૭૯માં ન્યાયમૂર્તિ વીઆર કૃષ્ણા અય્યરની અધ્યક્ષતા હેઠળ ત્રણ ન્યાયાધીશની બનેલી બેન્ચે સરકારના તર્કને પાયાવિહોણો ગણાવ્યો. સરકારની દલીલને ફગાવી દીધી. વિદેશ સેવામાં મહિલાઓને નિયંત્રિત કરનારી ભેદભાવપૂર્ણ જોગવાઈઓને રદ કરી દીધી. ચોનીરા મુતમ્માના મામલાને યથાવત્ રાખ્યો. સર્વોચ્ચ અદાલતે ભારત સરકારને કહ્યું કે, ‘સ્ત્રી-પુરુષના લૈંગિક ભેદભાવના કલંકને મીટાવવા માટે સઘળાં સેવા નિયમોમાં સુધારા કરવાની આવશ્યકતા છે.’
ભારતમાં મહિલાઓના અધિકાર સંદર્ભે આ એક ઐતિહાસિક નિર્ણય હતો. સ્ત્રીસમાનતા માટેના સંઘર્ષના સમર્થનમાં રહેલો આ અદાલતી નિર્ણય કેટલીયે મહિલા બેઠકોમાં વહેંચવામાં આવેલો. આ અદાલતી ચુકાદાને પરિણામે ચોનીરા મુતમ્માને હંગેરીમાં ભારતનાં રાજદૂત તરીકે નિયુક્ત કરવામાં આવેલી. આવા પ્રતિષ્ઠિત પદ પર નિયુક્ત થનારી એ પહેલી ભારતીય મહિલા હતી. ત્યાર બાદ ચોનીરાએ ઘાનામાં સેવાઓ
આપી. એ પછી એનું અંતિમ પોસ્ટિંગ નેધરલેન્ડમાં ભારતીય રાજદૂત તરીકે થયેલું. બત્રીસ વર્ષની દીર્ઘ સેવાઓ બાદ ૧૯૮૨માં ચોનીરા ભારતીય વિદેશ સેવામાંથી નિવૃત્ત થઈ. સેવાનિવૃત્ત થયા પછી ચોનીરા મુતમ્મા વિભિન્ન ક્ષેત્રોમાં પ્રવૃત્ત રહી. તત્કાલીન સ્વિડિશ પ્રધાન મંત્રી ઓલાફ પાલ્મે દ્વારા ચોનીરાને નિ:શસ્ત્રીકરણ અને સુરક્ષા મુદ્દાઓ પર સ્થાપેલા સ્વતંત્ર આયોગના ભારતીય સભ્ય તરીકે નિયુક્ત કરવામાં આવેલી. ચોનીરા એક લેખિકા પણ હતી. સેવાનિવૃત્તિ પછી એણે પોતાના વિસ્તારના કોડવા વ્યંજનો અંગે કુકબુક લખવાથી માંડીને લેખસંગ્રહ ‘સ્લેન બાય ધ સિસ્ટમ : ઇન્ડિયાઝ રિયલ ક્રાઈસીસ’ નામે પ્રકાશિત કરેલો. ૧૪ ઑક્ટોબર ૨૦૦૯ના બેંગલોરમાં ચોનીરા મુતમ્માનું અવસાન થયું, પણ લૈંગિક સમાનતા માટે એણે આપેલી લડત હંમેશ માટે યાદગાર બની ગઈ .