લાડકી

પ્રથમ મહિલા ફોરેન્સિક નિષ્ણાત રુકમણી કૃષ્ણમૂર્તિ

ભારતની વીરાંગનાઓ – ટીના દોશી

કંઠ એટલો મધુર કે સાંભળીને કાનમાં મીઠાશ ઘોળાઈ જાય, પારંપારિક ઢબે પહેરેલી સાડી, કપાળે બિંદી, વાળ બાંધેલા, સેંથીમાં સિંદૂર, ગળામાં મોતીનો હાર અને હાથમાં સોનાની ચૂડીઓ…
આમ તો આ વર્ણન ભારતની કોઈ પણ સામાન્ય સ્ત્રીનું હોઈ શકે…. પણ અહીં જેની વાત થઈ રહી છે એ સામાન્ય નહીં, અસામાન્ય નારી છે.
એ છે ભારતની પ્રથમ મહિલા ફોરેન્સિક સાયન્ટિસ્ટ રુકમણી કૃષ્ણમૂર્તિ છે !
શાતિર અપરાધીઓની ક્રાઈમ કુંડળી ખોલીને મૂકી દે છે. દેશના નામાંકિત ક્રાઈમ ઇન્વેસ્ટિગેટર્સમાં ફોરેન્સિક નિષ્ણાત રુકમણી કૃષ્ણમૂર્તિનું નામ અત્યંત આદરથી લેવાય છે !
ફોરેન્સિક એટલે ગુનાની શોધ માટે ઉપયોગમાં લેવાતી વૈજ્ઞાનિક પદ્ધતિ ! રુકમણી કૃષ્ણમૂર્તિએ ફોરેન્સિક નિષ્ણાત તરીકે ૧૯૯૩ના બોમ્બ વિસ્ફોટ, તેલગી સ્ટેમ્પ કૌભાંડ, ઘાટકોપર અને મુલુંડના બોમ્બ વિસ્ફોટ, ગેટ- વે ઓફ ઇન્ડિયા અને ઝવેરી બજારના ટ્વિન બ્લાસ્ટ, ૨૬ નવેમ્બર ૨૦૦૮ના આતંકી હુમલા, નાગપુર નક્સલાઈટ હત્યાકેસ, કિંગફિશર એરલાઈન્સ સ્કેમ અને કોર્પોરેટ જાસૂસી મામલાની તલસ્પર્શી તપાસ કરી છે. આ ઉપરાંત દહેજમૃત્યુ, બળાત્કાર અને હત્યા જેવા ગુનાઓની ફોરેન્સિક-વૈજ્ઞાનિક તપાસ કરીને આંટીઘૂંટીવાળા અપરાધોનું પગેરું મેળવ્યું છે …
રુકમણી કૃષ્ણમૂર્તિના તપાસ અહેવાલો તલસ્પર્શી અને સચોટ રહેતા. ઉદાહરણ તરીકે ૧૯૯૩ના મુંબઈ બોમ્બ
વિસ્ફોટમાં રુકમણીની તપાસમાં જે કાંઈ કહેવામાં આવેલું એ જ બાબત ઇન્ટરપોલના અહેવાલમાં પણ કહેવામાં આવેલી.
આંતરરાષ્ટ્રીય તપાસ એજન્સીઓ પાસે હોય એટલી જ ગુણવત્તા અને કૌશલ્ય એમના ફોરેન્સિક તપાસ અહેવાલોમાં હોવાને પગલે રુકમણીનું નામ સન્માનપાત્ર બન્યું .
રુકમણીએ ગુનાશોધન સંબંધિત એકસો દસ જેટલા સંશોધનપત્રો પ્રકાશિત કર્યાં છે. ભારત સરકારે રુકમણીને એના પ્રદાન બદલ સર્વશ્રેષ્ઠ ફોરેન્સિક નિર્દેશક’ તરીકે સન્માનિત કરી છે. રુકમણીના પ્રદાન અને ઉપલબ્ધિઓ માટે એમને બાર રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પુરસ્કાર એનાયત થયા છે.
રુકમણી કૃષ્ણમૂર્તિએ પોતાની ફોરેન્સિક કારકિર્દીનો આરંભ પચાસેક વર્ષ પહેલાં સિત્તેરના દાયકામાં કરેલો. એમણે એનાલિટિકલ કેમેસ્ટ્રીમાં અનુસ્નાતક કર્યું. એ પછી ત્રણ ઠેકાણે નોકરી માટે અરજી કરી. ‘રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા’ કલેરિકલ કામ માટે નોકરી આપવા તૈયાર હતી. શિક્ષિકા તરીકે પણ એમની પસંદગી થયેલી અને ત્રીજી નોકરી મુંબઈની ‘ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી’માં આસિસ્ટન્ટ તરીકેની મળતી હતી.
રુકમણીએ પોતાના એક મિત્રને કોલેજની પ્રયોગશાળામાં ફોરેન્સિક સંશોધન કરતાં જોયેલો. ત્યારથી રુકમણીને આ કામમાં રસ પડેલો. એથી એમણે ફોરેન્સિકની નોકરી સ્વીકારી લીધી. રુકમણી ૧૯૭૪માં મહારાષ્ટ્રની ફોરેન્સિક વિજ્ઞાન પ્રયોગશાળામાં જોડાયાં અને આગળ જતાં પ્રયોગશાળાના ડાયરેક્ટર બન્યા. જો કે એમની વ્યાવસાયિક સફર સુંવાળી નહીં, કાંટાળી હતી. એનું એકમાત્ર કારણ એ હતું કે રુકમણી એક નારી હતાં !
રુકમણી કૃષ્ણમૂર્તિનો પહેલો કેસ દહેજમૃત્યુ અંગેનો હતો. એક પતિએ પોતાની પત્ની પર કેરોસીન રેડીને દીવાસળી ચાંપી દીધેલી. પત્ની બળીને ભડથું થઈ ગયેલી. રુકમણીએ આ કેસ અંગે કહેલું કે, હું તો એ વિચારીને જ થથરી ગયેલી કે પેલી મહિલાએ કેટલી યાતનાઓ, કેટલી પીડા વેઠવી પડી હશે, પણ મારા ઉપરીએ મને કહ્યું કે, ‘ગુનાખોરી સાથે
કામ કરતાં આપણે ઘણી વાર નિકૃષ્ટ બાબતોનો સામનો કરવો પડે છે. માણસના સૌથી ક્રૂર પાસાં જોવા પડે છે. પણ એવા સમયે લાગણીમાં તણાઈ જવાને બદલે કે સંવેદનશીલ થવાને બદલે જાત પર નિયંત્રણ મૂકીને ગુનેગારને ઝડપવા માટે વૈજ્ઞાનિક તપાસથી પોલીસને મદદ કરવી જોઈએ.’
આ શીખ ગુંજે બાંધીને રુકમણી કામે વળી. દરમિયાન એક દુર્ઘટના બની. ૧૩ ફેબ્રુઆરી ૧૯૭૬ના મુંબઈ સ્થિત માટુંગામાં દોડતી ટ્રેનમાં અચાનક આગ લાગી. ચોવીસ પ્રવાસી આગમાં બળીને ભડથું થઈ ગયાં. રુકમણી કૃષ્ણમૂર્તિ દુર્ઘટનાની તપાસ માટે પોતાની ફોરેન્સિક ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચ્યાં . તપાસ દરમિયાન રુકમણીને બળેલા કાટમાળમાંથી કેરોસીનના અંશ અને અડધું બળેલું પ્લાસ્ટિક ક્ધટેનર મળી આવ્યું. પ્લાસ્ટિક ક્ધટેનર એ બાબત પ્રત્યે ઈશારો કરતું હતું કે કોઈ મુસાફર કેરોસીન સાથે મુસાફરી કરી રહેલો અને બીજા કોઈ પ્રવાસીએ સિગાર કે બીડી પીવા દીવાસળી સળગાવીને એને બુઝાવ્યા વિના ફેંકી હશે, જે પેલા કેરોસીન ભરેલા ક્ધટેનરમાં પડી હશે ને
પરિણામે આગ લાગી હોવાની પૂરેપૂરી શક્યતા રહેલી હતી. રુકમણીએ શંકાના આધારે વૈજ્ઞાનિક ઢબે તપાસ કરી. શંકા સાચી પુરવાર થઈ.
રુકમણીએ પોતાના તપાસ અહેવાલમાં લખ્યું કે, પબ્લિક ટ્રાન્સપોર્ટમાં પેટ્રોલ અને કેરોસીન જેવા જ્વલનશીલ પદાર્થો લઇ જવા પર પ્રતિબંધ મૂકવો જરૂરી છે… રુકમણીના સૂચન પર તત્કાળ અમલ થયો. ને ત્યારથી સાર્વજનિક વાહનોમાં જ્વલનશીલ પદાર્થોની હેરફેર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો.
એ પછી રુકમણીએ બોમ્બ ધડાકાઓના આરોપીઓને ઝબ્બે કરાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવેલી. ૧૯૯૩ના બોમ્બ વિસ્ફોટની તપાસ અંગે રુકમણીએ એક મુલાકાતમાં કહેલું કે, એ સમયે મારા ભાઈ હોસ્પિટલમાં હતા. હું એમને મળવા ગઈ ત્યારે મને ધડાકાના સમાચાર મળ્યા.. સમાચાર સાંભળીને હું ઘેર જવા સાંજે છ વાગ્યે બસમાં બેઠી. બધા જ રસ્તા બંધ હોવાથી રાત્રે બે વાગ્યે હું ઘેર પહોંચી. બીજે દિવસે મેં મારી ફોરેન્સિક ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી. પહેલાં તો અમે તમામ પ્રકારના નમૂના એકઠા કર્યા. નમૂનાઓમાંથી કોઈક કોમન એટલે કે સમાન તત્ત્વની શોધ અમને હતી. અમે સતત ત્રણ મહિના સુધી કામગીરી કરી. નક્કર તપાસ અહેવાલ તૈયાર કર્યો. પરિણામે ગુનેગારોને કાનૂનના સકંજામાં સપડાવી શક્યા હતા.
એ જ રીતે ખૂબ ગાજેલા તેલગી સ્ટેમ્પ કૌભાંડમાં પણ ગુનેગારને કાનૂનના સકંજામાં સપડાવવામાં રુકમણીની મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.
મહારાષ્ટ્રના પુણેમાં ૧૯૬૧માં જન્મેલા અબ્દુલ કરીમ તેલગીએ નકલી સ્ટેમ્પ પેપરનું વિશાળ સામ્રાજ્ય ઊભું કરેલું. ભારતમાં કાનૂની દસ્તાવેજોને પ્રમાણિત કરવા માટે દસ રૂપિયાથી માંડીને સો રૂપિયા અને પાંચસો રૂપિયાના સ્ટેમ્પ પેપરનો ઉપયોગ કરવામાં આવે છે. એ દિવસોમાં લીગલ ડોક્યુમેન્ટેશન માટે સ્ટેમ્પ પેપરની અછત સર્જાયેલી. તેલગીએ તકનો લાભ લીધો. વીમા કંપનીઓ, બેંકો અને સ્ટોક બ્રોકરેજ ફર્મોને નકલી સ્ટેમ્પ પેપર વેચેલા. આખરે પાપ છાપરે ચડીને પોકાર્યું. તેલગીની ધરપકડ થઈ. સબળ પુરાવાઓ એકત્ર કરવા માટે
ફોરેન્સિક ટીમ કામે લાગી. રુકમણીએ એક મુલાકાતમાં કહેલું કે, તેલગી સ્ટેમ્પ સ્કેમને પુરવાર કરવું ખૂબ અઘરું હતું, કારણ કે તેલગીએ પોતાની બનાવટ પકડાઈ ન જાય એ માટે સ્ટેમ્પ પેપરમાં ગવર્મેન્ટ સીલનો જ ઉપયોગ કરેલો. અમે ત્રણ વર્ષ સુધી આ કેસ પર કામ કરેલું. અંતે અમે શોધી કાઢ્યું કે તેલગીએ સ્ટેમ્પ પેપર તૈયાર કરવા જે કાગળ વાપરેલો એ કાગળ સરકારી કાગળથી જુદો હતો. આ મુદ્દે તેલગીનો ગુનો સાબિત થયો.
આ પ્રકારે ગુનાશોધનને વૈજ્ઞાનિક પ્રયોગો દ્વારા નિર્ણાયક તબક્કે પહોંચાડનાર રુકમણી ૨૦૦૮માં સેવાનિવૃત્ત થઈ. સેવાનિવૃત્ત થયા પછી ૨૦૧૨માં રુકમણીએ ‘હેલિક એડવાઈઝરી’ નામની પોતાની ફોરેન્સિક પ્રયોગશાળાની સ્થાપના કરી. રુકમણીએ આ પ્રકારની પ્રયોગશાળાઓની પરંપરા સરજી. ૨૦૦૨થી ૨૦૦૮ સુધીમાં રુકમણીએ મુંબઈ, નાગપુર, પુણે, ઔરંગાબાદ, નાસિક અને અમરાવતીમાં છ
વિશ્ર્વસ્તરની ફોરેન્સિક પ્રયોગશાળાનું નિર્માણ કર્યું .ન્યાય સહુને મળવો જોઈએ એવું માનતી રુકમણી ફોરેન્સિક ક્ષેત્રના નવા નિશાળિયાઓને
સંદેશ આપે છે :
તમે તમારું કામ સંપૂર્ણ નિષ્ઠાથી કરો. તમારા ક્ષેત્રની છેલ્લામાં છેલ્લી પ્રગતિથી વાકેફ રહો અને એક વાર જે વલણ અપનાવો એને અદાલતમાં મક્કમતાથી વળગી રહો… આટલું કરશો તો સમજી લ્યો કે સફળતા તમારી મુઠ્ઠીમાં છે…!

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે? વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે…