
ભારતની વીરાંગનાઓ -ટીના દોશી
તમે ઈંટ, ચૂના અને સિમેન્ટથી ઈમારતનું ચણતર કરતાં કે ભવનનું નિર્માણકાર્ય કરતાં પુરુષ કડિયાને જોયા હશે, પણ કોઈ મહિલા કડિયાને જોઈ છે ?
સુનીતા દેવીને મળો.. કડિયાકામ કરનારી ભારતની પ્રથમ મહિલા… કોઈ ભવન કે ઈમારતનું નિર્માણ થતું હોય ત્યારે બાંધકામ સ્થળે સામાન્યપણે મહિલા મજૂરો રેતી, ઈંટ અને સ્ટોન ચિપ્સ જેવી બાંધકામની સામગ્રી તગારામાં ભરીને, માથે તગારું મૂકીને હેરફેર કરતી જોવા મળે, પણ દીવાલો ચણીને ઈમારત બનાવવાનું કાર્ય તો પુરુષો દ્વારા જ થતું હોય છે, પરંતુ ઝારખંડના આદિવાસી સમાજની સુનીતા દેવી પુરુષ પ્રધાન કડિયાકામમાં પગરણ કરનારી પ્રથમ ભારતીય મહિલા છે. ઈંટ પર ઈંટ મૂકીને દીવાલો ઊભી કરીને સુનીતા દેવી ઈમારતનું ચણતર કરે છે. ઝારખંડમાં ચણતરનું કામ કરતા આવા કડિયાને ‘રાજ મિસ્ત્રી’ કહેવામાં આવે છે. સુનીતા દેવી મહિલા હોવાથી ‘રાની મિસ્ત્રી’ તરીકે જાણીતી થઈ ગઈ છે !
સુનીતાએ ચણતરની કળા માત્ર પોતાના પૂરતી સીમિત રાખી નથી. એણે પંદરસો જેટલી મહિલાને નિર્માણકાર્ય માટે શિક્ષિત કરી છે. ભારત સરકારે સુનીતા દેવીને વર્ષ ૨૦૧૯માં ‘નારી શક્તિ પુરસ્કાર’ એનાયત કરીને પોંખી છે !
સુનીતા દેવી કહે છે, જે રીતે રાજમિસ્ત્રી ઇંટોને જોડે છે, દીવાલ ઊભી કરે છે અને ઈમારત બનાવે છે એ પ્રકારે હું પણ એ જ કામ કરું છું. કારણ કે હું રાની મિસ્ત્રી છું !
આ સુનીતા ઝારખંડના લાતેહાર સ્થિત બાલૂમાથની નિવાસી. નક્સલી પ્રભાવ હેઠળનો એ પછાત વિસ્તાર હતો. ગરીબી પરિવારને ઘેરી વળેલી. પિતા બીમાર રહેતા. ઘર ચલાવવા માટે મજબૂરીમાં માતા અને બહેને મજૂરી કરવી પડતી. પોતાનો ખર્ચ પોતે જ કાઢવાનું એણે નક્કી કર્યું. અગિયારેક વર્ષની ઉંમરે ગામની ખાણમાં કોલસા ઉપાડવાનું કામ કરવા લાગી. ખાણને કારણે ગામવાસીઓ વિસ્થાપિત થઈ ગયેલા, પણ ત્યાં મજૂરી કરવાથી થોડા પૈસા મળી રહેતા. શિયાળો હોય, ઉનાળો હોય કે ચોમાસું, સુનીતા કોલસા ઉપાડવા જરૂર જતી. ક્યારેક એને પચ્ચીસ- ત્રીસ રૂપિયા તો ક્યારેક સોથી દોઢસો રૂપિયા મળતા. આ રકમમાંથી સુનીતા પોતાનો સ્કૂલ યુનિફોર્મ ખરીદતી. લોકોનાં ઘરોમાં કચરોપોતું કરીને અને વાસીદું વાળીને પેન, પેન્સિલ તથા પુસ્તકોનો ખર્ચ કાઢતી. એ શાળાએથી ઘેર આવીને ઘરકામ કરતી. ખેતરમાં કામ કરતી. ગરીબ પિતા કહેતા કે, ભણશે તો કોઈ શોષણ નહીં કરી શકે. સુનીતા દસ ધોરણ ભણી. સાથે ગામનાં છોકરાઓને વિના મૂલ્યે ભણાવતી. બારમું પાસ કર્યા પછી સુનીતાનાં લગ્ન થઈ ગયાં.
અશોક ભગતને પરણીને સુનીતા રાંચીથી ૧૧૫ કિલોમીટરના અંતરે જાલિમખુર્દ પંચાયતના ઉદયપુરા ગામે આવી. પતિ બેરોજગાર હતા.. સુનીતા રોજ જંગલમાં જઈને લાકડાં કાપીને લાવતી. ભોજન બનાવતી અને ખેતરોમાં કામ કરતી. પછી ભણતી. દરમિયાન બે સંતાનની માતા બનીને રાજનીતિશાસ્ત્રમાં સ્નાતક થઈ. અનુસ્નાતક પણ થઈ. દરમિયાન, સુનીતા દેવી ગ્રામ સંગઠનની અધ્યક્ષ તરીકે ચૂંટાઈ આવી.
આ અરસામાં સરકાર તરફથી શૌચાલય બનાવવાની યોજના જાહેર કરવામાં આવી. યોજના મુજબ સરકાર તરફથી બાર હજાર રૂપિયા મળવાની જાહેરાત થયેલી. આ નાણાં સેલ્ફ હેલ્પ ગ્રુપને મળવાનાં હતાં. સુનીતા દેવીએ ગામમાં કેટલાં શૌચાલયની જરૂર છે એ અંગે સર્વેક્ષણ કરાવ્યું. ઘેર ઘેર શૌચાલય બનાવવાનો નિર્ણય લેવાયો, પણ ગામના કડિયાઓ-રાજમિસ્ત્રીએ આ કામ કરવાનો ઇનકાર કરી દીધો.
એ લોકો શૌચાલય બનાવવાને ગંદું કામ સમજતા. રાજમિસ્ત્રી કહેતા કે, એક શૌચાલય તો ત્રણ ચાર દિવસમાં બની જાય એટલે શૌચાલયો બનાવવાનું કામ પૂરું થાય પછી કોઈ કામ નહીં મળે. એનાથી બહેતર છે કે શહેરમાં કામ કરવા જતાં રહીએ. ત્યાં બેત્રણ મહિના સુધી રોજગાર મળશે અને નાણાં પણ વધુ મળશે.
રાજમિસ્ત્રી કામ કરવા તૈયાર નહોતા, એટલું જ નહીં, ગામવાસીઓ પણ ઘરમાં શૌચાલય બનાવવાને પક્ષે નહોતાં. એમણે તો ખુલ્લામાં શૌચ કરવાને જ સારું ગણાવ્યું. વળી દલીલ કરી કે, સરકાર તો શૌચાલય બનાવવા માત્ર બાર હજાર રૂપિયા આપવાની છે. એનાથી શું વળશે ?
વાતમાં વજૂદ હતું. કારણ કે ગણતરી કરતાં એક શૌચાલય બનાવવા માટે એક હજાર ઇંટો, છ બોરી સિમેન્ટ, ૧૫૦૦ રૂપિયાના લોખંડના સળિયા અને સાત બોરી સ્ટોન ચિપ્સની જરૂર પડે છે. રાજમિસ્ત્રી અને મજૂરનો ખર્ચ એમાં જોડવામાં આવે તો બાર હજારની રકમ તો કાંઈ ન કહેવાય. આમ કહીને લોકો શૌચાલય બનાવવાનો વિરોધ કરતાં.
જો કે, સુનીતા લોકોને સમજાવતી કે, ‘બાર હજારની રકમ તો પ્રોત્સાહન રાશિ છે. સરકાર સ્વચ્છતા જાળવવાના હેતુથી લોકોને આ રકમ આપીને શૌચાલય બનાવવા માટે પ્રોત્સાહિત કરી રહી છે, પણ એ માટે આપણે ખુદ કામ કરવું પડશે.’
સુનીતા માત્ર ઉપદેશ કરીને અળગી ન રહી. પહેલ કરીને એ પોતે આગળ આવી. એણે સ્વચ્છ ભારત મિશન સાથે જોડાયેલા કો-ઓર્ડિનેટરને કહ્યું કે, ‘જો રાજમિસ્ત્રી શૌચાલય બનાવવાનો ઇનકાર કરી રહ્યા છે તો અમે મહિલાઓ શૌચાલય બનાવી શકીએ છીએ. તમે મહિલાઓને કેમ તાલીમ આપતાં નથી ?’ મહિલાઓને તાલીમ આપવાનું નક્કી થયું.સુનીતા અને અન્ય છ-સાત સ્ત્રીએ શૌચાલય બનાવવાનું
શિક્ષણ લીધું. તાલીમ બાદ પોતાની સાથે પ્રશિક્ષિત થનાર અન્ય મહિલાઓને સહાયક બનાવીને કામ શરૂ કર્યું.
સુનીતાએ શૌચાલય બનાવવાનું શરૂ કર્યું ત્યારે ઘરપરિવારથી માંડીને સગાં-સંબંધીઓએ એના પર ફિટકાર વરસાવવાનું શરૂ કર્યું. સસરા અને દાદા સસરા પણ સુનીતાનો વિરોધ કરવા લાગ્યા. મહેણું મારતા કે, ‘ભણેલી ગણેલી વહુ, એમએ કર્યા પછી શૌચાલય બનાવે ?’ પણ સુનીતાએ કહ્યું કે, ‘અમને લગ્ન કરીને ઘૂંઘટમાં લાવવામાં આવે છે, પણ શૌચ માટે બહાર ખેતરોમાં જવું પડે છે. એનાથી ઘરની આબરૂમાંલ કયો વધારો થાય છે ? ઘરમાં શૌચાલય હશે તો મહિલાઓની ઈજ્જત વધશે..’
આમ સુનીતા દેવીએ શૌચાલય બનાવવાનું શરૂ કર્યું. વર્ષ હતું ૨૦૧૬-’૧૭. એ અંગે સુનીતા દેવી કહે છે, ‘મેં રાની મિસ્ત્રી તરીકે કામ શરૂ કર્યું. ધીમે ધીમે સોથી વધુ શૌચાલય બનાવ્યા. આરંભે ઘણી પરેશાનીનો સામનો કરવો પડ્યો. એક શૌચાલય બનાવવામાં છ-સાત દિવસ થઈ જતા. ક્યારેક દીવાલ ત્રાંસી કે વાંકી બનતી તો ક્યારેક પ્લાસ્ટર ખરાબ થઈ જતું. હાથમાં ઇંટ પકડવી, ગારા-સિમેન્ટના મિશ્રણથી એ ઇંટોને જોડવાનું કામ ઘણું અઘરું લાગતું.
પણ ધીરે ધીરે હું મારા કામમાં પાવરધી થવા લાગી. કેટલાક રાજમિસ્ત્રી દીવાલનું માપ કઈ રીતે લેવું એ શીખવતા. ક્યારેક ગરબડ ક્યાં થઈ છે અને એને દૂર કઈ રીતે કરવી એ પણ કહેતા. એમના સલાહસૂચનો પર અમલ કરીને હું સફળ રાની મિસ્ત્રી બની ગઈ. ત્યાર પછી મેં પંદરસોથી વધુ મહિલાઓને પણ કડિયાકામ શીખવીને રાની મિસ્ત્રી બનાવી છે.આ મહિલાઓ માત્ર શૌચાલય નથી બનાવતી, એ લોકો ઘર પણ બનાવી રહી છે !’
ગામને સ્વચ્છ અને સ્ત્રીઓને સશક્ત બનાવનાર સુનીતા એની સફળતાને પગલે જાલિમખુર્દ પંચાયતની મુખિયા બની ગઈ. ભણતરને કારણે જ પોતે સફળ થઈ શકી છે એમ માનતી રાની મિસ્ત્રી સુનીતા દેવી જીવનમાં આગળ વધવા માટે સહુને માત્ર ત્રણ જ શબ્દનો સંદેશ આપે છે : ભણો અને ભણાવો..!