લાડકી

વાઘ પર ડૉક્ટરેટ કરનાર પ્રથમ: લતિકા નાથ

ભારતની વીરાંગનાઓ -ટીના દોશી

વાઘ ભારતનું રાષ્ટ્રીય પ્રાણી છે. વાઘની ચામડીનો રતાશ પડતો બદામી રંગ અને ચામડી પરના અનિયમિત આકારના પટ્ટા ઘણા આકર્ષક હોય છે. વાઘના મોઢા પરની રંગરચના, તેનું ગળું અને ઉદરપ્રદેશના નીચલા ભાગમાં આવેલી શ્ર્વેત રૂવાંટી, સતત જાગૃત એવી લીલી-પીળી આંખ ઉપરાંત તેની ચપળતા અને પ્રભાવી છાપને લીધે વાઘની ગણના એક શ્રેષ્ઠ અને ભવ્ય વન્ય પ્રાણી તરીકે થાય છે. ૧૮ નવેમ્બર ૧૯૭૨ના વાઘને ભારતનો રાષ્ટ્રીય પ્રાણીનો દરજ્જો આપવામાં આવ્યો… શાળામાં વાઘ અંગે આ પ્રકારની માહિતી તમે ભણ્યા હશો, ક્યારેક નિબંધ પણ લખ્યો હશે, પણ એક એવી મહિલા છે જેણે વાઘ પર પીએચ.ડી. કર્યું છે. જાણો છો એને?

લતિકા નાથને મળો… રાષ્ટ્રીય પ્રાણી વાઘ પર પીએચ.ડી.-ડૉક્ટરેટ કરનાર પ્રથમ ભારતીય મહિલા. ધ ટાઈગર પ્રિન્સેસ ઓફ ઇન્ડિયા. ભારતની વાઘકુમારી લતિકા નાથ. એક વાઈલ્ડલાઈફ ક્ધઝર્વેટિસ્ટ અને વાઈલ્ડલાઈફ ફોટોગ્રાફર. લતિકાને ૨૦૨૦માં પ્રકાશિત એક લેખમાં ‘હર ડેરિંગનેસ’નું વિશેષણ પણ આપવામાં આવેલું. લતિકાએ ૧૯૯૦ના વર્ષથી ભારતમાં બિગ કેટ્સ કહેવાતી વન્ય પ્રજાતિઓ અંગેના અભ્યાસ, સંશોધન અને એમની સુરક્ષા માટે પોતાનું જીવન સમર્પિત કર્યું છે. લતિકાના કામનું ‘ધ ટાઈગર પ્રિન્સેસ’ નામની દસ્તાવેજી ફિલ્મમાં ફિલ્માંકન કરવામાં આવ્યું છે. ‘વાઈલ્ડ થિંગ્સ’ નામના અન્ય કાર્યક્રમમાં પણ લતિકા નાથના જીવન અને કાર્યોને દર્શાવાયાં છે. લતિકાએ ‘સીતાઝ સ્ટોરી’ અને ‘ધ ટેલ ઓફ ટૂ ટાઇગર્સ’ જેવી ફિલ્મોમાં પણ મહત્ત્વનું યોગદાન કર્યું છે!

આ લતિકા નાથ મીરા નાથ અને પ્રાધ્યાપક લલિત એમ. નાથની દીકરી. લલિત નાથ એઈમ્સના પૂર્વ નિર્દેશક હતા. ૧૯૬૯માં એમણે ભારતમાં વન્યજીવ બોર્ડની સ્થાપના કરેલી. દહેરાદૂનમાં વન્યજીવ સંસ્થાનનું નિર્માણ કરવામાં પણ એમની મહત્ત્વની ભૂમિકા હતી. નાનપણમાં લતિકા મોટા ભાગે માતાપિતા સાથે જંગલોમાં ઘૂમતી. લતિકા મુગ્ધાવસ્થામાં પ્રવેશી ત્યારે વાઘની તસવીરથી ઓરડો સજાવેલો. લતિકાએ સાત વર્ષની ઉંમરે ઇકોલોજિસ્ટ-પર્યાવરણ નિષ્ણાત બનવાનું નક્કી કરી લીધેલું.

પોતાના વિચારને આકાર આપ્યો લતિકાએ. લતિકાએ દિલ્હી યુનિવર્સિટીની મૈત્રેયી કોલેજમાંથી પર્યાવરણ વિજ્ઞાનમાં સ્નાતક કર્યું. સ્કોલરશિપ મળ્યેથી આગળના અભ્યાસ માટે વિદેશ ચાલી ગઈ. બ્રિટન ખાતે યુનિવર્સિટી કોલેજ ઓફ નોર્થ વેલ્સમાં ભણી. પર્યાવરણ અને વન્યજીવસૃષ્ટિ પર ઈન્ટરનેશનલ યુનિયન ફોર ક્ધઝર્વેશન ઓફ નેચ, યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ, યુનાઇટેડ નેશન્સ પોપ્યુલેશન ફંડ, અને ઈન્ટરનેશનલ સેન્ટર ફોર ઇન્ટીગ્રેટેડ માઉન્ટેન ડેવલપમેન્ટ સહિત રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંગઠનો સાથે સલાહકાર સ્વરૂપે કામ કર્યું. પણ એના નસીબમાં વાઘ પર પીએચ.ડી. બનવાનું લખાયું હતું. લતિકા ભારતની વાઈલ્ડલાઈફ ઇન્સ્ટિટયૂટમાં જોડાઈ ગઈ. ઇન્સ્ટિટયૂટના નિર્દેશક ડૉ. એચ.એસ. પવારે લતિકાને વાઘ પર ડૉક્ટરેટ કરવાનું સૂચન કર્યું, કારણકે રાષ્ટ્રીય પ્રાણી પર કોઈ પ્રકારનું સર્વાંગી વૈજ્ઞાનિક સંશોધન કરાયું નહોતું.

લતિકાએ વાઘના વિષય સાથે ડૉક્ટરેટ કરવાનું નક્કી કરી લીધું. ઓક્સફર્ડના પ્રખ્યાત જીવવૈજ્ઞાનિક ડેવિડ મેકડોનાલ્ડના માર્ગદર્શનમાં લતિકાએ ઓક્સફર્ડ વિશ્ર્વવિદ્યાલયમાંથી પીએચ.ડી. કર્યું. લતિકા વાઘ પર કામ કરવા માટે બાંધવગઢ ગઈ. બાંધવગઢ રાષ્ટ્રીય અભયારણ્યમાં વાઘ અંગે અભ્યાસ કરવા માટે લતિકાને પગપાળા ફરવાની અનુમતિ આપવામાં આવેલી. ફરતાં ફરતાં વાઘની આમનેસામને થઈ ગયેલી. આ સંદર્ભે લતિકાએ કહેલું કે, ‘વાઘોની ઓળખ અને એમના નિરીક્ષણ માટે હું કેમેરા ટ્રેપ સાથે અભયારણ્યમાં નીકળી પડેલી, કારણ કે મારી પાસે અભયારણ્ય સાથે જોડાયેલી સઘળી આંતરિક માહિતી હતી. જ્યાં જ્યાં વાઘ વારંવાર અવરજવર કરતા એવા પાણીથી ભરેલા ખાડા અથવા તો પગદંડીઓ પર કેમેરા ટ્રેપ લગાડતી…’

લતિકાએ સાંભળેલું કે જંગલમાં નવી વાઘણ આવેલી. એ વાઘણની તસવીર લેવા લતિકા ઈચ્છુક હતી. લતિકા નદીને રસ્તે ભરેલા પાણીના ખાડા ભણી ચાલી. એને વિશ્ર્વાસ હતો કે વાઘણ ત્યાં આવશે. લતિકા એના સહાયક સાથે કેમેરા ટ્રેપ લગાવવાનું કામ કરી રહેલી ત્યારે અંધારાના ઓળા ઊતરવા લાગેલા. અને અચાનક લતિકાને જોખમની ઘંટડી સંભળાઈ. લતિકાને મહેસૂસ થયું કે એક વાઘ આવી રહ્યો છે ! લતિકા અને એના સહાયકે ઝડપથી પોતાનું કામ પૂરું કર્યું. નાળાથી દૂર પોતાની ગાડી જ્યાં ઊભી રાખેલી એ દિશામાં સડકભણી ઝડપથી આગળ વધવા લાગ્યાં, પણ જેવા એમણે નાળાની બહાર આવીને ચાલવાનું શરૂ કર્યું, કે રસ્તાની એક કોરથી વાઘ સામે આવીને ઊભો રહી ગયો. આ ઘટના અંગે લતિકાએ કહેલું કે, ‘હું વધુ ભયભીત થયેલી કે વાઘ વધુ ડરી ગયેલો, એ મને ખબર ન પડી. મારા સદ્ભાગ્યે વાઘે ત્યારે જ શિકાર કરેલું હરણ એના જડબામાં જકડાયેલું હતું. વાઘ મારાથી માત્ર ત્રણ ફૂટના અંતરે ઊભેલો.

મોંમાં હરણ પકડીને એ વાઘ મારી તરફ ગોળ ગોળ આંખોથી ઘૂરકિયાં કરી રહેલો. હું તો ત્યાં જ ખોડાઈ ગયેલી. થોડી વાર પછી મેં અને મારા સહાયકે નાનાં નાનાં ડગલાં ભરીને પારોઠનાં પગલાં ભરવાનું શરૂ કર્યું. અમે જ્યાં સુધી પીછેહઠ કરીને દૂર ચાલ્યા ગયા ત્યાં સુધી વાઘ પણ પાછળ ન ફર્યો. અમે બીજો રસ્તો પકડીને ગાડી સુધી પહોંચી ગયાં. પછી એ જ સાંજે પાણી ભરેલા ખાડા પાસે પોતાના બચ્ચા સાથે આવેલી પેલી નવી વાઘણની તસવીર લેવામાં અમે સફળ થયાં.’

આ પ્રકારના અનુભવો સાથે લતિકાએ વાઘ અંગેનું પીએચ.ડી. પૂરું કર્યું. ડૉક્ટરેટની ડિગ્રી મળતાંની સાથે લતિકા નાથ વાઘ પર મહાશોધનિબંધ લખનાર પહેલી ભારતીય મહિલા બની ગઈ.
પછી વન્યજીવ સૃષ્ટિના જતન અને જાળવણી માટે કામ કરવાની સાથે વાઈલ્ડલાઈફ ફોટોગ્રાફર પણ બની. કેટલીક તસવીરો પુરસ્કૃત પણ થઈ. એમાંની એક બેબી ચિમ્પાન્ઝીની તસવીર અંગે જણાવતાં લતિકાએ કહેલું કે, ‘મારા માટે ચિમ્પાન્ઝી હોલિવૂડના સિતારા જેવા છે. ચિમ્પાન્ઝીને મળવું એ સેલિબ્રિટીને મળવા જેવું છે… એ મોકો નાઈજિરિયામાં મળ્યો. અમે ગોમ્બેમાં હતાં… બોટમાં તાન્ગન્યિકા ઝીલને પાર કરીને એક પાર્કમાં પ્રવેશ કર્યો. પર્વત તરફ આગળ વધવા લાગ્યા. પિસ્તાળીસ મિનિટ ચાલ્યા પછી ચિમ્પાન્ઝીનું એક ઝુંડ રસ્તા પર બેઠેલું જોયું. એ લોકો પરસ્પર સંવાદ કરી રહેલા. અચાનક કેટલાક ચિમ્પાન્ઝીએ અમને જોઈ લીધા. એકે ઈશારો કર્યો ને બધા ઊભાં થઈને રસ્તાથી દૂરની ઝાડીઓમાં અલોપ થઈ ગયા. અમારા ગાઈડે એમનો પીછો કરવાનો સંકેત કર્યો. અમે પહાડ ચડવા લાગ્યાં. એક કલાક પછી અમે પહાડના એક તૃતીયાંશ રસ્તો કાપી લીધેલો. મેં નીચે જોયું ત્યારે ખ્યાલ આવ્યો કે અમે એક મોટી સીધીસપાટ ચટ્ટાન પર હતાં. કેટલાક વધુ કલાકોના કઠિન ચડાણ પછી અમે ઊંચાઈએ પહોંચી ગયા. ત્યાં ચિમ્પાન્ઝીનું ટોળું બેઠેલું. તેઓ થોડું ચાલીને અમારી પાસે આવ્યા. અમારી ચારેકોર ગોઠવાઈ ગયા. અમને ચિમ્પાન્ઝીઓ સાથે થોડો સમય ગાળવાનો મોકો મળ્યો. એ વખતે બેબી ચિમ્પાન્ઝીની તસવીર લીધેલી, જેને પુરસ્કાર મળેલો.’

લતિકાને જોકે પુરસ્કાર કરતાં પણ વધુ રસ વન્યજીવ સંરક્ષણમાં છે. જંગલી જાનવરોની જાળવણી કરવાની સાથે લતિકા અન્ય કામો પણ બખૂબી કરે છે. લતિકાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક તસવીરની નીચે આ પ્રકારનું લખાણ જોવા મળે : ડૉ. લતિકા નાથના કેટલાયે અવતાર છે- એક કોસ્મોપોલિટન વુમન સાયન્ટિસ્ટ, એક ક્ધઝર્વેશનિસ્ટ ટેલિવિઝન પર્સનાલિટી અને એક હાર્ડ વર્કિંગ રિસર્ચર… પરિચય ઘણા છે, પણ લતિકા નાથનો કોઈ એક કાયમી અવતાર હોય તો એ છે ‘ધ ટાઈગર પ્રિન્સેસ’ તરીકેની ઓળખ!’

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે? વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે…