લાડકી

એશિયાના સૌથી મોટા ગોબી રણને પગપાળા પાર કરનારી પ્રથમ : સુચેતા કડેઠાણકર

ભારતની વીરાંગનાઓ -ટીના દોશી

કડકડતી ઠંડી અને સુસવાટા મારતો પવન, સ્વચ્છ નીલું આકાશ, રાત્રિની સ્તબ્ધ નીરવતામાં માથા પર ઝૂલતો વિશાળ ચંદ્ર, ચંદ્રપ્રકાશમાં ઊડીને આંખે વળગતા અમારા લીલા રંગના તંબૂ, અવાજના નામે સન્નાટો, પાતળી દોરડીથી બાંધેલા અમારા ઊંટોમાંથી કોઈ છીંકે તો છીંકનો અવાજ પણ ગડગડાટ જેવો સંભળાય, રાતના અંધારામાં તંબૂમાં સ્લિપિંગ બેગમાં ઊંઘતા હોઈએ ત્યારે તંબૂની બહાર સરસરાટ કરતો સાપ કે વીંછી પણ થ્રીડી સિનેમાની જેમ અમારા અંગ પરથી સરકતો હોય એવું લાગતું. એ વખતે નીરવ શાંતિથી મને જેટલો ભય લાગેલો એ પહેલાં ક્યારેય નહોતો લાગેલો….આજે પણ એ ક્ષણ યાદ આવે ત્યારે થથરી જવાય છે !’

પર્વતારોહણ કરનાર કે પછી એ પ્રકારનાં અન્ય સાહસોમાં ભાગ લેનાર સાહસિકો માટે આવો રોમાંચક અનુભવ કોઈ નવી નવાઈનો નથી, પરંતુ ઉપરોક્ત અનુભવ જેણે વર્ણવ્યો છે એ એશિયાના સૌથી મોટા ગોબી રણને પગપાળા પાર કરનાર પ્રથમ ભારતીય મહિલા હોવાથી એનું મહત્ત્વ વધી જાય છે !

એનું નામ સુચેતા કડેઠાણકર… ૧૫ જુલાઈ ૨૦૧૧ના એશિયાના સૌથી મોટા અને વિશ્ર્વના પાંચમા સૌથી મોટા ગોબીના રણને સોળસો કિલોમીટર પગપાળા ચાલીને પાર કરનારી પ્રથમ મહિલા બની સુચેતા…. ૩૧ ડિસેમ્બર ૧૯૭૭ના પુણેમાં જન્મેલી સુચેતા ફર્ગ્યુસન કોલેજમાંથી ઈતિહાસમાં અનુસ્નાતક થઈ. પત્રકારત્વથી કારકિર્દીનો આરંભ કર્યો. પછી સિમેંટેકમાં પ્રોફેશનલ ડેવલપર તરીકે કાર્યરત થઈ. પણ સાહસિક પહેલેથી જ હતી. પહાડોમાં ટ્રેકિંગ, સંકલ ચલાવવી, નદી પાર કરવી અને રણપ્રદેશની સફર કરવી એને ગમતું. ૨૦૦૮માં માઉન્ટ એવરેસ્ટ બેઝ કેમ્પ અને અન્નપૂર્ણા બેઝ કેમ્પમાં ટ્રેકિંગમાં એણે ભાગ લીધેલો. સહ્યાદ્રિ પર્વત અને પુણે સ્થિત પોતાના ઘર નજીક આવેલા સિંહગઢ કિલ્લા પાસે ઘણી વાર ટ્રેકિંગ કરી ચૂકેલી સુચેતા.

એ પછી એક્સ્પ્લોર ફાઉન્ડેશન ઓફ આયર્લેન્ડ દ્વારા આયોજિત ગોબી ક્રોસિંગ ૨૦૧૧ના અભિયાનમાં સુચેતાએ ભાગ લીધો. મંગોલિયાના છાત્રોને વિનામૂલ્યે શિક્ષણ આપવાની બાબતને ટેકો આપવા માટે એક મંગોલિયન બિનસરકારી સંસ્થા એડૂ રિલીફને સમર્થન કરવું એ અભિયાનનો ઉદ્દેશ હતો. સાત હજાર અમેરિકન ડૉલરના ખર્ચે યોજાયેલા અભિયાન અંતર્ગત મંગોલિયાના જંગલી રણપ્રદેશ ગોબીને પાર કરવાનું હતું. સાઠ દિવસના ટ્રેકિંગમાં સોળસો કિલોમીટરનું અંતર કાપવાનો પડકાર હતો.

ગોબી રણપ્રદેશ….એશિયાનું સૌથી મોટું અને દુનિયાનું પાંચમું સૌથી મોટું રણ. એશિયા મહાદ્વીપમાં મંગોલિયાના સૌથી બહોળા વિસ્તારમાં ફેલાયેલું રણ. ગોબી એક મંગોલિયન શબ્દ છે, જેનો અર્થ ‘જળરહિત સ્થાન’ છે. ગોબી પશ્ર્ચિમમાં પામીરની પૂર્વીય પહાડીઓથી લઈને પૂર્વમાં ખિંગન પર્વતમાળા સુધી તથા ઉત્તરમાં અલ્તાઈ, ખંગાઈ તથા યાબ્લોનોઈ પર્વતમાળાથી લઈને દક્ષિણમાં અલ્તાઈન તથા નાનશાન પહાડીઓ સુધી ફેલાયેલું છે. ગોબી દુનિયાના સૌથી ઠંડા રણપ્રદેશમાંનું એક છે. કહેવાય છે કે આ રણ જેટલું ખૂબસૂરત છે એટલું જ જંગલી અને ક્રૂર છે. ગોબી રણપ્રદેશ કોઈની સાથે સારો વ્યવહાર નથી કરતું, એ અચાનક તમારી ગરદન ફરતે ભરડો લે છે અને પાણીની તરસથી તડપાવીને તમને મોતને હવાલે કરી દે છે. આ ગોબી રણને પાર કરવાનું અભિયાન રણસંશોધક રિપ્લે ડેવનપોર્ટના નેતૃત્વમાં આરંભાયું. ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ, હોંગકોંગ, સિંગાપુર અને ભારત સહિત નવ દેશના તેર સદસ્યની ટુકડી આ અભિયાનનો હિસ્સો બની. અભિયાનમાં સુચેતા સહિત સાત મહિલાએ ભાગ લીધેલો. ટ્રેકમાં ભાગ લેવા માટે નોંધણી કરાવ્યા પછી સુચેતાએ છ મહિના સુધી રોજ પીઠ પર વજનદાર બેગ મૂકીને ચોવીસ કિલોમીટર ચાલવાનું પ્રશિક્ષણ લીધેલું.

ગોબી ક્રોસિંગ અભિયાનનો આરંભ ૨૫ માર્ચ ૨૦૧૧ના થયો. ચારચક્રી ડ્રાઈવ ટ્રક, સ્થાનિક મંગોલિયન ગાઈડ અને બાર બેક્ટિરિયન ઊંટ સાથે તેર સાહસિકોનો કાફલો નીકળી પડ્યો. ટ્રેક પશ્ર્ચિમથી પૂર્વ દિશામાં મંગોલિયાના સૌથી મોટા રેતટેકરામાંનો એક ખોંગોર્ન એલ્સની ઉત્તરે હતો. પશ્ર્ચિમમાં ખોવડ પ્રાંતના બુલ્ગનથી શરૂ કરીને અંતમાં દોરનગોવી પ્રાંતની રાજધાની સેનશંડ. રસ્તાને કિનારે માનવવસ્તી ન બરાબર કહી શકાય. કેટલીક ઈગ્લુ પ્રકારની ઝૂંપડીઓમાં રહેતા ‘ગાર’ નામે ઓળખાતા ભટકતા લોકો જોવા મળે. સુચેતા શાકાહારી હોવાથી ગાર લોકોએ એના માટે દૂધ અને પનીરની વ્યવસ્થા કરી આપેલી. આ સિવાય સુચેતા મંગોલિયન નૂડલ્સ અને પાસ્તા ખાઈને ચલાવતી.

સુચેતાએ કહેલું કે, અભિયાનની શરૂઆત થઈ ત્યારે અમે તેર સાહસિકો હતા. નવી નવી ઓળખાણ થયેલી. એથી આરંભના દિવસોમાં અમે ખૂબ વાતો કરતા. દિવસભર ચાલતાં હોઈએ ત્યારે, સાંજે કેમ્પ પર અને રાત્રે ઊંઘતાં સુધી અમે ટોળટપ્પાં કરતાં. પછી આશ્ર્ચર્યજનક રીતે સહુએ પોતપોતાનો જુદો ચીલો ચાતરી લીધો. પ્રત્યેકની ચાલવાની ગતિ જુદી. કાનમાં-મનમાં વાગતું સંગીત જુદું. લય જુદો. વાતચીતનું પ્રમાણ ઘટતું ચાલ્યું. આઠ કલાકના પગપાળા પ્રવાસ દરમિયાન અમે માંડ ચારપાંચ વાક્ય બોલતાં. રાત્રિભોજન દરમિયાન અમે સહુ તંબૂની બહાર સાથે બેસીને જમતાં, પણ વાતચીતના નામે મોટું મીંડું. સહુ જાત સાથે વાત કરતાં. પ્રત્યેક પાસે જાત સાથે સંવાદ કરવાનું પોતાનું સાધન હતું. કોઈ ડાયરી લખતું, કોઈ પુસ્તક વાંચતું, કોઈ સંગીત સાંભળતું, કોઈ શૂન્યમાં તાકતું રહેતું, કોઈ ઊંટ સાથે વાત કરતું તો કોઈ તંબૂના રસોઈઘરમાં રસોઈયા યંકા સાથે રસોઈ બનાવવામાં પરોવાઈ જતું…

મેં એવું સાંભળેલું કે વિપશ્યનામાં મૌન વ્રત પાળવાનું હોય છે, પણ મારો મૌનનો અનુભવ જુદો જ હતો. જાત સાથે વાત કરવાનું પ્રમાણ વધતું ગયેલું… મને ખુદને ઓળખવાનો મોકો મળ્યો.’ પોતાની જાત સાથે વાત કરવાની તક તો સુચેતાને મળી, પણ ઘણી મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડ્યો. ટ્રેક શરૂ કર્યાના થોડા દિવસોમાં ફ્લૂ થઈ ગયો ત્યારે એણે સ્વેટર વીંટાળીને ફરવું પડ્યું. બીજી એક ઘટનામાં સુચેતાનો સામાન લઈને ચાલતા ઊંટે એને લાત મારી દીધેલી, ત્રણ દિવસ રેતીના તોફાન અને બીજે પ્રસંગે વરસાદી તોફાન સામે ઝઝૂમવું પડેલું, સુચેતા આ પડકારમાંથી પાર ઊતરી અને ૧૫ જુલાઈ ૨૦૧૧ના, નિર્ધારિત સમયના નવ દિવસ પહેલાં, માત્ર એકાવન દિવસમાં ગોબી રણને પાર કર્યું. એ માટે લિમ્કા બુક ઓફ રેકોર્ડઝમાં નામ નોંધાવનાર સુચેતા કહે છે, ‘રણ મેં જરૂર પાર કર્યું, પણ રણમાં ચાલવું એ રણમાં નાવડી હંકારવા જેટલું જ કઠિન હતું !’

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button