સાત સમુદ્ર તરીને પાર કરનાર પ્રથમ ભારતીય મહિલા : બુલા ચૌધરી
ભારતની વીરાંગનાઓ -ટીના દોશી
પાંચ મહાદ્વીપના સાત સમુદ્ર પાર કરનારી પ્રથમ મહિલા, રોબેન આઈલેન્ડ પાર કરનારી પ્રથમ ભારતીય મહિલા અને બે વાર ઇંગ્લિશ ચેનલ તરીને પાર કરનાર પ્રથમ એશિયાઈ મહિલા…. જાણો છો એને?
એનું નામ બુલા ચૌધરી. ૨ જાન્યુઆરી ૧૯૭૦ના પશ્ચિમ બંગાળના હુગલીમાં જન્મેલી બુલાનો સંક્ષિપ્ત પરિચય એટલો છે કે, એ અર્જુન પુરસ્કારથી સન્માનિત છે, દેશના ચોથા સર્વોચ્ચ પુરસ્કાર પદ્મશ્રીથી પુરસ્કૃત છે, એ ભારતની રાષ્ટ્રીય તરણસ્પર્ધાની પૂર્વ વિજેતા છે, તથા ૨૦૦૬થી ૨૦૧૧ સુધી પશ્ચિમ બંગાળ રાજ્યની વિધાનસભ્ય રહી ચૂકી છે. જોકે એની આગવી ઓળખ નિપુણ તરવૈયા તરીકેની જ છે. બુલાએ કહેલું કે, એક વાર વડા પ્રધાન સાથે મારી મુલાકાત થયેલી. એમણે મને કહેલું, યુ આર ધ રોલ મોડેલ ઓફ ઇન્ડિયન વિમેન… તમે ભારતીય મહિલાઓ માટે એક આદર્શ છો…!’
બુલા ચૌધરી ખરેખર ભારતીય મહિલાઓ માટે આદર્શ ગણી શકાય. પત્ની બન્યા પછી અને એક દીકરાની માતા બન્યા પછી પણ એણે પોતાના સ્વપ્નને સાકાર કરવાનું સાહસ દાખવેલું. અલબત્ત પતિ સંજીવ ચક્રવર્તીના સહયોગથી. બુલાની ઉપલબ્ધિઓ આ મુજબ છે. બુલાએ નવ વર્ષની વયે પોતાની પહેલી રાષ્ટ્રીય તરણ પ્રતિયોગિતામાં ભાગ લીધેલો. નવ વર્ષની ઉંમરે પોતાના વયજૂથની તમામ છ પ્રતિયોગિતા જીતીને છ સુવર્ણચંદ્રક પ્રાપ્ત કર્યા. ૧૯૮૪માં ૧: ૦૬.૧૯ સેક્ધડનો રાષ્ટ્રીય સો મીટર બટરફ્લાય તરણનો વિક્રમ સર્જ્યો. ૧૯૮૬માં સિયોલ એશિયાઈ ખેલો દરમિયાન સો મીટર બટરફ્લાય સ્વિમિંગમાં ૧:૦૫.૨૭ સેક્ધડનો અને બસ્સો મીટર બટરફ્લાય સ્વિમિંગમાં ૨:૧૯.૬૦ સેક્ધડનો વધુ એક વિક્રમ નોંધાવ્યો. ૧૯૮૯માં લાંબા અંતરનું સ્વિમિંગ શરૂ કરીને ઇંગ્લિશ ચેનલ તરીને પાર કરી. દસ વર્ષ બાદ ૧૯૯૯માં ફરીથી ઇંગ્લિશ ચેનલ તરીને પાર કરી. આમ બે વાર ઇંગ્લિશ ચેનલ પાર કરનાર પ્રથમ ભારતીય જ નહીં, પ્રથમ એશિયાઈ મહિલા બની.
ઇંગ્લિશ ચેનલ બે વાર પાર કર્યા પછી બુલાનો આત્મવિશ્વાસ બુલંદ બન્યો. બુલા જાણે કે વિક્રમ સર્જવા જ જન્મી હોય એમ તરણક્ષેત્રે એણે અનેક સિદ્ધિઓ હાંસલ કરી, પણ એની સૌથી મોટી ઉપલબ્ધિ એ હતી કે પાંચ મહાદ્વીપના સાત સમુદ્ર તરીને પાર કરનાર એ પ્રથમ મહિલા બની. સાત સમુદ્ર પાર કરવાનું એનું સ્વપ્ન હતું. સ્વપ્ન સાકાર કરવાની શરૂઆત વર્ષ ૨૦૦૦માં કરી. બુલાએ ઓગસ્ટ ૨૦૦૦માં સ્પેનનું સ્ટ્રેટ ઓફ જિબ્રાલ્ટર એટલે કે જિબ્રાલ્ટર જળસંધિનું લાંબુ અંતર તરીને કાપ્યું. જિબ્રાલ્ટર જળસંધિ ભૂમધ્ય સાગરને એટલાંટિક મહાસાગર સાથે જોડે છે. એનું સ્થાન દક્ષિણી સ્પેન અને ઉત્તર-પશ્ચિમી આફ્રિકાની વચ્ચે છે. લંબાઈ અઠ્ઠાવન કિલોમીટર છે. જિબ્રાલ્ટર જળડમરુમધ્ય તરીકે પણ જાણીતો આ સમુદ્ર સ્પેનથી મોરોક્કો સુધી વીસ કિલોમીટરમાં વિસ્તરેલો છે. બુલાએ આ અંતર ત્રણ કલાક પાંત્રીસ મિનિટમાં પાર કરીને વિક્રમ સર્જ્યો, જે આજે પણ એક વિશ્ર્વ વિક્રમ છે. બુલાને વિક્રમ સર્જતી જોવા માટે એના કોચ સંજીવ ચક્રવર્તી, જે એના પતિ પણ છે, એ અને એમનો દસ વર્ષનો દીકરો સર્બૂજી કોલંબો આવેલા.
જિબ્રાલ્ટર સ્ટ્રેટ પાર કર્યા પછી બુલાનું મનોબળ વધુ મક્કમ બન્યું. બુલાએ ૨૦૦૧માં ઈટલીનો તિરાનિયન કે ટાયરાનિયન સમુદ્ર પાર કર્યો. આ સમુદ્ર ઈટલીના પશ્ચિમ તટથી દૂર ભૂમધ્ય સાગરનો હિસ્સો છે. એનું નામ એટ્રસ્કેન્સ માટેના ગ્રીક નામ ટાયરહેનિયન પરથી રખાયું છે, જેનો ઉલ્લેખ પહેલી વાર આઠમી શતાબ્દી ઈ.સ. પૂર્વેમાં હેસિયોડે કરેલો. એ પછી ૨૦૦૨માં અમેરિકામાં કેટેલિના ટાપુથી સેન પેન્ડ્રો સુધીનું અંતર કાપવા કેટેલિના ચેનલ પાર કરી. જુલાઈ ૨૦૦૨માં ગ્રીસનું ટોરોનોજ ગલ્ફ-ગલ્ફ ઓફ કાસાન્દ્રા પાર કર્યું, જેનું અંતર છવ્વીસ કિલોમીટર હતું. ગ્રીસના નાના શહેર મૈસીડોનિયાની પાસે નિકિતી ચાકિડિંકોથી તરવાનો આરંભ કરીને કાસાન્દ્રા સુધીનું અંતર બુલાએ પ્રતિકૂળ મોસમ અને અવરોધરૂપ વાતાવરણ વચ્ચે આઠ કલાક અને અગિયાર મિનિટમાં કાપેલું.
એકાદ વર્ષ પછી, બુલાએ ૨૦૦૩માં ન્યૂઝીલેન્ડમાં કુક સ્ટ્રેટ પાર કર્યો. કુક સ્ટ્રેટને જળડમરુમધ્યના રૂપમાં સ્થાપિત કરનાર જેમ્સ કુકના નામે એનું નામ રખાયું છે. જેમ્સ કુક ૧૭૭૦માં આ માર્ગે જળયાત્રા કરનાર પહેલા યુરોપીય કમાન્ડર હતા. કુક સ્ટ્રેટ ન્યૂઝીલેન્ડના ઉત્તરી અને દક્ષિણી દ્વીપોથી અલગ કરે છે.
એ પછી ૨૪ ઓગસ્ટ ૨૦૦૪ના બુલાએ શ્રીલંકાથી તમિળનાડુ વચ્ચેનો પાલ્ક સ્ટ્રેટ પાર કર્યો. પાલ્ક સ્ટ્રેટ બંગાળની ખાડીને પૂર્વોત્તરમાં પાલ્ક ખાડી અને દક્ષિણ પશ્ચિમમાં મન્નારની ખાડી સાથે જોડે છે. હિંદુ માન્યતા મુજબ આ સ્ટ્રેટને રામસેતુ પણ કહે છે. એવું માનવામાં આવે છે કે ત્રેતા યુગમાં ભગવાન શ્રીરામે પોતાની વાનરસેના સાથે આ સેતુનું નિર્માણ કરેલું. જોકે બ્રિટિશ રાજ દરમિયાન ૧૭૫૫થી ૧૭૬૩ દરમિયાન મદ્રાસ પ્રેસિડેન્સીના ગવર્નર રોબર્ટ પાલ્કના નામે આ સ્ટ્રેટનું નામ પાલ્ક છે. શ્રીલંકામાં તલાઈમન્નારથી તમિળનાડુના ધનુષ્યકોટિ સુધીના પાલ્ક સ્ટ્રેટની ચાળીસ કિલોમીટરની દૂરી ચોત્રીસ વર્ષની બુલાએ તેર કલાક અને ચોપન મિનિટમાં તરીને પાર કરી. આ અંતર કાપવામાં બુલાએ એક કિલોમીટર સુધી વરસાદનો સામનો કરવો પડેલો. એ પછી બુલાએ કહેલું કે, સાત સમુદ્ર પાર કરવાનો વિક્રમ નોંધાવીને મારું સ્વપ્ન સાકાર થયું છે. ધનુષ્યકોટિ પાસે પાંચ કિલોમીટર સુધી એટલી તેજ હવા અને લહેરો હતી કે આ અંતર કાપતાં મને બે કલાકથી વધુ સમય લાગેલો. પણ માતૃભૂમિને કાંઠે પહોંચી ત્યારે એવું લાગ્યું જાણે હું દુનિયાની સર્વોચ્ચ ટોચે પહોંચી ગઈ છું.’
ત્યાર પછી ૨૯ એપ્રિલ ૨૦૦૫ના દક્ષિણ આફ્રિકાના કેપ ટાઉન પાસે થ્રી એન્કર કે ટેબલ અખાતથી રોબિન કે રોબેન આઈલેન્ડ પાર કરનારી પ્રથમ ભારતીય મહિલા બની. કેપ ટાઉનથી અગિયાર કિલોમીટર દૂર આવેલા આ દ્વીપની શોધ ૧૪૮૮માં બાર્ટોલોમૂ ડાયસે કરેલી. ડચ ભાષામાં રોબેન એટલે સીલ માછલી. એથી ડચ-આફ્રિકી નામ રોબેન આઈલેન્ડ છે, જેનો અનુવાદ સીલોનો દ્વીપ થાય છે. રંગભેદની સમાપ્તિ પછી સત્તરમી સદીના અંતથી લઈને ૧૯૯૬ સુધી અંડાકાર રોબેન દ્વીપની કિલ્લેબંધી કરવામાં આવી અને સર્વપ્રથમ ડચ લોકો દ્વારા એનો જેલ તરીકે ઉપયોગ થવા લાગ્યો. દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ રહેલા નેલ્સન મંડેલાને લોકતંત્રની શરૂઆત પહેલાં સત્તાવીસ વર્ષનો કારાવાસ થયેલો, એમાં અઢાર વર્ષ રોબેન દ્વીપ પર એમને કેદ કરવામાં આવેલા. મંડેલાને જેલમુક્ત કરાયા પછી ૧૯૯૪માં એ રાષ્ટ્રપતિ બનેલા. રોબેન દ્વીપના ઐતિહાસિક મહત્ત્વને પગલે દક્ષિણ આફ્રિકા અને યુનેસ્કોના વિશ્વવારસાની યાદીમાં એનું નામ છે. આ રોબેન દ્વીપને બુલાએ પાર કરેલો.
બુલાએ એન્ટાર્કટિકાના ઠંડાગાર પાણીમાં ત્રીસ કિલોમીટરનું અંતર ત્રણ કલાક છવ્વીસ મિનિટમાં પાર કરીને નવો કીર્તિમાન સ્થાપેલો. આ અંતર કાપનારી બુલા પ્રથમ એશિયાઈ મહિલા જ નહીં, વિશ્ર્વની પણ પ્રથમ મહિલા હતી. એણે દક્ષિણ આફ્રિકાના સમુદ્રની આ તૈરાકી સવારે દસ વાગ્યે શરૂ કરીને બપોરે એક વાગીને છવ્વીસ મિનિટે પૂરી કરેલી. એણે શાર્ક માછલીઓથી ભરેલા એન્ટાર્કટિકાના પાણીમાં પહેલેથી જ તરવાનું પ્રશિક્ષણ મેળવેલું. એથી જ આ અત્યંત કઠિન ગણાતું અંતર એ કાપી શકેલી.
આ સફળતા પાછળનું કારણ એ છે કે પાણી સાથે માછલીની હોય એવી દોસ્તી બુલાની સમુદ્ર સાથે છે. સાત સાત સમુદ્ર એણે એમએમ સર કર્યાં નથી. બુલાની સિદ્ધિ અને ઉપલબ્ધિને કારણે જ એને ‘જલપરી’ અને સમુદ્રસમ્રાજ્ઞી’નાં બિરુદ મળ્યાં છે !