ઍન્ટાર્કટિકા પર પહોંચનારી પ્રથમ ભારતીય મહિલા: મેહર મૂસ
ભારતની વીરાંગનાઓ -ટીના દોશી
ઍન્ટાર્કટિકા પૃથ્વીના દક્ષિણ ધ્રુવ પર આવેલો ખંડ છે. આ સૌથી ઠંડો ખંડ છે અને બારે માસ બરફથી આચ્છાદિત રહે છે. ૧૩,૨૦૦,૦૦ વર્ગ કિલોમીટર ક્ષેત્રફળ ધરાવતો ઍન્ટાર્કટિકા દુનિયાનો પાંચમો સૌથી મોટો ખંડ છે. એન્ટાર્કટિકામાં તમામ ખંડોમાં સૌથી ઠંડું વાતાવરણ છે. કહેવાય છે કે તેનો સૌપ્રથમ ઉપયોગ ગ્રીક ફિલસૂફ એરિસ્ટોટલ દ્વારા ૩૫૦ ઈ.સ. પૂર્વેની આસપાસ કરવામાં આવ્યો હતો. તેણે આ પ્રદેશનું નામ ગ્રીક એન્ટાર્કટિકોસ પરથી, ‘ઉત્તર તરફ મુખ રાખીને’ -‘ઉત્તર ધ્રુવની સામે‘’ રાખ્યું….
આ પ્રકારની માહિતી તમે વાંચી કે સાંભળી હશે, પણ ઍન્ટાર્કટિકા પર પહોંચેલી પ્રથમ ભારતીય મહિલા કોણ હતી એ જાણો છો ?
એનું નામ મેહર મૂસ. લાડકું નામ મૈગેલન મૂસ. પચાસ વર્ષમાં એકસો એંસી દેશની યાત્રા કરનાર મેહર મૂસ ૧૯૭૬માં ઍન્ટાર્કટિકા પર પહોંચનારી પ્રથમ ભારતીય મહિલા છે ! જોકે સારા કામમાં સો વિઘ્નની જેમ આ પ્રવાસમાં પણ અવરોધો આવેલાં. આફ્રિકામાં પ્રસિદ્ધ સ્વિડિશ-અમેરિકી સંશોધક, લાર્સ એરિક લિંડબ્લૈડ સાથેની એક આકસ્મિક મુલાકાતને પગલે ઍન્ટાર્કટિકા માટે રવાના થઈ રહેલા જહાજ પર એમની ટીમમાં મેહરને આમંત્રિત કરાયેલી. પણ એ સમયે આફ્રિકામાં રાજકીય ઊથલપાથલ ચાલી રહેલી. એથી મેહરને પોતાના વિઝા અને પાસપોર્ટ ઉપર મહોર લગાડાવવાનું મુશ્કેલ થઈ ગયું. પણ ખાસ્સી દોડાદોડીના અંતે આખરે મેહરને પાસપોર્ટ અને વિઝા મળી ગયા. પરંતુ અભિયાનના આરંભસ્થળ માડાગાસ્કર લઇ જતા વિમાનમાં ટેક્નિકલ ખામી સર્જાઈ. છતાં મેહરે હાર ન માની. એણે કેપટાઉનથી જહાજ પકડ્યું અને અંતે ઍન્ટાર્કટિકા પર પહોંચનારી પ્રથમ ભારતીય મહિલા બનવાની સિદ્ધિ મેળવી.
મેહર મૂસે જોયેલાં અસામાન્ય સ્થળો અને દેશીવિદેશી સ્થાનોની સૂચિ આશ્ર્ચર્યજનક રીતે લાંબી છે. દેશ દુનિયાની અધિકાંશ પર્વત શૃંખલાઓ-એન્ડીઝ, સિએરા નેવાદા, રોકીઝ આલ્પ્સ, એટલસ, હિમાલય, ઇન્ડોનેશિયા, મેલાનેશિયા અને પોલિનેશિયાના સૌથી દૂરના દ્વીપ, તમામ મહાસાગરો અને નદીઓમાં એમેઝોન, કાંગો, જમ્બેસી, મિસિસિપી, યાંગત્સે, ગંગા, ઉપરાંત તમામ ખાડી દેશ અને મધ્ય પૂર્વ માટે ટોંગામાં આંતરરાષ્ટ્રીય ડેટલાઈનને પાર અને ઇસ્તર દ્વીપ સુધીની જગ્યાઓ એણે જોઈ છે. મેહરે વેરણ રણપ્રદેશથી માંડીને ઊંચા પહાડો અને હર્યાંભર્યાં અભયારણ્યોથી માંડીને પ્રાચીન મંદિરોના કસબાઓ સહિત ભારતનાં તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પણ પોતાના પ્રવાસમાં આવરી લીધા છે !
પ્રવાસીની મેહર કોઈ પણ પ્રવાસ પહેલાં જે તે સ્થળ અંગે વિસ્તૃત માહિતી એકત્ર કરે છે. કોઈ પણ પ્રકારના સંદેહ વિના અને કશુંક શીખવા માટેની ધગશ તથા જે તે સ્થળના લોકો સાથે સંસ્કૃતિનું આદાન પ્રદાન કરવાથી શાનદાર પ્રવાસી બની શકાય છે, એવું માનતી મેહરે ૨૦૧૭માં બોતેર વર્ષની ઉંમરે એક મુલાકાતમાં જીવનની ફિલસૂફી અંગે કહેલું કે, ‘હું એવું માનું છું કે જ્યાં કોઈ ક્યારેય ન ગયું હોય એવે ઠેકાણે જવું, કોઈને પૂછવામાં ક્યારેય ડરવું નહીં અને એવું કરવું જે કોઈએ ક્યારેય ન કર્યું હોય.. !’
મેહરે એવું જ કર્યું છે. જે કોઈએ ક્યારેય કર્યું નથી એ મેહરે કર્યું છે. અને જે ઠેકાણે કોઈ ન ગયું હોય ત્યાં પ્રવાસ ખેડ્યો છે. મેહરનો જન્મ અને ઉછેર મહારાષ્ટ્રમાં. શાળાકીય શિક્ષણ પંચગીનીની સેન્ટ જોસેફ કોન્વેન્ટ સ્કૂલમાં. સોફિયા કોલેજમાંથી આર્ટસના વિષય સાથે સ્નાતક થઈ. મુંબઈની ગવર્મેન્ટ લો કોલેજમાંથી એલએલબી કર્યું. ૧૯૬૫માં માત્ર ૨૧ વર્ષની ઉંમરે એર ઇન્ડિયામાં એરહોસ્ટેસ તરીકે જોડાઈ ગઈ. એ સમયમાં એક છોકરી, ખાસ કરીને ભારતીય છોકરી અંતે વિદેશ યાત્રા કરવી એ નાની ઉપલબ્ધિ નહોતી. જોકે મેહરનાં માતાપિતા દીકરીને પ્રોત્સાહિત કરી રહેલાં, કારણ કે એરહોસ્ટેસની નોકરીથી ઘરમાં પૈસા આવતા. ઘરખર્ચને પહોંચી વળવા ટેકો મળતો.
એરહોસ્ટેસ તરીકે સતત સાત વર્ષ સુધી મેહર હવાઈ માર્ગે નાયરોબી-જાપાન-ન્યૂયોર્કના રૂટ પર ઉડાન ભરતી રહી. દરમિયાન યાત્રાનું એને વળગણ થઈ ગયું. પ્રવાસ માટેની એની ઘેલછા વધતી ગઈ. ૧૯૭૨માં મેહરની બદલી એર ઇન્ડિયાના ગ્રાઉન્ડ સ્ટાફમાં કરી દેવામાં આવી, પણ પ્રવાસપ્રેમી મેહર મૂસે એરલાઈન્સના પર્યટન વિભાગમાં જોડાવાનો વિકલ્પ પસંદ કર્યો. નવા કામમાં ફરજના ભાગરૂપે મેહરે બૌદ્ધ પર્યટનને પૂર્વ એશિયાના દેશોમાં પ્રચારિત કરવાનું હતું. એથી મેહરને બુદ્ધના જન્મસ્થાન લુમ્બિનીમાં તહેનાત કરવામાં આવી.
મેહર દિલ દઈને કામ કરતી, પણ એની પ્રવાસભૂખ વધતી જતી હતી. એ વધુમાં વધુ પ્રવાસ કરવા માગતી હતી, એ પણ એવાં સ્થળોનો જ્યાં કોઈ બીજું આવતું જતું ન હોય. જોકે પોતાનો શોખ પૂરો કરવા મેહર મૂસ નોકરી છોડી શકે એમ નહોતી. એ એક મધ્યમવર્ગીય પરિવારની હતી. ઘરનું પૂરું કરવામાં મુશ્કેલી નહોતી, પણ મોજશોખમાં પૈસા ઉડાડવા એને પોસાય એમ નહોતું. એટલે પોતાનો સફરશોખ પૂરો કરવા નોકરી કરવી જરૂરી હતી. નોકરીમાંથી થતી આવકનાં નાણાં બચાવીને એ રકમમાંથી યાત્રા કરવી સંભવ હતું.
આ પ્રકારે યાત્રા કરતાં કરતાં મેહર મૂસ વરિષ્ઠ પર્યટન અધિકારી બની ગઈ. ભારતીયો જયારે રજાઓ ગાળવા મુખ્યત્વે યુરોપ અને ઉત્તર અમેરિકા જવાનું પસંદ કરતા ત્યારે મેહર કાંગોમાં પિગ્મીઓ સાથે રહેતી, ઇસ્તર દ્વીપો પર ડેરાતંબૂ તાણતી અને પાપુઆ ગિનીના સેપિક નદીના ક્ષેત્રમાં પગપાળા ચાલી રહેલી. એમેઝોનનાં વર્ષાવનોના જંગલોથી માંડીને કેરેબિયન દ્વીપોની ઉષ્ણકટિબંધીય સુંદરતા સુધીનું કુદરતી સૌંદર્ય મેહરે માણ્યું છે. એણે સિનાઈ રણપ્રદેશમાં એક આખો દિવસ ગાળ્યો છે, પેરુમાં માચૂ પીચૂના પ્રાચીન ખંડેરોનું અવલોકન
કર્યું છે અને દક્ષિણ પ્રશાંત મહાસાગરના નાનકડા દ્વીપ વાનુઅતુમાં સળગતા જ્વાળામુખીનું ટ્રેકિંગ કર્યું છે. મેહર આફ્રિકાના પાંત્રીસ દેશમાં રહી છે. મધ્ય એશિયામાં સમરકંદ અને બુખારાથી માંડીને સાઈબેરિયા, માંગોલિયા અને વિશાળ ગોબી રણ સુધીની રોમાંચક યાત્રા કરી છે.
દીવામાંથી દીવો પ્રકટે એમ યાત્રામાંથી યાત્રા પ્રકટતી ગઈ. ૧૯૭૨માં મેહરે સ્કૈંડિનેવિયાના ત્રણ લેપલેન્ડનો પ્રવાસ કર્યો. ત્યાર પછી સહરાના રણમાં થઈને ટિમ્બકટૂ પહોંચી. બોલિવિયામાં દુનિયાની સૌથી ઊંચી ગણાતી ટિટિકાકા ઝીલ પાર કરી, અફઘાનિસ્તાનમાં બામિયાન બુદ્ધના સ્મારક પર ચડી ગઈ અને ઇક્વાડોરની રાજધાની ક્વિટોમાં ભૂમધ્ય રેખા પર ખડી થઈ ગઈ. આ રેખાની વિશેષતા એ છે કે એ ભૂમધ્ય હોવાથી, એના પર ઊભા રહેવાથી એક પગ ઉત્તર ગોળાર્ધમાં અને બીજો પગ દક્ષિણ ગોળાર્ધમાં મૂકી શકાય છે. મેહરનો પણ એક પગ ઉત્તર ગોળાર્ધમાં અને બીજો પગ દક્ષિણ ગોળાર્ધમાં હતો…. આવા તો કેટલાંયે સંભારણાં સંઘરાયાં છે મેહરની પ્રવાસપોથીમાં!
પ્રવાસપ્રેમી મેહરને યાત્રાઓ માટે જેટલો પ્રેમ છે, એટલો જ પ્રેમ ભોજન પ્રત્યે પણ છે. ભોજન બનાવવું અને ખાવું બેય એને પસંદ છે. એકસો એંસી દેશની યાત્રાઓ દરમિયાન એણે જાતભાતનાં એવાં વ્યંજનોનો સ્વાદ લીધો છે. ખાવાપીવાનો ચટાકો જેને હોય એવાઓ પણ જે ખાતાં કતરાય એવી વાનગીઓ મેહરે ટેસથી આરોગી છે. ઉદાહરણ તરીકે પેરુમાં એમેઝોન નદીના વૃક્ષની છાલમાંથી નીકળેલા કીડા, કેમેરૂનમાં વાંદરાનું મસ્તક, નોળિયો અને અજગર, દક્ષિણ આફ્રિકામાં શાહમૃગ, લેપલેન્ડમાં હરણ અને હિમપોષિત પાર્મિગન, મેક્સિકોમાં ગુઆકામોલ સોસમાં લાલ કીડા, પાપુઆ ન્યુ ગિનીમાં મગરમચ્છ, નાઇજિરિયામાં વિશાળ ખેતરોમાં જોવા મળતા ઉંદર અને બીજું ઘણું બધું… મેહર ખાવાની શોખીન ખરી, પણ પ્રવાસ અને ભોજન, એમ બેમાંથી એક વિકલ્પ પસંદ કરવાનો હોય તો એ પસંદગીનો કળશ પ્રવાસ પર જ ઢોળે છે !