વર્લ્ડ એથલેટિક્સમાં ચંદ્રક જીતનાર પ્રથમ: અંજૂ બોબી જ્યોર્જ

ભારતની વીરાંગનાઓ -ટીના દોશી
તમે કેટલો લાંબો કૂદકો મારી શકો છો? ના કૂદયા હો તો કૂદી જોજો. પાંચ ફૂટથી માંડીને દોઢ બે મીટર જેટલું તો માંડ કૂદી શકશો. જો ખેલકૂદમાં રસ ધરાવતા હશો તો થોડી વધુ લાંબી છલાંગ લગાવી શકશો. પણ અંજુ બોબી જ્યોર્જ કેટલી લાંબી છલાંગ લગાવી શકે છે એ જાણો છો?
અંજૂ બોબી જ્યોર્જ 6 મીટર જેટલી લાંબી છલાંગ લગાવી શકે છે. આ સિદ્ધિને કારણે અંજૂએ દેશનું નામ દુનિયામાં રોશન કર્યું છે. અંજૂ લોંગ જમ્પ- લાંબી છલાંગની ખેલાડી છે. લોંગ જમ્પની વિશ્વ પ્રતિયોગિતામાં ચંદ્રક જીતનારી એકમાત્ર ભારતીય એથલીટ છે. અંજૂએ વર્ષ 2003માં પેરિસમાં આયોજિત વર્લ્ડ એથલેટિક્સ ચેમ્પિયનશિપમાં લાંબા કૂદકાની સ્પર્ધામાં 6.70 મીટર છલાંગ લગાવેલી. એણે કાંસ્ય ચંદ્રક જીતીને રમતગમત જગતમાં ઈતિહાસ રચેલો… ખેલકૂદની દુનિયામાં ભારતનું નામ રોશન કરવાને પગલે અંજૂને 2002માં અર્જુન પુરસ્કાર, 21 સપ્ટેમ્બર 2004ના રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કાર અને 2004માં જ દેશના ચોથા સર્વોચ્ચ સન્માન પદ્મશ્રીથી પુરસ્કૃત કરવામાં આવી હતી.
અંજૂને વર્લ્ડ એથલેટિકસ તરફથી 2021 માટે વર્ષની સર્વશ્રેષ્ઠ મહિલા તરીકેનું સન્માન આપવામાં આવ્યું છે. અંજૂનો જન્મ દક્ષિણ મધ્ય કેરળના કોટ્ટાયમ જિલ્લાના નાનકડા ગામ ચીરનચીરામાં 19 એપ્રિલ 1977ના થયેલો. માતા ગ્રેસી માર્કોસ અને પિતા કે. ટી.માર્કોસ. અંજૂ બાળપણમાં સેન્ટ એની ગર્લ્સ સ્કૂલ, ચંગી તાચેરીમાં ભણતી. નાનપણથી જ એને ખેલકૂદમાં અત્યંત રુચિ હતી. પાંચ વર્ષની ઉંમરથી જ એથલેટિકસ સ્પર્ધાઓમાં ભાગ લેવાનું શરૂ કરેલું. માતાપિતાએ અંજૂને એથલેટિકસમાં આગળ વધવા માટે પ્રોત્સાહિત કરી. અંજૂ ભણવા માટે સી.કે. કેશ્વરન સ્મારક હાઈસ્કૂલ, કોરુથોડૂ ચાલી ગઈ. ત્યાં સર થોમસે અંજૂ નામના હીરાને પહેલ પાડીને દીપાવવાનું કામ કર્યું. વિમલા કોલેજમાંથી અંજૂ સ્નાતક થઈ ત્યાં સુધીમાં એણે એથલીટ તરીકે કારકિર્દી ઘડવાનો નિર્ણય કરી લીધેલો. પી.ટી. ઉષાથી પ્રભાવિત અંજૂએ અહીં ઊંચો કૂદકો, લાંબો કૂદકો, સો મીટરની દોડ અને હેપ્ટાથલોનની પ્રેક્ટિસ કરી.
અંજૂએ આરંભમાં હેપ્ટાથલોનની રમત પર ધ્યાન કેન્દ્રિત કરેલું, પણ પછી ઝડપથી લાંબા કૂદકા ભણી વળી ગઈ. 1996માં એણે દિલ્હી જુનિયર એશિયન ચેમ્પિયનશિપમાં ચંદ્રક મેળવ્યો. 1999માં અંજૂએ બેંગલૂરુ ફેડરેશન કપમાં ટ્રિપલ જમ્પનો રાષ્ટ્રીય વિક્રમ નોંધાવ્યો. આ જ વર્ષે અંજૂએ નેપાળમાં આયોજિત સાઉથ એશિયા ફેડરેશન ગેમ્સમાં ચાંદીનો ચંદ્રક જીત્યો. એને પગલે દેશદુનિયામાં અંજૂ મશહૂર થઈ ગઈ.
અંજૂની કારકિર્દીના દરિયામાં ભરતી ચડેલી, પણ જાણે કે નજર લાગી હોય એમ જીવનમાં અણધાર્યો વળાંક આવ્યો. વર્ષ 2000માં અંજૂને ખબર પડી કે એના શરીરમાં એક જ કિડની છે. એ સમયે અંજૂ કારકિર્દીની ટોચે હતી. એક જ કિડની હોવાની બાબતે એ ચિંતિત થઈ ગઈ, પણ તબીબોએ અંજૂનું શારીરિક પરીક્ષણ કર્યા પછી અંજૂ પોતાની રમત જારી રાખી શકવાની સ્થિતિમાં છે એવા શુભ સમાચાર આપ્યા.
એ પછી 2002માં અંજૂએ માન્ચેસ્ટરમાં યોજાયેલી કોમનવેલ્થ ગેમ્સમાં 6.49 મીટર લાંબી છલાંગ લગાવીને ભારતને કાંસ્ય ચંદ્રક અપાવ્યો. આ જ વર્ષે દક્ષિણ કોરિયાના બુસાનમાં આયોજિત એશિયન ગેમ્સમાં 1.8 મીટરની ઝડપે 6.53 મીટરની છલાંગ લગાવીને સુવર્ણ ચંદ્રક જીત્યો. અમેરિકાની એક ખેલ પ્રબંધન કંપની હિજનું ધ્યાન અંજૂ ભણી આકર્ષાયું. કંપની અંજૂને લઈને ઓલિમ્પિક સો મીટરની દોડના સુવર્ણ ચંદ્રક વિજેતા મોરિસ ગ્રીન અને એલન જોન્સન જેવા ખેલાડીઓ પાસે લઈ ગઈ. આ સંપર્કનો અર્થ એક જ હતો : શ્રેષ્ઠ દેખાવનો અણમોલ અવસર !
અંજૂને એ અવસર થોડા જ સમયમાં મળ્યો. અંજૂએ એ કરી બતાડ્યું, જે કોઈ ભારતીય એથલીટ કરી શક્યું નહોતું. એણે પેરિસમાં આયોજિત વર્લ્ડ એથલેટિકસ ચેમ્પિયનશિપમાં 30 ઓગસ્ટ 2003ના રોજ 6.70 મીટર લાંબી છલાંગ લગાવીને ખેલકૂદના ઈતિહાસમાં પોતાનું નામ અંકિત કર્યું. આ ચેમ્પિયનશિપમાં અંજૂને કાંસ્ય ચંદ્રક મળ્યો. ભલે ત્રીજા ક્રમાંકે આવી, પણ અંજૂ આ ખેલમાં ચંદ્રક જીતનારી પહેલી ભારતીય ખેલાડી બની. ભારતનો ત્રિરંગો ફરકાવ્યા પછી અંજૂએ કહેલું, ‘ભારત માટે આ ચંદ્રક જીતીને તથા દેશનું નામ દુનિયામાં રોશન કરવા બદલ હું ગર્વ અનુભવી રહી છું. હું મારો આ ચંદ્રક રાષ્ટ્રને સમર્પિત કરું છું…’
અનેરા આત્મવિશ્વાસથી ભરપૂર અંજૂ બોબી જ્યોર્જને 13 ઓગસ્ટ 2004ના આરંભાયેલા એથેન્સ ઓલિમ્પિકમાં ભારતીય ધ્વજવાહકનું સન્માન મળેલું. અંજૂએ કુલ ત્રીસ ખેલાડીઓ સાથે લાંબા કૂદકામાં ભાગ લીધો અને 6.69 મીટરની લાંબી છલાંગ લગાવીને ફાઈનલમાં પ્રવેશ કર્યો. ફાઈનલમાં પહોંચવા માટે ઓછામાં ઓછી 6.65 મીટરની છલાંગ લગાવવી અનિવાર્ય હતું. ફાઈનલમાં બાર પ્રતિયોગીઓ હતા. અંજૂએ 6.83 મીટરની છલાંગ લગાવીને નવો રાષ્ટ્રીય વિક્રમ સર્જ્યો, પણ ઓલિમ્પિકમાં છઠ્ઠા સ્થાનથી સંતોષ માનવો પડ્યો.
એથેન્સ ઓલિમ્પિક પછી અંજૂના પ્રદર્શનમાં ઓટ આવતી દેખાઈ. 2005માં અંજૂ જ્યોર્જ કોઈ કમાલ ન દાખવી શકી. વર્ષ 2006માં અંજૂનું પ્રદર્શન બગડવાને પગલે આઈએએએફ- ઈન્ટરનેશનલ એસોસિયેશન ઓફ એથલેટિકસ ફેડરેશન મહિલા લાંબી છલાંગ રેંકિંગમાં એ ચોથા સ્થાનેથી ગબડીને છઠ્ઠા ક્રમાંકે પહોંચી ગઈ. ડિસેમ્બર 2006માં દોહા એશિયાઈ ખેલોમાં અંજૂ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન દોહરાવી ન શકી. 6.52 મીટરની છલાંગ લગાવીને એ રજત ચંદ્રક જીતી. વર્ષ 2007માં ઓમાનમાં યોજાયેલી એશિયન એથલેટિકસ ચેમ્પિયનશિપમાં રજત ચંદ્રક અને 2008માં ત્રીજી દક્ષિણ એશિયાઈ એથલેટિકસ ચેમ્પિયનશિપમાં સુવર્ણ ચંદ્રક અંજૂ જ્યોર્જે મેળવ્યો…
અંજૂ દૃઢપણે એવું માને છે કે જીવનમાં ભરતી અને ઓટ તો આવ્યા જ કરે. સહુએ પોતાનું કામ મહેનત, લગન અને ખંતથી કરવું જોઈએ. બાકી બધું ઉપરવાળા પર છોડી દેવું જોઈએ. કારણ કે ઉપર બેઠેલો ઈશ્વર એક ને એક દિવસ મહેનતનું ફળ જરૂર આપે જ છે!