લાડકી

પ્રથમ ભારતીય વિશ્ર્વસુંદરી રીતા ફારિયા

ભારતની વીરાંગનાઓ -ટીના દોશી

‘તમે ડૉક્ટર બનવા માગો છો એનું કારણ શું છે?’

‘એનું કારણ એ છે કે ભારતમાં પ્રસૂતિ અને સ્ત્રીરોગ નિષ્ણાતોની તાતી જરૂરિયાત છે.’

‘પણ ભારતમાં તો સંખ્યાબંધ બાળકો પેદા થઈ રહ્યાં છે.’

કોઈ હૉસ્પિટલમાં નોકરી માટે અરજી કરનાર ઉમેદવાર સાથે આ પ્રકારના સવાલજવાબ થતા હોય તો નવાઈ ન લાગે, પણ આવી પ્રશ્ર્નોત્તરી આંતરરાષ્ટ્રીય સૌંદર્ય સ્પર્ધાના મંચ પર થઈ રહી હોય તો સહેજ નવાઈ તો લાગે.

હા, આંતરરાષ્ટ્રીય સૌંદર્યસ્પર્ધાના મંચ પર જ આ પ્રશ્ર્નોત્તરી થઈ રહી હતી. એ દિવસ હતો ૧૭ નવેમ્બર ૧૯૬૬નો…સ્થળ હતું લંડનની વેલિંગ્ટન સ્ટ્રીટ પરના લિસિયમ બોલરૂમ…અહીં ‘મિસ વર્લ્ડ સૌંદર્ય સ્પર્ધા’ના ગ્રાન્ડ ફિનાલેમાં મંચ પર ઉપસ્થિત એક સુંદરીને જ્યુરીના સભ્ય સવાલ પૂછી રહ્યા હતા અને પેલી સુંદરી બેધડકપણે જવાબ આપી રહી હતી… ડૉક્ટર બનવા માગતી સુંદરીના જવાબથી હેરત પામેલા જ્યુરી મેમ્બરે ભારતમાં વધતી જતી બાળકોની સંખ્યા વિશે સવાલ કર્યો ત્યારે અવાજમાં આત્મવિશ્ર્વાસ ઘોળીને સુંદરી
સૂરીલા સ્વરમાં બોલી : ‘એ સંખ્યા જ તો અમારે ઘટાડવાની છે.’

એ જવાબ સાંભળીને આખો બોલરૂમ તાળીઓના ગડગડાટથી ગૂંજી ઊઠ્યો. આ જવાબ સ્પર્ધાની નિર્ણાયક પળ પુરવાર થઈ.

કેટલીક ક્ષણો પછી સેક્ધડ રનર અપ અને ફર્સ્ટ રનર અપની ઘોષણા કર્યા બાદ વિશ્ર્વસુંદરીનું નામ જાહેર કરતાં એનાઉન્સરે કહ્યું : ‘લેડીઝ એન્ડ જેન્ટલમેન… હોલ્ડ યોર બ્રેથ. કાઉન્ટ ડાઉન બીગીન્સ …ટેન, નાઈન, એઈટ…..’

મંચ પર ઉપસ્થિત સુંદરીઓના દિલની ધડકનો વધી ગયેલી. સહુના ચહેરા પર ઉત્સુકતા હતી. વાતાવરણમાં ઉત્તેજના હતી. લોકોના શ્ર્વાસોશ્ર્વાસ સંભળાઈ રહેલા. એનાઉન્સરે બોલરૂમમાં ચોતરફ નજર ફેરવી. એક એક સેક્ધડ ભારે બની ગયેલી. ફોર, થ્રી…એનાઉન્સરે ઉત્તેજના વધારતાં કહ્યું : એની ગેસ…મિસ વર્લ્ડ ઈઝ….ટુ એન્ડ વન…આખરે એનાઉન્સરે લોકોના રોમાંચ પર પૂર્ણવિરામ મૂકતાં ઘોષણા કરી :
‘મિસ વર્લ્ડ ૧૯૬૬ ઈઝ નન અધર ધેન.. મિસ ઇન્ડિયા રીતા ફારિયા !’

હા, ભારતીય સુંદરી રીતા ફારિયા.. ‘મિસ વર્લ્ડ’ સૌંદર્ય પ્રતિયોગિતાની વિજેતા રીતા…! તાળીઓના ગડગડાટ વચ્ચે રીતાને માથે વિશ્ર્વસુંદરીનો તાજ મુકાયો. એ સાથે રીતા ફારિયા ‘મિસ વર્લ્ડ’નો ખિતાબ જીતનારી ભારતની જ પ્રથમ નહીં, એશિયાની પણ પ્રથમ વિશ્ર્વસુંદરી બની !

વિશ્ર્વસુંદરી રીતા ફારિયા મુંબઈસુંદરી પ્રતિયોગિતાની વિજેતા રહી ચૂકેલી. જો કે એણે માત્ર ગમ્મત ખાતર જ મિસ બોમ્બે સૌંદર્યસ્પર્ધામાં ભાગ લીધેલો, કારણ કે રીતા મેડિકલ સ્ટુડન્ટ હતી. ડૉક્ટર બનવાનું સ્વપ્ન આંખોમાં આંજેલું એણે..

૨૩ ઑગસ્ટ ૧૯૪૩ના મુંબઈનાં માટુંગામાં જન્મેલી રીતાના પિતા એક મિનરલ વોટર ફેક્ટરીમાં કામ કરતા. માતા શહેરમાં સલૂન ચલાવતી. બાળપણથી જ ડૉક્ટર બનવાનું સપનું જોતી તેજસ્વી રીતાએ સેન્ટ જોસેફ કોન્વેન્ટ સ્કૂલમાં ભણવામાં
સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરેલું. એને મુંબઈની ગ્રાન્ટ મેડિકલ કૉલેજમાં પ્રવેશ મળ્યો. રીતા ખંતથી તબીબી અભ્યાસ કરવા લાગી.

એ ભણવામાં તો હોંશિયાર હતી જ, સાથે ખૂબસૂરત ને સોહામણી પણ હતી. પાંચ ફૂટ આઠ ઇંચ ઊંચાઈ, સોનેરી ને રાખોડીનું મિશ્રણ કહી શકાય એવી સુંદર ચમકતી આંખો ને કાળા ભમ્મર વાળ. રૂપની પૂતળી હતી રીતા. રીતાની રૂપરાશિ જોઈને મિત્રોએ એક દિવસ મજાકમાં એને ‘મિસ બોમ્બે’ સૌંદર્ય સ્પર્ધામાં ભાગ લેવાનો પડકાર ફેંક્યો. મિસ બોમ્બે પ્રતિસ્પર્ધામાં નામ નોંધાવી દીધું. નામ નોંધાવતી વખતે રીતાએ માત્ર પોતાની એક તસવીર મોકલવાની હતી. એ એણે પાઠવી દીધી. થોડા જ દિવસોમાં પ્રતિયોગિતાનું પરિણામ જાહેર થયું. રીતા ફારિયા ૧૯૬૬માં ‘મિસ બોમ્બે’ સૌંદર્ય સ્પર્ધાની વિજેતા જાહેર થઈ. રીતાને એ ખિતાબ જીત્યા બદલ પાંચ હજાર રૂપિયાનો પુરસ્કાર મળ્યો. રીતા મુંબઈસુંદરી બની ગઈ. એ પછી
રીતાએ ‘ઇવ્ઝ વીકલી- મિસ ઇન્ડિયા’ સૌંદર્ય સ્પર્ધામાં ભાગ લીધો. એમાં પણ વિજેતા. દસ હજાર રૂપિયાની રકમ પુરસ્કારપેટે જીતી. મોજ ખાતર કરેલી અરજીએ રીતાને પહેલાં મુંબઈસુંદરી અને પછી ભારતસુંદરી બનાવી દીધી.

આ પછી ‘મિસ ઇન્ડિયા’ રીતા ફારિયાને લંડન જઈને ‘મિસ વર્લ્ડ’ સૌંદર્ય સ્પર્ધા-૧૯૬૬માં ભાગ લઈને ભારતનું પ્રતિનિધિત્વ કરવાનું કહેવામાં આવ્યું. આ પહેલાં માત્ર એક જ ભારતીય સુંદરી ફ્લેર એજિકેલ ‘મિસ વર્લ્ડ’ પ્રતિયોગિતા સુધી પહોંચી શકેલી. ૧૯૫૯માં યોજાયેલી પહેલી ઇવ્ઝ વીકલી મિસ ઇન્ડિયા સૌંદર્ય સ્પર્ધાની એ વિજેતા હતી. એણે લંડનમાં મિસ વર્લ્ડ સૌંદર્ય સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કરેલું, પણ એ પ્રતિયોગિતા જીતી શકી નહોતી. સાત વર્ષ પછી રીતા ફારિયાને એ તક મળી ત્યારે રીતાની માતાએ ઉતાવળે કેટલાંક વસ્ત્રોનો બંદોબસ્ત કર્યો.

રીતાએ એક ઓળખીતાં પાસેથી સાડી લીધી અને એક્ટ્રેસ તથા ૧૯૬૫ની ‘મિસ ઇન્ડિયા ’પરસીસ ખંભાતા પાસેથી એનો બેધિંગ સ્યૂટ લીધો. એ પછી આયોજકોએ એને જૂતાં અપાવ્યાં.

આમ જૂતાં ને કપડાંની સમસ્યા તો હલ થઈ ગઈ, પણ પ્રતિયોગિતાની છાંસઠ સ્પર્ધકો વચ્ચે રીતા પોતાને અલગ અને એકલીઅટૂલી મહેસૂસ કરી રહેલી. કારણ જણાવતાં રીતાએ એક મુલાકાતમાં કહેલું, ‘મને તો રેમ્પ પર શું કરવું ને શું ન કરવું એની પણ સૂઝસમજ નહોતી. વળી કેટલાક સટ્ટેબાજો અમુક સુંદરીઓ પર દાવ લગાવી રહેલા. મને ખબર પડી કે મારી જીત પર એક જ માણસે દાવ લગાવેલો, જે હિંદુસ્તાની હતો.’

એક હિંદુસ્તાનીએ રીતા પર વિશ્ર્વાસ કર્યો અને રીતાએ હિંદુસ્તાનના કરોડો લોકો પર. પોતે ભારત માટે અને ભારતવાસીઓ માટે કાંઈક મોટું કરવા જઈ રહી છે એવા ભરોસા-આત્મવિશ્ર્વાસ સાથે સ્વિમ સ્યૂટ પહેરીને રેમ્પ પર ચલી ગઈ. રીતાના કહેવા મુજબ, સ્વિમ સ્યૂટ પહેરીને રેમ્પ પર ચાલનારી એ પ્રથમ ભારતીય હતી. એ વખતે ઇંગ્લેન્ડની વીસ વર્ષીય મિસ યુકે જેનીફર લોવ સૌંદર્ય સ્પર્ધામાં સૌથી મોખરે હતી, પણ રીતાનું મેડિકલ સ્ટુડન્ટ હોવું મદદગાર સાબિત થયું. એના જવાબોએ જ્યુરી ઉપરાંત દર્શકોનું દિલ પણ જીતી લીધું અને એ પ્રથમ ભારતીય અને એશિયાની પ્રથમ મિસ વર્લ્ડ બની. રીતાને ‘બેસ્ટ સ્વિમ સ્યૂટ’ અને ‘બેસ્ટ ઈવનિંગ વેયર’ માટેનો ખિતાબ પણ મળ્યો. રીતાનો એ સાંજનો પોશાક સાડી હતી. ભારતીય પરિધાન !

‘મિસ વર્લ્ડ’ તરીકે રીતાએ વિભિન્ન દેશોનો પ્રવાસ કરવો પડ્યો, પણ નાતાલના દિવસો દરમિયાન યુદ્ધના સમયમાં હાસ્ય અભિનેતા બોબ હોપ સાથેની વિયેટનામની યાત્રાએ વિવાદ સર્જેલો, કારણ કે ભારત સરકાર ઉત્તરી વિયેટનામની કોમ્યુનિસ્ટ સરકારને સમર્થન કરી રહેલી અને રીતા અમેરિકન સૈનિકોની ટોપી પર હસ્તાક્ષર કરી રહી હોય એવી તસવીરો પ્રકાશિત થયેલી. વિવાદને પગલે રીતાએ સ્પષ્ટતા કરી કે હું તો માનવતાના ધોરણે ઘાયલ સૈનિકોને મળવા ગયેલી…

વિવાદની વચ્ચે રીતાને મોડેલિંગ અને ફિલ્મોમાં કામ કરવા માટે ઘણા પ્રસ્તાવ મળ્યા, પરંતુ એણે તમામને ઠુકરાવી દીધાં. ડૉક્ટર બનવાના સ્વપ્નને સાકાર કરવા માટે માત્ર ભણવામાં એણે ધ્યાન પરોવ્યું. ગ્રાન્ટ મેડિકલ કૉલેજ અને સર જમશેદજી જીજાબાઈ ગ્રૂપ ઑફ હૉસ્પિટલમાથી એમબીબીએસ કર્યું. પછી લંડનના કિંગ્સ કૉલેજ અને હૉસ્પિટલમાં ઉચ્ચ અભ્યાસ માટે ચાલી ગઈ. ૧૯૭૧માં ડૉક્ટર ડેવિડ પોવેલ સાથે લગ્ન કર્યાં. ૧૯૭૩માં ડબ્લીન, આયર્લેન્ડ જઈ વસ્યાં. તબીબી પ્રેક્ટિસ શરૂ કરી…
આજે ૮૦ વર્ષની આયુએ પતિ અને પોતાનાં બે સંતાન સાથે રીતા આરામથી જીવન ગાળી રહી છે.

સામાન્યપણે સૌંદર્ય સ્પર્ધા જીત્યા પછી યુવતીઓ મોડેલિંગ કે અભિનય જેવા ગ્લેમરના ક્ષેત્રે જવા થનગનતી હોય છે, પણ ડૉક્ટર બનીને સૌંદર્ય અને બુદ્ધિમતાનાં માપદંડ પર ખરી ઊતરેલી રીતા ફારિયા વિશે કહેવાનું મન થાય કે, એ સાચા અર્થમાં બ્યૂટી વિથ બ્રેઈન પુરવાર થઈ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button