ભારતીય સિનેમાની પ્રથમ મહિલા સંગીતકાર: સરસ્વતી દેવી
ભારતની વીરાંગનાઓ – ટીના દોશી
મૈં બન કી ચીડિયા બન કે બન બન બોલું રે
મૈં બન કા પંછી બન કે સંગ સંગ ડોલું રે
આ ગીત તો સાંભળ્યું જ હશે. ૧૯૩૬માં પ્રદર્શિત થયેલી ‘અછૂત ક્ધયા’ ફિલ્મના આ ગીતે ધૂમ મચાવેલી. નાયિકા દેવિકા રાણી અને નાયક અશોક કુમાર પર આ ગીતનું ફિલ્માંકન થયેલું, એ મોટા ભાગના લોકોને ખબર હશે. પરંતુ આ ગીતની સંગીતકાર સરસ્વતી દેવી ભારતીય સિનેમાની પ્રથમ સંગીતકાર હતી એ જાણો છો ?
સરસ્વતી દેવીએ આ ગીતને સૂરીલું સંગીત તો આપ્યું જ હતું, પણ બિનગાયકો એવાં દેવિકા રાણી અને અશોક કુમારના કંઠે જ ગીત ગવડાવેલું પણ ખરું. આ ગીત એ જમાનામાં એટલું લોકપ્રિય થયેલું કે દેવિકા રાણી અને અશોક કુમારની સાથોસાથ સરસ્વતી દેવી પણ રાતોરાત મશહૂર થઈ ગયેલાં. કેટલાક લોકો જદનબાઈને પણ પ્રથમ મહિલા ફિલ્મ સંગીતકાર ગણાવે છે, પણ આ શ્રેયની હકદાર સરસ્વતી દેવી હોવાનું મોટા ભાગના લોકો સ્વીકારે છે !
આ સરસ્વતી દેવી મૂળ પારસી પરિવારનાં. ૧૯૧૨માં જન્મ. નામ ખુરશીદ. પિતા માણેકશા મિનોચર હોમજી. નાનપણથી જ ખુરશીદને સંગીત પ્રત્યે રુચિ હતી. એ જોઈને માણેકશાએ ધ્રુપદ અને ધમાર શૈલી પર પ્રભુત્વ ધરાવતા વિષ્ણુ નારાયણ ભાતખંડે પાસે દીકરીને ભારતીય શાસ્ત્રીય સંગીતની તાલીમ માટે મોકલી. તાલીમ પૂરી થયા પછી ખુરશીદે લખનઊ સ્થિત ભાતખંડેની સંગીત સંસ્થા મૈરિસ કોલેજમાં પ્રવેશ મેળવ્યો. સંગીતનો સઘન અભ્યાસ કર્યો.
દરમિયાન, ૧૯૨૦ના અંતે મુંબઈમાં અખિલ ભારતીય રેડિયો સ્ટેશનની સ્થાપના થઈ. ખુરશીદ અને એની બહેન માણેક નિયમિતપણે રેડિયો પરથી સંગીત કાર્યક્રમોની પ્રસ્તુતિ કરતાં રહ્યાં. સૂરીલા કંઠની સાથે બન્ને બહેનો અનેક પ્રકારનાં વાજિંત્રો પણ વગાડતાં. હોમજી સિસ્ટર્સના નામે જાણીતો થયેલો આ કાર્યક્રમ શ્રોતાઓમાં ખાસ્સો લોકપ્રિય થયેલો.
સંગીતના કાર્યક્રમો ખુરશીદને સિનેજગતની સફરે લઈ ગયાં. બન્યું એવું કે બોમ્બે ટોકીઝના સંસ્થાપક હિમાંશુ રાય પોતાની ફિલ્મો માટે શાસ્ત્રીય કલાકારની શોધમાં હતા. એક માન્યતા મુજબ સરોજિની નાયડુના ભાઈ હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાયે હિમાંશુ રાયની મુલાકાત હોમજી સિસ્ટર્સ સાથે કરાવી. બીજા કથાનક મુજબ હિમાંશુ રાયે લખનઊમાં આયોજિત એક સંગીત સંમેલનમાં ખુરશીદને સાંભળી. એના સંગીતથી પ્રભાવિત થઈને હિમાંશુએ ખુરશીદને મુંબઈ આવવાનું નિમંત્રણ આપ્યું. ત્રીજા કથાનક પ્રમાણે ખુરશીદને રેડિયો પર સાંભળી. એવું લાગ્યું કે પોતાની શોધ પૂરી થઈ છે. એમણે ખુરશીદનો સંપર્ક કર્યો. પોતાના સ્ટુડિયોમાં આવવાનું આમંત્રણ આપ્યું. સંગીતકક્ષ દેખાડ્યો. સંગીતનો વિભાગ સંભાળી લેવા અને ફિલ્મમાં સંગીત આપવાનો પ્રસ્તાવ મૂક્યો. ત્રણમાંથી જે સાચું હોય એ, પણ હકીકત એ હતી કે હિમાંશુ રાય અને ખુરશીદનો મેળાપ થયો
આ મેળાપને પગલે એક નવી દુનિયા હાથ પસારીને ખુરશીદને આવકારવા તૈયાર ઊભેલી. પણ પારસી સમાજનું નાકનું ટેરવું ચડી ગયું. પારસી કોમ આમ તો સુધારક અને પ્રગતિશીલ ગણાય છે, પણ ખુરશીદ જેવી સારા ઘરની છોકરીઓ સિનેમામાં જાય એ પારસી સમાજને સ્વીકાર્ય નહોતું.
એક બાજુ સમાજ હતો અને બીજી બાજુ સિનેમા… આ કશ્મકશ વચ્ચે હિમાંશુ રાયે વચલો રસ્તો કાઢ્યો. એમણે હોમજી બહેનોને પોતાનું નામ બદલવાનું સૂચન કર્યું. ખુરશીદે પોતાનું નામ બદલીને સંગીતની દેવીના નામે સરસ્વતી દેવી કર્યું. એની બહેન માણેકે ચંદ્રપ્રભા એવું પોતાનું નામકરણ કર્યું. નવા નામ અને નવી ઓળખ સાથે હોમજી બહેનોએ બોમ્બે ટોકીઝનો સંગીત વિભાગ સંભાળી લીધો. સરસ્વતી દેવીને પહેલું કામ સોંપાયું, જવાની કી હવા ફિલ્મમાં સંગીત આપવાનું. સરસ્વતી દેવીએ બખૂબી કામ કર્યું. ફિલ્મનાં નવ ગીત માટે સંગીતનું નિર્દેશન કર્યું. ફિલ્મ ૧૯૩૫માં પ્રદર્શિત થઈ. એ સાથે સિનેજગતને સંગીતકાર તરીકે પ્રથમ સ્ત્રી સિતારો પણ મળ્યો.
સરસ્વતી દેવીની સંગીતકાર તરીકેની બીજી ફિલ્મ એ અછૂત ક્ધયા… એ સમયે કોલકાતા સ્થિત ન્યૂ થિયેટર્સના સંગીતકાર આરસી બોરાલ હતા. સરસ્વતી દેવીને ખ્યાલ આવ્યો કે આરસી બોરાલની સરખામણીમાં પોતે જુદા જ પ્રકારના પડકારોનો સામનો કરવાનો છે. એનું કારણ એ હતું કે આરસી બોરાલ કુંદનલાલ સાયગલ, કાનન દેવી, પહાડી સન્યાલ અને કેસી ડે જેવા અભિનેતા અને અભિનેત્રીઓ સાથે કામ કરતા હતા, જે ખુદ બહુ સારા ગાયક હતા. પણ સરસ્વતી દેવીએ અશોક કુમાર, દેવિકા રાણી અને લીલા ચીટનીસ જેવાં બિનગાયક કલાકારો સાથે પનારો પાડવાનો હતો. જોકે સરસ્વતી દેવીએ હાર ન માની. આ તમામ કલાકારો સારી રીતે ગાઈ શકે એ માટે એમને ગાવાનું પ્રશિક્ષણ આપ્યું. કલાકો સુધી રિયાઝ અને રિહર્સલ કરાવ્યાં. પરિણામ સૌની સામે હતું. ૧૯૩૬માં પ્રદર્શિત અછૂત ક્ધયા’માં અશોક કુમાર અને દેવિકા રાણીના કંઠે ગવાયેલાં મૈં બન કી ચીડિયા બન કે બન બન બોલું રે..’ને અસાધારણ ખ્યાતિ મળી.
અછૂત ક્ધયા પછી પ્રદર્શિત થયેલી ફિલ્મ જન્મભૂમિનું ‘જય જય જનની જન્મભૂમિ’ને પણ શાનદાર સફળતા મળી. બ્રિટિશ રાજના સમયમાં રેકોર્ડ કરાયેલું જય જય જનની…’ શરૂઆતના દેશભક્તિના ગીતોમાંનું એક હતું.
આ ગીત એટલું લોકપ્રિય થયેલું કે બીબીસીએ પોતાની હસ્તાક્ષર ધૂન તરીકે એને પસંદ કરેલું. એક પછી એક ફિલ્મ આવતી ગઈ. જીવન નૈયા, મમતા, મિયાબીવી, ઇજ્જત, જીવન પ્રભાત, પ્રેમ કહાની, સાવિત્રી, ભાભી, નિર્મલા, વચન, દુર્ગા, કંગન, નવજીવન, આઝાદ, બંધન, પૃથ્વી વલ્લભ, ઝૂલા, નયા સંસાર…
દરમિયાન બિનગાયક કલાકારો પાસે ગીત ગવડાવવાનું જારી જ હતું. કંગનમાં લીલા ચીટનીસ પાસે મીરા કે જીવન કી સૂની પડી રે સિતાર ગવડાવ્યું. જીવન નૈયામાં અશોક કુમાર પાસે જ ‘કોઈ હમદમ ન રહા, કોઈ સહારા ન રહા’ ગવડાવ્યું. અશોક કુમારના ભાઈ કિશોર કુમારે ૧૯૬૧માં આ જ ગીત પોતાની ફિલ્મ ઝુમરુમાં ગાયેલું. ઝૂલામાં અશોક કુમારના પાસે ગવડાવેલું ‘એક ચતુર નાર કરકે સિંગાર..’ ગીતનો સત્તર વર્ષ પછી ૧૯૬૮માં કિશોર કુમારે પોતાની ફિલ્મ પડોશનમાં ઉપયોગ કરેલો. બંધનમાં અશોક કુમાર પાસે ચલ ચલ રે નવજવાન…’ ગવડાવ્યું. આ જ ફિલ્મમાં કવિ પ્રદીપને પહેલી વાર તક આપી. બંધનમાં નેપથ્યમાં વાગતું ગીત પિયુ પિયુ બોલ પ્રાણ પપીહે પિયુ પિયુ બોલ… એ કવિ પ્રદીપનું જ !
સરસ્વતી દેવી સફળતાના શિખરે હતી ત્યારે ૧૯૪૦માં હિમાંશુ રાયનું ઓચિંતું મૃત્યુ થયું. એ પછી દેવિકા રાણી સાથે એ કામ કરતી રહી. બોમ્બે ટોકીઝની વીસેક ફિલ્મોમાં એણે સંગીત નિર્દેશન કર્યું. પણ ૧૯૪૫માં બોમ્બે ટોકીઝ પર કાયમી પરદો પડી ગયો. એ પછી સરસ્વતી દેવી સોહરાબ મોદી સાથે કામ કરવા લાગી. ફિલ્મોમાં સંગીતકારની ભૂમિકા અદા કરતી રહી. ભક્ત રૈદાસ, પ્રાર્થના, ડો.કુમાર,પરખ, ખુરશીદ, અનવર, આમ્રપાલી, મહારાની મૃણાલદેવી, ખાનદાની, નકલી હીરા, ઉષાહરણ, અવિવાહિત, ઈના, બાબાસા રી લાડી….
ફિલ્મ સંગીતકાર તરીકે સફળતાની ટોચે પહોંચ્યા પછી સરસ્વતી દેવીએ સિનેજગત સાથે છેડો ફાડી નાખ્યો. બાળકોને સંગીત શીખવવા લાગી. સંગીત પ્રત્યેના પ્રેમને પગલે આજીવન અપરિણીત રહી. એક દિવસ બસમાંથી ઊતરતાં પડી ગઈ. નિતંબનું હાડકું ભાંગી ગયું. હલનચલન બંધ થઈ ગયું. ફિલ્મ જગતમાંથી કોઈ એની ખબર સુદ્ધાં લેવા ન આવ્યું. અંતકાળની એકલતામાં બિછાનામાં પડ્યાં પડ્યાં સરસ્વતી દેવીને પોતાના જ ગીતની ધૂન યાદ આવી હશે : કોઈ હમદમ ના રહા, કોઈ સહારા ના રહા…