લાડકી

ભારતીય મહિલા ક્રિકેટ ટીમની પ્રથમ કેપ્ટન: શાંતા રંગાસ્વામી

ભારતની વીરાંગનાઓ – ટીના દોશી

એ ભારતીય મહિલા ક્રિકેટ ટીમની સંસ્થાપક ગણાય છે, એ ભારતીય મહિલા ક્રિકેટ ટીમની પહેલી કેપ્ટન હતી. એ, આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પહેલી સિક્સર મારનાર પહેલી ભારતીય મહિલા ક્રિકેટર એ જ હતી, આંતરરાષ્ટ્રીય સદી ફટકારનાર પહેલી ભારતીય મહિલા ક્રિકેટર પણ એ જ હતી, અને ભારતીય મહિલા ક્રિકેટ ટીમને બરોબરીનો દરજ્જો નહોતો મળ્યો ત્યારે એના નેતૃત્વમાં ભારતે વેસ્ટ ઇન્ડીઝ સામે પહેલી જ્વલંત જીત મેળવેલી…

એનું નામ શાંતા રંગાસ્વામી… અર્જુન પુરસ્કારથી સન્માનિત પ્રથમ મહિલા ક્રિકેટર હોવાની સાથે ભારતીય મહિલા ક્રિકેટ ટીમની પ્રથમ કેપ્ટન. એનો જન્મ ૧ જાન્યુઆરી, ૧૯૫૪ના થયેલો. માતા રાજલક્ષ્મી અને પિતા સી.વી. રંગાસ્વામી. બાળપણમાં ઘરનાં આંગણામાં એ ક્રિકેટ ખેલતી. ક્રિકેટપ્રેમને આગળ વધારવા એણે ક્લબ ક્રિકેટ રમવાનું શરૂ કર્યું. જોકે પોતે ક્યારેય ભારતીય મહિલા ક્રિકેટ ટીમનો હિસ્સો બનશે એવું શાંતા રંગાસ્વામીએ વિચાર્યું નહોતું.

જે વિચાર્યું નહોતું, એ વાસ્તવિકતા બન્યું. શાંતા ટીમનો હિસ્સો તો બની જ, કેપ્ટન પણ બની. ભારતમાં પહેલી વાર મહિલા ક્રિકેટ ટીમની પસંદગી ૧૯૭૬માં થયેલી. મહિલા ક્રિકેટ ટીમનો પહેલો મુકાબલો વેસ્ટ ઇન્ડીઝ સામે હતો. નવેમ્બર ૧૯૭૬માં પટણામાં મોઈન-ઉલ-હક સ્ટેડિયમમાં મેચ રમાવાની હતી. ટેસ્ટ શ્રેણી માટે જયારે મહિલા ખેલાડીઓનું ચયન થયું, એમાં શાંતા પણ સામેલ હતી. શાંતા રંગાસ્વામી ઓલરાઉન્ડર હતી. ઉમદા બલ્લેબાજ, ઉમદા બોલર અને ઉમદા ફિલ્ડર હતી. એથી શાંતાને કપ્તાની સોંપવામાં આવી. આ પહેલી ટેસ્ટ શ્રેણીમાં શાંતાએ આક્રમક બેટિંગ અને આક્રમક બોલિંગનું પ્રદર્શન કરીને વેસ્ટ ઇન્ડીઝને પરાજિત કર્યું. આ શાનદાર વિજયે ભારતીય મહિલા ક્રિકેટ ટીમની અને શાંતા રંગાસ્વામીની આગવી ઓળખ ઊભી કરી.

એ પછી શાંતાએ પાછું વળીને જોવું ન પડ્યું. ‘લેડી ઇન બ્લ્યુ’ તરીકે ઓળખાતી ભારતીય મહિલા ટીમની ક્રિકેટર તરીકે એ આગળ વધતી રહી. ૧૯૭૬થી ૧૯૯૧ સુધી બાર ટેસ્ટ મેચ અને પંદર વન ડે મેચમાં ક્રિકેટમાં કપ્તાની કરીને ભારતનું પ્રતિનિધિત્વ કર્યું. પોતાની બાવીસ વર્ષની કારકિર્દીમાં શાંતાએ કેટલીયે મેચોમાં ઉપલબ્ધિ હાંસલ કરેલી. જોકે આ બાવીસ વર્ષોમાં ક્રિકેટમાંથી શાંતા રંગાસ્વામીને એક રૂપિયાની પણ કમાણી થઈ નહોતી, પણ શાંતાને એનો કોઈ અફસોસ નહોતો. પૈસો જ સર્વસ્વ નથી!

શાંતા માટે પૈસો નહીં, પણ ક્રિકેટ જ સર્વસ્વ હતું. એ વિશે શાંતાએ કહેલું કે, ‘મારા માટે ક્રિકેટ રમવું એ સૌથી અગત્યની પ્રાથમિકતા હતી. ક્રિકેટ સિવાય બીજું કાંઈ ન ખપે. અમે ક્રિકેટ રમવા જતાં ત્યારે ફાઈવ સ્ટાર હોટેલ કે ભવ્ય વિલાઓમાં ન રહેતાં. અમે ડોરમેટ્રી અને શાળાના કમરાઓમાં રહેતાં. અમે રમવા માટે ઘણો સંઘર્ષ કર્યો, પણ એ મજેદાર અનુભવ હતો. કારણ કે અમારા માટે રમવું જ મહત્ત્વનું હતું, બીજું બધું ગૌણ હતું. આજે હું મારી પહેલી સદી અને ટેસ્ટ જીતનારી પહેલી કપ્તાન બનવું, એના વિશે વિચારું છું ત્યારે મને એ યાદ આવે છે કે અમે આજના ક્રિકેટરો માટે પાયાનો પથ્થર બન્યા છીએ!’

ક્રિકેટના અનુભવો વિશે જણાવતાં શાંતાએ પુરુષ ક્રિકેટ અને મહિલા ક્રિકેટ વચ્ચેનો તફાવત પણ સમજાવેલો. એ મુજબ મહિલા ક્રિકેટ અને પુરુષ ક્રિકેટમાં રમવા માટે જે દડો વપરાય છે એનું વજન અલગ અલગ હોય છે. મહિલા ક્રિકેટમાં દડાનું વજન ૧૪૦થી ૧૫૧ ગ્રામની વચ્ચે હોય છે, જયારે પુરુષ ક્રિકેટમાં દડાનું વજન ૧૫૫.૯થી ૧૬૩ ગ્રામ વચ્ચે હોય છે. મહિલા ક્રિકેટમાં મેદાનનું ઈનર સર્કલ પિચથી લગભગ પચીસ ગજની દૂરી પર હોય છે, જયારે પુરુષ ક્રિકેટમાં લગભગ ત્રીસ ગજના અંતરે હોય છે. પુરુષોની ટેસ્ટ મેચ પાંચ દિવસની હોય છે, જયારે મહિલાઓની ટેસ્ટ મેચ ચાર દિવસની હોય છે. એમાં રોજ નેવુંના બદલે સો ઓવર પૂરી કરવાની હોય છે. આ રીતે કુલ ચારસો ઓવરમાં મેચ પૂરી થાય.
મહિલા ક્રિકેટના આ નિયમો પ્રમાણે મેચ રમતી શાંતાને યાદગાર અનુભવો થયા છે. એ વિશે શાંતાએ કહેલું કે, ‘અમે ટ્રેનોમાં આરક્ષણ વિના મુસાફરી કરતાં. એ સમયે નેશનલ ચેમ્પિયનશિપમાં એવો નિયમ હતો કે જે ટીમ હારી જાય એણે પાછા ફરવું પડતું. એવામાં ટ્રેનમાં અગાઉથી ટ્રેન રિઝર્વેશન કરાવવાનું શક્ય નહોતું. અમારે ઘણી વાર ટ્રેનમાં શૌચાલય પાસે બેસવું પડતું. કેટલાંક અરાજક તત્ત્વો અમને પરેશાન કરવાની કોશિશ કરતાં, ત્યારે અમે સાંકળ ખેંચીને ટ્રેન થંભાવતાં. બદમાશોને ટ્રેનની બહાર ધકેલતાં અને એમને પાંસરા કરતાં.’

શાંતાએ ક્રિકેટ રમતા રહેવા માટે ખાસ્સો સંઘર્ષ કરવો પડેલો. એક મુલાકાતમાં શાંતાએ કહેલું કે, ‘મારી પાસે જે પહેલું દ્વિચક્રી વાહન હતું એ મને ૧૯૭૬માં ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ પુણેમાં રમાયેલી ટેસ્ટમાં સદી ફટકાર્યા બાદ પુરસ્કાર રૂપે મળેલું. એ પહેલાં મારી પાસે એક સાઈકલ પણ નહોતી.’

ન્યૂઝીલેન્ડ સાથેની આ મેચ અંગે વિવાદ થયેલો. શાંતા રંગાસ્વામીને એ વિશે પાછળથી જાણ થઈ. બન્યું એવું કે ૧૯૭૬માં ભારતમાં ન્યૂઝીલેન્ડની જે મહિલા ક્રિકેટ ટીમ આવેલી એ સત્તાવાર ટીમ નહોતી. આ સંદર્ભે શાંતાએ કહેલું કે, ‘ન્યૂઝીલેન્ડની જે ટીમ ભારતમાં આવેલી અને જે ટીમનો મુકાબલો અમે થોડા સમય પછી ડુનેડિનમાં કરેલો, એમાં માત્ર બે જુદા ખેલાડી હતા, પણ ભારતમાં રમતી ન્યૂઝીલેન્ડની ટીમ સત્તાવાર ન ગણાઈ, જયારે ડુનેડિનમાં રમતી ટીમ સત્તાવાર ગણાયેલી. એથી મારા ૫૨૭ રન નકામા થઈ ગયા.’

આવા અનુભવો વચ્ચે મહિલા ક્રિકેટ ટીમ આગેકૂચ કરતી રહી. દરમિયાન ૧૯૮૪માં નવી દિલ્હી ખાતે ટેસ્ટ મેચ રમાઈ રહેલી. શાંતા અને એની ટીમની મુલાકાત તત્કાલીન વડા પ્રધાન ઇન્દિરા ગાંધી સાથે થઈ. વાતવાતમાં શાંતાએ શ્રીમતી ગાંધીને કહ્યું કે, ‘ભારતનાં વડા પ્રધાન એક મહિલા હોવા છતાં અમારી મેચોનું દૂરદર્શન પરથી સીધું પ્રસારણ નથી થતું.’ શ્રીમતી ગાંધીએ કહ્યું, ‘આ માત્ર ઉપકરણનો મામલો હોવો જોઈએ.’ પછી પોતાના એક કર્મચારી તરફ ફરીને કહ્યું, ‘જરા સાંભળો…’ એ પછી મુંબઈમાં રમાયેલી મેચનું સીધું પ્રસારણ કરાયેલું.’

ત્યાર પછી મહિલા ક્રિકેટ ટીમે લાંબો પ્રવાસ ખેડ્યો. ક્રિકેટ રમતી મહિલાઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થવા લાગ્યો, પણ વેતન એમને ઓછું મળતું. શાંતા રંગાસ્વામીને આ વિશે પ્રશ્ર્ન પુછાયો, ‘શું તમને લાગે છે કે મહિલા ક્રિકેટરોને પુરુષ ક્રિકેટરની સમાન વેતન મળવું જોઈએ?’ ઉત્તર વાળતાં શાંતાએ કહેલું કે, ‘જ્યારે અમે આ સવાલ ઉઠાવીએ છીએ ત્યારે અમને પ્રતિપ્રશ્ર્ન કરવામાં આવે છે કે શું મહિલાઓ બીસીસીઆઈના ખજાનામાં પુરુષો જેટલાં નાણાં ઠાલવે છે? જવાબ છે, અત્યારે તો નહીં, પણ પ્રયાસ જારી છે. દુબઈમાં યોજાયેલી આઈપીએલમાં મહિલા ચેલેન્જ મેચોથી લાભ થયેલો. આ એક સારી શરૂઆત છે. જોકે વહેલુંમોડું મહિલા ખેલાડીને પુરુષ સમાન વેતન નહીં મળે તો પણ બન્ને વચ્ચેના વેતનનું અંતર ઓછું કરી દેવાશે. ધીમે ધીમે દસેક વર્ષમાં વેતનની ખાઈ ઓછી થતી જરૂર દેખાશે.’

શાંતા દ્રઢપણે એવું માને છે કે પુરુષ ક્રિકેટર અને મહિલા ક્રિકેટર વચ્ચેના ભેદભાવ વહેલામોડા દૂર થશે. શાંતાનું એક એવું સ્વપ્ન છે કે બીસીસીઆઈના અધ્યક્ષપદે એક મહિલા બિરાજમાન હોય… શાંતા કહે છે, આ સપનું સચ્ચાઈ બનતાં કદાચ વીસ-પચીસ વર્ષ નીકળી જશે, પણ એ પૂરું જરૂર થશે!

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button