લાડકી

એશિયન ફેન્સિંગ ચેમ્પિયનશિપમાં ચંદ્રક મેળવનાર પ્રથમ ભવાનીદેવી

ભારતની વીરાંગનાઓ -ટીના દોશી

જાડા પટાવાળી કાળી નાગ ફૂતકારા જસી,

નીસરી કપાળી ઝાળ, ઇસરી નરાટ ક્રોધાળી પાતાળી વાળી,

દૂસરી નાગણી કાળી, પણાં વખઝાળી નરાંવાળી ચંદ્રપાટ….

આ દુહો એવું કહે છે કે, દ્રઢ જાડા પટાવાળી, કાલિય નાગના કરાળ ફુત્કાર જેવી, રુદ્રના ત્રીજા નેત્રમાંથી પ્રગટેલ જ્વાળા સમાન મૃત્યુદાયી, પાતાળમાંથી પ્રગટેલી રોષાળ નાગણી જેવી એ વિષની જ્વાળા રૂપ તલવાર ચાલી… કહેવાય છે કે રણમાં મીઠી વીરડી, જંગ મીઠી તલવાર !

ભવાની દેવીનું સ્વરૂપ ગણાતી આ તલવારને ભવાની દેવીએ પણ પોતાનું શ બનાવીને ભારતને ગૌરવ અપાવ્યું છે. ભવાની દેવી એશિયન તલવારબાજી પ્રતિયોગિતામાં ચંદ્રક મેળવનાર પ્રથમ ભારતીય ખેલાડી છે! કોમનવેલ્થ ગેમ્સમાં દેશને સુવર્ણ ચંદ્રક અપાવનાર પ્રથમ પણ ભવાની જ છે!

આ ભવાની દેવી એટલે તલવારબાજ ખેલાડી સી. એ. ભવાની દેવી. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે તલવારબાજીના કરતબ દાખવીને ભવાની દેવીએ ભારતની શાનમાં ચાર ચાંદ લગાવ્યા છે.

ભવાનીની સિદ્ધિની યાદી તો જુઓ : ૨૦૦૯માં મલેશિયામાં આયોજિત જુનિયર કોમનવેલ્થ ચેમ્પિયનશિપમાં ટીમ કાંસ્ય ચંદ્રક, ૨૦૧૦માં ફિલિપાઈન્સમાં આયોજિત કેડેટ એશિયન ફેન્સિંગ ચેમ્પિયનશિપમાં ટીમ કાંસ્ય ચંદ્રક, એ જ વર્ષે, ૨૦૧૦માં થાઈલેન્ડમાં આયોજિત ઇન્ટરનેશનલ ઓપનમાં ટીમ કાંસ્ય ચંદ્રક, ૨૦૧૨માં જર્સીમાં આયોજિત જુનિયર કોમનવેલ્થ ચેમ્પિયનશિપમાં કાંસ્ય ચંદ્રક, અને રજત ચંદ્રક, ૨૦૧૪માં ફિલિપાઈન્સમાં આયોજિત અન્ડર ૨૩ એશિયન ચેમ્પિયનશિપમાં રજત ચંદ્રક, એ જ વર્ષે, ૨૦૧૪માં ઈટલીમાં આયોજિત ટસ્કની કપમાં સુવર્ણ ચંદ્રક, ૨૦૧૫માં મંગોલિયામાં આયોજિત અન્ડર ૨૩ એશિયાઈ ચેમ્પિયનશિપમાં કાંસ્ય ચંદ્રક, એ જ વર્ષે, ૨૦૧૦માં બેલ્જિયમમાં આયોજિત ફ્લેમિશ ઓપનમાં કાંસ્ય ચંદ્રક, ૨૦૧૭માં આઈસલેન્ડમાં આયોજિત ટૂરનોઈ ઉપગ્રહ ડબ્લ્યૂસી ફેન્સિંગ પ્રતિયોગિતામાં સુવર્ણ ચંદ્રક, ૨૦૧૮માં આઈસલેન્ડમાં આયોજિત ટૂરનોઈ ઉપગ્રહ ડબ્લ્યૂસી ફેન્સિંગ પ્રતિયોગિતામાં રજત ચંદ્રકએ જ વર્ષે, ૨૦૧૮માં, આઈસલેન્ડમાં આયોજિત ટૂરનોઈ ઉપગ્રહ ડબ્લ્યૂસી ફેન્સિંગ પ્રતિયોગિતામાં કાંસ્ય ચંદ્રક અને ૨૦૧૮માં જ ઓસ્ટ્રેલિયામાં આયોજિત કોમનવેલ્થ ફેન્સિંગ ચેમ્પિયશિપમાં સુવર્ણ ચંદ્રક, ૨૦૧૯માં બેલ્જિયમમાં આયોજિત આયોજિત ટૂરનોઈ ઉપગ્રહ ડબ્લ્યૂસી ફેન્સિંગ પ્રતિયોગિતામાં રજત ચંદ્રક અને એ જ વર્ષે, ૨૦૧૯માં આઈસલેન્ડમાં આયોજિત ટૂરનોઈ ઉપગ્રહ ડબ્લ્યૂસી ફેન્સિંગ પ્રતિયોગિતામાં કાંસ્ય ચંદ્રક, જૂન ૨૦૨૩માં ચીનના બુકસીમાં એશિયન તલવારબાજી ચેમ્પિયનશિપની મહિલા સેબર સ્પર્ધામાં કાંસ્ય ચંદ્રક…

ભવાની દેવીનું પૂરું નામ ચડલવાદા અનંધા સુંદરરમન ભવાની દેવી છે. પ્રચલિત નામ સી.એ. ભવાની દેવી.

જન્મ તમિળનાડુના ચેન્નાઈમાં ૨૭ ઓગસ્ટ ૧૯૯૩ના રોજ એક મધ્યમવર્ગીય પરિવારમાં થયો. માતા સી.એ. રમાની ગૃહિણી. પિતા સી. અનંધા સુંદરરમન એક પૂજારી. એમનાં પાંચ સંતાન. બે દીકરા અને ત્રણ દીકરી. બહેનોમાં સૌથી નાની ભવાનીનું શાળાનું શિક્ષણ ચેન્નાઈના મુરુગા ધનુષકોડી ઉચ્ચ માધ્યમિક સરકારી ક્ધયાશાળામાં થયું. કેરળની ગવર્મેન્ટ બ્રેનન કોલેજમાંથી સ્નાતક થઈ. એ પછી ચેન્નાઈની સેન્ટ જોસેફ એન્જિનિયરિંગ કોલેજમાં અભ્યાસ કર્યો.

ભણતર તો પૂરું કર્યું, પણ ભવાનીની રુચિ તલવારબાજીમાં હતી. અભ્યાસ કાળમાં જ ભવાની દેવીને તલવારનો પરિચય થયેલો. મુરુગા ધનુષકોડી ક્ધયાશાળામાં ભણતી વખતે ભવાનીએ ૨૦૦૪માં જ તલવારબાજી શરૂ કરેલી. જોકે એ વખતે તલવારબાજીમાં કારકિર્દી ઘડવાનો વિચાર એણે કર્યો નહોતો. એ સંદર્ભે વાત કરતાં એક મુલાકાતમાં ભવાનીએ કહેલું કે, ‘બન્યું એવું કે છઠ્ઠા ધોરણમાં મેં નવી શાળામાં પ્રવેશ લીધો. એ વખતે રમતમાં મને તલવારબાજી સહિત છ વિકલ્પમાંથી કોઈ એક પસંદ કરવાનો હતો. હું શાળામાં જોડાઈ ત્યારે તલવારબાજી સિવાયની પાંચેય રમતમાં એકેય ખાલી જગ્યા નહોતી. એથી મારે માટે તલવારબાજી એ જ એકમાત્ર વિકલ્પ બચેલો. હું તલવારબાજી અજમાવવા ઉત્સુક પણ હતી. એ સમયે ભારતમાં તલવારબાજી નવો ખેલ હતો. ઘણાને ખબર જ નહોતી કે આવો પણ કોઈ ખેલ છે. ખાસ કરીને તમિળનાડુમાં. તલવારબાજીનો ખેલ ખેલરૂપે એક પ્રેરણા છે. એનાથી ખુશી મળે છે. આ ખેલ પ્રત્યેક દિવસ વધુ સારો બનાવવા પ્રેરે છે… મેં તલવારબાજી કરવાનો નિર્ણય લઈ લીધો.’

આરંભે ભવાનીએ બળબળતી બપોરે તલવારબાજીનું પ્રશિક્ષણ પ્રાપ્ત કર્યું. જોકે ઈલેક્ટ્રોનિક તલવાર ખરીદવા માટે નાણાકીય સગવડ ન હોવાને કારણે પોતાના અભ્યાસ માટે ભવાની અવારનવાર અન્ય ખેલાડીઓ પાસેથી તલવાર ઉધાર લેતી. એણે જવાહરલાલ નહેરુ સ્ટેડિયમમાં પ્રશિક્ષણ લઈને વ્યાવસાયિક રીતે તલવારબાજી શરૂ કરી. માધ્યમિક શિક્ષણ પૂરું થયા પછી ભવાની કેરળના થાલાસ્સેરી ભારતીય ખેલ પ્રાધિકરણ કેન્દ્રમાં જોડાઈ. પંદર વર્ષની ઉંમરે ભવાનીએ તુર્કીમાં આયોજિત જુનિયર વર્લ્ડ ફેન્સિંગ ચેમ્પિયનશિપમાં ભાગ લીધો. આર્થિક તંગી હતી. ભવાનીના પ્રવાસ માટે અને તલવારબાજીનાં ઉપકરણો ખરીદવાનો ખર્ચ કમરતોડ હતો. એવા સમયમાં માતા રમાનીએ મિત્રો અને સંબંધીઓ પાસેથી નાણાં ઉધાર લીધેલાં. એ અંગે વાત કરતાં ભવાનીએ કહેલું કે, ‘મારી તલવારબાજીને આગળ વધારવામાં મારી માતાનું સૌથી મોટું યોગદાન રહ્યું છે. મારાં સપનાં પૂરાં કરવા એણે ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યો છે. હું ઘણી પ્રતિયોગિતાઓ માત્ર નાણાંના અભાવે ચૂકી ગયેલી. છતાં મારી આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટો માટે દેવું લઈને ને ઉધાર લઈને
એણે મારા માટે સુવિધાઓ ઊભી કરેલી. પ્રાયોજકો શોધવામાં અને સરકાર પાસેથી શક્ય એટલી સહાય મેળવવામાં મારી
માતાએ પગરખાં ઘસી નાખેલાં. એણે પોતાનાં ઘરેણાં સુધ્ધાં ગીરવે મૂકી દીધેલાં.’

માતાની મહેનતનું મીઠું ફળ દીકરીને મળ્યું. વળી માતાનો કઠોર પરિશ્રમ એળે નહીં જાય એવો ભવાનીએ સંકલ્પ કરેલો. ભારતીય તલવારબાજ ટીમને ૨૦૦૯માં મલેશિયામાં યોજાયેલી જુનિયર કોમનવેલ્થ ચેમ્પિયનશિપમાં કાંસ્ય ચંદ્રક મળ્યો. ભલે ચંદ્રક ટીમને મળેલો, ભવાની એનો હિસ્સો હોવાથી ભવાનીનો એ પહેલો ચંદ્રક. એ પછી તો ભવાનીએ ચંદ્રકોની હારમાળા સર્જી. ફિલિપાઈન્સમાં યોજાયેલી એશિયન ચેમ્પિયનશિપ ૨૦૧૪માં ભવાનીએ રજત ચંદ્રક મેળવ્યા પછી તેની આ સફળતાથી પ્રેરાઈને તમિળનાડુનાં તત્કાલીન મુખ્યમંત્રી જયલલિતાએ ભવાનીને અમેરિકામાં તાલીમ માટે આર્થિક સહાય પેટે ત્રણ લાખ રૂપિયાનો પુરસ્કાર આપેલો. ૨૦૧૫માં રાહુલ દ્રવિડ ઍથ્લીટ માર્ગદર્શન કાર્યક્રમ ‘ગો સ્પોર્ટ્સ ફાઉન્ડેશન’ માં પંદર રમતવીરોની પસંદગી
થયેલી, એમાં ભવાની દેવીનો પણ સમાવેશ કરાયેલો. પરિશ્રમ, પ્રારબ્ધ અને પુરસ્કારોનો સરવાળો થતાં આખરે ચીનમાં યોજાયેલી એશિયન તલવારબાજી પ્રતિયોગિતાની ક્વાર્ટર ફાઈનલમાં વર્લ્ડ ચેમ્પિયન જાપાનની મિસાકી એમુરાને ૧૫-૧૦ થી હરાવીને ભવાની દેવી સેમિફાઈનલમાં પહોંચનારી પહેલી ભારતીય તલવારબાજ બની. કાંસ્ય ચંદ્રક જીતીને એણે ઈતિહાસ રચ્યો.

દરમિયાન ટોકિયો ઓલિમ્પિકમાં પણ ભવાની દેવીને તલવારબાજી કરવાની તક મળેલી. ૨૬ જુલાઈ ૨૦૨૧નો દિવસ ભારતીય તલવારબાજીના ઈતિહાસમાં નોંધાઈ ગયો. કારણ કે ભવાની દેવી દુનિયાની સૌથી મોટી સ્પર્ધા ઓલિમ્પિકમાં તલવારબાજી કરનાર પહેલી ભારતીય ખેલાડી બનેલી. ભવાની દેવીની ઓલિમ્પિકની સફર ભલે બીજા રાઉન્ડમાં સમાપ્ત થઈ ગઈ, પરંતુ પોતાની સ્ફૂર્તિને કારણે એણે ઊંડી છાપ છોડેલી. ઓલિમ્પિકમાં સાફલ્ય ન મળી ત્યારે ભવાની દેવીએ દેશના નામે આપેલા ભાવુક સંદેશમાં વધુ સારું પ્રદર્શન કરવાની ખાતરી આપેલી. ભવાનીએ કહેલું કે, ‘સફળતા એક દિવસમાં મળતી નથી. એના માટે ધૈર્ય રાખવું પડે છે અને આકરી મહેનત કરતાં રહેવું પડશે. એનાથી પણ વધુ મહત્ત્વપૂર્ણ એ છે કે તમારામાં ખેલ માટે તડપ હોવી જોઈએ. અને ખેલને પ્રેમ કરવો પડશે.’

ભવાની તલવારબાજી માટે તડપે છે અને એના ખેલને અઢળક પ્રેમ કરે છે. ખેલને પણ એક જંગ ગણીએ તો, એમ કહી શકાય કે, ભવાની માટે રણમાં મીઠી વીરડી ને જંગ મીઠી તલવાર છે !

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button