લાડકી

મૂલ્યાંકન

ટૂંકી વાર્તા -ગીતા ત્રિવેદી

અરીસા સામે ઊભેલી ગાર્ગી શાહ. બે ઘડી પોતાની જાતને એમ જ જોઇ રહી. ઉંમરની સુવર્ણજ્યંતીએ પહોંચેલી હોવા છતાં તે આજે પણ આકર્ષક લાગતી હતી. આજના ખાસ પ્રસંગે તેને વિશાળ જનસમુદાય સામે એક જુદી જ ઓળખ અપાવી હતી.

તે ખૂબ ચીવટથી તૈયાર થતી હતી. કેટકેટલી સાડીઓ કાઢી. સામાન્યપણે સલવાર કમીઝ તેને ગમતો પોષાક હોવા છતાં આજે તેણે સાડી પર પસંદગી ઉતારી. મોટી બોર્ડરવાળી ગુલાબી સાડી તેના સપ્રમાણ દેહ પર શોભી રહી. બિંદી લગાડીને તે અરીસામાં પોતાને જોઇ જુદા જ સ્વરૂપે નીરખી રહી.

સામે દેખાતી ગાર્ગીને જોતાં જ તેની અંદર ઊગેલી સ્મૃતિની અડીખમ દીવાલ પર લીલના જામી ગયેલા પોપડાં ઉખડવા માંડ્યા.

તેના જીવનની રિયાલીટી જાણે એક ફિલ્મ બની ગઇ. વાસ્તવિક જિંદગીના પાત્રો અને ઘટનાઓ ફિલ્મ કરતાં સાવ અનોખાં હતાં.

લગભગ અપરિચિત કહી શકાય તેવી વ્યક્તિ જોડે તે અજાણી સફરે નીકળી પડી. આપણો સમાજ જેને દાંપત્યજીવનની શરૂઆત કહે છે. આમ દિનેશ સાથે શરૂ થઇ તેના લગ્નજીવનની શરૂઆત.
માતા-પિતાએ વિદાય સમયે કહ્યું હતું કે બેટા, ‘બધાને અપનાવીને રહેજે.’

તેને યાદ આવ્યું, લગ્નજીવનના શરૂઆતના એ દિવસો, કુટુંબના સભ્યોને કશી ખાસ વાત કરવી હોય તો તેઓ બીજા ઓરડામાં જઇને કરતા. રાત્રે દિનેશને પૂછતી, ‘શું વાત હતીૌ’ ‘તારે જાણીને શું કામ છે?’ દિનેશ ચીડાઇને કહેતો ત્યારે જ સમજાતું કે ઘરની સભ્ય હતી કે પછી પારકી હતી. જો કે અવહેલનાનું દુ:ખ અવશ્ય થતું. મન બોલી ઉઠતું. ‘હું તો અપનાવવા જ આવી હતી ને! છતાં તેઓએ કેમ અપનાવી નહિ?’

દિનેશને આકર્ષણ ફક્ત તેના સૌંદર્યવાન દેહનું જ રહેતું. પાર્ટીમાંથી પાછા ફરતા રાત્રે તે અચૂક કહેતો, ‘મારો ફ્રેન્ડ કહેતો હતો કે યાર તું લક્કી છે તારી વાઇફ બહું જ સુંદર છે.’

‘પસંદગી કોની?’ તે ગર્વભેર વારંવાર કહેતો.

લગ્નજીવનના બે વર્ષ પૂરાં થયાં. સાસુ પાડોશણને કહેતા હતા તે કાને પડ્યું, ‘કોને ખબર ક્યારે આપશે વારસ? હું તો પરણ્યાનાં પહેલાં વર્ષે જ મા બની ગઇ હતી.’

ચોથા વર્ષે રાહ જોવડાવીને એ ખુશી તેને પ્રાપ્ત થઇ. આજે પણ યાદ છે. તેના રિપોર્ટ પોઝિટીવ આવતા એક ખુશીની લહેર તેની ભીતર દોડી ગઇ હતી.

પુત્રની માતા બનતા ગાર્ગીનું માન વધ્યું. કારણ કે દિનેશને પુત્ર જ જોઇતો હતો. જો કે ગાર્ગી પુત્રીને જન્મ આપવા માગતી હતી.

સરકતા સમયની સાથે પુત્ર પણ પતિ જેવો થતો ચાલ્યો. એમાં એનો પણ શો વાંક? એણે ક્યાં દિવસ તેના પપ્પાને એની સાથે સારી રીતે વર્તતા જોયા હતા!

ઘરમાં કોઇ પણ વાતચીત દરમિયાન જો તે કંઇ કહેવા જાત તો ‘તને પૂછ્યું છે?’ તારી સાથે વાત કરીએ છીએ? આવા ધારદાર પ્રશ્ર્નો વડે તે લોહીલુહાણ થતી. વારંવાર એની આસપાસ ઘટતી ઘટનાઓ તેને ઝંઝોડી નાખતી. ત્યારે જૂના ઝખમોમાંથી ફરીથી લોહી ટપકવા લાગતું.

તેણે તો પોતાનો વિશ્ર્વાસ, થોડું પોતાપણું ને આદર, એ સિવાય ક્યાં કશું માગ્યું હતું! શું એ અજુગતું હતું.

તેની વ્યથા કે સંવેદના કાગળ પર ઉતરતાં વાર્તાઓનું સર્જન તેની જાણ બહાર થવા માડ્યું.

પહેલી ટૂંકી વાર્તા જાણીતા અખબારમાં પ્રકાશિત થઇ. તે ખૂબ ખુશ હતી. દિનેશના મિત્રએ એક પાર્ટીમાં મળતાં કહ્યું હતું. ‘ભાભી અભિનંદન તમારી વાર્તા સરસ હતી. પણ તેમાં ખામી રહી ગઇ હતી.’ તેણે પૂછ્યું હતું, ‘શું ખામી રહી ગઇ કહો તો સમજાયને!’

તેણે હસતાં હસતાં જણાવ્યું હતું કે વાર્તાની લેખિકાના નામની પાછળ તેના મિત્રનું નામ નહોતું. પતિએ પણ સાથ પુરાવતા જણાવ્યું હતું કે આપણે ત્યાં તો પરંપરા છે સ્ત્રીના નામની પાછળ પિતા કે પતિનું નામ હોવું જ જોઇએ. ‘વાંધો નહિ અટક તો મારી જ વાપરી છે ને?’ એમ કહી ખસીયાણું હાસ્ય ફરકાવ્યું હતું દિનેશે.

તે સમયે મનમાં ગાર્ગીથી સહસા બોલાવ્યું હતું. ‘ના અટક પણ વાપરવી ગમતી નથી. છતાં પણ લખું છું અથવા તો લખાય છે. સમયની સાથે કલમ દોડતી રહી. વાર્તાઓ પછી વાર્તાસંગ્રહ ને નવલકથા પ્રકાશિત થતાં તે સાહિત્યની દુનિયામાં થોડી જાણીતી થઇ. પોતાની સંવેદનાઓ વિવિધ પાત્રો દ્વારા કાગળ પર ઠલવાતી. તે સઘળા તેના સુખ-દુ:ખના અંગત સાથી હતાં. મનના કોઇ ખૂણે પોતાનું અલગ અસ્તિત્વ છે. તેવો છાનો સંતોષ તે લઇ લેતી. તેનું સંવેદનશીલ હૈયું આત્મિયતા નીતરતું સહચર્ય ઝંખતું. જ્યારે પતિને તેના રૂપાળા દેહ સિવાય કોઇ નિસ્બત નહોતી. વ્યક્તિને વળતર જોઇએ છે. જરૂરી નથી કે ફક્ત રૂપિયાના રૂપમાં જ હોય. ક્યારેક પતિના વર્ચસ્વ કે અધિકારને કારણે સમાજમાં તેના જેવી કેટલીય પત્નીઓ આવું જ વળતર ચૂકવતી હોય છે.

દિનેશ ડાર્લિંગ કહેતો ત્યારે તે શબ્દ તેને ગંદી ગાળ જેવો લાગતો. લોકોની સામે સતત નીચા દેખાડવાની એક પણ તક જતી ન કરનાર પતિ પોતાની શારીરિક ઇચ્છાપૂર્તિ માટે આ સંબોધન વાપરતો. ગાર્ગી પણ પોતાને કોઇ વસ્તુની જેમ જ દિનેશને હવાલે થઇ જતી.

જીવનમાં ચારે દિશાએથી પરિસ્થિતિનો પવન જોરથી ફૂંકાતો હોય ત્યારે જે દિશામાં ન જવું હોય ત્યાં જ સંજોગોનું વાવાઝોડું ખેંચી જતું હોય છે. એક પ્રસંગ આવો જ ઊભો થયો ગાર્ગીના જીવનમાં.
‘કાશ તને કહી દેત.’ આ નવલકથા પરથી ફિલ્મનિર્માતા મુકેશ પારેખે ફિલ્મ બનાવવા માટે વાર્તાના હક્કની માગણી કરી. ફિલ્મી દુનિયામાં તેમનું નામ જાણીતું હોવાથી અને વળી તેઓ વાર્તાના સ્વરૂપને અકબંધ રાખશે તેવી બાંહેધરી આપ્યા બાદ ગાર્ગીને પરવાનગી આપી.

તેના આશ્ર્ચર્ય વચ્ચે ફિલ્મ બની. જે સુપરડુપર હીટ નીવડી. ફિલ્મના અવૉર્ડમાં તેને પણ નામાંકન મળ્યું હતું.

આમંત્રણ પત્રિકા જોઇ તેના મુખ પર હાસ્યની હળવી લકીર ફરી વળી. જો કે જનસમુદાયમાં તે લોકિપ્રય તો હતી જ. કોઇ પણ સમારંભમાં જતી ત્યારે તેના પ્રશંસકો તેને ઘેરી વળતા.
‘મમ્મી કેટલી વાર છે?’ પુત્રએ બૂમ પાડી. તે બહાર આવી.

‘સ્મૃતિપર પર ચાલતી ફિલ્મમાં ઇન્ટરવલ પડ્યો. તેઓ હોલ પર પહોંચ્યા. આ વખતે લેખકોને પણ નામાંકન આપવામાં આવ્યું હોવાથી તેની જેમ બીજા લેખકો પણ હાજર હતા. સૌના આશ્ર્ચર્ય વચ્ચે તેનું નામ બોલાયું. તેને પોતાના કાનો પર વિશ્ર્વાસ ન બેઠો. ઝાકઝમાળ ભર્યા સ્ટેજ પર રેટ કાર્પેટ પર મંથર ગતિએ ચાલીને નામાંકિન વ્યક્તિના હસ્તે તેણે અવૉર્ડ સ્વીકાર્યો. ગાર્ગીએ નિર્માતા ને દિગ્દર્શકનો આભાર માન્યો.

સહજ સ્વરૂપે સર્જાયેલું સર્જન તેને આટલી લોકપ્રિયતા અપાવશે તેવું તો ગાર્ગીએ કલપ્યું જ નહોતું.

સમારંભ પછી જમણવાર હતો. બધા તેને અભિનંદન આપતા હતા. જમ્યા પછી પ્લેટ મૂકવા ગઇ. ત્યાં તો તેને જાણીતો અવાજ સંભાળાયો. તેણે પાછળ ફરીને જોયું તો આછા ઉજાસમાં ફિલ્મ નિર્માતા મુકેશ પારેખ અવૉર્ડ ફકશનના આયોજકને કહી રહ્યા હતા. ‘જોયું ને મારી વાત સાચી પડીને? બૈરાને તો થોડું માન સન્માન આપવાનું એટલે ખુશ, પુરુષો પાસે કામ લેવું તેના કરતા બૈરા જોડે કામ લેવું સહેલું. એક તો ઇમાનદાર ને વળી મહેનતી. જો જો ને આ અવૉર્ડને કારણે આગળની મારી ફિલ્મ માટે તેની પાસે સસ્તામાં કામ કઢાવી લઇશ. શું સમજ્યા? આટલું કહી બંને તાળી દઇને હસ્યા.

ગાર્ગીને નીચેથી ઉપર સુધી ઝાળ લાગી. ફિલ્મી દુનિયા એટલે પરફયુમ એને અત્તર સમજવાની ભૂલ તે કરી ચૂકી હતી. થોડીક ક્ષણોનો આનંદ ડહોળાઇ ગયો.

રાત્રે તન અને મનથી થાકેલી તેને સૂઇ જવું હતું. ત્યાં પતિદેવ પોતાની ઇચ્છાપૂર્તિ માટે આવ્યા. ‘ડાલિંગ ચાલ.’ ફરી પાછી એ જ અસહ્ય પરિસ્થિતિ. ન જાણે કેમ તેનાથી કહેવાઇ ગયું. ‘ડોન્ટ ટચ મી’ દિનેશનો અહંકાર ફૂફાડા મારીને બેઠો થયો. શબ્દ વાટે ઝેર ઓક્તા તેણે ઘૃણાથી કહ્યું. ‘જા જા હવે તને તો શું તારી ડેડ બોડી સામે પડી હશે ને તો તેને પણ ટચ નહીં કરું. સાલા બૈરા. ફરી એ જ ગાળ સાંભળવી પડી.

પથારીમાં પડી પડી ખુલ્લી આંખે તે છતને તાકી રહી. દિનેશે તેના અસ્તિત્વને મૃત જાહેર કર્યું હતું. તો પછી પોતે જીવતી કેવી રીતે છે? આંસુ નહોતા આવતા કોરી આંખોમાં તેની સંવેદના સાચે જ મરી ચૂકી હતી. હા દિનેશની અપેક્ષામાં તે ઊણી ઊતરી હતી. તેણે તેની વાત માનવાનો ઇનકાર કર્યો
હતો.

મન જે હજારો સવાલ એક સાથે પૂછતું હતું વેરવિખેર વાદળીઓની જેેમ. તેને થતું કોની પાછળ દોડું. દોડીને પણ ક્યાં હાથ લાગવાનું હતું. વ્યર્થની મથામણ હતી કશુંક ક્ષુલ્લક પામવાની. વેગે ધસી આવતા સવાલોના જવાબ એમ ક્યાંથી જડે. હા પણ એટલું ચોક્કસપણે સમજાતું હતું કે આ ખોળિયું એ સત્ય નથી.

જો હોત તો એને નકારવાની કોઇની તાકાત નહોત. એને સુખ નહિ. આનંદની અપેક્ષા છે. શાશ્ર્વત આનંદ જે ક્યાંક છે ઊડે ઊડે. પોતાના નાશવંત દેહથી પર એને કશુંક પામવું છે. ‘કંઇ મંઝિલને આંબવી છે?’ ક્યાં છે? જાત તપાસ કરતાં ઝાંખુ ઝાંખુ કશુંક કળાતું હતું. આનંદનો સ્ત્રોત તેની ભીતરથી
ફૂટીને તેના રોમેરોમમાં પ્રસરતો જતો
હતો.

તે ઊઠી, નવો સૂર્યોદય તેનું સ્વાગત કરી રહ્યો હતો. દુનિયા એ જ ઘટમાળ પ્રમાણે ચાલતી હતી. લોકો દોડતાં ને હાંફતા હતા. સૌ પોતાપોતાની દુનિયામાં વ્યસ્ત હતા. જ્યારે એ નિજ દુનિયામાં મસ્ત હતી. અખબારના એક ખૂણે સમાચાર હતા: ‘લેખિકા ગાર્ગી શાહે અવૉર્ડ આયોજકોને પરત કર્યો.’

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ કારણોએ સિતારાઓની સ્મોકિંગ છોડાવી, તમે પણ છોડી દો પિતૃ પક્ષ દરમિયાન તુલસી સાથે જોડાયેલી આ ત્રણ ભૂલો ના કરતા નવરાત્રીના નવ રંગોની સૂચિ Antilia કરતાં પણ અનેક ગણું મોટું છે ભારતમાં આવેલું આ ઘર, એક વાર જોશો તો…