નોકરાણીથી ‘પદ્મશ્રી’ બનવા સુધીની સફર દુલારી દેવી
કવર સ્ટોરી – કવિતા યાજ્ઞિક
આપણે ત્યાં કહેવત છે, કે નાણાં વગરનો નાથિયો અને નાણે નાથાલાલ! અર્થાત્ જયારે તમારી પાસે દામ આવી જાય એટલે લોકો તમારું નામ સમ્માનથી લેવા માંડે. અથવા એમ કહી શકીએ કે જ્યારે તમે સફળ થઇ જાઓ ત્યારે જ લોકો તમને સમ્માન આપે છે. આવું જ કંઈક જેમના જીવનમાં બન્યું છે એ છે, હવે “પદ્મશ્રી તરીકે ઓળખાતાં દુલારી દેવી, પહેલા સમાજ લોકોના ઘરના કામ કરતી દુલારી તરીકે જ ઓળખતો હતો. પરંતુ આજે તેમની કળા તેમની સાચી ઓળખ બની ગઈ છે. જોકે દુલારી દેવી માટે આ ઓળખ બનાવવી બિલકુલ સરળ નહોતી. ચાલો જાણીએ દુલારી દેવીની સંઘર્ષ અને સફળતાની ગાથા.
દુલારી દેવીનો જન્મ બિહારના મધુબની જિલ્લાના રાંટી ગામમાં અત્યંત ગરીબ એવા નાવિક પરિવારમાં થયો હતો. મધુબની જિલ્લાનું નામ આવે એટલે લોકોને વિશ્ર્વવિખ્યાત મધુમબની હસ્તકલા યાદ આવે જ. જન્મથી જ દુલારીએ ઘણી અછત અને ગરીબી વચ્ચે જીવવું પડ્યું. દુલારીએ હજી તો પોતાનું બાળપણ પણ પસાર નહોતું કર્યું રહ્યું ત્યારે તેમના માતા-પિતાએ માત્ર ૧૨ વર્ષની નાની ઉંમરે તેમના લગ્ન કરી નાખ્યાં. આર્થિક દ્રષ્ટિએ પછાત એવા પ્રદેશોના ગરીબ પરિવારમાં આ નવીનવાઈની વાત નહોતી. પણ દુલારીના નસીબ અને સુખ વચ્ચે હજી છેટું હતું. દુલારી સાસરે ઝાઝો સમય પસાર ન કરી શકી અને તેણે પિતાના ઘરે પરત ફરવું પડયું. લગ્નના સાત વર્ષ પછી દુલારી સાસરેથી તેના માતાપિતાના ઘરે પાછી આવી. આ સમય સુધીમાં, દુલારીની છ મહિનાની પુત્રી પણ મૃત્યુ પામી હતી, જેના કારણે તેઓ અંદરથી તૂટી ગયાં હતાં. તે તેના દુ:ખના બોજ સાથે તેના માતાપિતાના ઘરે પરત ફર્યાં . તેઓ બહું ભણ્યા નહોતાં, ક્યાંથી ભણે? એક તો ગરીબ પરિવાર, એમાંય બાળલગ્ન થઇ ગયા હતા. શિક્ષિત ન હોવાને કારણે તેમની પાસે મજૂરી જેવાં કામો કરવા સિવાય બીજો કોઈ ઉપાય નહોતો. દુલારીએ લોકોના ઘરે કામ કરવાનું શરુ કર્યું. પિતાની આર્થિક હાલત તો સારી નહોતી જ. દુલારીએ લોકોના ઘરમાં કપડાં-વાસણ અને સાફસફાઈ જેવાં કામો કરવાનું શરુ કરી દીધું, જેથી ગુજરાન ચલાવવામાં થોડો ટેકો આપી શકે. આ કામમાંથી તેમને કમાણી થોડી થતી પણ પોતાનું ગુજરાન ચાલતું હતું. પણ દુલારીના નસીબમાં કદાચ બીજું જ લખાયેલું હતું. મધુબનીની ધરતી પર જન્મેલા લોકોને મધુબનીની પ્રખ્યાત ચિત્રકળા આમ તો ગળથૂથીમાં જ મળી હોય. દુલારીએ પણ પોતાના સંઘર્ષ માટે હાથમાં ઝાડું તો પકડવું પડ્યું, પણ તેની સાથે ફુરસદના સમયમાં તેમના હાથમાં ચિત્રકળાનું બ્રશ પણ આવી ગયું. દુલારીએ ચિત્રો બનાવવાનું શરૂ કર્યું અને તેમની પીંછીથી ઉતરતા ચિત્રો કોઈ સજજ કલાકાર જેવા સુંદર પણ બનતાં હતાં,એટલી સારી કળા તેમનામાં ધરબાયેલી પડી હતી. લોકોને તેમના ચિત્રો પસંદ આવવા લાગ્યાં. અને ધીમે ધીમે લોકોના ઘરની નોકરાણી તરીકે ઓળખાતી દુલારી, મધુબની ચિત્રકળાના ચિત્રકાર દુલારી દેવી તરીકે ખ્યાતિ મેળવતા ગયાં. આટલું જ નહીં, એક વખત તેમના દ્વારા બનાવેલા પેઈન્ટિંગ્સના દિવંગત પૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામે પણ વખાણ કયાર્ં હતા.
ઝાડુંને બદલે દુલારીના હાથમાં બ્રશ કેવી રીતે આવ્યું?
હકીકતમાં, દુલારીને તેના જ ગામમાં એક મિથિલા પેઇન્ટિંગ કલાકારના ઘરે કામ કરવાની તક મળી. તેનું નામ કર્પૂરી દેવી હતું અને તે મિથિલા પેઇન્ટિંગ ક્ષેત્રે જાણીતું નામ હતું. દુલારી માટે તેના ઘરે ઝાડુંનું કામ કરવું ખૂબ સારું સાબિત થયું. જ્યારે દુલારી અહીં કામ કરતી હતી ત્યારે તે ફાજલ સમયમાં ઘરના આંગણાને માટીથી રંગતી હતી અને લાકડાની પીંછી બનાવીને તેના પર મધુબની ચિત્રો દોરતી હતી. તેમનું કામ જોઈને કર્પૂરી દેવીએ તેમને ટેકો આપ્યો અને તેમને આ કામ શીખવામાં મદદ કરી.
દુલારીને સન્માન મળ્યું:
તમને જણાવી દઈએ કે દુલારી દેવીના જીવન પર ગીતા વુલ્ફ-સંપથે ‘ફોલોઈંગ માય પેઇન્ટ બ્રશ’ નામનું પુસ્તક લખ્યું છે અને માર્ટિન લે કોઝના મૈથિલી ચિત્રકળાને સમર્પિત ફ્રેન્ચ પુસ્તક ‘મિથિલા’માં પણ તેમના ચિત્ર સાથે તેમનો ઉલ્લેખ થયો છે. જેમાં તેમના જીવનવિચાર કરો, જેને પોતાના ગામની બહાર કોઈ ઓળખતું નહોતું તે મહિલા આંતરરાષ્ટ્રીય સ્તરે ઉલ્લેખ પામે! એક સંઘર્ષમય જીવનનું કેવું મીઠું ફળ! તેમના ચિત્રોને અન્ય ચિત્રકળા આધારિત પુસ્તકોમાં પણ સ્થાન મળ્યું છે. આ ઉપરાંત ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી માટે મૈથિલી ભાષામાં બનાવેલા કોર્સના મુખ્ય પૃષ્ઠ માટે પણ તેમના ચિત્રને પસંદ કરવામાં આવ્યું છે. આ રીતે, સરકાર તરફથી તેની કળાની કદર કરવામાં આવી છે. દુલારી દેવીને પટનામાં બિહાર મ્યુઝિયમના ઉદ્ઘાટન માટે મુખ્યમંત્રી નીતીશ કુમાર દ્વારા વિશેષ આમંત્રણ આપવામાં આવ્યું હતું. અહીંની કમલા નદીની પૂજા દરમિયાન દુલારી દેવીના ચિત્રોનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. દુલારી દેવીને વર્ષ ૨૦૧૨-૧૩ માં રાજ્ય સરકારના એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યાં હતા.
દુવિશેષ નોંધનીય વાત એ છે કે દુલારી દેવીએ અત્યાર સુધીમાં લગભગ સાત હજાર મિથિલા પેઇન્ટિંગ્સ બનાવ્યાં છે. દુલારી દેવીને ૨૦૨૧માં કેન્દ્ર સરકાર તરફથી પદ્મશ્રી આપીને સન્માનિત કરવામાં આવ્યાં. એક સંઘર્ષમય પણ કલાસંપન્ન જીવનમાં એક વધુ સુવર્ણ પૃષ્ઠનો ઉમેરો થયો.