બૂરા ન માનો, હોલી હૈ
લાફ્ટર આફ્ટર -પ્રજ્ઞા વશી
“આમ હાથ પર હાથ ધરી બેસી રહેશો તો હોળી કોણ સળગાવશે?
“તે તું છે ને? હોળી સળગાવવામાં માહેર!
“એટલે? તમે કહેવા શું માંગો છો?
“કાંઈ નહીં. એ તો અમસ્તું જ. જરા હોળી હોળી રમવાનું મન થયું.
“હોળી રમવાનું મન થયું છે, તો રંગોથી રમો. આમ શબ્દોની વક્ર હોળી રમવામાં કંઈ મહાનતા પ્રાપ્ત નથી થવાની. એના કરતાં મહોલ્લામાં જઈ પૈસા ઉઘરાવો ને લાકડાં લાવો. બરાબર?
“લાકડાં હું લાવું અને પછી આગ ચાંપવા માટે તો તું છે જ. ખરું ને?
“આમ મોઢાના વાઘ થઈને પટર પટર કરો છો, એના કરતાં થોડી કલ્યાણકારી પ્રવૃત્તિ કરો તો સારું. રિટાયર્ડ થયા બાદ ચોવીસ કલાક ઘરમાં બેસીને શબ્દોની હોળી રમવાનું બંધ કરો.
“કેમ? કેમ? એમાં કાંઈ ટેક્સ લાગે છે? એમાં કાંઈ રોકાણ થાય છે? શબ્દોની હોળીમાં કેટલો નિજાનંદ પ્રાપ્ત થાય, તે તો જે ખેલે તે જ જાણે! સમજી?
“હા…હા એક ઘા ને બે કટકા કરતી શબ્દોની હોળી તમને કોણ વારસામાં આપી ગયેલું? એનાથી પીછો છોડાવવો મુશ્કેલ છે. એના કરતાં હું જ ક્વિટ કરું છું. હું જ મેદાન છોડી હાર સ્વીકારું છું અને હું મારા કામે લાગું છું. તમને તો બે હાથ ને ત્રીજું માથું!
“બે હાથ તો સમજાય, પણ માથા જેવું છે કે પછી… મેં સાંભળ્યું ન સાંભળ્યું કરીને પીઠ ફેરવી.
“આમ છણકો કરીને પીછેહઠ કરવી એને પલાયનવાદ કહેવાય છે. આ પલાયનવાદ તને કોણે વારસામાં આપેલો? તારી બાએ?
“આમાં મારી બાને વચ્ચે લાવવાની જરૂર નથી. સમજ્યા?
“કેમ? તું મારી બાને વચ્ચે લાવે ત્યારે કંઈ નહીં? ને આમ સળગતી હોળીમાં ઘી હોમ્યાં વગર પીછેહઠ કરે, તો તો તારું નાક કપાય! એટલે શબ્દોનું રણ છોડીને તું ક્યાંય પણ ભાગી ન શકે. સમજી?
“આ વર્ષે હોળીમાં ઘી નહીં, પણ ઢગલેબંધ કપૂર નાખવાનું સરકારી ફરમાન છે. સ્વાઇનફ્લૂના જંતુ એનાથી મરી જશે. હમજ્યાં ને હેઠાણી? એમ બોલતી બોલતી કામવાળી હવનમાં હાડકાં નાખવા પ્રવેશી.
એ અમારી ન્યાતની નહોતી, પણ અમારી સાથે રહી રહીને અમારી ન્યાત સુધી તો પહોંચી ગયેલી. એટલે એનો પ્રવેશ થાય કે હોળી વગર આગ ચાંપ્યે સળગી જ સમજો! અને એણે સળગાવેલી હોળીને હોલવવાં એક પણ બંબા હજી સુધી કારગત નીવડ્યાં નથી.
એણે આવતાંવેંત જ દુખતી નસ પકડી. થોડીવાર વાસણને અડધાં પડધાં ધોયાં, ન ધોયાં, ને પછી તો પછાડવા જ શરૂ કર્યાં. “તે હેં! હોળી ધુળેટીની આખા ગામને રજા પડે, ને ઉંમર થાય એટલે નોકરીમાંથી રિટાયર્ડ! ઉપરથી સરકાર ઘર બેઠા પેન્શન હો આપે. પણ એક આ કામવાળીઓને રજા ના મળે. રજા મૂકે કે હેઠાણી પૈસા કાપવાની વાત કરે.
એને એકસો એક ટકાની ખાતરી હતી કે હું કંઈક બોલીશ અથવા તો હેઠ પીગળી જઈને કંઈક કહેશે ને હેઠાણીને ખીજવાશે કે હોળીના હપરમા દહાડે તો બિચારીને રજા આપવી જોઈએ. એક દા’ડો જાતે કામ કરી લે, તો આવડા મોટા દરિયા (જેવા શરીરમાંથી) માંથી એક-બે કિલો ઓછું થાય અને જીમ જવાના ખર્ચા બચે તે નફામાં. પણ મેં મારું મૌન જાળવી રાખ્યું.
આવાં અપમાનજનક મૌનની તો એને આશા જ નહોતી. ને પાછું હોળીને દહાડે જ હોળી ના સળગે તે કાંઈ ચાલે ખરું? કામવાળીએ હવે વિચાર્યું કે આજે હેઠાણી ઉશ્કેરાય એમ નથી, તો હોળીમાં ઘીની જગ્યાએ કપૂર નાખી જોઉં. એકવારો જ ભડકો થાય અને પછી હું નિરાંતે તાપ્યાં કરીશ.
“તે આખા મહોલ્લાના પુરુષો લાકડા ઉઘરાવવા ગયા છે. કેટલાક જમણવારની તૈયારીમાં છે, તો કેટલાક હજી પૈસા ઉઘરાવે છે. આપણા હેઠ કંઈ કામકાજમાં….
પછી એણે વાક્ય અધૂરું છોડી દીધું. મેં મૌન ચાલુ રાખ્યું. એણે વાસણ અને કપડાંનું ધબાધબ પાંચ-દસ મિનિટમાં પતાવી દીધું. હું નજર સામે વાસણના ગોબા અને કપડાંનાં ડાઘ જોતી જોતી, મહાપરાણે મૌન જાળવી વિચારતી રહી. જેમ શરીરનો એક દિવસ નાશ થવાનો જ છે, તેમ વાસણ પણ કંઈ અમરપટ્ટો લખાવીને તો આવ્યાં જ નથી ને. ને આ ડાઘાવાળાં વસ્ત્રો! જેમ જીવન ડાઘરહિત સંભવી ના શકે… હે પામર જીવ! તારે એમ માની લેવું કે જેમ જીવન નાશવંત છે, તેમ વાસણો પણ નાશવંત છે અને વસ્ત્ર ઉપર રહી ગયેલા ડાઘ એ ધુળેટીના ડાઘ છે. હકારાત્મકતા તેમજ ગણ્યું ભૂલ્યું કરવાથી અથવા તો ચિત્તને બીજે પરોવવાથી આત્મા ઓછો દુ:ખી થાય. અને ત્યાં જ ધમ્મ દઈને અવાજ આવ્યો અને હું સહસા સાધ્વી પ્રજ્ઞામાંથી સાધ્વીને બાદ કરી ભોંય પર પટકાઈ. નજર સામે જે દ્રશ્ય હતું અને કર્ણપટલ ઉપર જે ધમ્મ સ્વરનો પ્રહાર થયો હતો, તે આ હતો. ટિપાઈ ઉપર હજી ગઈકાલે જ ૨૭૦૦ રૂપિયાનો નવો નક્કોર જર્મનીનો ઍન્ટીક પીસ ગોઠવ્યો હતો. તે કામવાળીનાં ઝાપટઝૂપટના એક જ ઝાટકે નાનાં નાનાં, ઝીણાં ઝીણાં ઍન્ટીક પીસિસ થઈ નીચે વિખેરાઈને પડ્યો હતો અને એ સાથે જ મારાથી જોરથી બોલાઈ ગયું, “તને ભાન છે ખરું, તે કેટલું મોટું નુકસાન કર્યું તે? હજી ગઈકાલે જ તારા શેઠ ૨૭૦૦ રૂપિયાનો ઍન્ટીક પીસ લઈ આવેલા. હવે તું જ જવાબ આપજે.
અને ત્યાં જ ઉગ્ર અવાજના પ્રતાપે મારી કામવાળીના હેઠ દોડતાં દોડતાં ઘટના સ્થળ ઉપર પહોંચ્યા. મને તો એમ જ કે હમણાં હોલિકા દહનવાળો એપિસોડ શરૂ! આજે એક નહીં, પણ બે-બે હોલિકા દહન પાક્કું જ સમજો. પણ પતિદેવ હજી ગુસ્સાને બહાર કાઢે કાઢે, ત્યાં તો મારી કામવાળી બોલી – “હેઠ, તમે તે દા’ડે કેતા’તા ને કે રિટાયર્ડ થયા પછી મેરેજ બ્યૂરો ખોલવો છે. ટાઇમપાસનો ટાઇમપાસ, ને કમાણીની કમાણી. તે મેં એક ઘરાક પંદર હજારમાં તૈયાર કરેલ છે. બાજુના મહોલ્લામાં મંજરી નામની બાઈ છે. રૂપરૂપની અંબાર! બોલી તો એની જાણે કોયલની જેમ ટહુકે ને સુવાસ તો એની નામ પ્રમાણે જ! નામ છે એનું મંજરી. ઉંમર છે ખાલી પચાસ. પણ લાગે છે હજી બાવીસ- પચ્ચીસની જ. તે કાલે જ વાહણ-કપડાં કરવાં ગઈ, ત્યારે મેં કીધું, ‘મંજરી મેડમ, તમે તો પચ્ચીસનાં હો નથી લાગતાં. હજી મોડું નથી થયું. લગન કરી લ્યો. આમ એકલાં એકલાં જિંદગી ના જાય. મોટી ઉંમરે માંદા-હાજા થીયે ને, ત્યારે જ લાકડીની જરૂર પડે. તમારે લાયક મુરતિયો હોધાવવો હોય તો મારા એક હેઠ મેરેજ બ્યૂરો શરૂ કરે છે. ઉદઘાટન તમારાથી કરાવી દઉં. તમારે લાયક ટેકણલાકડી મળી જાય તો પૂરા પૈહા દેવાના. પણ પહેલાં રજિસ્ટર્ડ કરવાનાં, ફોરમ ભરવાનાં ૫૦૦૦ આપવા પડે, બસ.’ તે મંજરી મેડમ તો બારે હાથે મહોરી ઊઠ્યાં છે. મેં કીધું તું, હું બપોરે બે વાગ્યે કામ કરવા જાઉં, ત્યારે તમે ઘર નં. ૪૨૦ માં આવજો. હું મેરેજ બ્યૂરોના હેઠને મેળાવી આપા. પછી તમે નિરાંતે ઊંઘી જજો. મારા હેઠ તમને ઠેકાણે પાડ્યાં વિના ના રહે. મારા હેઠ હો આમ છપ્પનના છે, પણ હજી પચ્ચીસના જ લાગે છે. (મેં વિચાર્યું કે સાલું આટલી બારીકાઈથી તો મેં પણ જોયું નથી!)
હેઠે તો તરત જ પચ્ચીસ શબ્દ પડ્યો નથી, કે બચીકૂચી માથાની લટ ઉપર પ્રેમથી હાથ ફેરવ્યો ને એ સાથે જ મને થયું કે હું જ્યારે જીમમાં જાઉં છું, ત્યારે ઘરમાં નવા જ પ્રકારની હોળી તો ના હળગતી હોય ને? કારણ કે આ મેરેજ બ્યૂરોવાળી વાત, કે જે મને ખબર નથી, તે કામવાળી કજરીને ક્યાંથી ખબર? ને ત્યાં જ ડોરબેલ વાગ્યો. કજરી બોલી – હેઠાણીજી, તમે હેઠને વારેવારે કે’તાં હતાં ને કે રિટાયર્ડ થઈને સોફા હું તોડો છો? તે જુઓ, પહેલો ઘરાક હું હોધી લાવી છું. હેઠ જો આમાં સફળ થાય તો મારો પગાર ડબલ ને પેલી લાલ બાંધણી હેઠ તમારાં હારુ લાવેલા, તે મને ભેટ આપવાની. પછી જો જો ને તમે. કેવા કેવા ઘરાક લાવું છું ને હેઠને કેવા ધંધે ચડાવું છું તે ! કજરીની આંખના ચાળા અને ધંધા શબ્દ ઉપરના વારંવારના વજનથી વગર જીમ ગયે જ મારું વજન અચાનક વીસેક કિલો ઓછું થઈ ગયું હોય એમ લાગ્યું. ત્યાં તો મંજરીની સુવાસ ફ્લેટમાં પ્રસરી ગઈ. હકીમચાચાનું કોઈ કડવામાં કડવું મિશ્રણ છાંટીને આવી હોય એવું મને બે ઘડી લાગ્યું ને મને ચક્કર જેવું આવવા લાગ્યું.
મામલો કેમ થાળે પાડવો એ વિચારતી હું પણ સોફા ઉપર ગોઠવાઈ. કામવાળીએ હવે ઝાપટઝૂપટનો કટકો બાજુ પર મૂકી દઈ મંજરીની બાજુમાં સ્થાન ગ્રહણ કર્યું. (એ પણ પાછું સોફા ઉપર!)
“મંજરીબહેન, આ છે મારા હેઠ. જેમ તમે, તેમ એ પણ. જેટલું તમારે ત્યાં કરું, તેટલું અહીંયા કરું. (એણે વાક્યમાં કયું કામ તે અધ્યાહાર રાખ્યું.) પણ એણે ‘મારા હેઠ’ ઉપર પાછો એટલો ભાર મૂક્યો કે ફરી દસ કિલો વજન આપોઆપ!
મંજરી ટહુકી, “તમે મેરેજ બ્યૂરો ચલાવો છો? સાચું કહું? હું સાવ નજીક હોય ને સુલભ હોય એવા બ્યૂરોની તલાશમાં હતી.
ત્યાં તો અચાનક તેઓ હીરોની અદામાં ક્ધવર્ટ થઈ બોલ્યા – “હા તો મંજરીજી, બોલો. તમારે કેવી ટાઇપનો પતિ જોઈએ?
મંજરી બોલી – “બિલકુલ તમારા જેવો. હાઇટ મારી જેટલી. આમ ઉંમર હોય, પણ તમારી જેમ લાગતી ન હોય. તમારી જેમ સ્હેજમાં જ બધું સમજી જાય. નારીને પ્રેમથી, ઇજ્જતથી હાથ પકડીને આગળ કરે એવો. તમારી જેમ નમ્રતાથી વાતો કરે. જીવનના અંત સુધી તમારી જેમ જ કંઈક ને કંઈક કામધંધો કરતો રહે અને પત્નીની સર્વ ઇચ્છા પૂરી કરતો રહે. (હું મનમાં જ બોલી, બહેન, લાકડાના લાડુ છે. હાથે કરીને હૈયા હોળી ના સળગાવ!)
“મંજરી મેડમ, તમે હંધીય ચિંતા મારા હેઠ ઉપર છોડી દો. મારા હેઠ એટલા હારા છે ને, કે જે આવે એ હંધીય બહેનોને ઠેકાણે પાડ્યાં વિના થોભતા નથી. આ મને હો, હેઠ કેટલાં હમજે! જુઓ ને, હમણાં ૨૭૦૦ રૂપિયાનું બાવલું મારાથી તૂટી ગયું. પણ હેઠ કાંઈ બોલ્યા નહીં, જરાય નહીં. ઈસ્ત્રી દાક્ષિણ્યની ભાવના ભારોભાર ભરેલી છે. તમે તમારે પહેલાં ૫૦૦૦ ભરીને ફોરમ ભરી દો ને ઠેકાણે પડો. પછી એકદમ બીજાં ઠેકાણે પડો, ત્યારે બીજા ૧૦,૦૦૦ કામ પતે પછી આપજો. ખરું ને હેઠ? હાચું ને?
ત્યાં ઈસ્ત્રી દાક્ષિણ્યનો જીવ બોલ્યો, ના, ના, મંજરીજી, ૫૦૦૦ની કંઈ જરૂર નથી. મંજરીજી, તમે તો બાજુના મહોલ્લામાં જ રહો છો, એટલે આમ તો તમે સાવ નજીક પડોશી, સ્વજન જેવાં જ. તમારી પાસે કંઈ પૈસા લેવાય? આમેય સંબંધ આગળ પૈસા શું ચીજ છે! ને હા, હવે તો આપણે મળવા મૂકવાનું થયા જ કરશે ને.
મંજરી ઊઠતાં બોલી, હા, પણ પાર્ટનર અદલ તમારા જેવો જ શોધજો હોં! (અદલ તમારા જેવો જ આ ‘અદલ’ શબ્દોના ભારે વળી ફરી દસ કિલો વજન ગગડ્યું.) હું હજી એમ કહેવા જ જાઉં છું કે ના, ના, અમે હજી કોઈ બ્યૂરો-ફ્યૂરો જ રજિસ્ટ્રેશન નથી શરૂ કર્યું, ત્યાં જ બારણાંમાં બે-ચાર જુવાનિયા પ્રગટ થયા. “જોયું? જોયું? મેં નહોતું કહ્યું? મેરેજ બ્યૂરોનું ઉદઘાટન છે. ચલો ચલો કાકા, મેરેજ બ્યૂરોનું ઉદ્ઘાટન તો થઈ ગયું લાગે છે. તો એ જ નામ ઉપર ૫૦૦૧ તમારા તરફથી લખાવી દો અને આજની આગ પણ તમે જ લગાવી દો. અને મેં હાશ કરતાં કહી દીધું, “હા, હા, અંકલ આગ લગાવવામાં માહેર છે, ને બધાને ઠેકાણે પાડવામાં પણ હોં. લઈ જાવ, લઈ જાવ. આજે તો ૫૦૦૦ તો શું, ૧૦, ૦૦૦ પણ અંકલ આપહે.
પતિદેવ છેલ્લું છેલ્લું કપૂર હોળીમાં નાખતા હોય એમ કામવાળીનાં દેખતાં બોલતા ગયા, પેલી લાલ બાંધણી કજરીને આપી દેજે, ને કાલે આરામ કરવા ધુળેટીની રજા પણ! અને હા, બિચારીને ટિફિન હોં ભરી આપજે. બિચારી હપરમે દહાડે ઘરે જઈને ક્યારે રાંધવાની. ને મેં પેલા નીચે પડેલા ઍન્ટીક પીસનાં કટકા ભેગા કરવા માંડ્યા. જેની કચ્ચર આંગળીમાં ખૂંપતાં લાલ લાલ રંગ અને આહ બંને નીકળતાં ગયાં. ને કજરી તો ટિફિન ઝુલાવતી હેઠની પાછળ જતાં જતાં મને કહેતી ગઈ, હેઠાણીજી, તમને હોં હેપ્પી હોલી.
અમારા એણે નીચે જઈ આગ ચાંપી કે તરત જ નારા ગુંજી ઊઠ્યા – બૂરા ન માનો હોલી હૈ…! હોલી હૈ ભાઈ, હોલી હૈ…!