લાડકી

આંબે કોયલ ટહુકાવવી છે?

લાફ્ટર આફ્ટર -પ્રજ્ઞા વશી

ભાગ્યે જ કોઈ અભાગિયાને કેરી નહીં ભાવતી હોય. દરેક ઘરમાં કેરી નહીં ખાનારાંની સંખ્યા એક બે જો હોય, તો બાકીનાને ખરેખર કેરી ખાવાનો યોગ્ય માત્રામાં પુરવઠો મળી રહે. બાકી તો ગોટલા – છોટલા માટે લડતાં બાળકો પણ આપણે જોયાં છે.

કેરી એક એવું ફળ છે કે જેની પાસેથી માણસ જાતે ઘણું બધું શીખવા જેવું છે, જેમ કે એ મોર રૂપે આંબા ઉપર પ્રગટે ત્યારે આ મોર રૂપી મંજરી સમગ્ર આંબાવાડીને મઘમઘ કરી મૂકે.

મોરના આવતાંવેંત આખી વાડી લીલુડી સાડી પહેરી, મોરનું પરફ્યુમ છાંટી મઘમઘ કરી, બધાને લલચાવવા માંડે. આખું વર્ષ આ વાડી તરફ કોઈ જોતાં સુધ્ધાં નહોતાં એવા દરેક વાડીના માલિક તેમજ આવતાં – જતાં દરેક ગ્રામજનો આ સુગંધ અને મોરનું સામ્રાજ્ય જોઈને ત્યાં બેસી વિરામ કરવા માંડે છે. કોયલ પણ ઊડતી ઊડતી આવીને પોતાનો કાયમી મુકામ આંબા ડાળે કરી દે છે. પવનની ડાળે ઝૂલતા મોરની સુગંધ અને કોયલના કર્ણપ્રિય ટહુકાઓ આખા ગામનાં કાન અને નાક સરવા કરી દે છે. ગ્રામ્યજનોનાં પગલાં આપોઆપ હવે રોજ જ આંબાવાડીએ આવીને પોરો ખાવા બેસી જાય છે. (એમ પણ માણસને લલચાવવા માટે પ્રકૃતિએ પણ પોતાનાં વાઘા બદલવાં જ પડે છે, નહીંતર આ સ્વાર્થી માણસ લાભ વગર તો પોતાનાં પગલાં પ્રકૃતિ તરફ વાળતો નથી.)

લુચ્ચી કોયલ, ચકલી, કાગડા કે મોર સુધ્ધાં આંબાવાડી એનું રૂપ બદલે અને મોરને પ્રસવે પછી જ આંબાવાડી તરફ પ્રેમથી નજર નાખે છે. આંબે જ્યારે કેરી પાકવા લાગે ત્યારે હાકિયા અને દાગી કેરી તેમજ થોડી પીળી પડવા માંડેલી કેરીઓ જોવા મળે અને ખેડૂતને ખબર પડી જાય કે હવે આ કેરીને ઘરમાં લઈ જઈ પાકવા મૂકી શકાશે. પરસાળ (એક પ્રકારનું ઘાસ) ઉપર આરામથી કેરીને પાકવા મૂકી, ગૂણચા વગેરે ઓઢાડી, લીલી કેરી પીળી ક્યારે થાય? ક્યારે પાકે? તેની રાહ જોવામાં આવે.

અમારી સરસ મજાની આંબાવાડી હતી. એટલે આંબાવાડીની મઘમઘ અને કેરીનો વૈભવ હજી અમારી અંદર કેરી ગાળામાં આવી આવીને ઉલાળા મારે છે અને કાનમાં કહે છે : ‘કેમ હવે બજારુ કેરીની મઘમઘ અને સ્વાદ ભાવે છે? કે પછી અમારી યાદ આવે છે?’ હું સ્વગત બોલું છું : ‘વહાલી, જો. આ તારા ઝૂરાપામાં હવે સ્મરણકથા લખું છું’

બજારની અડધી બગડેલી કેરી ફેંકતાં મને સ્મરણમાં આવી એ પરસાળનાં ગાદલામાં પાકતી એ પીળી પીળી મઘમઘતી કેરીઓ. આખો માળ ભરીને કેરી. અહાહાહા બપોરે છાનામાના ચોર પગલે મારા પિતાજી કેરી પાકી કે નહીં એ જોવા જતા. અમે એમની પાછળ ચોર પગલે ચડતાં કે એ શું કરે છે. પાકેલી કેરી લઈને જેવી ચાખવાની ચેષ્ટા કરે કે અમારી બાળ પલટન તરત જ કહેવા લાગીએ : ‘અમને કડક સૂચના આપેલી કે દસ દિવસ સુધી કોઈ ઉપલા માળે કેરી ચપોટવા કે ખાવા જશો નહીં અને તમે જ ખાવા લાગ્યા? અમે હમણાં જ બા અને દાદીને બધું કહી દઈએ છીએ!’ અને પિતાજી અમને લાંચ રૂપે બે ચાર દાગી કે અધકચરી પાકેલી કેરી આપીને અમારું મોં બંધ કરતા અને કહેતા : ‘હવે આ વાત આપણી વચ્ચે જ રાખજો. સમજ્યાં? ’ પછી જેવા નીચે ઊતરીએ ત્યારે સામે જ બા ઊભી હોય. કમર ઉપર હાથ મૂકીને ડોળા કાઢતી : ‘જૂઠું બોલશો જ નહીં. તમારા મોં પર હજી કેરીના ડાઘા ચોર હોવાનો પુરાવો આપે છે. ચોરી કરતાં પણ આવડતી જોઈએ ને ભલાં! તમને એમ કે હું ઊંઘતી હોઈશ, પણ જુઓ દાદર નીચે. હું તમારા પહેલાં ટોપલો ભરીને પાકી કેરી લઈ આવી છું. મારે સાંજે ઈદડાં ને રસ બનાવવો છે એટલે. હું કેરી લાવી એની તમને કોઈને ખબર ના પડી. આને કહેવાય કરામત સમજ્યાં?!’

કેરીનો રસ કાઢવો એ એક બહુ મોટું અભિયાન હોય છે. અમારાં બાળપણમાં જ આ કેરીએ અમને ઘણું બધું શીખવેલું. સવારે જે રસ કાઢવા અને જે છોટલા ગોટલા ચૂસવા બેસવાનાં હોય, એ નહાયા ધોયા વિના જૂનાં કપડાં પહેરીને ચોક મધ્યે, જ્યાં કેરીમાંથી રસ કાઢવાની ક્રિયા-પ્રક્રિયા શરૂ થાય ત્યાં આસન પાથરીને ગોળ ફરતાં કૂંડાળે બેસી જાય. જે ઘરમાં શક્તિશાળી હોય એવી બહેનો કેરી ઘોળવા અને કેરીનો રસ કાઢવા બેસે છે. ઘરમાં આવી શક્તિશાળી બહેનોનું મહત્ત્વ ઘણું વધી જતું હોય છે. આવી બહેનો દળવામાં, ખાંડવામાં, પાપડ-પાપડી વણવામાં, સૂપડે ઝાટકવામાં, અથાણાં બનાવવામાં, રમતાં રમતાં ઘણા બધા મહેમાનોની રસોઈ બનાવવામાં પારંગત હોય છે. એ બહેનોની માગ આખા ફળિયામાં હંમેશાં રહે છે અને એમનાં ગુણગાન પણ પુષ્કળ ગવાય છે. જેમ જેમ એમનાં વખાણ વધતાં જાય છે, તેમ તેમ એ બહેનો વધુને વધુ જુદાં જુદાં કાર્યોમાં ખપતી જાય છે. (આવી બહેનો ગામમાં હતી, એટલે અમારી જેવી કેટલીક કામમાં સાવ ખોટી એવી બહેનો, નિરાંતે ખૂણે બેસીને મજેથી ખાઈ પી શકતી હતી. પ્રભુ દરેકને અમારાં જેવું સુખ આપે!)

કેરીનું કેવું છે કે એ કાચી હોય તો અથાણાં માટે કામ આવે અને પાકે પછી એનાં ચીરા ખવાય. એનો રસ થાય, એનો મિલ્ક શેક થાય, ગરમાળું થાય, અને એનાં ડબ્બા પણ ભરીને વેચાય. જન્મે ત્યાંથી લઈ મૃત્યુ સુધી એ કામની. અરે, મૃત્યુ પછી પણ એની ગોટલીનો મુખવાસ થાય, એને સૂકવીને આમચૂર પાવડર બનાવાય. કેરીનું તો જીવવું અને મરવું બંને ધન્ય બને છે. જ્યારે માણસ જાતનું તો શું કહેવું ભાઈ! કેટલાક તો જન્મે ત્યારથી કનડે અને કેટલાક તો મૃત્યુ પછી પણ કનડે. પૃથ્વીના ભાર રૂપ માણસો, દેશદ્રોહી માણસો શું કેરી પાસે કશું જ શીખતા નથી?સરકારે ફરજિયાત કેરી વિશેનો ‘કેરીનાં ગુણો’ એ શીર્ષક હેઠળ એક પાઠ પાઠ્યપુસ્તકમાં સત્વરે દાખલ કરવો જોઈએ.

કેરીનાં ફળને હાઇબ્રિડ કરનારા લોકો પાસે વધારે તો શું અપેક્ષા રાખી શકાય? પણ કદાચ કેરીનાં ગુણધર્મો જેવા પાઠો વાંચીને ઠેર ઠેર આંબાવાડીઓ બનતી જાય તો ઑક્સિજનનો ઑક્સિજન અને કેરીની કેરી. અને હા, આંબાવાડી હશે તો કોયલના ટહુકા પણ હશે અને આંબાવાડી હશે તો કેરીગાળો પણ ઊજવાશે. બાકી પાંચસો રૂપિયે ડઝન કેરી કે પપૈયા મિશ્રિત કેરીના રસની સજા કોઠે પાડ્યા વગર છૂટકો જ નથી. અને હા, ક્યારેક દેશી કેરી ઘોળીને ખાઈ તો જોજો!

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
જવાન દેખાવું છે? તો ઘરે જ કરો આ ઉપાય અનંત-રાધિકાના સંગીતમાં પહોંચેલી આ એક્ટ્રેસે કેમ ફાડ્યો પોતાનો જ લહેંગો? WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો?